‘આ તો નવા જ પ્રકારનું ફ્રોડ છે’: ધર્માંતરણ બાદ બૌદ્ધ ધર્મ અપનાવીને માઇનોરિટી ક્વોટા હેઠળ એડમિશન માગવા ગયેલા યુવકને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે બુધવારે (28 જાન્યુઆરી) એક અરજી પર સુનાવણી કરતી વખતે ધર્મપરિવર્તન કરીને બૌદ્ધ બની ગયેલા શખ્સની માઈનોરિટી રિઝર્વેશન મેળવવાની માંગ પર કડક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે કહ્યું કે આ નવા પ્રકારનું ફ્રોડ શરૂ થયું છે.

મામલો મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. નિખિલ કુમાર પુનિયા નામના શખ્સે લઘુમતી ઉમેદવાર તરીકે એડમિશન મેળવવાની માંગ કરી હતી.

અરજી સુનાવણી માટે મૂકવામાં આવતાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે અરજદાર યુવકના વકીલને પૂછ્યું કે યુવક કયા લઘુમતી સમુદાયમાંથી આવે છે. CJI કાંતે પૂછ્યું, “તમે પુનિયા છો. કઈ માઈનોરિટીમાં આવો છો? હું સ્પષ્ટ જ પૂછી રહ્યો છું. તમે કયા પુનિયા છો?”

જેના જવાબમાં અરજદારના વકીલે જવાબ આપ્યો કે તેમનો અસીલ જાટ (હિંદુ) પુનિયા છે. જેની ઉપર કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને સામો સવાલ એ કર્યો કે તો પછી યુવક લઘુમતીમાં કઈ રીતે આવી શકે?

ત્યારે બેન્ચને જાણ કરવામાં આવી કે યુવક ધર્મપરિવર્તન કરીને બૌદ્ધ બની ગયો છે. વળી ઉપરથી કહ્યું કે એ તેનો અધિકાર છે.

અહીં CJIએ ટિપ્પણી કરીને કહ્યું, “વાહ, આ તો નવા પ્રકારનું ફ્રોડ છે.”

ત્યારબાદ કોર્ટે અરજી ફગાવી દીધી અને આદેશમાં હરિયાણા સરકારના મુખ્ય ન્યાયાધીશને નિર્દેશ આપીને પૂછવામાં આવ્યું કે રાજ્યમાં લઘુમતીનું પ્રમાણપત્ર આપવા માટે શું ગાઇડલાઇન છે. ઉપરાંત શું એ માન્ય છે કે કોઈ પણ ઉચ્ચ વર્ગના જનરલ કેટેગરી ઉમેદવાર, જે EWSમાં પણ આવતા ન હોય, તેમણે અગાઉ પોતાને જનરલમાં ગણાવ્યા હોય અને પછી પોતાને બૌદ્ધ લઘુમતી જાહેર કરી દે?