
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈને અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલ અને સંજય સિંઘની અલગ-અલગ ટ્રાયલની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. હવે બંને આરોપીઓ સામેની કાર્યવાહી સંયુક્ત રીતે ચાલુ રહેશે.
આ કેસ પીએમ નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સંબંધિત વિવાદથી જોડાયેલો છે. 2023માં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંઘે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી પર આરોપ લગાવ્યા હતા, જે યુનિવર્સિટીએ અપમાનજનક ગણાવ્યા હતા. ત્યારબાદ યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંઘ સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.
અરવિંદ કેજરીવાલે અરજી કરી હતી કે અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં તેમની સામે ચાલી રહેલી ટ્રાયલને સંજય સિંઘની ટ્રાયલથી અલગ કરવામાં આવે. કેજરીવાલનો દાવો હતો કે તેમની ઉપર કોઈ કાવતરું રચવાનો કે સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો આરોપ નથી.
જોકે, ગુજરાત હાઇકોર્ટે આ દલીલ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. આ સિવાય હાઇકોર્ટે કેજરીવાલની વચગાળાની રાહતની માંગણી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે બંને નેતાઓ એક જ ઘટનાક્રમમાં સામેલ હતા અને તેમનો હેતુ સમાન હતો. CrPCની કલમ 223 મુજબ જ્યારે ગુનો એક જ શ્રેણીમાં હોય ત્યારે સંયુક્ત ટ્રાયલ ચલાવવી યોગ્ય છે.
કોર્ટે જણાવ્યા મુજબ મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિના કેસની સુનાવણી નિયત સમય મુજબ આગળ વધશે. આ પહેલાં સેશન્સ કોર્ટે પણ કેજરીવાલ અને સંજય સિંઘની અરજીઓ ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે હાઇકોર્ટમાંથી પણ બંને નેતાઓને રાહત મળી નથી.

