સોમવારે (2 ફેબ્રુઆરી) લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થવાની હતી, પણ વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો વારો આવ્યો પછી આ ચર્ચા સદંતર ફંટાઈ ગઈ. કલાકેક સુધી સત્તા પક્ષ-વિપક્ષ તરફથી આરોપ-પ્રત્યારોપ ચાલ્યા બાદ આખરે સભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. ફરીથી જ્યારે સભા મળી ત્યારે પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો આવ્યો નહીં અને ફરી એક વખત લોકસભા સ્થગિત થઈ. ફરીથી બેઠક મળી પણ ચર્ચાનો વિષય એ જ રહ્યો. આખરે ગૃહની કાર્યવાહી બીજા દિવસ સુધી ટાળી દેવાઈ.
લગભગ ત્રણેક વાગ્યે રાહુલ ગાંધીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવાનું શરૂ કર્યું. શરૂઆતમાં જ તેઓ સીધા રાષ્ટ્રીય સુરક્ષાના વિષય પર કૂદી ગયા અને ‘કારવાં’ મેગેઝિને 1 ફેબ્રુઆરીએ પ્રકાશિત કરેલા એક લેખને ટાંકવાનો ચાલુ કર્યો. આ લેખમાં પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ નરવણેએ લખેલા એક પુસ્તકનો અમુક ભાગ પુનઃ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી.
2022માં સેના પ્રમુખ પદેથી નિવૃત્ત થયા પછી એમ. એમ નરવણેએ એક પુસ્તક લખ્યું– ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની.’ મે 2024માં આ પુસ્તક પ્રકાશિત થવાનું હતું પણ પછીથી તેનું પ્રકાશન અટકી ગયું. તેનાં ઘણાં કારણો હતાં.
પૂર્વ સેનાધ્યક્ષ હજુ માત્ર બે વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા. તેમના પુસ્તકમાં અમુક ઑપરેશનલ બાબતોની પણ વિગતો હતી અને અમુક બાબતો એવી હતી જેનો સૈન્ય સ્તરે-સરકાર સ્તરે સંપૂર્ણ નિવેડો આવ્યો ન હતો. ઉદાહરણ તરીકે ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ. આ પરિસ્થિતિમાં પુસ્તક રક્ષા મંત્રાલયમાં રિવ્યૂ માટે મોકલવામાં આવ્યું. હજુ પણ એ પુસ્તક રિવ્યૂ હેઠળ છે અને હજુ સુધી પુસ્તક પ્રકાશન માટે ગયું નથી.
દરમ્યાન મીડિયાએ ક્યાંકથી પુસ્તકની ટ્રાન્સક્રિપ્ટ મેળવી લીધી. વચ્ચે ‘ધ પ્રિન્ટ’માં પણ એક લેખ પ્રકાશિત થયો હતો, જે આ અપ્રકાશિત પુસ્તકની સામગ્રી પર આધારિત હતો. બજેટ સત્ર શરૂ થયું અને બે-ત્રણ દિવસ પછી મેગેઝિન ‘કારવાં’એ પણ આ જ ટ્રાન્સક્રિપ્ટ આધારિત હોવાનો દાવો કરીને એક લેખ પ્રકાશિત કર્યો. આમ તો આ લેખના સમય પર પણ પ્રશ્નો ઉઠે એ સ્વાભાવિક છે. દર વખતે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં ઇકોસિસ્ટમ આવું કશુંક લઈ આવે છે, જેનો ઉપયોગ પછીથી વિપક્ષ સંસદની કાર્યવાહી અવળા પાટે ચડાવવા માટે બખૂબી કરી જાણે છે.
લેખમાં પૂર્વ સેનાધ્યક્ષને ટાંકીને શું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે?
ઑગસ્ટ 2020માં (જ્યારે ગલવાન સંઘર્ષને બે જ મહિના થયા હતા) પૂર્વ લદ્દાખમાં ચીની સેનાની ટેન્કો આગળ વધી રહી હતી. આ બાબતની જાણ નોર્ધન કમાન્ડે સેનાધ્યક્ષને કરી. સેનાધ્યક્ષે રક્ષામંત્રી રાજનાથ સિંઘનો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો સંપર્ક કરીને આગળ શું કરવું તેના આદેશો માગ્યા. લેખ કહે છે કે ટેન્કો સતત આગળ વધતી હતી પરંતુ સરકાર તરફથી આદેશ આવવામાં વિલંબ થતો હતો. આખરે રક્ષામંત્રી રાજનાથ સિંઘે તત્કાલીન સેનાધ્યક્ષને વડા પ્રધાનનો સંદેશ પહોંચાડ્યો કે જે યોગ્ય લાગે એ નિર્ણય સેનાએ લેવો જોઈએ.
આખરે સેનાધ્યક્ષે નિર્ણય કર્યો કે ફોરવર્ડ પોસ્ટ ઉપર ભારતીય સેનાની ટેન્કો પણ તહેનાત કરી દેવામાં આવે, પણ પહેલો પ્રહાર કરવાની જરૂર નથી કારણ કે તેનાથી ચીનીઓને આગળ વધવાનું, સંઘર્ષ આગળ વધારવાનું કારણ મળી જશે. આખરે ચીની સેના અટકી ગઈ અને બીજા દિવસે બંને સેનાઓ વચ્ચે વાતચીત થઈ.

આ આખા ઘટનાક્રમને એ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે એક તરફ ચીની સેના આગળ વધી રહી હતી અને મોદી સરકાર નિર્ણય લઈ શકતી ન હતી. પણ આ લેખમાં જ સેનાધ્યક્ષને ટાંકીને સ્પષ્ટ લખવામાં આવ્યું છે– પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સેનાને જે કંઈ પણ યોગ્ય લાગે એ કાર્યવાહી કરવાની છૂટ છે. આને પીએમ મોદીએ સેનાને ‘ફ્રી હેન્ડ’ આપ્યો કહેવાય. દુનિયાભરની સેનાઓની ફરિયાદો હોય છે કે સરકારો તેમને કામ કરવા માટે છૂટ આપતી નથી. અહીં સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે સેના પોતાની રીતે કાર્યવાહી કરે. આખરે સેનાએ વિવેકબુદ્ધિ અનુસાર કામ લીધું.
રાહુલ ગાંધી આ પ્રસંગને ટાંકીને વડા પ્રધાન અને રક્ષા મંત્રીને ઘેરવાના મૂડમાં હતા, પણ સરકારે સંસદના નિયમોને ટાંકીને વાંધો ઉઠાવ્યો કે ગૃહમાં અપ્રકાશિત સામગ્રીમાંથી કે જેને ચર્ચા સાથે કશું લાગતું-વળગતું ન હોય તેવી સામગ્રીમાંથી કશું ટાંકી શકાય નહીં. આ જ વિષય પર સત્તાપક્ષ અને વિપક્ષ બાખડતા રહ્યા અને કાર્યવાહી આગળ ચાલી શકી નહીં.
આમ જોવા જઈએ તો ચર્ચા આગળ વધી હોત તોપણ સરકારનો હાથ ઉપર જ રહ્યો હોત, કારણ કે જે લેફ્ટિસ્ટ ચોપાનિયાને ટાંકીને રાહુલ ગાંધી સરકારને ઘેરવા આવ્યા હતા એમાં જ લખ્યું છે કે મોદીએ સેનાને છૂટ આપી હતી. એમાં માત્ર માહોલ એવો બનાવવાનો પ્રયાસ થયો છે કે સરકાર નિર્ણય લઈ શકી ન હતી, પણ વાંચનાર કોઈ પણ સમજી શકે કે વાસ્તવમાં સ્થિતિ શું હશે.
રાહુલ ગાંધી જે સામગ્રી લઈને આવ્યા હતા એ તો પ્રકાશિત પણ થઈ નથી, પણ જનરલ નરવણેએ જે-તે સમયે મીડિયાને શું કહ્યું હતું એ તો જગજાહેર છે.
ANIને આપેલા ઇન્ટરવ્યુમાં જનરલ નરવણેએ કહ્યું હતું કે, “ચીનની સેના જ નહીં, એક દેશ તરીકે પણ તેનું કદ દુનિયામાં ઘટી ગયું છે. આ સંઘર્ષ પછી આપણે એ દેખાડી દીધું કે ચીનની સામે આંખમાં આંખ નાખીને ઊભા રહી શકાય છે અને પાડોશીઓને દબાવવાની તેની કોઈ તરકીબો કામ આવશે નહીં. ભારતે એક દેશ તરીકે દુનિયાને દેખાડી દીધું કે તે ‘બુલી’ સામે પણ ઊભો રહી શકે છે, પછી ભલે તે પાડોશી કેમ ન હોય.”
લલ્લનટોપ સાથેના એક ઇન્ટરવ્યુમાં જનરલ નરવણે કહે છે કે, “1979 પછી પહેલી વખત બન્યું કે ચીને નુકસાન વેઠવું પડ્યું હતું. તેઓ પાડોશમાં તમામ દેશો પર દબાણ કરતા હતા, પણ ભારત સામે આવ્યા તો આંચકો વેઠવો પડ્યો અને જાણી ગયા કે આ સ્ટ્રેટેજી ભારત સામે કામ આવી શકે એમ નથી.”
𝐒𝐡𝐚𝐦𝐞𝐟𝐮𝐥 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐬 𝐛𝐲 𝐑𝐚𝐡𝐮𝐥 𝐆𝐚𝐧𝐝𝐡𝐢! ❌
Former Army Chief General M. M. Naravane has stated clearly:
“𝐍𝐨𝐭 𝐚𝐧 𝐢𝐧𝐜𝐡 𝐨𝐟 𝐥𝐚𝐧𝐝 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧 𝐥𝐨𝐬𝐭. 𝐖𝐞 𝐚𝐫𝐞 𝐞𝐱𝐚𝐜𝐭𝐥𝐲 𝐰𝐡𝐞𝐫𝐞 𝐰𝐞 𝐰𝐞𝐫𝐞 𝐛𝐞𝐟𝐨𝐫𝐞.”
Yet, to push his… pic.twitter.com/WS7j4fi0C2— BJP Gujarat (@BJP4Gujarat) February 2, 2026
અન્ય એક ઈન્ટરવ્યુમાં જનરલ નરવણે સ્પષ્ટપણે કહે છે કે ગલવાનમાં ભારતે એક ઇંચ જેટલી પણ જમીન ગુમાવી ન હતી. તેમણે કહ્યું હતું, “આપણે એક પણ પ્રદેશ ગુમાવ્યો નથી. આપણે આજે પણ એ જ સ્થિતિમાં છીએ જે સ્થિતિમાં પહેલાં હતા. આ કરારના કારણે આપણે એક પરસ્પર અને સમાન સુરક્ષાના સિદ્ધાંત પર પહોંચી શક્યા છીએ અને એને એ જ રીતે જોવું જોઈએ. ડિસએન્ગેજમેન્ટના કારણે બંનેને લાભ થશે અને LAC પર સ્થિરતા આવશે. આ રીતે આ સમગ્ર ઘટનાક્રમને જોવો જોઈએ, બાકી આપણે એક ઇંચ જમીન ગુમાવી નથી.”
રાહુલ ગાંધી, કોંગ્રેસ અને તેમની ઇકોસિસ્ટમ આ બધી વાતોને અવગણીને એવા લેખને આગળ કરી રહી છે જે એવી સામગ્રી પર આધારિત છે, જે ક્યારેય પ્રકાશિત થઈ જ નથી. બીજી તરફ, આ તમામ વિગતો પબ્લિક ડોમેનમાં છે, જનરલ નરવણેએ પોતે અનેક ઈન્ટરવ્યુમાં કહી છે.


