
બાંગ્લાદેશમાં જ્યારથી વચગાળાની મુહમ્મદ યુનુસ સરકારે નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી તેના ભારત સાથેના સંબંધો ઘણા નીચા સ્તરે પહોંચી ગયા છે. આ સિવાય બાંગ્લાદેશી નેતાઓ ભારત વિરુદ્ધ નિવેદનો આપતા અને કટ્ટરપંથી બોલ બોલતા જોવા મળ્યા છે. આ અંગે ભારતે કડક વલણ અપનાવ્યું છે અને 17 ડિસેમ્બરના રોજ તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશના હાઈ કમિશનર મોહમ્મદ રિયાઝ હમીદુલ્લાહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમને નવી દિલ્હી બોલાવીને ભારતની ગંભીર ચિંતાઓ અને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતા.
નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા છે કે ઢાકા સ્થિત ભારતીય હાઈકમિશન અને અન્ય કોન્સ્યુલેટ્સને નિશાન બનાવવાની ધમકીઓ મળી રહી છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે રાજદ્વારીઓની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આ સિવાય ભારતે સેવન સિસ્ટર્સ (ઉત્તર-પૂર્વના 7 રાજ્યો) પર બાંગ્લાદેશી નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનો પર પોતાનો વાંધો અને નારાજગી પણ વ્યક્ત કરી છે.
કટ્ટરપંથી ગતિવિધિઓ તરફ દોર્યું ધ્યાન
વિદેશ મંત્રાલયે જારી કરેલ નિવેદન અનુસાર બાંગ્લાદેશમાં કથળતી જતી સુરક્ષા વ્યવસ્થા અંગે ભારતની ગંભીર ચિંતાઓથી રિયાઝ હમીદુલ્લાહને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ઢાકા સ્થિત ભારતીય મિશનની આસપાસ સુરક્ષા ભંગ કરવાના ઇરાદા ધરાવતા કેટલાક કટ્ટરપંથી તત્વોની ગતિવિધિઓ તરફ તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ સિવાય એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ અંગે કટ્ટરપંથી તત્વો દ્વારા જે ખોટા નિવેદનો અને ખોટા નેરેટિવ્સ ફેલાવવામાં આવી રહ્યા છે, તેને ભારત સંપૂર્ણપણે નકારી કાઢે છે. ભારત સરકારે જણાવ્યું કે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે આવી ઘટનાઓની ન તો કોઈ ઊંડી તપાસ કરી છે, ન તો આ બાબતે ભારત સાથે કોઈ અર્થપૂર્ણ પુરાવાઓ શેર કર્યા છે.
બાંગ્લાદેશની મુક્તિમાં ભારતનું યોગદાન આપવ્યું યાદ
આ દરમિયાન હાઈકમિશનને બાંગ્લાદેશની મુક્તિમાં ભારતે આપેલ અભૂતપૂર્વ યોગદાન યાદ અપાવવામાં આવ્યું હતું. નિવેદનમાં લખ્યું હતું કે, “મુક્તિ સંગ્રામના પાયા પર બનેલા ભારત અને બાંગ્લાદેશના સંબંધો અત્યંત ગાઢ અને મૈત્રીપૂર્ણ છે, જે વિવિધ વિકાસલક્ષી કાર્યો અને જન-સંપર્ક દ્વારા વધુ મજબૂત બન્યા છે. ભારત હંમેશા બાંગ્લાદેશમાં શાંતિ અને સ્થિરતાનો પક્ષધર રહ્યું છે અને અમે સતત એ માંગણી કરી છે કે ત્યાં મુક્ત, ન્યાયી, સર્વસમાવેશક અને વિશ્વસનીય ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય.”
The Bangladesh High Commissioner to India, Riaz Hamidullah, was today summoned by the Ministry of External Affairs and apprised of India’s strong concerns at the deteriorating security environment in Bangladesh. His attention was drawn, in particular, to the activities of some… https://t.co/6GOZHBOgsB pic.twitter.com/jNdxSK0Nc3
— ANI (@ANI) December 17, 2025
MEAએ કહ્યું છે કે ભારત એવી અપેક્ષા રાખે છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પોતાની રાજદ્વારી જવાબદારીઓ યોગ્ય રીતે અદા કરશે અને બાંગ્લાદેશમાં સ્થિત ભારતીય દૂતાવાસ અને અન્ય કચેરીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો બાંગ્લાદેશ સરકાર સુરક્ષા આપવામાં અસમર્થ જણાશે, તો ભારત પોતાના રાજદ્વારીઓની સુરક્ષા માટે વૈકલ્પિક કડક નિર્ણયો લેતા અચકાશે નહીં.
ભારતે આપી દીધો સ્પષ્ટ સંદેશ
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં માત્ર ભારતીય દૂતાવાસ જ નહીં, પરંતુ ISKCON જેવા સંગઠનો અને લઘુમતી હિંદુઓ પર પણ અત્યાચારના મામલા પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે ભારતનું આ પગલું આ અરાજકતા સામેનો એક મજબૂત વિરોધ છે. હાઈકમિશનરને બોલાવીને ભારતે સંકેત આપ્યો છે કે બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકાર સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ રહી છે અને તેને ગંભીરતાથી સુધારવાની જરૂર છે.
ભારતનું આ પગલું એ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ ‘નેશન ફર્સ્ટ’ના સિદ્ધાંત પર કાર્યરત છે. બાંગ્લાદેશમાં અસ્થિરતાનો લાભ લઈને ભારત વિરોધી તત્વો સક્રિય ન થાય તે જોવાની જવાબદારી હવે સંપૂર્ણપણે ઢાકા પ્રશાસનની છે. ભારતે હાઈકમિશનને સમન્સ કરીને પોતાની ‘રેડ લાઈન’ સ્પષ્ટ કરી દીધી છે.

