હોમપેજગુજરાતવક્ફ સંસ્થાઓને કેસ ફીમાંથી મુક્તિ આપવાનો ઇનકાર કરતો ગુજરાત હાઇકોર્ટનો આદેશ શું...

વક્ફ સંસ્થાઓને કેસ ફીમાંથી મુક્તિ આપવાનો ઇનકાર કરતો ગુજરાત હાઇકોર્ટનો આદેશ શું છે અને કોર્ટે શું કહ્યું– સમજો

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે વક્ફનો હેતુ ભલે જે હોય એ પણ તેનાથી નિયમોમાં છૂટછાટ મળી શકે નહીં. કાયદો જ્યાં સુધી છૂટ ન આપે ત્યાં સુધી ફી બાબતે કોઈને પણ રાહત આપી શકાય નહીં. ગુજરાતમાં વક્ફને ફીમાંથી રાહત આપવા માટે કોઈ કાયદો નથી, કોઈ નિયમ નથી તો કોર્ટ ઉપરવટ જઈને આવી કોઈ રાહત આપી શકે નહીં.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટે બુધવારે (17 ડિસેમ્બર) અનેક વક્ફ સંસ્થાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવીને એક અગત્યનો ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે વક્ફ સંસ્થાઓ ટ્રિબ્યુનલમાં કોઈ કેસ લઈને જાય ત્યારે તેમણે નિયમાનુસાર અન્ય ધાર્મિક ટ્રસ્ટ, સંસ્થાઓની જેમ કેસ ફી જમા કરાવવી પડે છે અને તેમાંથી કોઈ રાહત મળી શકે નહીં.

કોર્ટે લગભગ દોઢસોથી વધારે અરજી ફગાવી દીધી છે, જે જુદી-જુદી વક્ફ સંસ્થાઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીઓ મુખ્ય ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. સિદ્ધપુર ગ્રુપ, જેમાં લીડ અરજી સુન્ની મુસ્લિમ ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટ સિદ્ધપુરની હતી. બીજું સરખેજ ગ્રુપ, જેમાં સરખેજ રોજા કમિટી મકરબાએ અરજી દાખલ કરી હતી અને ત્રીજું વડોદરા ગ્રુપ હતું, જ્યાં શહેર મસ્જિદ સભા ટ્રસ્ટ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી.

સમગ્ર કેસ શું છે?

ઉપર જણાવી એ તમામ વક્ફ સંસ્થાઓએ વક્ફ એક્ટની કલમ 83 હેઠળ વક્ફ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યા હતા. મુદ્દાઓ હતા– વક્ફ સંપત્તિઓ પરથી ભાડૂઆતો કે કથિત રીતે અતિક્રમણકારીઓને દૂર કરવા, કબજો પરત મેળવી આપવો અને કબજો રહ્યો તેટલા સમયનું વળતર એરિયર્સ પેટે ચૂકવવું.

- Advertisement -

મામલો જ્યારે ટ્રિબ્યુનલમાં ગયો ત્યારે ટ્રિબ્યુનલે નોંધ્યું કે કેસની વેલ્યુ બરાબર દર્શાવવામાં આવી ન હતી અને કેસની કોર્ટ ફી પણ બરાબર ચૂકવવામાં આવી ન હતી. જેથી ટ્રિબ્યુનલે શરૂઆતમાં એક આદેશ આપીને જણાવ્યું કે વેલ્યુએશન બરાબર આંકીને કોર્ટ ફી સમયસર જમા કરાવવામાં આવે, અન્યથા કેસ આગળ સાંભળવામાં આવશે નહીં.

ટ્રિબ્યુનલના આદેશ છતાં વક્ફ સંસ્થાઓએ ન તો સંપત્તિઓની વેલ્યુએશન આંકી, ન કોર્ટ ફી જમા કરાવી કે ન ટ્રિબ્યુનલના આદેશને ક્યાંય પડકાર્યો. પરિણામસ્વરૂપ ટ્રિબ્યુનલે કોડ ઑફ સિવિલ પ્રોસીજરના નિયમો હેઠળ રોંગ વેલ્યુએશન અને કોર્ટ ફી ન ભરવાના કારણે કેસો રદ કરી દીધા. સાથે વક્ફ સંસ્થોને નિયમોનું પાલન ન કરવા બદલ ઠપકો પણ આપ્યો.

આ તમામ સંસ્થાઓ પછીથી વક્ફ ટ્રિબ્યુનલના આદેશ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ ગઈ અને દલીલ એવી આપી કે ટ્રિબ્યુનલમાં માત્ર ‘અરજી’ થાય છે, ‘કેસ’ (suit) દાખલ નથી થતા, એટલે કોઈ કોર્ટ ફી ચૂકવવાની રહેતી નથી. બીજી દલીલો એવી આપવામાં આવી કે, વક્ફ કાયદામાં ક્યાંય કોર્ટ ફીનો ઉલ્લેખ જોવા મળતો નથી. ત્રીજી દલીલ હતી– ટ્રિબ્યુનલ એ સિવિલ કોર્ટ નથી, એટલે ત્યાં CPC લાગુ થઈ શકે નહીં અને તેના નિયમોનો પણ ઉપયોગ થઈ શકે નહીં. અન્ય એક દલીલ એ પણ હતી કે આદેશ પસાર કરતી વખતે ટ્રિબ્યુનલ પાસે માત્ર બે જ સભ્યો હતા, જેથી આદેશ રદબાતલ ઠેરવવામાં આવે. હાઇકોર્ટને વક્ફ સંસ્થાઓ તરફથી કહેવામાં આવ્યું કે વક્ફ સંસ્થાઓ પાસેથી કોર્ટ ફી વસૂલવાથી વક્ફનો જે ‘મજહબી’ અને ‘ચેરિટેબલ’ હેતુ છે તેને પણ અસર થાય છે.

હાઇકોર્ટે શું કહ્યું?

મામલો જ્યારે હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો તો કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસ સંપત્તિ ખાલી કરાવવા, કબજો પરત મેળવવા અને નાણાકીય બાબતોના છે. જેમાં સ્પષ્ટપણે નાણાકીય બાબતોનો ઉલ્લેખ છે. એટલે તેને માત્ર ‘અરજીઓ’ તરીકે ગણાવી શકાય નહીં અને તેને સૂટ તરીકે જ જોવા જોઈએ.

જ્યાં સુધી ટ્રિબ્યુનલમાં સિવિલ કોડ ન લાગુ થઈ શકે એ દલીલોની વાત છે, કોર્ટે કહ્યું કે ટ્રિબ્યુનલને ‘સિવિલ કોર્ટ’ તરીકે જ ગણવામાં આવે છે અને તેના આદેશો સિવિલ કોર્ટ દ્વારા માનવામાં આવતા રહી છે. એટલે કાયદા અનુસાર ટ્રિબ્યુનલમાં CPC લાગુ થઈ જ શકે. ટ્રિબ્યુનલ આખરે એક સિવિલ કોર્ટ તરીકે જ કામ કરે છે. CPC જો વિશેષરૂપે બાકાત રાખવામાં ન આવ્યો હોય ત્યાં સુધી બધે જ લાગુ થઈ શકે અને વક્ફ કાયદામાં ક્યાંય CPCને બાકાત રાખવાની વાત નથી. નવા ગુજરાત વક્ફ નિયમો, 2023માં પણ CPC લાગુ થાય છે.

કોર્ટ ફી મામલે કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ રાજ્યનો વિષય છે. ગુજરાતમાં ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004 લાગુ છે. આ એક્ટ તમામ કોર્ટ ઑફ જસ્ટિસને લાગુ પડે છે અને તેમાં ક્યાંય વક્ફ કેસને રાહત આપવામાં આવી નથી. આ કેસમાં સંપત્તિ અને નાણાકીય બાબતોનો મામલો છે એટલે તેની વેલ્યુએશન પણ જણાવવી પડે અને કોર્ટ ફી પણ ભરવી પડે.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે વક્ફનો હેતુ ભલે જે હોય એ પણ તેનાથી નિયમોમાં છૂટછાટ મળી શકે નહીં. કાયદો જ્યાં સુધી છૂટ ન આપે ત્યાં સુધી ફી બાબતે કોઈને પણ રાહત આપી શકાય નહીં. ગુજરાતમાં વક્ફને ફીમાંથી રાહત આપવા માટે કોઈ કાયદો નથી, કોઈ નિયમ નથી તો કોર્ટ ઉપરવટ જઈને આવી કોઈ રાહત આપી શકે નહીં.

વક્ફ સંસ્થાઓની એક પછી એક દલીલો કોર્ટે નકારી, જણાવ્યાં તથ્યો

કોર્ટમાં ટ્રિબ્યુનલમાં માત્ર બે જ સભ્યો હોવાની દલીલો પણ ચાલી નહીં. કોર્ટે નોંધ્યું કે 16 ઑગસ્ટ 2024ના રોજ નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા હતા અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ચેરમેન અને એક સભ્ય હોય તો તેને ‘વેલિડ કોરમ’ ગણવામાં આવે અને જે આદેશની વાત આ કેસમાં થઈ રહી છે તે આદેશો આ નિયમોમાં સુધારા બાદ પસાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ સુધારાને ક્યાંય, કોઈ કોર્ટમાં પડકારવામાં આવ્યા નથી.

હાઇકોર્ટે આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે વક્ફ સંસ્થાઓએ ટ્રિબ્યુનલનો ફી ચૂકવવાનો આદેશ ક્યાંય પડકાર્યો નથી અને જ્યારે તેઓ ત્યાં હારી ગયા ત્યારે હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યા. કાયદાકીય બાબતોમાં, કોર્ટના કેસમાં આ રીતે સ્ટેન્ડ બદલી શકાય નહીં.

તમામ અવલોકનોને અંતે કોર્ટે વક્ફ સંસ્થાઓની અરજીઓ નકારી દીધી અને ટ્રિબ્યુનલનો આદેશ યથાવત રાખ્યો હતો. કોર્ટે ઠેરવ્યું કે વક્ફ સંસ્થાઓએ ફી ચૂકવવી જ પડે છે અને ટ્રિબ્યુનલમાં CPC પણ લાગુ થાય જ છે.

નિર્ણય ઐતિહાસિક, સૌને એકસમાન જોવામાં આવે: ડેપ્યુટી સીએમ સંઘવી

હાઇકોર્ટના આદેશનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આદેશને ‘ઐતિહાસિક’ નિર્ણય ગણાવીને કહ્યું કે મંદિરો, ગુરુદ્વારા અને અન્ય ધાર્મિક સંસ્થાઓ જ્યારે કોર્ટમાં જાય ત્યારે તેમની પાસેથી કેસ ફી લેવામાં આવે છે, તો વક્ફ સંસ્થાઓને બાકાત ન રાખી શકાય. આજે ગુજરાત હાઇકોર્ટે વકફ ટ્રિબ્યુનલના કેસોમાં પણ કેસ ફી વસૂલવા માટે આદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, સૌએ નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ, કારણ કે તમામ સમાજ, ધર્મ, સમુદાયને એક સમાન ગણવા જોઈએ અને એ જ આ આદેશથી સ્પષ્ટ થયું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં