હોમપેજદેશવંદે માતરમે જગાવી હતી ક્રાંતિની જ્વાળા, પણ ઇસ્લામવાદીઓને ન થયું સ્વીકાર: કઈ...

વંદે માતરમે જગાવી હતી ક્રાંતિની જ્વાળા, પણ ઇસ્લામવાદીઓને ન થયું સ્વીકાર: કઈ રીતે નેહરુ-કોંગ્રેસે હટાવ્યા હતા માતા દુર્ગાની સ્તુતિના છંદ?

1937મા મુસ્લિમ લીગે વંદે માતરમ્ ગીતનો ભારે વિરોધ કર્યો. તેમની દલીલો હતી કે:  ભારત માતાનું 'મૂર્તિરૂપણ' ઇસ્લામમાં કુબુલ નથી અને દુર્ગા-સ્તુતિવાળા છંદો 'ગૈર-ઇસ્લામી' છે. જોકે, આ ગીતમાં ભારતની જ ભવ્ય સભ્યતા અને સંસ્કૃતિના દર્શન થતાં હતા.

- Advertisement -

ભારતના ઇતિહાસમાં આદિગુરુ શંકરાચાર્યના ભાષ્ય અને પદ્ય પછી ઘણી ઓછી એવી રચનાઓ છે, જેણે સમગ્ર ભારતમાં ઉર્જા અને ક્રાંતિ ભભકાવી હતી. તે પૈકીની એક રચના છે ‘વંદે માતરમ્’. ‘વંદે માતરમ્’ માત્ર એક ગીત નથી, પણ ભારતવર્ષનું ધધકતું હ્રદય અને માતૃભૂમિની આરાધનાની સ્તુતિ છે. તે એક એવો મંત્ર છે, જેણે ગુલામીની અંધારી રાતોમાં ભારતીયોના હ્રદયમાં ક્રાંતિની જ્વાળા જગાવી હતી અને બ્રિટિશ સામ્રાજ્યને ભયભીત કરી દીધું હતું. આ એક એવી અનન્ય રચના હતી, જે ક્રાંતિવીરોના કંઠમાંથી યુદ્ધઘોષ બનીને નીકળી હતી. 

પરંતુ એક હકીકત એ પણ છે કે આ મૂળ રચના સાથે ‘ઇસ્લામવાદીઓને ખુશ કરવા માટે’ તત્કાલીન કોંગ્રેસ અને નેહરુએ છેડછાડ કરી હતી અને તેનો પ્રાણ રચનાથી અલગ કરી દીધો હતો. ઇસ્લામવાદીઓ નિરાશ ન થાય એ માટે આ અનન્ય ગીતમાંથી માતા દુર્ગાના નામનો ઉલ્લેખ અને હિંદુ ધર્મનાં ચિહ્નો ધરાવતા છંદ અલગ કરી દેવાયા હતા. આજે આપણે રાષ્ટ્રગાન તરીકે જે ‘વંદે માતરમ્’ જોઈએ છીએ, તે મૂળ રચનાનો માત્ર અડધો ભાગ જ છે. આ કરતૂત માત્ર એક ગીત સાથે થયેલા રાજકીય સોદાની નહોતી, પણ રાષ્ટ્રીય સ્વમાન વિરુદ્ધ તુષ્ટિકરણની નીતિની પહેલી વૈચારિક લડાઈ હતી. 

‘વંદે માતરમ્’ની રચના

વંદે માતરમનું પ્રથમ સ્વરૂપ 1870ના દાયકામાં મહાન કવિ અને સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે રચ્યું હતું. બાદમાં તે આનંદમઠનો એક ભાગ બન્યું હતું. ગીતના પ્રથમ બે છંદ (सुजलाम् सुफलाम्) અત્યંત સરળ, બોધગમ્ય અને માતૃભૂમિની સૌમ્ય સ્તુતિ માટે સમર્પિત છે. પરંતુ ત્યારબાદના છંદ દેવી દુર્ગાની દિવ્ય શક્તિને રાષ્ટ્રરક્ષાના પ્રતીક તરીકે પ્રસ્તુત કરે છે. જેના શબ્દો છે- त्वं हि दुर्गा दशप्रहरणधारिणी. બંકિમચંદ્રે ભારત માતાને દેવી દુર્ગાનાં રૂપમાં જોયાં હતાં. જેમ કે માતૃભૂમિની શક્તિ, તેજ, ધર્મ અને સંરક્ષણના પ્રતીક તરીકે. 

- Advertisement -

તેથી ‘વંદે માતરમ્’ પોતાની ભીતર ધાર્મિક સંકીર્ણતા નહીં, પણ ભારતીય સાંસ્કૃતિક એકાત્મતાની અવધારણા રાખે છે. શિષ્ટ સંસ્કૃત ભાષામાં રચાયેલું આ ગીત ભારતની આત્માનો અવાજ ગણાય છે, જેમાં ભારત માતાનો એક દેવી તરીકે સ્વીકાર કરવામાં આવે છે. બાદમાં આ ગીતના આધારે જ ભારત માતાને દેવી દુર્ગા જેવાં સ્વરૂપમાં પૂજવામાં આવે છે. 

આ ગીત માત્ર એક કવિતા નથી, પણ મા અને માતૃભૂમિ બંનેની આરાધનાનો એક અદભૂત સંગમ પણ છે. તેમાં ભારતની ધરતી, પ્રકૃતિ અને સંસ્કૃતિને દેવી તરીકે પૂજવામાં આવ્યાં છે.

સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ રહ્યું હતું ગીત

1905માં બંગાળ વિભાજનના વિરોધમાં જ્યારે સ્વદેશી આંદોલન શરૂ થયું, ત્યારે વંદે માતરમ્ એક સામાન્ય ગીતથી આગળ વધીને આંદોલનનો અવાજ બની ગયું. શાળાઓમાં, કોલેજોમાં, જનસભાઓમાં અને રેલીઓમાં યુવાનો આ ગીત ગાતા હતા અને બ્રિટિશ રાજ વિરુદ્ધ સંઘર્ષને નવી ઊર્જા આપતા હતા.

રવીન્દ્રનાથ ટાગોરે તેને પહેલી વાર સંગીતમાં ઢાળીને જનતા સમક્ષ રજૂ કર્યું હતું. ત્યારપછી અરવિંદ ઘોષ, બિપિન ચંદ્ર પાલ, બાલ ગંગાધર તિલક અને અનેક નેતાઓએ તેને સ્વતંત્રતા આંદોલનનું પ્રતીક બનાવી દીધું. તે સમયે આ ગીત દરેક ભારતીયના હૃદયમાં સાહસ અને પ્રેરણાની જ્વાળા પ્રગટાવનારો એક મંત્ર બની ગયો હતો. 

ક્રાંતિની જ્વાળા બનેલા ગીતથી ભયભીત હતા અંગ્રેજો

‘વંદે માતરમ્’ ગીત સમયની સાથે ભારતની સ્વાધીનતાનો મંત્ર બની રહ્યું હતું. ક્રાંતિવીરો ‘વંદે માતરમ્’ના ઉદઘોષ સાથે અંગ્રેજોને હંફાવી રહ્યા હતા. તેવામાં અંગ્રેજોને પણ આ ગીત કણાની જેમ ખૂંચી રહ્યું હતું. જેના કારણે 1909માં અંગ્રેજ સરકારે વંદે માતરમ્ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રેલવે સ્ટેશન પર, શાળાઓમાં, સભાઓમાં, જ્યાં-જ્યાં આ ગીત ગુંજતું ત્યાં અંગ્રેજ અધિકારીઓ ડરી જતા, કારણ કે આ ગીત વિદ્રોહ જગાવી રહ્યું હતું.

વિદેશમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ અને ક્રાંતિકારીઓ આ ગીતને સંઘર્ષની ધ્વજા તરીકે લહેરાવી રહ્યા હતા. પૅરિસ, લંડન, ટોક્યો, દરેક જગ્યાએ વંદે માતરમ્ ભારતીય આત્માનો સૌથી ઊંચો સંદેશ બની ગયું હતું. 

મુસ્લિમ લીગનો વિરોધ અને સરેન્ડર થયા નેહરુ

1937મા મુસ્લિમ લીગે વંદે માતરમ્ ગીતનો ભારે વિરોધ કર્યો. તેમની દલીલો હતી કે: ભારતનું ‘મૂર્તિરૂપણ’ અને ‘માતા તરીકેનો સ્વીકાર’ ઇસ્લામમાં કુબુલ નથી અને દુર્ગા-સ્તુતિના છંદો ‘ગૈર-ઇસ્લામી’ છે. જોકે, આ ગીતમાં ભારતની જ ભવ્ય સભ્યતા અને સંસ્કૃતિના દર્શન થતાં હતા. તેમાં કોઈપણ બાબત ખોટી નહોતી કે નિરર્થક નહોતી, તેમ છતાં મુસ્લિમ લીગે તેનો વિરોધ શરૂ રાખ્યો. 

કટ્ટરપંથીઓને શાંત કરવા કોંગ્રેસે ગીતના છંદોના બે ભાગ અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. એટલે પહેલી વાર ભારતની મૂળ હિંદુ સાંસ્કૃતિક ઓળખને ‘લઘુમતીની લાગણીઓ’ના નામે ખસતી મૂકવામાં આવી. આ વિરોધ વચ્ચે 1937મા કોંગ્રેસે જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી, જેમાં મૌલાના અબુલ કલામ આઝાદ પણ સામેલ હતા. આઝાદે ગીતનો અભ્યાસ કર્યો અને નિષ્કર્ષ આપ્યો કે તેનાં પહેલા બે પદ માતૃભૂમિની વંદના કરે છે અને તેમાં કશું મજહબી લાગણીને ઠેસ પહોંચે તેવું નથી.

પરિણામે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રગાન તરીકે માત્ર બે જ પદ સ્વીકારવામાં આવશે. નેહરુની અધ્યક્ષતામાં કોંગ્રેસે સંક્ષિપ્ત સ્વરૂપ અપનાવવાનો નિર્ણય કર્યો, જેમાં જાણીજોઈને મા દુર્ગાની સ્તુતિના છંદો હટાવી દેવામાં આવ્યા હતા. આવી રીતે કોંગ્રેસે પોતાના સાંપ્રદાયિક એજન્ડા માટે ફૈઝપુર અધિવેશનમાં વંદે માતરમ્‌ના ટૂંકા સ્વરૂપને અપનાવ્યું હતું.

નેહરુએ વંદે માતરમ્ વિશે જે નિર્ણય લીધો એની અસર શું થઈ? 5 છંદના ગીતને કાપીને માત્ર 2 છંદ કરી દેવાથી મામલો શાંત થયો? ના. ઉલટું મોહમ્મદ અલી ઝીણા જેવા કટ્ટરવાદીઓને વધુ બળ મળ્યું. ઝીણાએ 1 માર્ચ 1938ના રોજ આ ગીતના વિરોધમાં ફરી એક મુહિમ ચલાવી અને ‘ધ ન્યૂ ટાઈમ્સ ઑફ લાહોર’માં લેખ લખ્યો. કટ્ટરપંથી મુસ્લિમોની લાગણીઓને ભડકાવવી અને ઝીણાના કટ્ટરવાદી વિચારોને કોંગ્રેસ દ્વારા પોષણ મળવું એ જ ભારતના વિભાજનનું મુખ્ય કારણ બન્યું. 

‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત બનાવવાનો પણ વિરોધ

1947-48મા રાષ્ટ્રગીત પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે સૌથી મોટી અડચણ દુર્ગા-સ્તુતિવાળા છંદો હતા. બંધારણ સભામાં અનેક સભ્યોએ કહ્યું હતું કે વંદે માતરમ્‌નું આખું ગીત જ રાષ્ટ્રગીત હોવું જોઈએ, કારણ કે સ્વાધીનતા સંગ્રામનું વાસ્તવિક ગીત તો એ જ હતું. પણ નેહરુ અને તેમના સલાહકારોએ મુસ્લિમ લીગના જૂના વિરોધને આધાર બનાવીને નિર્ણય લીધો અને તે ન થયું.

અલી સરદાર જાફરીને નેહરુનો પત્ર

જવાહરલાલ નેહરુએ અલી સરદાર જાફરીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, “મને લાગે છે કે આખું ગીત કોઈને ઠેસ પહોંચાડનારું નથી. પણ હું એ પણ માનું છું કે આ ગીત રાષ્ટ્રગીત બનવા ‘લાયક’ નથી. તેના કેટલાક શબ્દો લોકોને સમજાશે નહીં. કારણ કે તેમાં વ્યક્ત થયેલી લાગણીઓ આજના રાષ્ટ્રવાદને અનુકૂળ નથી. આપણે વધુ સરળ શબ્દોવાળું બીજું રાષ્ટ્રગીત શોધવું જોઈએ.” 

એટલું જ નહીં, નેતાજી સુભાષચંદ્ર બોઝને લખેલી નેહરુની 1937ની ચિઠ્ઠીમાં પણ આ મુદ્દે સ્પષ્ટતા આપવામાં આવી હતી. ચિઠ્ઠીમાં નેહરુએ કહ્યું હતું કે વંદે માતરમ્‌ની પૃષ્ઠભૂમિ મુસ્લિમોને નારાજ કરી શકે છે. 1 સપ્ટેમ્બર 1937ની આ ચિઠ્ઠીમાં નેહરુએ કડવાશથી લખ્યું કે ‘વંદે માતરમ્’ના શબ્દોને કોઈ દેવી સાથે જોડીને જોવું બેવકૂફી છે. તેમણે વ્યંગ્યપૂર્ણ રીતે એ પણ કહ્યું કે ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગીત તરીકે યોગ્ય નથી. 20 ઑક્ટોબર 1937ના રોજ પણ નેહરુએ નેતાજી બોઝને પત્ર લખીને દાવો કર્યો કે ‘વંદે માતરમ્’ની પૃષ્ઠભૂમિ મુસ્લિમોને નારાજ કરી શકે છે.

નેહરુનો પત્ર

1948માં એકનોટમાં નેહરુએ લખ્યું હતું કે રાષ્ટ્રગીતની પસંદગી તેની ધૂનની વ્યવહારિકતા પર નિર્ભર છે, તેને સૈન્ય બૅન્ડ અને ઑર્કેસ્ટ્રા સરળતાથી વગાડી શકે અને વિદેશીઓ માટે પણ તેની રચના સમજવી અને અપનાવવી મુશ્કેલ ન હોવી જોઈએ. નેહરુના મતે ‘વંદે માતરમ્’ની ધુન વિલાપ-સ્વર જેવી ગંભીર અને પુનરાવર્તનવાળી છે, જેને વગાડવી મુશ્કેલ છે અને વિદેશી મંચો પર તેના ભાવ અને લયને સમજવા પણ કઠિન થઈ શકે છે. 

જોકે, નેહરુ અને કોંગ્રેસના પ્રયાસો બાદ ‘વંદે માતરમ’ રાષ્ટ્રગીત ન બન્યું, પણ તેને ‘રાષ્ટ્રગાન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. જોકે, તેમાંથી પણ દેવી દુર્ગાના ઉલ્લેખ ધરવાતા છંદ હટાવી દેવામાં આવ્યા છે, જેથી એક ‘વિશેષ વર્ગ’ નારાજ ન થઈ જાય. તેમ છતાં આજે સાત દાયકા બાદ પણ તે ‘વિશેષ વર્ગ’ના કટ્ટરપંથીઓ રાષ્ટ્રગાનનો વિરોધ કરે છે અને ‘વંદે માતરમ્’ બોલવા માત્રનો પણ ઇનકાર કરે છે. 

હકીકત તો એ છે કે સ્વતંત્રતા સંગ્રામની આત્મા વંદે માતરમ્‌માં વસે છે. દુર્ગા-સ્તુતિના છંદો હટાવીને નેહરુએ માત્ર ઇતિહાસ સાથે છેડછાડ નથી કરી, પરંતુ ભારતીય સભ્યતાના આત્મગૌરવને પણ નબળું પાડ્યું છે વંદે માતરમ્ માત્ર ગીત નથી. તે એક સભ્યતાગત ઘોષણા છે: “અમે મા ભારતીનાં સંતાનો છીએ અને માતાને નમન કરીએ છીએ.” 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં