હોમપેજદેશ‘POK સાથેનો આર્થિક વ્યવહાર આંતરિક વેપાર ગણાય, તે ભારતનો ભાગ’: GST મામલે...

‘POK સાથેનો આર્થિક વ્યવહાર આંતરિક વેપાર ગણાય, તે ભારતનો ભાગ’: GST મામલે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટની ટિપ્પણી, શું છે કેસ?

આ સુનાવણી દરમિયાન કોર્ટે એક અતિ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી જેણે POK ભારતનો જ ભાગ છે એ બાબતની સ્વીકાર્યતા અને પાકિસ્તાનના દાવાને રદિયો આપી દીધો છે.

- Advertisement -

ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદિત વિસ્તારોમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK) એક એવો વિસ્તાર છે જે કાયદાકીય રીતે ભારતનું અભિન્ન અંગ છે. 1947ના કરાચી કરાર પછીથી પાકિસ્તાને આ વિસ્તાર પર ગેરકાયદે કબજો કર્યો છે, પરંતુ ભારતીય બંધારણ અને કાયદા અનુસાર તે જમ્મુ-કાશ્મીર રાજ્યનો જ અભિન્ન ભાગ છે. હવે જમ્મુ-કાશ્મીરમાં GST અંગે એક નવો વિવાદ ઉદ્ભવ્યો છે, જે મામલે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ દરમિયાન કોર્ટે જે ટિપ્પણી કરી, એ હવે ચર્ચાનો વિષય બની છે. કોર્ટે કહ્યું છે કે POK સહિતનું સંપૂર્ણ કાશ્મીર કાયદાકીય રીતે ભારતનો અભિન્ન ભાગ છે.

જમ્મુ-કાશ્મીર અને POKને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેમાં આર્થિક સંબંધો પણ સામેલ છે. 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસ વધારવાના પગલા તરીકે ક્રોસ-લાઈન ઑફ કંટ્રોલ (LoC) વેપારની શરૂઆત કરવામાં આવી હતી. આ વેપાર બાર્ટર સિસ્ટમ પર આધારિત હતો, જેમાં ઉરી-મુઝફ્ફરાબાદ અને પૂંછ-રાવલકોટ જેવા માર્ગો દ્વારા માલનું આદાન-પ્રદાન કરવામાં આવતું હતું. આ વેપારનો હેતુ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનો હતો.

પરંતુ 2019માં ભારત સરકારે ક્રોસ-એલઓસી વેપારને સ્થગિત કરી દીધો હતો. આ નિર્ણય પાછળ સુરક્ષા સંબંધિત ગંભીર કારણો હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ વેપારના માર્ગોનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ફન્ડિંગ પૂરું પાડવા, નકલી ચલણની હેરફેર અને હથિયારોની દાણચોરી માટે કરવામાં આવી રહ્યો હતો.

- Advertisement -

GSTના વિવાદની શરૂઆત

જોકે, હાલમાં ચાલી રહેલા આ કેસના બીજ જૂન 2017માં ભારતમાં GST લાગુ થયા પછી રોપાયા હતા, જ્યારે તત્કાલીન જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પણ આખરે GST લાગુ કરાયો હતો. નોંધનીય છે કે GST કાયદાની (CGST Act, 2017) કલમ 1(2) જણાવે છે કે તે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. ‘ભારત’ની વ્યાખ્યામાં ભારતીય બંધારણ મુજબના તમામ પ્રદેશોનો સમાવેશ થાય છે. જેમાં જમ્મુ-કાશ્મીર અને POK પણ સામેલ છે.

પરંતુ જમ્મુ-કાશ્મીરમાં 2008માં શરૂ થયેલો ક્રોસ-એલઓસી વેપાર રોકડ વ્યવહારો પર આધારિત નહોતો, પરંતુ વસ્તુઓ સામે વસ્તુઓના (Goods for Goods) વિનિમય પર આધારિત હતો. તેથી તેમણે રોકડ વ્યવહાર કરવાનો આવતો નહોતો.

નોંધનીય છે કે GST કાયદા હેઠળ, ‘સપ્લાય’ની વ્યાખ્યામાં બાર્ટરનો પણ સમાવેશ થાય છે. જોકે, વેપારીઓ આ વ્યવહારને ‘અસામાન્ય’ ગણતા હતા અને માનતા હતા કે આ વેપારને આયાત/નિકાસની જેમ શૂન્ય-રેટેડ (Zero-Rated) ગણવો જોઈએ, કારણ કે તે LOC પાર થતો હતો. જોકે વહીવટીતંત્રએ આ દલીલને અવગણીને કાયદા મુજબ કાર્યવાહી કરવાની શરૂ કરી હતી.

GST લાગુ થયા પછી ટેક્સ વિભાગે 2017થી 2019 દરમિયાન થયેલા ક્રોસ-એલઓસી વેપાર વ્યવહારોની તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ કાયદેસરના ઇન્સ્ટ્રુમેન્ટ પેપર (Instrument of Accession) અને બંધારણીય સ્થિતિના આધારે તારણ કાઢ્યું કે POK સહિતનું સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો જ એક કાયદાકીય પ્રદેશ છે. આ તારણના આધારે ટેક્સ ડીપાર્ટમેન્ટે વેપારીઓને શો કોઝ નોટિસો જારી કરી હતી. આ નોટિસોમાં સ્પષ્ટપણે માંગણી કરવામાં આવી હતી કે વેપારીઓએ આ પુરવઠા પર CGST (Central GST) અને SGST/UTGST (State/Union Territory GST) ચૂકવવો પડશે, કારણ કે તે આંતર-પ્રાદેશિક વેપાર છે.

આ કાર્યવાહીથી વેપારીઓ નારાજ થયા અને વેપારીઓના એક જૂથે ટેક્સ વિભાગે જારી કરાયેલી શો-કોઝ નોટિસોની કાયદેસરતાને પડકારવા માટે જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટ સમક્ષ રિટ અરજીઓ દાખલ કરી હતી. આ અરજીઓ પાછળ વેપારીઓનો હેતુ એ હતો કે કોર્ટ આ નોટિસોને રદ કરે અને જાહેર કરે કે ક્રોસ-LOC વેપાર કાં તો GSTમાંથી મુક્તિને પાત્ર છે અથવા તેને આંતરરાષ્ટ્રીય કે આંતર-રાજ્ય (Inter-State) વેપાર ગણવો જોઈએ, જેના પર GSTની ગણતરી અલગ રીતે કરવામાં આવે છે.

કોર્ટની ટિપ્પણીઓ અને ચુકાદો

કોર્ટે આ પિટિશન્સને સાંભળીને 27 નવેમ્બર, 2025ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના જસ્ટિસ સંજીવ કુમાર અને જસ્ટિસ સંજય પરિહારએ આ મામલે સુનાવણી કરી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે આ વેપાર બાર્ટર આધારિત છે, જેમાં કોઈ મુદ્રા વિનિમય નથી, તેથી તે ઝીરો-રેટેડ સેલ્સ તરીકે GSTથી મુક્ત છે. તેમણે એવું પણ કહ્યું કે આ વેપાર મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સના 2008ના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) હેઠળ થાય છે, જે GST કાયદાની બહાર છે. વધુમાં, તેમણે શો-કોઝ નોટિસને લિમિટેશન (સમયમર્યાદા) દ્વારા અમાન્ય ગણાવી અને બાર્ટર વેલ્યુએશન અને ડબલ ટેક્સેશનના મુદ્દા પણ ઉઠાવ્યા હતા.

કોર્ટે આ તમામ દલીલોને નકારી કાઢી. કોર્ટે તમામ દલીલોનું કાયદાકીય અર્થઘટન કરીને વહીવટીતંત્રએ જારી કરેલ નોટિસ અને પ્રક્રિયા માન્ય ગણાવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે એક અતિ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી જેણે POK ભારતનો જ ભાગ છે એ બાબતની સ્વીકાર્યતા અને પાકિસ્તાનના દાવાને રદિયો આપી દીધો છે.

બેન્ચે કહ્યું કે, “ડી-ફેક્ટો કંટ્રોલ હેઠળના વિસ્તારો પણ કાયદાની નજરમાં જમ્મુ-કાશ્મીરના વિસ્તારો જ છે. આ વેપારને ઇન્ટર-સ્ટેટ અથવા ઇન્ટરનેશનલ ટ્રેડ ગણી શકાય નહીં, કારણ કે સપ્લાયર અને પ્લેસ ઑફ સપ્લાય બંને એક જ રાજ્યમાં છે.” આ ટિપ્પણી સેક્શન 7 (ઇન્ટ્રા-સ્ટેટ સપ્લાય) અને GST સ્ટેચ્યુટ્સના ડિફિનેશન્સ પર આધારિત છે. કોર્ટે વેપારીઓને યાદ કરાવ્યું કે GST કાયદા હેઠળ કોઈ એક્સેમ્પ્શન (સેક્શન 11) નથી અને તેમણે સેલ્ફ-એસેસમેન્ટ કરવું જોઈએ હતું.

આ ટિપ્પણીનું મહત્વ

જગ જાહેર છે કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો સ્વતંત્રતા મળી ત્યારથી જ ભારત માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. ત્યાં સુધી કે 2019 પહેલાં કલમ 370 અને 35A હેઠળ જમ્મુ-કાશ્મીર પાસે દેશના અન્ય રાજ્યો કરતા અલાયદો દરજ્જો હતો. ઑગસ્ટ 2019 પહેલા જમ્મુ-કાશ્મીરનાં ધારાધોરણો હતાં. તેની કલમ 3મા પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારત સંઘનું અવિભાજ્ય અંગ છે અને કલમ 4મા રાજ્યના પ્રદેશોની ગણતરીમાં POKનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના માટે વિધાનસભામાં ચોક્કસ બેઠકો પણ અનામત રાખવામાં આવી હતી.

પરંતુ ઑગસ્ટ 2019માં મોદી સરકારના નેતૃત્વમાં આ બંને કલમો નાબુદ કરવામાં આવી અને સંસદે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ પસાર કર્યો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં ફેરફાર આવ્યો. J&K રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું. જોકે, આ અધિનિયમમાં પણ POK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદાકીય પ્રદેશના ભાગ તરીકે ગણવામાં આવ્યા હતા.

અર્થાત ભારતીય બંધારણ તો POKને ભારતનું અભિન્ન અંગ માને જ છે, પરંતુ ઘણી રાષ્ટ્રવિરોધી તાકાતો અને વિશ્વના ઘણા એવા દેશ છે જે POKને પાકિસ્તાનના નકશામાં દર્શાવે છે. ભારત વર્ષોથી આ ષડ્યંત્રનું ભોગ બની રહ્યું છે, જેમાં એવો નેરેટિવ સેટ કરવાનો ભરપૂર પ્રયત્ન થયો છે કે POK પાકિસ્તાનનો ભાગ છે અથવા કથિત આઝાદ છે. પરંતુ હવે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે આ તમામ ફેક નેરેટિવ અને દલીલોને રદિયો આપી દીધો છે.

કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે POK કાયદેસર રીતે ભારતના પ્રદેશનો ભાગ હોવાથી, ભલે ત્યાં ભારતીય વહીવટી તંત્રની હાજરી ન હોય, કાયદેસર સાર્વભૌમત્વની દૃષ્ટિએ તે ભારતીય ટેક્સ કાયદાના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તેનાથી GST હેઠળ પુરવઠો આપનાર (POK) અને પુરવઠો મેળવનાર (J&K) એક જ કાયદાકીય પ્રદેશમાં સ્થિત હોવાનું સાબિત થાય છે. જેથી તે ઇન્ટ્રા-સ્ટેટ વ્યવહાર છે.

હાઇકોર્ટનો આ ચુકાદો આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ભારતના વલણને કાયદાકીય પીઠબળ આપે છે. તે પાકિસ્તાન અને અન્ય દેશો દ્વારા POKને ‘વિવાદિત પ્રદેશ’ તરીકે જોવામાં આવતા દાવાઓનો ભારતીય ન્યાયતંત્રએ આપેલ મજબૂત જવાબ છે. આ નિર્ણય ભારતના કાયદાઓને તેની કાયદેસર સરહદો પર સંપૂર્ણપણે લાગુ કરવાના તેના સંકલ્પને દર્શાવે છે.

જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટનો આ નિર્ણય માત્ર GST વિવાદનો ઉકેલ નથી, પરંતુ ભારતના પ્રાદેશિક દાવાઓનું ગહન બંધારણીય અને કાયદાકીય સમર્થન છે. POKને ભારતનો કાયદેસર ભાગ ગણીને કોર્ટે બાર્ટર સિસ્ટમ આધારિત વેપારને આંતરિક વેપાર તરીકે વર્ગીકૃત કર્યો છે જે ભારતીય કાયદા અને સાર્વભૌમત્વના સિદ્ધાંતોનું સચોટ પ્રદર્શન કરે છે. આ ચુકાદો ભારતની અખંડિતતા પર ભાર મૂકે છે જે ભવિષ્યમાં ભારતની વિદેશ નીતિ માટે એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બનશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં