હોમપેજગુજરાતVGRC, સમુદ્રી રોજગાર અને કરોડોનું રોકાણ: કેવી રીતે રાજ્યના વિસ્તરીત દરિયાકાંઠાને બ્લૂ...

VGRC, સમુદ્રી રોજગાર અને કરોડોનું રોકાણ: કેવી રીતે રાજ્યના વિસ્તરીત દરિયાકાંઠાને બ્લૂ ઈકોનોમી સાથે જોડી રહી છે ગુજરાત સરકાર

જો આ રોડમેપ ગુજરાતની પરંપરાગત ગતિએ જમીન પર ઉતરશે તો આવનારા વર્ષોમાં ગુજરાત 'ભારતનું ઔદ્યોગિક એન્જિન' હોવા સાથે 'ભારતીય સમુદ્રી અર્થવ્યવસ્થાનું કેન્દ્ર' પણ બની શકશે.

- Advertisement -

ગુજરાતને લાંબા સમયથી ભારતના ઔદ્યોગિક એન્જિન તરીકે જોવામાં આવે છે. પરંતુ હવે આ ઓળખ માત્ર જમીન આધારિત વિકાસ સુધી મર્યાદિત નહીં રહે. કારણ કે હવે ગુજરાત સરકાર રાજ્યના વિસ્તૃત દરિયાકાંઠાને બ્લૂ ઈકોનોમી સાથે જોડી રહી છે. થોડા સમય પહેલાં આધુનિક મેપિંગ ટેક્નોલોજીથી કરાયેલા અપડેટેડ મૂલ્યાંકનમાં ગુજરાતની સમુદ્રી તટરેખા અગાઉની તુલનામાં ઘણી વધુ વિસ્તૃત દેખાઈ છે. આ બદલાવ કોઈ ‘સમુદ્ર વધવાની’ વાત નથી, પરંતુ ચોક્કસ તકનીકી માપનનું પરિણામ છે અને આ સાથે જ ગુજરાત સામે બ્લૂ ઈકોનોમી તરીકે આર્થિક વિકાસ, રોકાણ અને રોજગારનો નવો દ્વાર ખુલતો દેખાઈ રહ્યો છે. 

આ જ પૃષ્ઠભૂમિમાં VGRCના (Vibrant Gujarat Regional Conference) મંચ પર સરકારે ખાનગી ક્ષેત્ર સાથે મળીને સમુદ્રી અર્થવ્યવસ્થામાં રોકાણ વધારવા અને તટીય વિસ્તારોની ક્ષમતાને વિકાસમાં બદલવાનો રોડમેપ પણ રજૂ કર્યો છે. પહેલાં ગુજરાતના દરિયાકાંઠાની માપણી એક સીધી દોર જેમ થતી હતી, જેના કારણે ઘણા વિસ્તારો દરિયાકાંઠામાં આવતા નહોતા અને ઘણી જગ્યાએ માપણી પણ વ્યવસ્થિત થતી નહોતી. પરંતુ થોડા સમય પહેલાં થયેલી અત્યાધુનિક માપણીથી જાણવા મળ્યું કે ભારત પાસે, તેમાં પણ ખાસ કરીને ગુજરાત પાસે સમુદ્રી અર્થતંત્રને મજબૂત કરવા માટેની વિશાળ તક છે, કારણ કે વાસ્તવમાં ગુજરાતનો દરિયાકાંઠો ઘણો વિશાળ છે.

ગુજરાતના દરિયાકાંઠાનું નવું મૂલ્યાંકન કેમ મહત્વનું છે?

ભારતની તટરેખા વિશે દાયકાઓથી જે આંકડા પ્રચલિત હતા, તે ઘણી વખત મર્યાદિત સંસાધનો અને જૂની સરવે પદ્ધતિઓ પર આધારિત હતા. નવી ઉન્નત મેપિંગ પદ્ધતિઓ, જેમ કે સેટેલાઇટ ઇમેજરી, GIS આધારિત વિશ્લેષણ અને ઉચ્ચ-રિઝોલ્યુશન ડેટાએ તટીય ભૂગોળની ઝીણવટભરી તસવીર રજૂ કરી છે. તેના કારણે ગુજરાતની તટરેખા વિશે પણ નવું મૂલ્યાંકન સામે આવ્યું છે, જેમાં રાજ્યની તટીય લંબાઈ અગાઉ માનવામાં આવતી 1600 કિમીને બદલે લગભગ 2340 કિમીથી વધુ જણાવવામાં આવી છે.

- Advertisement -

આ એક આંકડો માત્ર નથી, પણ આ ગુજરાતની સમુદ્રી ક્ષમતાના વાસ્તવિક વિસ્તારનો સંકેત છે, જેને હવે નીતિ-નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ યોજનાઓમાં આધાર બનાવી શકાય તેમ છે. તટરેખાનું વિસ્તૃત માપન માત્ર નકશાની રેખા બદલવા સુધી સીમિત નથી, તેની સાથે તટીય વિસ્તારોનાં સંસાધનો, સમુદ્રી જૈવ વિવિધતા, મત્સ્ય સંપત્તિ, બંદર આધારિત વેપાર, લોજિસ્ટિક્સ કોરિડોર અને કોસ્ટલ ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર્સની યોજનાઓનું ક્ષેત્ર પણ વધી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ગુજરાતનું ‘સમુદ્રી ભારત’ અગાઉ કરતાં વધુ મોટું અને વધુ સંભાવનાશીલ દેખાઈ રહ્યું છે. 

બ્લૂ ઈકોનોમીનો અર્થ: સમુદ્રથી સમૃદ્ધિ સુધીની યાત્રા

બ્લૂ ઈકોનોમી કોઈ ફેશનેબલ શબ્દ નથી. તેનો સીધો અર્થ છે- સમુદ્રી સંસાધનોનો ટકાઉ ઉપયોગ કરીને આર્થિક વિકાસ કરવો, રોજગાર ઊભો કરવો અને પર્યાવરણીય સંતુલન જાળવવું. આમાં બંદરો અને શિપિંગથી લઈને મત્સ્યોદ્યોગ, સમુદ્રી પર્યટન, તટીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મરીન ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ સુધીની એક વિશાળ ઇકોસિસ્ટમ સામેલ છે. ભારત સરકાર અને નીતિ-સ્તરે બ્લૂ ઈકોનોમીને ભવિષ્યની વ્યૂહાત્મક પ્રાથમિકતા ગણવામાં આવી રહી છે, કારણ કે ભારતની સમુદ્રી સ્થિતિ, લાંબો સમુદ્રકિનારો અને વેપારી માર્ગો પર હાજરી તેને વૈશ્વિક સપ્લાય ચેઇનનું કેન્દ્ર બનાવી શકે છે.

ગુજરાત આ દૃષ્ટિએ વધુ મહત્વનું છે, કારણ કે રાજ્ય પાસે પહેલેથી જ ભારતના સૌથી સક્રિય ઔદ્યોગિક વિસ્તારોમાંનો એક છે. હવે આ જ મોડલ તટીય વિસ્તારોમાં બંદર-આધારિત વિકાસ સાથે જોડાઈ શકે છે. નવી મેપિંગથી તટીય ક્ષમતાનું વિસ્તૃત મૂલ્યાંકન સામે આવ્યા પછી એ શક્યતા વધુ મજબૂત બની છે કે ગુજરાત આગામી તબક્કામાં ‘સમુદ્ર-આધારિત વૃદ્ધિ’નું (Sea-led Growth) નેતૃત્વ કરશે. 

કેવી રીતે વિસ્તરિત દરિયાકાંઠાને બ્લૂ ઈકોનોમી સાથે જોડી રહી છે સરકાર?

ગુજરાતમાં બ્લૂ ઈકોનોમીને ગતિ આપવાની દિશામાં નીતિ અને રોકાણના સ્તરે જે સક્રિયતા દેખાઈ રહી છે, તેનું એક મોટું ઉદાહરણ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર માટે આયોજિત Vibrant Gujarat Regional Conference (VGRC) છે. આ સંમેલન 11–12 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ સંમેલન ખાસ કરીને 12 જિલ્લાઓના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ પર કેન્દ્રિત હતું, જેમાં Ports & Logistics, Fisheries (મત્સ્ય ઉદ્યોગ), Ceramics, Engineering સહિત સમુદ્રી અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા ક્ષેત્રો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

VGRCને ‘રીજનલ’ સ્તરે આયોજિત કરવામાં આવ્યું હતું જેથી વાઇબ્રન્ટ ગુજરાત મોડલને સ્થાનિક અને પ્રાદેશિક વિકાસ સાથે જોડીને રોકાણ અને તકોને જમીન પર ઉતારી શકાય. આ કાર્યક્રમ વિકસિત ભારત 2047ના વિઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની આધિકારિક યોજના હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. 

VGRC: નીતિ, ઉદ્યોગ અને રોકાણને જોડતું પ્લેટફોર્મ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સને (VGRC) માત્ર એક ઇવેન્ટ તરીકે જોવું ખોટું છે. આ તે મોડલનો ભાગ છે જેમાં સરકાર રોકાણકારો, ઉદ્યોગ જગત, નિષ્ણાતો અને પ્રાદેશિક ક્ષમતાઓને એકસાથે લાવીને વિકાસનો વ્યવહારુ રોડમેપ તૈયાર કરે છે. તાજેતરના VGRC દરમિયાન મોટી સંખ્યામાં MoU સાઇન થવાના સમાચાર સામે આવ્યા છે અને તે સંકેત મળ્યો છે કે ગુજરાત સરકાર પ્રાદેશિક સ્તરે રોકાણને ઝડપથી જમીન પર ઉતારવા માટે સક્રિય રણનીતિ પર કામ કરી રહી છે.

આ જ VGRCના સંદર્ભમાં બ્લૂ ઈકોનોમીની ચર્ચા તેથી મહત્વની છે કારણ કે ગુજરાતના સમુદ્રકિનારાનું નવું મૂલ્યાંકન રાજ્યને એક નવી ‘સમુદ્રી વિકાસ યોજના’ તરફ લઈ જાય છે, જ્યાં સરકાર ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં બંદરો, લોજિસ્ટિક્સ અને મત્સ્ય ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં રોકાણ આકર્ષિત કરી શકે છે અને તેનો સીધો લાભ રાજ્યમાં રહેતા કરોડો લોકોને થાય છે.

MoUs અને રોકાણ

આ બે દિવસીય સંમલેનમાં કુલ 5,492 પ્રોજેક્ટ્સ પર MoU સાઇન થયાં, જેનું સંયુક્ત પ્રસ્તાવિત રોકાણ લગભગ ₹5.78 લાખ કરોડ છે. આ રોકાણ રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાદેશિક વિકાસનું મોટું એન્જિન બની શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારનું રોકાણ નીચે મુજબ છે.

– કચ્છ જિલ્લામાં ₹1.25 લાખ કરોડનાં રોકાણ માટે MoU થયાં.

– ભાવનગરમાં ₹60,000 કરોડનું પ્રસ્તાવિત રોકાણ.

– અમરેલીમાં ₹36,000 કરોડની રોકાણ સમજૂતીઓ.

– રાજકોટમાં સ્પષ્ટ રીતે કુલ 2,921 પ્રોજેક્ટ્સ માટે ₹23,000 કરોડના MoU સાઇન થયાં.

આ આંકડાઓથી સ્પષ્ટ છે કે સૌથી મોટો સમુદ્રકાંઠો ધરાવતા કચ્છ વિસ્તારમાં સૌથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે, જે અડધાથી વધુ MoU રોકાણમાં આગળ રહ્યું છે. આ બ્લૂ ઈકોનોમીના સંદર્ભમાં ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તે સમુદ્રી તકો અને તટીય વિકાસને સીધી રીતે રોકાણ સાથે જોડે છે.

સમુદ્રી ક્ષેત્રની ભૂમિકા અને બ્લૂ ઈકોનોમીનું મહત્વ

ભારતમાં ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના સમુદ્રકિનારાનું ભૌગોલિક મહત્વ ખૂબ વધારે છે. આ વિશાળ તટીય સીમા અરબી સમુદ્ર તથા કચ્છના અખાત સાથે જોડાયેલી છે, જે કુદરતી રીતે બંદરો, શિપિંગ, લોજિસ્ટિક્સ, મત્સ્ય ઉત્પાદન અને સમુદ્રી ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

બ્લૂ ઈકોનોમીનો અર્થ છે સમુદ્ર સાથે જોડાયેલી તમામ આર્થિક પ્રવૃત્તિઓનો ટકાઉ, વ્યવસ્થિત અને લાંબાગાળાનો વિકાસ, જેમાં નૌવહન, બંદરો, મત્સ્યોદ્યોગ, સમુદ્રી પર્યટન, મરીન ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ સામેલ છે. ગુજરાતનો વિસ્તરિત સમુદ્રકિનારો આ પ્રણાલીને વધુ સંભાવનાશીલ બનાવે છે. સરકાર આ તકને રોકાણ અને રોજગારની તકોમાં ફેરવવાનો લક્ષ્ય રાખી રહી છે જેથી સ્થાનિક લોકોને કામ અને આર્થિક ભાગીદારીનો સીધો લાભ મળી શકે. 

ખાનગી ક્ષેત્રની ભૂમિકા

ગુજરાત મોડલની સૌથી મોટી વિશેષતા રહી છે સરકારનો ખાનગી ક્ષેત્ર સાથે સહયોગ. આ જ કારણ છે કે ગુજરાતમાં ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર સર્જનની ગતિ અન્ય રાજ્યો કરતાં અલગ દેખાય છે. બ્લૂ ઈકોનોમીના સંદર્ભમાં પણ આ મોડલ એટલું જ પ્રસ્તુત છે, કારણ કે સમુદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો ભારે મૂડીરોકાણ, તકનીકી કાર્યક્ષમતા અને લાંબાગાળાના ઑપરેશન માંગે છે. ઘણી વખત પીએમ મોદીને આ બાબતે ટાર્ગેટ પણ કરવામાં આવ્યા છે, પરંતુ ખાનગી ક્ષેત્રો સાથેના સહયોગના કારણે જ આજે દેશ આ સ્થિતિ પર પહોંચ્યો છે.

VGRC દરમિયાન સૌથી વધુ ચર્ચા જે રોકાણ પ્રતિબદ્ધતાની થઈ, તે અદાણી સમૂહ તરફથી કચ્છ વિસ્તારમાં આગામી કેટલાક વર્ષોમાં મોટા રોકાણની જાહેરાત હતી. અદાણી સમૂહનો પોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં પહેલેથી જ મોટો આધાર રહ્યો છે અને કચ્છ-મુંદ્રા બેલ્ટ ભારતની સમુદ્રી અર્થવ્યવસ્થામાં એક મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આ રોકાણ પ્રતિબદ્ધતા ગુજરાતના સમુદ્રી વિકાસ રોડમેપ સાથે સીધી જોડાય છે, કારણ કે પોર્ટ-આધારિત લોજિસ્ટિક્સ નેટવર્ક, ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર્સ અને એક્સપોર્ટ-ઓરિએન્ટેડ વૃદ્ધિનો મોટો ભાગ આ જ ઇકોસિસ્ટમ પર આધારિત છે. 

મુખ્ય પ્રાઇવેટ પ્લેયર્સ અને રોકાણ

VGRCમાં સમુદ્રી અર્થવ્યવસ્થા અને બ્લૂ ઈકોનોમીના સંદર્ભમાં અનેક મોટા પ્રાઇવેટ પ્લેયર્સે રોકાણની પ્રતિબદ્ધતાઓ દર્શાવી છે, જે નીચે મુજબ છે.

અદાણી ગ્રુપ: અદાણી ગ્રુપ તરફથી કરણ અદાણીએ VGRC રાજકોટમાં આગામી 5 વર્ષમાં કચ્છ વિસ્તારમાં ₹1.5 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણનું મુખ્ય ધ્યાન પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ વિસ્તાર, રિન્યુએબલ એનર્જી (ખાવડા 37 GW રિન્યુએબલ પાર્ક) અને બંદર ક્ષમતાના ડબલિંગ પર છે. આ રોકાણ ગુજરાતને ઘરેલુ તથા વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ તરીકે વધુ મજબૂત બનાવશે.

અન્ય મોટા કોર્પોરેટ રોકાણ અને MoU: બ્લૂ ઈકોનોમીમાં સીધા રોકાણ ઉપરાંત અન્ય મોટા સમૂહોએ પણ વિસ્તાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉદાહરણ તરીકે, Essar Future Energyએ ₹5,100 કરોડનાં રોકાણ માટે MoU સાઇન કર્યાં છે, જે બાયો-ફ્યુઅલ અને ક્લીન એનર્જી સોલ્યુશન્સ સાથે જોડાયેલાં છે અને તેની અસર સમુદ્રી લોજિસ્ટિક્સ તથા સંબંધિત ઊર્જા નેટવર્ક પર પણ પડશે.

આ રોકાણોનો મોટો ભાગ સમુદ્રી ઉદ્યોગ, લોજિસ્ટિક્સ, પોર્ટ-સંબંધિત સુવિધાઓ, પોર્ટ-આધારિત પરિવહન, ઊર્જા નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રકચરનાં નિર્માણમાં વપરાશે, જેનાથી સ્થાનિક લોકો માટે રોજગાર, કૌશલ્ય વિકાસની તકો ઉભી થશે.

જોકે ધ્યાન આપવા જેવી વાત એ છે કે VGRC જેવા મંચો પર માત્ર એક મોટા કોર્પોરેટનું નામ જ નિર્ણાયક નથી હોતું. બ્લૂ ઈકોનોમીમો વાસ્તવિક વિસ્તાર ત્યારે જ શક્ય છે જ્યારે મોટા રોકાણકારો સાથે મધ્યમ અને નાના સ્તરના ખાનગી ખેલાડીઓ પણ તટીય વિસ્તારોમાં તકો જુએ. આ જ દિશામાં મત્સ્યોદ્યોગ અને સમુદ્રી સપ્લાય ચેઇન સાથે જોડાયેલા MoU પણ સામે આવ્યાં છે, જે દર્શાવે છે કે સમુદ્રી અર્થવ્યવસ્થામાં માત્ર મેગા પ્રોજેક્ટ જ નહીં, પરંતુ MSME સ્તરની ભાગીદારી પણ વધી રહી છે. 

વિવિધ ઉદ્યોગોમાંથી ભાગીદારી

VGRCમાં ભાગ લેનારી કંપનીઓ માત્ર પોર્ટ-લોજિસ્ટિક્સ સુધી મર્યાદિત ન રહી. સંમેલનમાં ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, ઇજનેરી, મેડ-ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર, પેટ્રોકેમિકલ્સ, કૃષિ ઉત્પાદન પ્રોસેસિંગ જેવા વિસ્તૃત ક્ષેત્રોમાં પણ રોકાણની જાહેરાતો થઈ છે, જેનો સંદર્ભ બ્લૂ ઈકોનોમી સાથે પરોક્ષ રીતે જોડાય છે. જેમ કે લોજિસ્ટિક્સ નેટવર્ક, સપ્લાય ચેઇનનો વિસ્તાર અને નિકાસ-ઉત્તેજિત ઉત્પાદન.

આ સ્થાનિક ઉદ્યોગો ફોકસ અને વેલ્યુ ચેઇનને મજબૂત કરશે, જેથી પોર્ટ્સમાંથી સામગ્રીને વધુ સારી રીતે વૈશ્વિક બજારો સુધી પહોંચાડી શકાય અને તટીય સમુદાયો માટે નવી તકો ખુલી શકે.

લાભ શું થશે?

હવે આવીએ ગુજરાતીઓના સૌથી પ્રિય વિષય પર, નફો-લાભ. તો આ રોકાણોના કારણે રાજ્યને અને રાજ્યના લોકોને લાભ શું થશે એ જોઈએ. કોઈપણ રોકાણ કે MoUનું વાસ્તવિક મૂલ્ય ત્યારે જ સમજાય છે જ્યારે તેનો લાભ સામાન્ય નાગરિક સુધી પહોંચે. બ્લૂ ઈકોનોમીના કિસ્સામાં આ શક્યતા વધુ છે, કારણ કે બંદરો, લોજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પ્રોસેસિંગ યુનિટ્સ, કોલ્ડ-ચેઇન, સમુદ્રી પર્યટન અને પરિવહન જેવા ક્ષેત્રોમાં સીધા અને પરોક્ષ રોજગાર ઉભા થાય છે.

તટીય જિલ્લાઓમાં અવારનવાર વધુ પડકારો હોય છે. એક તરફ કુદરતી સંસાધનો હોય છે, બીજી તરફ રોજગારની પૂરતી તકો ન હોય. ગુજરાત સરકાર ખાનગી ક્ષેત્ર સાથે મળીને તટીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મત્સ્ય પ્રોસેસિંગ, નિકાસ આધારિત યુનિટ્સ અને પોર્ટ-લિંક્ડ ઔદ્યોગિક હબ વિકસાવશે તો તેનો લાભ માત્ર મોટા ઉદ્યોગપતિઓ સુધી મર્યાદિત નહીં રહે. સ્થાનિક યુવાનોને કૌશલ્ય આધારિત નોકરીઓ મળશે, માછીમાર સમુદાયની વેલ્યુ ચેઇન મજબૂત થશે અને તટીય વિસ્તારોમાં નવી માર્કેટો ઊભી થશે.

અહીં ‘સમુદ્રકિનારો વધ્યો’નો તથ્ય બીજી રીતે પણ મહત્વનો બને છે. કારણ કે જ્યારે સરકાર પાસે વધુ ચોક્કસ અને વિસ્તૃત તટીય ડેટા હશે, ત્યારે તે તટીય સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન, પર્યાવરણીય સંતુલન અને વિકાસ પ્રોજેક્ટ્સનું નિયોજન વધુ સારી રીતે કરી શકશે. એટલે કે આ વિકાસ માત્ર આર્થિક જ નહીં, પરંતુ વહીવટી અને વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ મજબૂત પાયા પર ઊભો રહેશે. 

ગુજરાતનો આગામી વિકાસ અધ્યાય ‘સમુદ્રના માર્ગે’ લખાઈ રહ્યો છે

ગુજરાતની નવી સમુદ્રકિનારાની મેપિંગ એ સંકેત છે કે હવે રાજ્ય પાસે સમુદ્રી સંસાધનો અને તટીય વિકાસની ક્ષમતા અગાઉ કરતાં વધુ સ્પષ્ટ અને વિસ્તૃત સ્વરૂપમાં ઉપલબ્ધ છે. રાજકોટમાં આયોજિત VGRCએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુજરાત સરકાર હવે સમુદ્રી સંભાવનાઓને માત્ર સૈદ્ધાંતિક લાભ તરીકે નથી જોતી, પરંતુ તેને વાસ્તવિક રોકાણ, ખાનગી ભાગીદારી અને સ્થાનિક રોજગારની દિશામાં પરિવર્તિત રહી છે. 5,492 પ્રોજેક્ટ્સ સાથે ₹5.78 લાખ કરોડની રોકાણ પ્રતિબદ્ધતાઓ આ દિશાને સ્પષ્ટપણે દર્શાવે છે.

ખાસ કરીને કચ્છ જેવા વિસ્તારમાં પ્રાથમિકતા, જ્યાં દેશનો સૌથી વધુ સમુદ્રકિનારો છે અને જ્યાં મુંદ્રા જેવા મોટા બંદરો આવેલા છે, એ સંકેત મળે છે કે સમુદ્રી અર્થવ્યવસ્થા અને લોજિસ્ટિક્સ હબ હવે ગુજરાતના આર્થિક મોડલનું આગામી મોટું એન્જિન બનવાના માર્ગ પર છે.

ખાનગી રોકાણ અને મત્સ્યોદ્યોગ જેવા ક્ષેત્રોમાં નાના-મધ્યમ સ્તરની સમજૂતીઓ એ દર્શાવે છે કે ગુજરાતમાં સમુદ્રી અર્થવ્યવસ્થા એક બહુસ્તરીય મોડલમાં આગળ વધી શકે છે, જ્યાં મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હશે અને સ્થાનિક રોજગાર પણ. જો આ રોડમેપ ગુજરાતની પરંપરાગત ગતિએ જમીન પર ઉતરશે તો આવનારા વર્ષોમાં ગુજરાત ‘ભારતનું ઔદ્યોગિક એન્જિન’ હોવા સાથે ‘ભારતીય સમુદ્રી અર્થવ્યવસ્થાનું કેન્દ્ર’ પણ બની શકશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં