દિલ્હી રમખાણોમાં સામેલ AAPના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈનને કોર્ટે જામીન આપવાનો કર્યો ઇનકાર

દિલ્હીની એક કોર્ટે 2020ના હિંદુ વિરોધી રમખાણોમાં કથિત ‘લાર્જર કોન્સ્પિરસી’ કેસમાં પૂર્વ આમ આદમી પાર્ટી (AAP) કોર્પોરેટર તાહિર હુસૈનની જામીન અરજી નકારી કાઢી છે. કડકડડૂમા કોર્ટના એડિશનલ સેશન્સ જજ સમીર બજપાઈએ કહ્યું કે હુસૈનને અગાઉ 2024માં પણ રાહત આપવામાં આવી ન હતી અને તે સમયે કોર્ટે આરોપોને પ્રથમ દૃષ્ટિએ સાચા માન્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, કોર્ટે પોતાના આદેશમાં ઉલ્લેખ કર્યો કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં 5 આરોપીઓ મોહમ્મદ સલીમ ખાન, ગુલફિશા ફાતિમા, શાદાબ અહમદ, શિફા-ઉર-રહમાન અને મીરાન હૈદરને જામીન આપ્યા હતા, પરંતુ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને ‘મુખ્ય સાજિશકર્તા’ માનીને રાહત આપી ન હતી.

જજે કહ્યું કે જ્યારે કોર્ટે પહેલેથી જ આ વલણ બનાવી લીધું છે કે અરજદાર વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે તો હવે અગાઉના આદેશની સમીક્ષા કરીને અલગ વલણ ન બનાવી શકાય. કોર્ટે સહ-આરોપી અથર ખાન અને સલીમ મલિકની જામીન અરજી પણ નકારી કાઢી છે.

આ કેસમાં અનેક વિદ્યાર્થી કાર્યકર્તાઓ અને સામાજિક કાર્યકર્તાઓ આરોપી છે, જેમના પર 2019-20ના એન્ટી-CAA પ્રદર્શનો દરમિયાન હિંસાનું કાવતરું રચવાનો આરોપ છે. આરોપીઓ પર UAPA અને IPC હેઠળ કેસ ચાલી રહ્યો છે.