હોમપેજગુજરાત‘ધર્માંતરણ સામાજિક બદી’: ફોરેન ફન્ડિંગની મદદથી ધર્મપરિવર્તન કરાવવાના બે આરોપીઓના જામીન નડિયાદની...

‘ધર્માંતરણ સામાજિક બદી’: ફોરેન ફન્ડિંગની મદદથી ધર્મપરિવર્તન કરાવવાના બે આરોપીઓના જામીન નડિયાદની કોર્ટે ફગાવ્યા

મેકવાનની ધરપકડ બાદ જાણવા મળ્યું કે ધર્માંતરણ પ્રવૃત્તિઓ માટે તેને વિદેશથી પણ ભંડોળ મળતું હતું તેમજ છેલ્લાં ઘણાં વર્ષોથી તે સેમિનારો અને કાર્યક્રમોના નામે ભોળા હિંદુઓને ચમત્કારની વાતો કરીને ખ્રિસ્તી પંથ અપનાવવા માટે પ્રોત્સાહિત કરતો હતો. ઑપઇન્ડિયાએ પણ જે-તે સમયે સ્ટીવનની સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર વિસ્તારથી રિપોર્ટિંગ કર્યું હતું.

- Advertisement -

ઑક્ટોબર 2025માં વિદેશી ભંડોળની મદદથી ભોળા હિંદુઓને લલચાવી-ફોસલાવીને ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવાના કેસમાં પકડાયેલા નડિયાદના બે શખ્સોને સેશન્સ કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી છે. કોર્ટે ધર્માંતરણને ‘સામાજિક બદી’ ગણાવીને કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ આરોપીઓ વિરુદ્ધ કેસ બનતો જણાય છે અને ગુનાની ગંભીરતા જોતાં જામીન મંજૂર કરી શકાય નહીં.

મામલો નડિયાદનો છે. અહીં સ્ટીવન મેકવાન અને અન્ય એક શખ્સની ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બંને ગુજરાતના અંતરિયાળ જિલ્લાઓ અને આસપાસનાં રાજ્યોમાંથી લોકોને લાવીને તેમને સેમિનારોના નામે લોભ-લાલચ અને પ્રલોભનો આપીને ધર્માંતરણ કરવા માટે પ્રોત્સાહિત કરતા હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ હતી.

મેકવાનની ધરપકડ બાદ જાણવા મળ્યું કે ધર્માંતરણ પ્રવૃત્તિઓ માટે તેને વિદેશથી પણ ભંડોળ મળતું હતું તેમજ છેલ્લાં ઘણાં વર્ષોથી તે સેમિનારો અને કાર્યક્રમોના નામે ભોળા હિંદુઓને ચમત્કારની વાતો કરીને ખ્રિસ્તી પંથ અપનાવવા માટે પ્રોત્સાહિત કરતો હતો. ઑપઇન્ડિયાએ પણ જે-તે સમયે સ્ટીવનની સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર વિસ્તારથી રિપોર્ટિંગ કર્યું હતું. ધરપકડ બાદથી તે જેલમાં બંધ હતો, જેણે તાજેતરમાં સાથી આરોપી સ્મિતુલ મહીડા સાથે રેગ્યુલર જામીનની અરજી રજૂ કરી હતી.

- Advertisement -

આરોપીઓએ હિંદુ સંગઠનો પર લગાવ્યો આરોપ, પણ કામ ન આવી દલીલો

જામીન અરજીમાં દલીલ કરવામાં આવી કે ફરિયાદ ખોટી રીતે કરવામાં આવી છે અને મેકવાને કોઈને ધર્માંતરણ કરવા માટે લોભ-લાલચ આપ્યાં હોવાનું કે બળજબરી કરી હોવાનું પ્રસ્થાપિત થયું નથી. સાથે ધર્માંતરણવિરોધી કાયદાની કલમો ટાંકીને કારણ આપવામાં આવ્યું કે ધર્માંતરણની વ્યાખ્યામાં મેકવાનની પ્રવૃત્તિઓ બંધબેસતી નથી. હિંદુ સંગઠનો પર આરોપ એવો લગાવવામાં આવ્યો કે તેમણે પોતાની કામગીરી બતાવવા માટે અને જાહેર પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી ફરિયાદો કરી હતી. સાથે ફરિયાદીને ફરિયાદ કરવાનો અધિકાર નથી અને ફરિયાદીની કોઈ શ્રેણીમાં તેઓ બંધબેસતા નથી એમ કહીને જામીનની માંગ કરવામાં આવી હતી.

મેકવાન જે ‘રિસ્ટોરેશન રિવાઇવલ ટ્રસ્ટ’ ચલાવતો હતો તેનો ઉલ્લેખ કરીને કોર્ટને જણાવવામાં આવ્યું કે આ ટ્રસ્ટ એક નોંધાયેલું પબ્લિક ટ્રસ્ટ છે અને નિયમો અનુસાર જ કામ કરે છે. આ ટ્રસ્ટનું પોતાનું બંધારણ છે અને તેમાં નવા ચર્ચની સ્થાપના, બાઇબલનું જ્ઞાન પૂરું પાડવું, પ્રાર્થના કરવી, આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિ કરવી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત નિયમિત ટેક્સ પણ ભરતું હોવાથી ટ્રસ્ટને ગેરકાયદેસર ભંડોળ મળતું હોવાની ફરિયાદ પણ ખોટી છે એવી દલીલો રજૂ કરવામાં આવી હતી.

સરકારે શું કહ્યું?

બીજી તરફ, સરકાર પક્ષથી જણાવવામાં આવ્યું કે આરોપીઓ ધર્માંતરણ પ્રવૃત્તિઓ કરતા હોવાનું ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. તેમજ ટ્રસ્ટ વિશે જણાવવામાં આવ્યું કે તેને કરોડોનું ગેરકાયદેસર ભંડોળ મળ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે અને તેના પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. ઉપરાંત, આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ થઈ ગઈ હોવા છતાં તેઓ અન્ય આરોપીઓ વિશેની સાચી માહિતી જણાવી રહ્યા નથી કે તપાસમાં સહકાર આપી રહ્યા નથી, જેથી જો તેમને મુક્તક અરવામાં આવે તો ફરિયાદી પક્ષના સાક્ષીઓને (જેમાં સગીરો પણ સામેલ છે) પ્રભાવિત કરી શકે છે.

સરકારે એમ પણ દલીલમાં જણાવ્યું કે માત્ર ચાર્જશીટ રજૂ થઈ ગઈ એટલે ગુનાની ગંભીરતા ઓછી થતી નથી.

કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે ફરિયાદમાં જે સાહેદોનો ઉલ્લેખ છે તે તમામ હિંદુ ધર્મના છે અને આરોપીઓ તેમને ચમત્કારની વાતો કરીને તેનાથી તેમનું જીવન સુધરી જશે તેવી વાતો કરીને લાલચ અને પ્રલોભનો આપીને હિંદુમાંથી ખ્રિસ્તી બની જવા માટે કહેતા હતા. ઉપરાંત સ્ટીવન ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આવી પ્રવૃત્તિઓ કરવા માટે જતો હોવાનું તપાસમાં સામે આવી ચૂક્યું છે.

તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીઓ દ્વારા ભૂતકાળમાં એક સગીર બાળકીની બાપ્તીસમાની વિધિ પણ કરવામાં આવી હતી અને એ પણ તેના પિતાની મંજૂરી વગર થયું હતું.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે કહ્યું કે, જો આરોપીની જામીન અરજી મંજૂર કરવામાં આવે તો તેની ટ્રાયલ દરમિયાનની હાજરી વિશે શંકા પ્રવર્તે છે અને આ ગુનામાં હજુ અન્ય અમુક આરોપીઓને પકડવાના બાકી છે. આ કિસ્સામાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તપાસ પર વિપરીત અસર પડી શકે છે અને ફરિયાદ પક્ષના સાક્ષીઓને ડરાવી-ધમકાવી શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી.

કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે, આ આરોપીઓ વિરુદ્ધનો ગુનો સામાજિક બળી છે અને ગુનાની અસરથી સમજણ પછાત વર્ગના, અભણ, ગરીબ વર્ગના લોકો પ્રભાવિત થાય છે. હાલના સમયમાં ધર્માંતરણના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને આરોપીઓ વિરુદ્ધ પ્રાયમાફેસી કેસ હોવાનું જણાય છે. ઉપરાંત તેમની વિરુદ્ધ તપાસ પણ ચાલી રહી છે.

અંતે કોર્ટે તમામ વિગતોને ધ્યાનમાં લઈને ગુનાની ગંભીરતા, આરોપીઓની પ્રવૃત્તિઓની સમાજ પર પડતી અસર, ગુનામાં તેમની ભૂમિકા, ટ્રાયલ દરમિયાન હાજરીની અનિશ્ચિતતા અને ફરિયાદ પક્ષના પુરાવા સાથે ચેડાં થવાની સંભાવનાને જોતાં આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં નવેમ્બરમાં પણ કોર્ટ એક અરજી ફગાવી ચૂકી છે. ત્યારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી ન હતી, ચાર્જશીટ રજૂ થઈ ગયા બાદ ડિસેમ્બરમાં ફરીથી અરજી કરવામાં આવી, પરંતુ કોર્ટે એ પણ ફગાવી દીધી છે. બંને આરોપીઓ હાલ જેલમાં જ રહેશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં