હોમપેજગુજરાતસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં હરણફાળ ભરવા જઈ રહ્યું છે ગુજરાત: સાણંદમાં બનશે દેશનો પ્રથમ...

સ્પેસ મેન્યુફેક્ચરિંગમાં હરણફાળ ભરવા જઈ રહ્યું છે ગુજરાત: સાણંદમાં બનશે દેશનો પ્રથમ ખાનગી સેટેલાઈટ પ્લાન્ટ, ‘આત્મનિર્ભર ભારત’ને કેવી રીતે આપશે વેગ

સરકારની યોજના સાણંદને માત્ર એક ફેક્ટરી પૂરતું મર્યાદિત રાખવાની નથી, પણ તેને એક એવું હબ બનાવવાની છે જ્યાં સેટેલાઈટની ડિઝાઇનથી લઈને તેના ટેસ્ટિંગ સુધીનું બધું જ એક જ જગ્યાએ થાય.

- Advertisement -

ભારતીય અવકાશ સંશોધનનો ઇતિહાસ હંમેશા ગુજરાત સાથે જોડાયેલો રહ્યો છે. ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદની ધરતી પરથી જે સપનું જોયું હતું, તે આજે સાણંદના ખોરજમાં સાકાર થઈ રહ્યું છે. અત્યાર સુધી સેટેલાઇટ બનાવવાનું કામ માત્ર સરકારી સંસ્થા ISRO હસ્તક હતું, પરંતુ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ અવકાશ ક્ષેત્રને ખાનગી ભાગીદારી માટે ખોલી દેવામાં આવ્યું છે. આ ક્રાંતિના કેન્દ્રમાં અત્યારે ગુજરાત ખાતેનું સાણંદ છે. સાણંદમાં દેશના પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અઝિસ્ટા સ્પેસ દ્વારા ભારતની મહત્વકાંક્ષી ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ અત્યાધુનિક ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવશે. આ ફેક્ટરીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્લાન્ટ સાથે કેન્દ્ર સરકારના ‘આત્મનિર્ભર ભારત’, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ગુજરાત સરકારનું 2047 સુધીમાં વિકસિત ગુજરાતનું વિઝન જેવી અનેક બાબતો સંકળાયેલી છે. આજે આપણે આ સમગ્ર પ્લાન્ટ અંગે અને તેનાથી ભવિષ્યમાં ગુજરાત અને ભારતને મળનારા લાભ અંગે ચર્ચા કરીશું.

ભૂમિ પૂજનની તસ્વીરો (ફોટો: ગુજરાતી જાગરણ)

શું છે આ પ્રોજેક્ટ?

આ પ્રોજેક્ટનું મુખ્ય નામ ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી (Electro-Optical Payload Factory) છે, જેને કંપનીના આંતરિક સંદર્ભમાં ‘Palmnaro’ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભારતમાં ખાનગી સેક્ટરનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જ્યાં સેટેલાઇટનું સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ ઉત્પાદન થશે – એટલે કે ડિઝાઇન, એન્જિનિયરિંગ, કોમ્પોનેન્ટ્સ બનાવવા, એસેમ્બલ કરવા, ઇન્ટિગ્રેશન, ટેસ્ટિંગ અને ક્વોલિફિકેશન સુધીનું તમામ કામ એક જ જગ્યાએ થશે.

- Advertisement -

આ પ્લાન્ટ ખાસ કરીને એડવાન્સ્ડ ઑપ્ટિકલ પેલોડ્સ જેમ કે હાઇ-રિઝોલ્યુશન ઇમેજિંગ, રિમોટ સેન્સિંગ અને મલ્ટિસ્પેક્ટ્રલ કેમેરા પર ફોકસ કરશે, જે સિવિલ એટલે કે ખેતી, પર્યાવરણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ડિફેન્સ બંને ક્ષેત્રો માટે ઉપયોગી છે. આ પ્લાન્ટ અમદાવાદના સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપવામાં આવશે, જ્યાં પ્લોટ નંબર K-19થી K-24/1 સુધીના વિસ્તારમાં આ ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવશે.

22 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ પ્લાન્ટની આધારશિલા મૂકવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાત સરકાર સાથે ₹500 કરોડથી વધુના MoUs સાઇન કર્યા છે, જે આ પ્લાન્ટના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી ટ્રાન્સફર માટે છે. આ MoUs હેઠળ ગુજરાત સરકાર તરફથી જમીન, ઇન્સેન્ટિવ્સ અને સપોર્ટ આપવામાં આવશે, જેથી ભારતના ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમને મજબૂતી મળે.

