
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના હવે AAP પર જ સવાલો ઉઠાવી રહી છે. જૂતું ફેંકનારાની ઓળખ શબ્બીર મહંમદ મીર પરમાર તરીકે થઈ છે અને તેણે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે તેણે આ કૃત્ય પોતાની મરજીથી નહીં, પણ AAPના જ એક સ્થાનિક નેતાના કહેવાથી કર્યું હતું. તેણે પિયુષ પરમારનું નામ લઈને કહ્યું હતું કે તેમણે તેને જૂતું ફેંકવા માટે કહ્યું હતું.
જૂતું ફેંકનારા શબ્બીર મીરે મીડિયા અને પોલીસ સામે જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારના કહેવાથી જ તેણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. તેણે એવો દાવો કર્યો છે કે, “પિયુષભાઈએ મને કહ્યું હતું કે ગોપાલભાઈને ચપ્પલ માર ગોપાલભાઈ થોડા આગળ આવશે.” આરોપી શબ્બીરનો એક વિડીયો પણ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં તે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર પર આરોપ લગાવી રહ્યો છે.
શબ્બીરે એવું પણ કહ્યું છે કે, “મને આમ આદમી પાર્ટી કે કોઈનાથી કોઈપણ પ્રકારનો વિરોધ નથી. આ બધુ મેં પિયુષભાઈના કહેવા પર કર્યું છે. તેમણે કહ્યું હતું કે ગોપાલભાઈને ચપ્પલ માર તો તે આગળ આવશે. એટલે આ બધુ મેં કર્યું હતું.” આ ઘટના બાદ ભાજપના ઘણા નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે AAP પબ્લિસિટી માટે આવું બધુ પોતે જ કરાવે છે અને ભાજપ પર આરોગ લગાવી દે છે.

