
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના હેલિકોપ્ટરના ઉપયોગ મામલે પ્રશ્નો ઉઠાવનાર એક RTI એક્ટિવિસ્ટ અને ત્રણ પત્રકારો સામેની પોલીસ કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આ મામલે વિનોદ એસ ભારદ્વાજની સિંગલ બેન્ચે સુનાવણી કરી હતી.
ડિસેમ્બર 2025માં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાપાનના પ્રવાસે હતા. આ દરમિયાન RTI એક્ટિવિસ્ટ મણિક ગોયલે ફ્લાઇટ ટ્રેકિંગ ડેટાના આધારે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો હતો કે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં તેમના સત્તાવાર હેલિકોપ્ટરનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? આ સમાચારને ત્રણ પત્રકારો – બલજિંદર સિંહ, મનિન્દરજીત સિંહ અને મનદીપ સિંહ મક્કરે પણ કવર કર્યા હતા.
ત્યારબાદ લુધિયાણા પોલીસે આ એક્ટિવિસ્ટ અને પત્રકારો સામે FIR નોંધી હતી. પોલીસનો આરોપ હતો કે આ લોકોએ ‘ભ્રામક અને ખોટી માહિતી’ ફેલાવી છે, જેનાથી રાજ્યની શાંતિ અને વહીવટી સંવાદિતા જોખમાઈ શકે છે. ત્યારબાદ પત્રકારો અને એક્ટિવિસ્ટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજની બેન્ચે આ મામલે સુનાવણી કરતા તપાસ પર સ્ટે આપ્યો છે.
કોર્ટે કહ્યું કે, માત્ર એટલા માટે કોઈ વ્યક્તિ સામે કાર્યવાહી ન કરી શકાય કે તેણે જાહેર પદ પર બેઠેલી વ્યક્તિને પ્રશ્નો પૂછ્યા છે. પત્રકારત્વની સ્વતંત્રતા એ લોકશાહીનો હિસ્સો છે. જસ્ટિસે નોંધ્યું કે જાહેર પદો પર બેઠેલા લોકો ઘણીવાર ટીકા કે વ્યંગ સહન કરી શકતા નથી અને ટીકા કરનારાઓને શાંત કરવા માટે સાયબર-બુલિંગ અથવા કાયદાકીય શસ્ત્રોનો ઉપયોગ કરે છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદો દરેક માટે સમાન છે, પછી ભલે તે ફરિયાદી હોય કે આરોપી. કોઈ વ્યક્તિની લાગણી દુભાય માત્ર એ આધારે ગુનાહિત જવાબદારી નક્કી ન થઈ શકે. હાઇકોર્ટે 23 જાન્યુઆરી સુધી આ કેસની તપાસ પર રોક લગાવી દીધી છે. જોકે, કોર્ટે એ પણ ટાંક્યું કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને મીડિયાએ પત્રકારત્વની નૈતિકતા જાળવવી જોઈએ અને સત્ય તથા સચોટતા સાથે રિપોર્ટિંગ કરવું જોઈએ.

