હોમપેજરાજકારણમળો વામપંથી મેગેઝિનના એ વામપંથી પત્રકારને, જેનો લેખ લઈને સરકારને ટાર્ગેટ કરવા...

મળો વામપંથી મેગેઝિનના એ વામપંથી પત્રકારને, જેનો લેખ લઈને સરકારને ટાર્ગેટ કરવા ગયા હતા રાહુલ ગાંધી

મજાની વાત એ પણ છે કે સુશાંત સિંઘ હમણાં જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તકના આધારે લેખ લખી રહ્યા છે, પણ આ જ જનરલ નરવણે અનેક તબક્કે એ વાત કહી ચૂક્યા છે કે ગલવાન સંઘર્ષમાં ભારતે ચીનને સારો સરખો પાઠ ભણાવ્યો હતો અને હજુ પણ ભારતની સ્થિતિ એટલી જ મજબૂત છે. પરંતુ જ્યાં એજન્ડાને અનુરૂપ હોય ત્યાં તેઓ જનરલ નરવણેની વાતો ટાંકે છે, બાકીની વાતો બાજુ પર મૂકી દે છે.

- Advertisement -

હમણાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંપરા અનુસાર દર બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ હોય છે અને તેની ઉપર પછીથી સંસદનાં બંને ગૃહ ચર્ચા કરીને એક પ્રસ્તાવ પસાર કરે છે. આ સત્રમાં પણ એમ જ થયું. પણ સોમવારે (2 ફેબ્રુઆરી) કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે બોલવા ઊભા થયા અને રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચા દૂર રહી ગઈ અને એક બીજા જ મુદ્દે ફંટાઈ ગઈ. જેના કારણે બે દિવસથી સંસદની કામગીરી ચાલી શકી નથી અને સતત કાર્યવાહી સ્થગિત કરવી પડી. આખરે મંગળવારે સ્પીકરે રાહુલ ગાંધીને કહેવું પડ્યું કે તમારે ન બોલવું હોય તો બીજાને તક આપવા દો. પણ તેમ કર્યું તો કોંગ્રેસીઓ ભડકી ઉઠ્યા અને સભામાં કાગળો ફાડીને હોબાળો મચાવ્યો.

રાહુલ ગાંધીએ ભાષણની શરૂઆત ‘કારવાં’ મેગેઝિનનો એક લેખ ટાંકીને કરી હતી. લેખમાં પૂર્વ સેનાધ્યક્ષ જનરલ એમ. એમ નરવણેના એક પુસ્તકને ટાંકવાનો દાવો કરવામાં આવ્યો છે, જે પુસ્તક હજુ પ્રકાશિત જ થયું નથી. 2024માં પુસ્તકની ઘોષણા થઈ હતી પણ પછીથી રક્ષા મંત્રાલયે સમીક્ષા હેઠળ મૂક્યું હતું. સંસદના નિયમોની વિરુદ્ધ રાહુલ ન જઈ શકે એવું કારણ સત્તાપક્ષે આપ્યું અને પછી સ્પીકરે પણ નિયમો સમજાવ્યા, પણ માને એ કોંગ્રેસી શાના?

આ વિવાદ પર આગળ ચર્ચા થઈ ચૂકી છે, એ લેખ અહીંથી મળી રહેશે. પણ અહીં એ લેખની અને તેના લેખકની ચર્ચા કરીએ જેને આગળ કરીને રાહુલ ગાંધી સંસદમાં ચીન મુદ્દે સરકારને ઘેરવા માટે ગયા હતા.

- Advertisement -

‘કારવાં’નો આ લેખ લખ્યો છે તેના કન્સલ્ટિંગ એડિટર (સલાહકાર સંપાદક) સુશાંત સિંઘે. સાબિત એવું કરવાનો પ્રયાસ થયો છે કે ઑગસ્ટ 2020માં (એટલે ગલવાનવાળો સંઘર્ષ થયો તેના બે મહિના પછી) ઉત્તર લદ્દાખમાં એક પોઈન્ટ પર ચીની ટેન્કો આગળ વધી રહી હતી અને સેનાધ્યક્ષ આગળ શું કરવું તેના આદેશ માગી રહ્યા હતા. પરંતુ સરકાર નિર્ણય ન લઈ શકી અને આખરે એવું કહેવામાં આવ્યું કે સેનાને જે ઉચિત લાગે એ કરવામાં આવે. આ કહેવામાં આવ્યું હતું સ્વયં વડા પ્રધાન મોદી દ્વારા.

આમ તો આ બાબતના કોઈ સાક્ષ્ય, પુરાવા નથી. જે પુસ્તકને ટાંકવામાં આવ્યું છે તે હજુ પ્રકાશિત જ થયું નથી. જનરલ નરવણેએ પણ આમ જાહેરમાં ક્યારેય આ બાબતનો ઉલ્લેખ કર્યો નથી. તેમ છતાં ફેસ વેલ્યુ પર લઈને આ બાબતોને માની પણ લઈએ તોપણ અહીં જે સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેનાથી જે બન્યું હતું અને તેનાથી જે નિષ્કર્ષ નીકળે છે એ તદ્દન જુદાં છે.

વાસ્તવમાં જનરલ નરવણેએ જે લખ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે, તે ખરેખર લખ્યું પણ હોય તોપણ, તેનો અર્થ એમ થાય કે વડા પ્રધાન મોદીએ સેનાને છૂટો દોર આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ ઉચિત લાગે એ નિર્ણય લઈને કાર્યવાહી કરે, સરકાર તેમની સાથે છે. આવા સંજોગોમાં જ્યારે એક બીજા દેશની સેના ટેન્ક લઈને આવી રહી હોય, સરહદ પર પરિસ્થિતિ સતત બદલાતી હોય ત્યારે સરકાર કરતાં સેનાને જ સ્વાભાવિકપણે વધારે જાણકારી હોય. આ સ્થિતિમાં સેના જ ઇચ્છતી હોય છે કે સરકાર તેને ફ્રી હેન્ડ આપી દે. મોદીએ એ જ કર્યું હતું. એટલે આનો અર્થ નિર્ણય ન લઈ શકવાના અર્થમાં કરવો એ મૂર્ખામી છે.

જનરલ નરવણે લખે છે કે ત્યારબાદ તેમણે સેનાના સ્તરે જે નિર્ણયો લીધા તેનાથી સ્થિતિ પર નિયંત્રણ લઈ શકાયું હતું અને ચીની સેના અટકી ગઈ હતી. એ જ સાબિત કરે છે કે સરકાર અને સેનાએ ખરેખર બરાબર અને સમયસરનું કામ લીધું હતું.

નોંધવાનું એ પણ રહે કે જનરલ નરવણેએ ક્યાંય પણ આ કિસ્સાને સેના અને સરકાર વચ્ચે કોઈ ખટરાગ હશે એ રીતે વર્ણવ્યો નથી. ત્યારપછીનાં તેમનાં તમામ સાર્વજનિક નિવેદનો પણ આ જ બાબત કહે છે. પરંતુ સુશાંત સિંઘે કિસ્સાને એ રીતે રજૂ કર્યો છે કે જાણે સરકાર વાંકમાં હતી.

આમ તો આ લેખનો સમય પણ શંકા પેદા કરે તેવો છે. એવું પણ નથી કે આ જાણકારી પહેલી વખત સામે આવી હોય. 2024માં PTIએ પુસ્તકના અમુક હિસ્સા પ્રકાશિત કર્યા હતા અને અન્ય પણ અમુક મીડિયાએ પછીથી તેનું પ્રકાશન કર્યું હતું. રાહુલ ગાંધીના ભાષણ પહેલાં જ ‘કારવાં’ જેવા વામપંથી મેગેઝિનમાં લેખ આવવો અને ત્યારબાદ વિપક્ષીઓએ હોબાળો મચાવવો, આ બધું સંયોગ હોવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ઇકોસિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ આપણે જાણીએ છીએ.

સુશાંત સિંઘની પ્રોફાઇલ જોઈએ તો જાણવા મળે છે કે તેમને વડા પ્રધાન મોદી સાથે, સરકાર સાથે, હિંદુત્વવાદીઓ સાથે એક નહીં અનેક વાંધા છે. તેમનું રિપોર્ટિંગ, લખાણ, કૉલમો કાયમ એક જ દિશામાં ચાલતી હોય છે– ડાબી બાજુ. ખાસ કરીને ચીનનો મુદ્દો આવે ત્યારે તેમનું વલણ પ્રેડિક્ટિબલ રહ્યું છે.

ચીન મુદ્દે પહેલેથી વલણ આ જ

2017માં ચીન સાથે ડોકલામ વિવાદ થયો ત્યારે સુશાંત સિંઘ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં ફરજ બજાવતા હતા. ઑગસ્ટ 2017માં ભારત અને ચીન દ્વારા ડોકલામની વિવાદિત સાઇટ ડોલામમાંથી પોતપોતાની સેના પરત ખેંચી લેવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ ઑક્ટોબરમાં ઇકોસિસ્ટમે ફરીથી એવું ચલાવવાનું શરૂ કર્યું હતું કે ચીને ફરીથી ડોકલામમાં ગતિવિધિઓ શરૂ કરી હતી.

ત્યારે સુશાંત સિંઘ અને તેમની ટોળકીના પત્રકારોએ એવું દર્શાવવાના પ્રયાસ કર્યા હતા કે ચીની સેના હજુ વિવાદની જગ્યાએ હાજર છે અને એટલા માટે બંને દેશો વચ્ચે થયેલા કરારનું/સહમતિનું આ ઉલ્લંઘન છે. જોકે અનેક વખત પૂછવામાં આવ્યા છતાં તેઓ એ દર્શાવી શક્યા ન હતા કે નકશામાં ચોક્કસ કયા સ્થાને આ ચીની સેના તંબૂ તાણીને બેઠી હતી. જ્યારે હકીકત એ હતી કે કરારમાં જે 150 મીટરના વિસ્તારમાં કોઈ બાંધકામ/સૈન્ય ગતિવિધિ ન કરવાની વાત થઈ હતી તેમાં ચીને પછીથી કોઈ ઘૂસણખોરી કરી ન હતી. છતાં પત્રકારો એવું સાબિત કરવા મથી રહ્યા હતા કે ચીન ફરીથી ઘૂસી રહ્યું છે.

સપ્ટેમ્બર 2022ના ‘કારવાં’માં જ પ્રકાશિત એક લેખમાં સુશાંત સિંઘ દાવો કરે છે કે ગલવાન સંઘર્ષ પછી લદ્દાખ સરહદે ચીની સેનાએ અનેક વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું અને ભારતનું આ વિસ્તારો પરનું નિયંત્રણ નબળું પડી ગયું હતું. જ્યારે અનેક તબક્કે સરકાર અને સેના એ સ્પષ્ટ કરી ચૂકી છે કે ગલવાનની ઘટના પછી ચીન એક પણ ઇંચ અંદર આવ્યું નથી કે ભારતે કોઈ પોઈન્ટ ગુમાવ્યા નથી.

મજાની વાત એ પણ છે કે સુશાંત સિંઘ હમણાં જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તકના આધારે લેખ લખી રહ્યા છે, પણ આ જ જનરલ નરવણે અનેક તબક્કે એ વાત કહી ચૂક્યા છે કે ગલવાન સંઘર્ષમાં ભારતે ચીનને સારો સરખો પાઠ ભણાવ્યો હતો અને હજુ પણ ભારતની સ્થિતિ એટલી જ મજબૂત છે. પરંતુ જ્યાં એજન્ડાને અનુરૂપ હોય ત્યાં તેઓ જનરલ નરવણેની વાતો ટાંકે છે, બાકીની વાતો બાજુ પર મૂકી દે છે.

મે 2025માં ભારત સરકારે હાથ ધરેલા ઑપરેશન સિંદૂર વખતે પણ સુશાંતને સારાં એવાં મરચાં લાગ્યાં હોવાનું પ્રતીત થાય છે. ઑપરેશનને સરકારે જે રીતે રજૂ કર્યું હતું તેનાથી તેમને વાંધો પડ્યો હતો અને દલીલ આપી હતી કે સૈન્ય હુમલાઓથી કાયમી સમાધાન નહીં મળે અને તેનાથી બંને પક્ષે અવિશ્વાસ વધે છે અને એસ્કેલેશનની સંભાવનાઓ પણ વધી જાય છે. તેમનું કહેવું હતું કે ઑપરેશન સિંદૂરને પાકિસ્તાન વિરુદ્ધ એક મજબૂત ડેટરન્સ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, પણ એ સમસ્યાનું સ્થાયી સમાધાન ન હતું.

પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલાના બીજા જ દિવસે ‘કારવાં’માં લખેલા એક લેખમાં સુશાંત સિંઘે દલીલો આપી હતી કે પાકિસ્તાન સામે બદલો લેવાની અને પાઠ ભણાવી દેવાની વાતો કરવા કરતાં ભારતે એ જોવું જોઈએ કે હુમલો કેમ થયો, સુરક્ષામાં કેમ ચૂક થઈ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ કઈ રીતે અટકાવી શકાય. યાદ રહે કે આ એ સમય હતો જ્યારે દેશ આક્રોશિત હતો. પરંતુ સુશાંતથી ન તો ઇસ્લામી આતંકવાદીઓનો ક્યાંય ઉલ્લેખ થયો, ન તેમણે જે રીતે હિંદુઓને ધર્મ પૂછીને માર્યા હતા એ હકીકતનો. તેના સ્થાને તેઓ એવી સલાહ આપવા માંડ્યા હતા કે સરકારે પાકિસ્તાન વિરુદ્ધ જવાના સ્થાને ઘરમાં સુરક્ષા બાબતે બધું ઠીક કરવું જોઈએ.

જુલાઈ 2025માં જ્યારે ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની વડા પ્રધાન અને સેના પ્રમુખ અમેરિકા ગયા હતા ત્યારે ભારતમાં ઇકોસિસ્ટમે બહુ હોબાળો મચાવ્યો હતો. ત્યારે લખેલા એક લેખમાં સુશાંત કહે છે કે આસિમ મુનીર પાકિસ્તાનનો પોલિટિકલ લીડર પણ નહતો તેમ છતાં તેને વ્હાઇટ હાઉસમાં બોલાવવામાં આવ્યો. ભારત માટે આ સ્ટ્રેટેજિક સેટબેક જેવું છે એવું તેમનું કહેવું હતું. આજે હકીકત એ છે કે અમેરિકાના આટલા ધમપછાડા પછી પણ ભારત અડીખમ રહ્યું અને આખરે પણ ટ્રેડ ડીલ થઈ. અમેરિકા આટલી માથાકૂટ પછી પણ ખાસ કંઈ મેળવી શક્યું નથી. લાંબાગાળે ભારતની વિદેશ નીતિ, રણનીતિ કામ આવી, પાકિસ્તાનની નહીં.

સુશાંતને દર બીજા-ત્રીજા દિવસે મોદી સાથે, તેમની સરકાર સાથે વાંધા પડ્યા હતા એવું તેમના કારવાંના લેખો જોતાં જણાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવીને ગેરકાયદેસર રહેતા અન્ય દેશોના નાગરિકોને મોકલવાના ચાલુ કર્યા ત્યારે અમુક ભારતીયો પણ તેમાં સામેલ હતા. તે સમયે એક લેખમાં સુશાંત દલીલ કરે છે કે મોદીએ અને તેમની સરકારે આ બાબત પર કડક સ્ટેન્ડ લેવું જોઈતું હતું પણ તેમણે ભારતીયોની ગરિમાની ચિંતા ન કરી અને અમેરિકા સામે ન બાખડ્યા.

સુશાંત સિંઘને હિંદુત્વવાદીઓ સામે પણ અનેક વાંધા છે. X પર (જે પહેલાં ટ્વિટર હતું) તેઓ આ મુદ્દે બળાપો ઠાલવતા રહે છે. હમણાં ઉત્તરાખંડમાં કેદારનાથ અને અન્ય અમુક મંદિરોમાં બિનહિંદુઓનો પ્રવેશ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે એક અખબારનું કટિંગ તેમણે શૅર કર્યું હતું. જેમાં કહેવાયું હતું કે નિર્ણયમાંથી બૌદ્ધ, જૈન અને શીખોને બાકાત રાખવામાં આવ્યા છે.

It is about targeting Christians and Muslims. That is what Hindutva has reduced contemporary Hinduism to, only as a negative faith against other faiths. pic.twitter.com/WrNUkcRgji— Sushant Singh (@SushantSin) January 28, 2026

સુશાંતે અહીં દલીલ કરી કે આવું એટલા માટે કરવામાં આવ્યું જેથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓને બાકાત રાખી શકાય અને પછી કહ્યું કે હિંદુત્વવાદનું આ પરિણામ છે. પણ હકીકત એ છે કે બૌદ્ધ, જૈન અને શીખ– આ ત્રણેય ધર્મોને સનાતનની જ શાખાઓ માનવામાં આવતી રહી છે.

અન્ય અનેક પોસ્ટ એવી જોવા મળશે જેમાં સુશાંતે હિંદુત્વવાદી કાર્યકર્તાઓ માટે ‘હિંદુત્વ ગુન્સ’ (હિંદુત્વ ગુંડાઓ) શબ્દ વાપરીને બળતરા ઠાલવી હોય.

આ પત્રકારે લખેલો લેખ રાહુલ ગાંધી સંસદમાં વાંચી સંભળાવવા માગતા હતા અને સરકારને ઘેરવા માગતા હતા. જોકે એ શક્ય ન બન્યું. પણ આ આખા એપિસોડથી ઇકોસિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ પણ જાણવા મળ્યું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં