16મી ડિસેમ્બરને ભારત અને બાંગ્લાદેશમાં વિજય દિવસ કે વિક્ટરી ડે તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આ દિવસે 1971માં ભારતીય સશસ્ત્રદળોએ બાંગ્લાદેશી સ્વાતંત્ર્ય સેનાનીઓના સહયોગથી પાકિસ્તાની સેનાને ઘૂંટણીયે પાડી દીધી હતી. નવ મહિના સુધી ચાલેલા આ રક્તરંજિત યુદ્ધનો અંત ભારતના નિર્ણાયક વિજય અને બાંગ્લાદેશની મુક્તિથી આવ્યો હતો. 1971ના યુદ્ધમાં હજારો વીર સપૂતોએ બલિદાન આપ્યું હતું. જોકે RAWના કેટલાક અનામી ‘ધુરંધરો’ પણ હતા જેમણે મૌન રહીને પણ ભારતની નિર્ણાયક જીત સુનિશ્ચિત કરી હતી.
1962નું ભારત-ચીન યુદ્ધ અને 1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધ, આ બંને યુદ્ધોએ 1968માં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની (RAW) સ્થાપના જરૂરી બનાવી હતી. RAWના સ્થાપક રામેશ્વર નાથ કાઓએ પ્રતિભાશાળી લોકોની ભરતી કરીને, ગુપ્ત એસેટ્સ અને ગુપ્ત ઑપરેશન્સની ક્ષમતાઓ સ્થાપિત કરીને ભારતની આ ગુપ્તચર એજન્સીને તૈયાર કરી હતી. આર.એન. કાઓએ RAWને વિદેશી ગુપ્ત માહિતી એકત્ર કરવા અને રાષ્ટ્રીય હિતમાં ગુપ્ત કામગીરી હાથ ધરવા માટે એક પ્રચંડ શક્તિ તરીકે વિકસાવી હતી.
#VijayDiwas
— Indian Air Force (@IAF_MCC) December 16, 2025
On 16 December 1971, Lt Gen AAK Niazi handed over his epaulets and revolver to the Indian Forces, marking the unconditional surrender of Pakistani Forces. Dacca erupted in joy as power was transferred to the new Government of Bangladesh.
India’s armed forces,… pic.twitter.com/bzG0EcRjJy
પૂર્વ પાકિસ્તાનમાં અશાંતિ, પ્રારંભિક ચેતવણીઓ અને RAWની વ્યૂહાત્મક દૂરંદેશી
ધ ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાન 1947માં ભારતના વિભાજન બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. તેની રચના થઈ ત્યારથી જ પાકિસ્તાન પર સેનાનાં નેતૃત્વનું વર્ચસ્વ રહ્યું હતું. જેના કારણ પૂર્વ પાકિસ્તાનના (હાલનું બાંગ્લાદેશ) લોકોને પશ્ચિમ પાકિસ્તાન દ્વારા સતત રાજકીય, આર્થિક, ધાર્મિક, ભાષાકીય અને સાંસ્કૃતિક ભેદભાવનો ભોગ બનવું પડતું હતું. ભેદભાવપૂર્ણ પશ્ચિમ પાકિસ્તાની સેના સામે પૂર્વ પાકિસ્તાની વસ્તીમાં રોષ વધી રહ્યો હતો.
3જી ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સેનાના સીધા હસ્તક્ષેપ વિશે સૌ જાણે છે, પરંતુ તે પહેલાં RAW દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં કરવામાં આવેલા ગેરિલા ઑપરેશન વિશે માત્ર ભારતીયો જ નહીં પણ બાંગ્લાદેશીઓએ પણ જાણવું જોઈએ.
1970માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં શેખ મુજીબુર રહેમાનનાં નેતૃત્વ હેઠળની આવામી લીગે પૂર્વ પાકિસ્તાનની 169 બેઠકોમાંથી 167 બેઠકો જીતી હતી. આવામી લીગ કાયદેસર રીતે સરકાર બનાવવા માટે હકદાર હતી, જોકે પ્રમુખ યાહ્યા ખાન અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સહિતના પશ્ચિમ પાકિસ્તાની નેતૃત્વએ સત્તા સોંપવાનો ઇનકાર કર્યો. તેનાથી મોટાપાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા. જેના જવાબમાં, પાકિસ્તાની દળોએ ક્રૂર ઑપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું, જેમાં બંગાળીઓ અને હિંદુઓની હત્યા, બળાત્કાર અને જુલમ શરૂ કરવામાં આવ્યો. પાકિસ્તાની અસભ્ય દળોએ 30 લાખથી વધુ લોકોનો નરસંહાર કર્યો. યાહ્યા ખાનના ઈશારે પાકિસ્તાની દળોની આ ક્રૂરતાના પરિણામે 10 લાખથી વધુ બંગાળીઓએ પોતાની માતૃભૂમિમાંથી પલાયન કરવું પડ્યું.
RAWની દૂરંદેશી અને ‘કાઓ યોજના’
RAWએ એપ્રિલ 1969ની શરૂઆતમાં જ ભારત સરકારને પૂર્વ પાકિસ્તાનની અશાંતિ અને ભેદભાવપૂર્ણ પાકિસ્તાની નેતૃત્વ વિરુદ્ધ બંગાળીઓમાં વધતા રોષ વિશે માહિતી આપી હતી. RAWએ આગાહી કરી હતી કે પાકિસ્તાની દળો હિંસાનો આશરો લઈ શકે છે, જેનાથી બળવો થશે અને છેવટે બાંગ્લાદેશની માંગ વધુ તીવ્ર બનશે. RAWના વડા આર.એન. કાઓએ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને સીધા હસ્તક્ષેપનો વિકલ્પ ખુલ્લો રાખવાની સલાહ આપી હતી.
એ વાસ્તવિકતા છે કે RAWની દૂરંદેશીને કારણે જ ભારત સૈન્યની દૃષ્ટિએ, રાજદ્વારી રીતે અંતિમ અને નિર્ણાયક સૈન્ય હસ્તક્ષેપ માટે તૈયાર થઈ શક્યું હતું. ભારતીય ગુપ્તચર એજન્સીએ પૂર્વ પાકિસ્તાનના નેટવર્ક્સમાં જાળ પાથરી અને પાકિસ્તાની આર્મીની હિલચાલ, રાજકીય દમન અને બંગાળી લોકો પરના જુલમ વિશે રીઅલ-ટાઇમ ગુપ્ત માહિતી એકત્રિત કરી.
કાઓ યોજના, મુક્તિ વાહિનીને તાલીમ અને શસ્ત્રો
આર.એન. કાઓએ એક વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટ તૈયાર કરી, જેને ‘કાઓ પ્લાન’ અથવા ‘કાઓ બાંગ્લા પ્લાન’ તરીકે ઓળખવામાં આવી. આ યોજનાનો હેતુ પાકિસ્તાનની નબળાઈઓનો લાભ લેવાનો હતો. આ નબળાઈઓમાં ભૌગોલિક વિભાજન, આર્થિક અસમાનતા, વંશીય, ભાષાકીય અને સાંસ્કૃતિક તફાવતો અને સૌથી મહત્વપૂર્ણ, પશ્ચિમ પાકિસ્તાની નેતૃત્વનો બંગાળીઓ પ્રત્યેનો તિરસ્કાર અને દમનકારી વર્તન સામેલ હતા. RAWના ‘કાઓબોયઝ’એ ગુપ્ત માહિતી એકત્રિત કરી, ગુપ્ત કામગીરી હાથ ધરી અને સાયકોલોજિકલ યુદ્ધનું આયોજન કર્યું.
બાંગ્લાદેશની મુક્તિમાં RAWનું સૌથી મહત્વનું યોગદાન હતું મુક્તિ વાહિનીને ગેરિલા તાલીમ આપવી અને સશસ્ત્ર બનાવવાની ભૂમિકા. 1971ની શરૂઆતથી RAWએ ભારત-પૂર્વ પાકિસ્તાન સરહદ પર ઑપરેશન જેકપોટ હેઠળ ગુપ્ત તાલીમ શિબિરો સ્થાપવાનું શરૂ કરી દીધું હતું. RAW અને ભારતીય સેનાએ 83,000 થી 1,00,000 બંગાળી સ્વાતંત્ર્ય સેનાનીઓને તાલીમ આપી, જેમાં શેખ મુજીબુર રહેમાન પ્રત્યે વફાદાર 10,000 યુવાનોનું વિશેષ મુજીબ બાહિની સશસ્ત્ર જૂથ પણ સામેલ હતું. મુક્તિ વાહિનીના ઑપરેટિવ્સને ગેરિલા યુદ્ધની પદ્ધતિઓની અને ગુપ્ત માહિતી એકત્રિત કરવાની તાલીમ આપવામાં આવી હતી. લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંઘ અરોરાએ મુક્તિ વાહિનીની તાલીમ અને પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.

RAWએ આપેલ તાલીમ મુજબ મુક્તિ વાહિનીએ હિટ-એન્ડ-રન હુમલાઓ કર્યા, પાવર પ્લાન્ટ્સ જેવા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તોડફોડ કરી, પોલીસ સ્ટેશનોમાંથી શસ્ત્રો લૂંટ્યા અને ઘણા કિસ્સાઓમાં પાકિસ્તાની સૈનિકોને રોકી પણ રાખ્યા. ઉપરાંત દમનકારી પાકિસ્તાની સેનાના સંરક્ષણને નબળું પાડવા અને કનેક્ટિવિટીને ખોરવવા માટે રેલવે લાઈનો અને પુલો ઉડાવી દીધાં હતાં.
મુક્તિ વાહિનીના વારંવારના ગેરિલા હુમલાઓએ પાકિસ્તાની દળોને સતત ભય અને ચિંતાની સ્થિતિમાં મૂકી દીધાં હતાં. પશ્ચિમ પાકિસ્તાના માણસો ગ્રામ્ય વિસ્તારોમાં તેમનું પોલીસ સ્ટેશન પરનું નિયંત્રણ ગુમાવવા લાગ્યા અને એક તબક્કો એવો આવ્યો કે સંપૂર્ણ વહીવટનું પતન થયું. જેનો સામનો કરવા માટે પાકિસ્તાની સરકારી દળોએ રઝાકાર, અલ-બદર અને અલ-શમ્સ જેવા સહાયક એકમોની રચના કરી. પાકિસ્તાની સરકાર આ એકમો દ્વારા વહીવટી સત્તા પાછી મેળવવા માગતી હતી. જોકે, આ વ્યૂહરચના નિષ્ફળ ગઈ, કારણ કે મુક્તિ વાહિનીના સેનાનીઓએ આ ઇસ્લામિસ્ટ કટ્ટરવાદીઓને સરળતાથી નિશાન બનાવ્યા.
સંપૂર્ણ સૈન્ય આક્રમણ પહેલાં ભારતીય RAWએ પાકિસ્તાની દળો સામે સાયકોલોજિકલ યુદ્ધ કર્યું. RAWએ પાકિસ્તાની પ્રચારનો સામનો કરવા માટે બંગાળી સ્વાતંત્ર્ય સેનાનીઓને સૂત્રો, પત્રિકાઓ, ગીતો અને અન્ય પ્રકારના પ્રતીકવાદનો ઉપયોગ કરવામાં મદદ કરી, જેથી પાકિસ્તાની દમનકારી દળોના મનોબળને કચડી શકાય અને સંદેશ પહોંચાડ્યો કે પૂર્વ પાકિસ્તાનમાં તેમના હવે ગણ્યાગાંઠ્યા દિવસો જ બચ્યા છે.

જોકે RAWની સંડોવણી માત્ર સશસ્ત્ર સંઘર્ષ માટે બંગાળી સેનાનીઓને તાલીમ આપવા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેમાં પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન બંનેના બંગાળી નાગરિક કર્મચારીઓ અને અમલદારોનો પણ સમાવેશ થતો હતો. આ એસેટ્સ RAWને મહત્ત્વપૂર્ણ આંતરિક ગુપ્ત માહિતી પૂરી પાડતી હતી, જે પછીથી જમીન પરના બંગાળી સ્વાતંત્ર્ય સેનાનીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી.
‘ગંગા’ ઑપરેશન, ઑપરેશન ઇગલ અને ઉત્તરપૂર્વમાં બળવાખોરી વિરોધી કાર્યવાહી
બાંગ્લાદેશી યુવાનોની મુક્તિ વાહિની માટે ભરતી અને તાલીમ આપવા ઉપરાંત RAWએ ઘણી કામગીરીઓ હાથ ધરી હતી, જેની ચર્ચા ઘણી ઓછી થાય છે. આ કાર્યવાહીઓએ પાકિસ્તાની દળોને ચોંકાવી દીધા, તેમના લોજિસ્ટિક્સને ખોરવી નાખ્યા અને તેમનું મનોબળ તોડી નાખ્યું હતું.
આર.એન. કાઓ જાણતા હતા કે પાકિસ્તાન હવાઈ માર્ગે મોટી સંખ્યામાં સૈન્ય કર્મચારીઓને પૂર્વ પાકિસ્તાનમાં ખસેડી રહ્યું છે. તેના જવાબમાં RAW ચીફે ભારતીય જમીન પર આ ઓવરફ્લાઇટ્સને રોકવા માટે એક ઑપરેશનની યોજના બનાવી.
30મી જાન્યુઆરી 1971ના રોજ RAWએ શ્રીનગરથી લાહોર જતી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ‘ગંગા’નું અપહરણ કરાવ્યું. અપહરણકર્તાઓએ પોતાને કાશ્મીરી અલગતાવાદીઓ તરીકે રજૂ કર્યા, મુસાફરોને મુક્ત કર્યા અને વિમાનને સળગાવી દીધું. ત્યારબાદ ભારત સરકારે આ ઘટનાનો ઉપયોગ ભારતીય જમીન પર પાકિસ્તાની ઓવરફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાના બહાના તરીકે કર્યો. આ પગલાંથી પશ્ચિમ પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાન સુધી સૈનિકો અને પુરવઠાના પરિવહનની ક્ષમતા મર્યાદિત થઈ ગઈ. પાકિસ્તાને વૈકલ્પિક રસ્તા તરીકે 5,500 કિમીના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો પડ્યો, જેનો ભારતે ફાયદો ઉઠાવ્યો.
માર્ચ 1971માં યાહ્યા ખાન ઢાકાથી કરાચી પાછા ફર્યા પછી પાકિસ્તાની દળોએ પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી લોકોનો નરસંહાર શરૂ કર્યો. RAWએ શેખ મુજીબુર રહેમાનને જાણ કરી કે પાકિસ્તાન આર્મી તેમને પકડવાની યોજના બનાવી રહી છે. રહેમાને તેમના વિશ્વાસુઓને છુપાવી દીધા પરંતુ પોતે ધનમંડી નિવાસસ્થાને જ રોકાયા. 26મી માર્ચ 1971ના રોજ રહેમાનની ધરપકડ કરવામાં આવી. RAWએ પાકિસ્તાન આર્મીનો ‘ધ બર્ડ ઈઝ કેજ્ડ’ સંદેશ ઇન્ટરસેપ્ટ કર્યો અને ભારતીય મીડિયાએ આ સમાચારને સમગ્ર વિશ્વમાં ફેલાવ્યા.
એક તરફ પાકિસ્તાની દળો બંગાળીઓ પરની તેમની કાર્યવાહી તેજ કરીને નરસંહાર કરી રહ્યા હતા બીજી તરફ ભારતની એજન્સીઓ જાણતી હતી કે બંગાળી લોકોને બચાવવા માટે ભારતે હસ્તક્ષેપ કરવાનો સમય આવી ગયો છે.
તત્કાલીન પૂર્વ પાકિસ્તાનના બંગાળી લોકોનો નરસંહાર અને બળાત્કારની ઘટનાઓનું નેતૃત્વ ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ યાહ્યા ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. અંદાજ મુજબ 2,00,000થી વધુ બંગાળીઓ માર્યા ગયા હતા અને નરસંહારના ભાગરૂપે ઇરાદાપૂર્વકના બળાત્કારનાં કાવતરાંમાં પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ અને રઝાકારોએ 2,00,000થી 4,00,000 બંગાળી મહિલાઓ અને બાળકીઓ પર બળાત્કાર કર્યો હતો. ભયાવહતા એવી હતી કે બંગાળી મહિલાઓ શબની જેમ પડી હતી, ત્યારે પણ પાકિસ્તાની પુરુષોએ તેમની સાથે બળાત્કાર કર્યો હતો.
જ્યારે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ સૈન્ય હસ્તક્ષેપમાં પાકિસ્તાન સામે ભારતની વ્યૂહરચના શું હશે તેની ચર્ચા કરી ત્યારે RAWના વડાને આગામી કાર્યવાહીની જવાબદારી સોંપવામાં આવી. આર.એન. કાઓ અને તેમના ‘કાઓબોયઝ’ – પાકિસ્તાન ડેસ્કના વડા કે. સંકરન નાયર, બાંગ્લાદેશ ઑપરેશનના વડા પી.એન. બેનર્જી અને RAWના ટેકનિકલ વિભાગના વડા બ્રિગેડિયર એમ.બી.કે. નાયરે ખાતરી કરી કે તમામ તૈયારીઓ થઈ ગઈ છે.
એપ્રિલ 1971માં કલકત્તામાં બાંગ્લાદેશની એક નિર્વાસિત સરકારની રચના કરવામાં આવી અને મુજીબ નગરને તેની રાજધાની બનાવવામાં આવી. વધુમાં, પૂર્વ પાકિસ્તાની લોકોને નિર્વાસિત બાંગ્લાદેશી સરકારની યોજનાઓ વિશે માહિતગાર રાખવા માટે મુજીબ નગરમાં એક બાંગ્લાદેશ રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું. રસપ્રદ વાત એ છે કે, કલકત્તામાં RAWના સંયુક્ત નિયામક પી.એન. બેનર્જી આ સરકારના એકંદર પ્રભારી હતા.
આ ઉપરાંત RAWએ સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (SFF), જે એક તિબેટીયન અર્ધલશ્કરી એકમ હતું અને RAWના આદેશ હેઠળ કાર્યરત હતું, તેના સહયોગથી ઑપરેશન ઇગલ શરૂ કર્યું. RAWએ આ ઑપરેશન દ્વારા ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સને (CHT) નિશાન બનાવ્યું હતું. બ્રિગેડિયર સુજન સિંઘ ઉબાનના નેતૃત્વ હેઠળ SFF કમાન્ડોએ તોડફોડ કરી મુખ્ય પુલોને નષ્ટ કર્યા અને પાકિસ્તાની એકમો જેવા કે 97 ઇન્ડિપેન્ડન્ટ બ્રિગેડ અને 2 કમાન્ડો બટાલિયનને ધૂળ ચટાડી દીધી. બ્રિગેડિયરે આર.એન.એ RAW દ્વારા હાથ ધરવામાં આવેલા સૌથી ગુપ્ત મિશનમાંથી એકને પાર પાડ્યું.
ઑપરેશન ઇગલથી ભારતને ન્યૂનતમ નુકસાન થયું, પરંતુ તેણે મ્યાનમારના પ્રદેશમાં પાકિસ્તાની દળોની ઘૂસણખોરીને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી દીધી. આ ઑપરેશને પાકિસ્તાનના નિયંત્રણને ઘણા અંશે નબળું પાડી દીધું અને બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભારતના અંતિમ વિજયમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. અનેક મોરચાના યુદ્ધને રોકવા અને ભારતની પૂર્વીય સરહદોને સુરક્ષિત કરવા માટે RAWએ જેમને ચીન અને પાકિસ્તાન તરફથી ટેકો મળી રહ્યો હતો એવા નાગા અને મિઝો બળવાખોરો સામે કાર્યવાહી કરી.
પાકિસ્તાન એર ફોર્સના હુમલાઓ વિશે RAWનું પૂર્વાનુમાન
‘કલમા કી તાકત’ એવા સુપરપાવરના ભ્રમમાં અગાઉ બે વખત ભારત સામે હાર્યા હોવા છતાં પાકિસ્તાની સશસ્ત્રદળો અને પ્રમુખ યાહ્યા ખાનમાં હજી ઘણો ભરોસો હતો કે તેઓ જીતી જશે. જોકે, આર.એન. કાઓ તેમના પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. 3જી ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાન એર ફોર્સએ (PAF) પશ્ચિમી ક્ષેત્રમાં બહુવિધ ભારતીય હવાઈ મથકોને નિશાન બનાવતા ‘ઑપરેશન ચંગીઝ ખાન’ની કાર્યવાહી શરૂ કરી. આ હુમલાઓએ ભારત-પાકિસ્તાન યુદ્ધની સત્તાવાર શરૂઆત કરી.
PAF એ રનવે, રડાર સ્થાપનો અને એરક્રાફ્ટ હેંગરોને નિશાન બનાવવા માટે F-86 સેબર્સ, B-57 કેનબેરા અને મિરાજ IIIs સહિત 50થી વધુ એરક્રાફ્ટ તહેનાત કર્યા. PAF IAFની કામગીરીમાં અવરોધ લાવવા માંગતું હતું. જોકે, PAFની વ્યૂહરચના અને IAFની સંપત્તિઓ વચ્ચે આર.એન. કાઓ અને તેમની RAW અડીખમ ઉભા હતા. ગુપ્તચર વડાએ PAF દ્વારા પૂર્વનિર્ધારિત હુમલાઓનો તાગ અગાઉથી જ મળેવી લીધો હતો અને સંબંધિત ભારતીય અધિકારીઓને જાણ પણ કરી દીધી હતી. જેના કારણે હવાઈ હુમલાઓની અસર ઘટાડવામાં મદદ મળી. PAFના હવાઈ હુમલાઓ IAFને નુકસાન ન કરી શક્યા, જ્યારે IAFએ અનેક પાકિસ્તાની વિમાનોનો મોટાપાયે વિનાશ વેર્યો.
RAWના વડા આર.એન. કાઓએ 4થી જાન્યુઆરી 1971ના રોજ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને લખેલી 24 પાનાંની ગુપ્ત નોંધમાં ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ધ્યાન ભટકાવવા માટે ભારત પર સૈન્ય હુમલો શરૂ કરી શકે છે. ભારતીય દળોએ RAW ચીફની ગુપ્ત માહિતી પર કાર્યવાહી કરી, કારણ કે તેઓ જાણતા હતા કે PAF ગમે ત્યારે હવાઈ હુમલા શરૂ કરી શકે છે. હકીકતમાં એવું નોંધાયું છે કે જ્યારે ભારતીય સૈનિકો 48 કલાકથી પાકિસ્તાની હુમલાની રાહ જોઈ રહ્યા હતા પણ હુમલો ન થયો ત્યારે એર ચીફને શંકા ગઈ અને તેમણે કાઓને તેના વિશે પૂછ્યું. RAW ચીફે એર ફોર્સને વધુ 24 કલાક રાહ જોવાનું કહ્યું અને બીજા જ દિવસે PAFએ હુમલો શરૂ કર્યો. જેમાં તેના ચાર ફાઇટર જેટ વિમાન તોડી પાડવામાં આવ્યાં અને ભારતીય હવાઈ મથકોને નજીવું નુકસાન થયું.
આર.એન. કાઓની સક્રિય ચેતવણીઓએ ન માત્ર પાકિસ્તાન એર ફોર્સના આક્રમણને નિષ્ફળ બનાવ્યું પરંતુ પાકિસ્તાનનાં આવા વલણે યુદ્ધમાં ભારતના હસ્તક્ષેપને પણ યોગ્ય ઠેરવ્યો, જેનાથી ભારતને વૈશ્વિક સ્તરે અનુકૂળ સ્થાન મળ્યું.
RAWએ ભારતની નિર્ણાયક જીત સુનિશ્ચિત કરી અને બાંગ્લાદેશની મુક્તિમાં મદદ કરી
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના બહુપક્ષીય પ્રયાસો, પછી તે પ્રારંભિક ચેતવણીઓ હોય, બંગાળી સ્વાતંત્ર્ય સેનાનીઓને તાલીમ અને લોજિસ્ટિકલ સપોર્ટ હોય, ગુપ્ત વિક્ષેપો હોય, રાજદ્વારી કુશળતા હોય કે સાયકોલોજિકલ યુદ્ધ હોય, RAWના ‘ધુરંધરો’એ ભારતની નિર્ણાયક જીત સુનિશ્ચિત કરી.

પરિણામે ભારત-પાકિસ્તાન યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું અને 16મી ડિસેમ્બર 1971ના રોજ ઢાકામાં 93,000 પાકિસ્તાની સૈનિકોનાં આત્મસમર્પણ અને શરણાગતિ સાથે સમાપ્ત થયું.
ભારતીય દળો અને બંગાળી સ્વાતંત્ર્ય સેનાનીઓની વીરતા અને બલિદાનના પરિણામે એક મુક્ત અને સ્વતંત્ર બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું.
93000 "brave" men of Pakistan army surrendered and they were forced to take off their pants by the Indian Army.
— Kashmiri Hindu (@BattaKashmiri) December 16, 2025
But according to @khanumarfa this is not showing defeat of Pakistan, this is Islamophobia.
#VijayDiwas
pic.twitter.com/RC5CkLc8eu
નવી નવી સ્થપાયેલી એજન્સી RAWએ સાબિત કર્યું કે તે ન માત્ર ભારતની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરી શકે છે, પણ જુલમનો સામનો કરી રહેલા આપણા પાડોશીઓના બચાવમાં પણ આવી શકે છે.
પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ એક સમયે કહ્યું હતું કે “પૃથ્વી પર કોઈ શક્તિ પાકિસ્તાનને નષ્ટ કરી શકે નહીં”, પણ ભારતે પાકિસ્તાન બન્યાના બે દાયકા જેટલા સમયમાં જ પાકિસ્તાનનો અડધો ભાગ નષ્ટ કરી દીધો હતો. ત્યારબાદ ઝીણાની આ ટિપ્પણી મજાકને પાત્ર બની ગઈ હતી.


