વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (SHANTI) બિલ 2025 રજૂ કર્યું હતું. આ બિલ ભારતના નાગરિક પરમાણુ ક્ષેત્રમાં મોટા ફેરફારોનો લાવી શકે છે, જે દાયકાઓથી ચાલી આવતા સરકારી એકાધિકારનો અંત અને ખાનગી કંપનીઓ માટે ભાગ લેવાનો માર્ગ ખોલશે.
1962ના ‘એટોમિક એનર્જી એક્ટ’ મુજબ, ભારતમાં પરમાણુ ઉર્જાનું ઉત્પાદન માત્ર કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની કંપનીઓ જ કરી શકતી હતી. આ મર્યાદાને કારણે ભારત પાસે ક્ષમતા હોવા છતાં મૂડી અને ટેકનોલોજીના અભાવે પરમાણુ ઉર્જાનો વ્યાપ વધી શક્યો નહીં. વર્તમાનમાં ભારતની કુલ વીજળીમાં પરમાણુ ઉર્જાનો હિસ્સો માત્ર 3% ની આસપાસ છે. 2047 સુધીમાં ‘નેટ ઝીરો’ લક્ષ્યાંક હાંસલ કરવા માટે આ હિસ્સો વધારવો અનિવાર્ય છે.
શાંતિ બિલની મુખ્ય જોગવાઈઓ
આ બિલમાં કેટલીક એવી જોગવાઈઓ છે જે ભારતની ઉર્જા ઉત્પાદન શૈલીને બદલી નાખશે.
ખાનગી ક્ષેત્રની માલિકી અને સંચાલન: બિલની સૌથી મહત્વની જોગવાઈ છે ખાનગી કંપનીઓને પરમાણુ પાવર પ્લાન્ટ્સની સ્થાપના અને સંપૂર્ણ સંચાલન કરવાની મંજૂરી આપવી. અગાઉ ખાનગી કંપનીઓ માત્ર સાધનોના સપ્લાયર તરીકે કામ કરી શકતી હતી, પરંતુ હવે તેઓ ‘ઑપરેટર’ બની શકશે. તેઓ પોતે ‘પરમાણુ પાવર જનરેશન કંપની’ તરીકે રજીસ્ટર થઈ શકશે. કંપનીઓ જમીન સંપાદનથી લઈને પ્લાન્ટના સંચાલન સુધીની સંપૂર્ણ જવાબદારી નિભાવી શકશે.
ન્યુક્લિયર રેગ્યુલેટરી ઓથોરિટીની સ્વાયત્તતા: ખાનગી કંપનીઓને ન્યુક્લિયર ફ્યુઅલ બનાવવા (ફેબ્રિકેશન), ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ કરવા, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરવા તેમજ પ્રિસ્ક્રાઇબ્ડ ઇક્વિપમેન્ટ અને ટેક્નોલોજીની હેરફેર માટે લાઇસન્સ આપવામાં આવશે. જોકે, યુરેનિયમ એનરિચમેન્ટ, સ્પેન્ટ ફ્યુઅલ રીપ્રોસેસિંગ અને હેવી વોટર પ્રોડક્શન જેવી સંવેદનશીલ પ્રવૃત્તિઓ સરકારી નિયંત્રણમાં રહેશે.
વિદેશી ટેકનોલોજી અને રોકાણ: આ બિલ વિદેશી ભાગીદારો સાથે ‘જોઈન્ટ વેન્ચર’ કરવાની છૂટ આપે છે, જે ભારતમાં ફ્રાન્સ, અમેરિકા અને રશિયાની અત્યાધુનિક પરમાણુ ટેકનોલોજી લાવવામાં મદદરૂપ થશે.
સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMR) – નવી ક્રાંતિ: બિલમાં SMR ટેકનોલોજી પર વિશેષ ભાર છે. SMR એ નાના કદના રિએક્ટર્સ છે જે ફેક્ટરીમાં બનાવી શકાય છે. તેમાં ‘પેસિવ સેફ્ટી ફીચર્સ’ હોય છે, એટલે કે અકસ્માત સમયે વીજળી વગર પણ રિએક્ટર આપમેળે ઠંડુ પડી જાય છે. તેને સ્ટીલ પ્લાન્ટ કે ડેટા સેન્ટરની બાજુમાં સ્થાપી શકાય છે, જેથી ટ્રાન્સમિશન લોસ શૂન્ય થઈ જાય.
ન્યુક્લિયર રેગ્યુલેટરી ઓથોરિટીની સ્વાયત્તતા: ખાનગી કંપનીઓ આવવાથી સુરક્ષાનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે સરકાર એક નવી, વધુ શક્તિશાળી અને સ્વાયત્ત નિયામક સંસ્થા બનાવશે, જે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના (IAEA) ધોરણો મુજબ દેખરેખ રાખશે.
વિદેશી ભાગીદારી અને FDI: આ બિલમાં ‘ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ’ના (FDI) નિયમોને હળવા કરવાની દરખાસ્ત છે. આનાથી અમેરિકાની ‘વેસ્ટિંગહાઉસ’ કે ફ્રાન્સની ‘EDF’ જેવી કંપનીઓ ભારતીય ખાનગી કંપનીઓ સાથે 49% કે તેથી વધુની ભાગીદારી કરી શકશે.
પરિવર્તનની જરૂરિયાત
એક મોટો પરમાણુ પ્લાન્ટ (1000 MW) સ્થાપવા માટે ₹20,000 થી ₹30,000 કરોડનું રોકાણ જોઈએ છે, જે એકલી સરકાર માટે મુશ્કેલ હતું. આ સિવાય સરકારી પ્રક્રિયાઓને કારણે કુડનકુલમ અને જેતાપુર જેવા પ્રોજેક્ટ્સ દાયકાઓથી લંબાઈ રહ્યા છે. ભવિષ્યનું વિચારીએ તો ભારતને 2047 સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવા માટે ઓછામાં ઓછી 100 GW પરમાણુ ક્ષમતાની જરૂર છે, જે હાલમાં માત્ર 8 GWની આસપાસ છે. તેથી હાલમાં આ પરિવર્તનની આવશ્યકતા હતી.
આર્થિક અસરો અને રોકાણની તકો
શાંતિ બિલ આવવાથી રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. નિષ્ણાતોના મતે આ ક્ષેત્ર ખુલવાથી આગામી દાયકામાં ભારતીય ઉર્જા ક્ષેત્રમાં $100 બિલિયનથી વધુનું રોકાણ આવી શકે છે. પરમાણુ ઉર્જાનો સૌથી મોટો પડકાર તેનો ‘કેપિટલ કોસ્ટ’ (સ્થાપના ખર્ચ) છે. બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC) પરમાણુ વીજળીના ભાવ નક્કી કરશે, જેથી ખાનગી કંપનીઓને તેમના રોકાણ પર વ્યાજબી વળતર મળી શકે.
વ્યૂહાત્મક અને પર્યાવરણીય મહત્વ
શાંતિ બિલ ભારતને માત્ર આર્થિક રીતે જ નહીં પણ પર્યાવરણની દૃષ્ટિએ રીતે પણ મજબૂત બનાવશે. હાલમાં ભારતની 70%થી વધુ વીજળી કોલસાથી બને છે. પરમાણુ ઉર્જા એ ‘બેઝ લોડ’ પાવર છે, જે પવન કે સૌર ઉર્જાની જેમ હવામાન પર આધારિત નથી. આ બિલ ભારતને ઉર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરી શકે છે. નાના રિએક્ટર્સ બનાવીને ભારત અન્ય દેશોને તેની નિકાસ પણ કરી શકશે.
2010ના જવાબદારી કાયદા મુજબ અકસ્માતની સ્થિતિમાં સપ્લાયર પર મોટી જવાબદારી આવે છે. ખાનગી કંપનીઓ આ જોગવાઈમાં રાહતની માંગ કરી રહી છે. રેડિયોએક્ટિવ કચરાના નિકાલ માટે ભારત પાસે હજુ પણ કોઈ મોટું ખાનગી માળખું નથી. આ જવાબદારી કોની રહેશે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. પરમાણુ પ્લાન્ટ સામે સ્થાનિક સ્તરે વિરોધ થવાની સંભાવના હંમેશા રહેલી હોય છે (જેમ કે જૈતાપુર અથવા કુડનકુલમ).
ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં તેની પરમાણુ ક્ષમતાને 10 ગણી વધારીને 100 GW સુધી લઈ જવાનું છે. શાંતિ બિલ આ વિઝનનો મુખ્ય પિલર છે. ખાનગી ક્ષેત્રની કાર્યક્ષમતા અને સરકારી નિયમનનું મિશ્રણ ભારતને ઉર્જા ક્ષેત્રે ‘આત્મનિર્ભર’ બનાવશે. શાંતિ બિલ 2025એ ભારતના ‘એટોમિક રેનેસાં’ની શરૂઆત છે. તે રોકાણ લાવશે, પ્રદૂષણ ઘટાડશે અને કરોડો ભારતીયોને ચોવીસ કલાક વીજળી પૂરી પાડવામાં મદદરૂપ થશે. આ મોદી સરકારે રજૂ કરેલ બિલ ભારતના પરિવર્તન માટેનું એક શક્તિશાળી સાધન સાબિત થશે.