અઝિસ્ટાની વિગતો

અઝિસ્ટા સ્પેસ એક ઇન્ડો-જર્મન જોઇન્ટ વેન્ચર છે, જેમાં અઝિસ્ટા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (ભારત, હૈદરાબાદ આધારિત) અને બર્લિન સ્પેસ ટેકનોલોજીસ GmbHનો (જર્મની) સમાવેશ છે. કંપની પાસે અમદાવાદના સાણંદ GIDC, સરખેજ-સાણંદ રોડ પર પ્લોટ નં. 16માં પહેલેથી જ એશિયાની પ્રથમ ખાનગી સેટેલાઈટ ફેક્ટરી છે, જે 30,000થી ચોરસ ફૂટ ક્લીન રૂમ્સ, AIT (Assembly, Integration & Testing) લેબ અને ટેસ્ટિંગ સુવિધાઓથી સજ્જ છે. આ હાલની ફેક્ટરી વાર્ષિક 50 સેટેલાઈટ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે જેની ક્ષમતા 250 સુધી વિસ્તારી શકાય છે અને 80%+ સબ-સિસ્ટમ્સ જેમ કે પાવર સિસ્ટમ, કમ્યુનિકેશન, કંટ્રોલ યુનિટ્સ ઇન-હાઉસ બને છે. આનાથી બિલ્ડ ટાઇમ 250 ગણો ઝડપી અને કિંમત 40 ગણી ઓછી થાય છે.

Azista BST Aerospace - Space, Defence & Satellite Manfacturing
સાણંદમાં સ્થિત અઝિસ્ટાની ફેક્ટરી (ફોટો: અઝિસ્ટા વેબસાઈટ)

આ નવા પ્લાન્ટનો ઉદ્દેશ

નવા પ્લાન્ટનો ઉદ્દેશ્ય માત્ર સ્પેર પાર્ટ્સ અથવા પેલોડ્સ બનાવવાનો નથી, પરંતુ માસ પ્રોડક્શન માટે તૈયારી કરવાનો છે. આનાથી મેગા-કોન્સ્ટેલેશન (હજારો સેટેલાઈટ્સનાં નેટવર્ક, જેમ કે Starlink જેવા) માટે ઝડપથી અને સસ્તામાં સપ્લાય કરી શકાશે. આ પ્લાન્ટનો મુખ્ય હેતુ ભારતમાં ખાનગી સેક્ટર દ્વારા સંપૂર્ણ સ્વદેશી સેટેલાઇટ અને એડવાન્સ્ડ ઑપ્ટિકલ પેલોડ્સનું ઉત્પાદન કરવાનો છે.

તે એક એન્ડ-ટુ-એન્ડ ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી બનશે, જ્યાં ડિઝાઇનથી લઈને ફાઇનલ પ્રોડક્શન, ટેસ્ટિંગ અને ક્વોલિફિકેશન સુધીનું તમામ કામ એક જ છત્ર હેઠળ થશે. પ્લાન્ટમાં સ્ટેટ-ઑફ-ધ-આર્ટ સુવિધાઓ હશે, જેમ કે અદ્યતન ક્લીન રૂમ્સ, કેલિબ્રેશન લેબ અને R&D સેન્ટર્સ, જેથી વિદેશી આયાત પર નિર્ભરતા ઘટશે અને ભારતીય સેટેલાઈટ્સ વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનશે.

અઝિસ્ટાની મુખ્ય સિદ્ધિ

કંપનીની મુખ્ય સિદ્ધિ ABA First Runner (AFR) સેટેલાઇટ છે. આ સેટેલાઈટ અઝિસ્ટા BST Aerospaceનો મેડન (પ્રથમ) સેટેલાઈટ છે. આ ભારતના ખાનગી સ્પેસ સેક્ટર દ્વારા બનેલું પ્રથમ આવો હાઇ-પર્ફોર્મન્સ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે, જેનું વજન 80 કિલો છે અને તે વાઇડ-સ્વાથ મીડિયમ-રિઝોલ્યુશન ઑપ્ટિકલ ઇમેજિંગ માટે ડિઝાઇન કરાયો છે.

નોંધનીય છે કે સેટેલાઈટનું વજન માત્ર 80 કિલો છે – એટલે કે, એક મોટા સુટકેસ જેટલો હલકો છે. તેનું કદ લગભગ 60 cm x 60 cm x 40 cmનું છે. તેમાં એક ખાસ કેમેરા છે, જે પૃથ્વીના ફોટા લે છે. આ કેમેરો લગભગ 550 કિલોમીટર ઉપરથી ફોટા લે છે, જેમાં કાર જેવી વસ્તુ પણ સ્પષ્ટ દેખાય છે આને ‘4.6 મીટર રિઝોલ્યુશન’ કહે છે – એટલે કે, 4.6 મીટરથી નાની વસ્તુ અલગ અલગ દેખાય છે.

ABA First Runner (AFR) સેટેલાઇટ (ફોટો: અઝિસ્ટા વેબસાઈટ)

આ કેમેરો એક વખતમાં 60 કિલોમીટર જેટલી પહોળી જમીનના ફોટા લઈ શકે છે જેને ‘વાઇડ-સ્વાથ’ કહેવાય છે. તે રંગીન ફોટા (લાલ, લીલો, વાદળી કલરમાં) અને ખાસ પ્રકારના ફોટા જેમ કે છોડની તંદુરસ્તી જાણવા માટેના ઇન્ફ્રારેડ લઈ શકે છે. સેટેલાઈટ પૃથ્વીની આસપાસ સન-સિંક્રોનસ ઓર્બિટમાં ફરે છે – એટલે કે, તે દરરોજ એક જ સમયે એક જ જગ્યા ઉપરથી પસાર થાય છે, જેથી ફોટા હંમેશા એક જ પ્રકારના પ્રકાશમાં આવે છે.

આ સેટેલાઈટનો ઉપયોગ ખેતીમાં પાક કેવો છે, પાણીની જરૂર છે કે નહીં, પર્યાવરણમાં જંગલો, નદીઓ, પ્રદૂષણનું નિરક્ષણ, નવા બાંધકામો, રસ્તાઓ, પૂર, ભૂકંપના સમયે ક્યાં મદદની આવશ્યકતા છે વગેરે જેવા કાર્યોમાં થઈ શકે છે.

આ સેટેલાઈટને 13 જૂન 2023ના રોજ અમેરિકામાંથી SpaceXના ફાલ્કન-9 રોકેટથી લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ એક શેર્ડ રાઈડ હતી એટલે કે ઘણા નાના સેટેલાઇટ્સ એકસાથે ગયા હતા. હવે તે 2 વર્ષથી વધુ સમયથી સ્પેસમાં કામ કરી રહ્યા છે. તેણે હજારો ફોટા લીધા છે, ઘણો ડેટા મોકલ્યો છે અને પૃથ્વીના 10%થી વધુ ભાગના ફોટા લીધા છે. તે હજુ પણ સારી રીતે કામ કરી રહ્યા છે અને હજુ બીજા 3 વર્ષ સુધી ચાલે તેવો પ્લાન છે.

‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ને વેગ

ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્લાન્ટની આધારશિલા મૂકતી વખતે કહ્યું હતું કે, “અઝિસ્ટા સ્પેસની આ સુવિધા આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે સેટેલાઈટની સંપૂર્ણ ડિઝાઇન, વિકાસ અને ટેસ્ટિંગ એક જ છત્ર હેઠળ સ્વદેશી ટેક્નોલોજી વડે કરવામાં આવશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ પ્રોજેક્ટ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક તૈયારીને મજબૂત કરશે.” આનો અર્થ એ છે કે પ્લાન્ટ દ્વારા બનેલા સેટેલાઈટ્સ રક્ષા, ખેતી, આફત વ્યવસ્થાપન અને અન્ય ક્ષેત્રોમાં સ્વાવલંબી બનાવશે.

સાણંદમાં અઝિસ્ટા બીએસટી (Azista BST) દ્વારા સ્થાપિત સેટેલાઈટ મેન્યુફેક્ચરિંગ યુનિટ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન માટે માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ એક આખું ઈકોસિસ્ટમ શિફ્ટ છે. અત્યાર સુધી ભારત પોતાની સુરક્ષા અને સરહદી દેખરેખ માટેના અત્યાધુનિક ઉપગ્રહો માટે પણ ઘણીવાર વિદેશી ટેકનોલોજી કે કમ્પોનન્ટ્સ પર આધાર રાખતું હતું.

પરંતુ હવે પરિસ્થિતિ બદલાશે. આ સિવાય જ્યારે સેટેલાઈટ ભારતમાં જ બને છે, ત્યારે તેની ડિઝાઈન અને તેના દ્વારા મોકલવામાં આવતો ડેટા સંપૂર્ણપણે ભારતીય નિયંત્રણમાં રહે છે. આ ‘આત્મનિર્ભરતા’ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વની છે. આ ઉપરાંત ભારત પોતાની જરૂરિયાત મુજબ ત્વરિત ધોરણે નાના ઉપગ્રહો બનાવીને લૉન્ચ કરી શકશે, જે અગાઉ શક્ય નહોતું.

ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ: વિશ્વની ઘણી કંપનીઓ હવે ચીન સિવાયના વિકલ્પો શોધી રહી છે. સાણંદનો આ પ્લાન્ટ ભારતને સ્પેસ સેક્ટરમાં ચીન સામે એક મજબૂત વિકલ્પ તરીકે રજૂ કરે છે. અઝિસ્ટાનો પ્લાન્ટ વાર્ષિક 36 સેટેલાઈટ બનાવી શકે છે. આનો અર્થ એ છે કે ભારત હવે ‘રિટેલર’ મટીને સ્પેસ ટેકનોલોજીનો ‘હોલસેલર’ બની રહ્યો છે. આ પ્રકારના સફળ ખાનગી સાહસોને જોઈને બીજી વિદેશી એરોસ્પેસ કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરવા અને અહીં ફેક્ટરીઓ નાખવા પ્રેરાશે.

MSME ક્ષેત્રનો વિકાસ: સેટેલાઈટ બનાવવો એ કોઈ એક કંપનીનું કામ નથી, તેમાં હજારો નાના સ્પેર પાર્ટ્સ જોઈએ છે. સાણંદમાં પ્લાન્ટ આવવાથી તેની આસપાસના સેંકડો નાના અને મધ્યમ ઉદ્યોગોને (MSMEs) સેન્સર, બોલ્ટ્સ, પેનલ્સ અને વાયરિંગ હાર્નેસ બનાવવાના ઓર્ડર મળશે. ગુજરાત પહેલેથી જ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગમાં મોખરે છે. હવે અહીંના ઉદ્યોગો ‘સ્પેસ-ગ્રેડ’ પાર્ટ્સ બનાવવાનું કૌશલ્ય હાંસલ કરશે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ની સૌથી મોટી સિદ્ધિ હશે.

સ્પેસ ઈકોનોમીમાં ભારતનો હિસ્સો: એક અહેવાલ અનુસાર હાલમાં વૈશ્વિક સ્પેસ ઈકોનોમીમાં ભારતનો હિસ્સો માત્ર 2%  જેટલો જ એટલે કે $8.4 બિલિયન છે. ભારત સરકાર 2033 સુધીમાં આ હિસ્સો વધારીને 8%થી વધુ એટલે કે $44 બિલિયન કરવા માંગે છે. જેમાં આ પ્લાન્ટ મહત્વપૂર્ણ ફાળો આપશે. આ સિવાય ISRO હવે મોટા મિશનો જેમ કે ગગનયાન, આદિત્ય L1 પર ધ્યાન આપી શકશે, જ્યારે કોમર્શિયલ સેટેલાઈટ બનાવવાનું કામ સાણંદ જેવા પ્રાઈવેટ યુનિટ્સ સંભાળશે. આ વિભાજન જ ‘આત્મનિર્ભર ભારત’ને વધુ વેગ આપશે.

બ્રેઈન ડ્રેઈન (Brain Drain) અટકાવવું: ‘આત્મનિર્ભર ભારત’નો એક અર્થ ‘આત્મનિર્ભર યુવા’ પણ છે. ભારતના શ્રેષ્ઠ એરોસ્પેસ એન્જિનિયર્સ અત્યાર સુધી તકની શોધમાં NASA કે સ્પેસએક્સ (SpaceX) માટે અમેરિકા જતા રહેતા હતા. હવે જ્યારે ભારતની ધરતી પર અને તે પણ ગુજરાત જેવા રાજ્યમાં આવી વર્લ્ડ-ક્લાસ ફેક્ટરીઓ હશે, ત્યારે પ્રતિભાશાળી યુવાનો ભારતમાં જ રહીને દેશ માટે ટેકનોલોજી વિકસાવશે.

આયાત ઘટશે અને રોજગારી વધશે: આ પ્લાન્ટમાં 80%થી વધુ સબ-સિસ્ટમ્સ જેમ કે પાવર સિસ્ટમ, કમ્યુનિકેશન, કંટ્રોલ યુનિટ્સ ભારતમાં જ બનશે. આનાથી આયાત ઘટશે, કિંમત ઓછી થશે અને બિલ્ડ ટાઇમ ઝડપી થશે. પ્લાન્ટ મોટાપાયે ઉત્પાદન (mass production) માટે તૈયાર છે, જેથી હજારો સેટેલાઈટ્સના મેગા-કોન્સ્ટેલેશન જેવા પ્રોજેક્ટ્સમાં ભારત આગળ આવી શકે. આ પ્રોજેક્ટ ગુજરાતને સ્પેસ ટેક્નોલોજી અને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગમાં રાષ્ટ્રીય લીડર બનાવશે અને યુવાનો માટે ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, રિમોટ સેન્સિંગ જેવા ક્ષેત્રોમાં મોટાપાયે રોજગાર ઉભા કરશે.

ગુજરાત: સંશોધનથી સ્પેસ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક કેન્દ્ર

સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતનો સ્પેસ સાથેનો નાતો ભારતની સ્વતંત્રતા સાથે જ શરૂ થયો હતો. 1947માં ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં PRLની સ્થાપના કરી હતી. તેને ‘ભારતીય અવકાશ વિજ્ઞાનનું પારણું’ કહેવામાં આવે છે. અહીંથી જ ભારતના સ્પેસ પ્રોગ્રામનાં શરૂઆતના વૈજ્ઞાનિક પાયા નખાયાં હતાં. ત્યારબાદ ભારતીય વૈજ્ઞાનિકોના અથાગ પરિશ્રમના પરિણામે 1969માં ISROની સ્થાપના થઈ, જેમાં ડૉ. સારાભાઈનું યોગદાન મુખ્ય હતું.

આ ઉપરાંત અમદાવાદમાં સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર-SAC એ ISROનું હૃદય ગણાય છે. SAC એ રિમોટ સેન્સિંગ, કોમ્યુનિકેશન અને નેવિગેશન પેલોડ્સ (સેટેલાઈટના મુખ્ય સાધનો) બનાવવામાં નિષ્ણાત છે. ચંદ્રયાન-3 મિશનમાં વપરાયેલા 11 મહત્વના સાધનો જેમ કે લેન્ડર કેમેરા, અલ્ટીમીટર અને રડાર વગેરે અમદાવાદના SAC સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. 80% લેન્ડિંગ સાઈટ સિલેક્શનનું પ્રોસેસિંગ પણ અહીં જ થયું હતું.

સંશોધનથી આગળ વધીને હવે ગુજરાત ‘સેટેલાઈટ મેન્યુફેક્ચરિંગ’માં વિશ્વસ્તરે ડંકો વગાડી રહ્યું છે. અઝિસ્ટા BTS એરોસ્પેસ એશિયાની પ્રથમ એવી ખાનગી ફેક્ટરી છે જે ‘સેટેલાઈટ માસ પ્રોડક્શન’ (જથ્થાબંધ ઉત્પાદન) માટે સક્ષમ છે. આ પ્લાન્ટ દર અઠવાડિયે 2 સેટેલાઈટ એટલે કે વર્ષે 100 જેટલા માઇક્રો સેટેલાઈટ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

સરકારની યોજના સાણંદને માત્ર એક ફેક્ટરી પૂરતું મર્યાદિત રાખવાની નથી, પણ તેને એક એવું હબ બનાવવાની છે જ્યાં સેટેલાઈટની ડિઝાઇનથી લઈને તેના ટેસ્ટિંગ સુધીનું બધું જ એક જ જગ્યાએ થાય. સાણંદમાં અઝિસ્ટા ઉપરાંત અન્ય સહાયક ઉદ્યોગો સ્થાપવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. સાણંદનું આ ક્લસ્ટર માત્ર ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દક્ષિણ એશિયા માટે એક ‘સેટેલાઈટ મેન્યુફેક્ચરિંગ કેપિટલ’ બનવા જઈ રહ્યું છે. સરકારની નીતિઓ અને ખાનગી ક્ષેત્રનો ઉત્સાહ જોતા લાગે છે કે આગામી દાયકો ‘મેડ ઇન ગુજરાત’ સેટેલાઈટનો હશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં