મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના અંબેડકર મેદાનમાં રવિવારે (23 નવેમ્બર 2025) એક એવો કાર્યક્રમ યોજાયો હતો, જે સામાજિક સદ્ભાવના બદલે દ્વેષનું વાતાવરણ ફેલાવનાર સાબિત થઈ ગયો. અનુસૂચિત જાતિ-જનજાતિ અધિકારી-કર્મચારીના સંઘ (અજાક્સ) નવનિયુક્ત પ્રાંત અધ્યક્ષ તેમજ વરિષ્ઠ IAS અધિકારી સંતોષ વર્માએ અનામત મુદ્દે એવું નિવેદન આપ્યું કે આખો સમાજ હચમચી ઊઠ્યો છે. સંતોષ વર્માએ કહ્યું, “જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી મારા દીકરાને દાનમાં નહીં આપે કે તેની સાથે સંબંધ નહીં બાંધે, ત્યાં સુધી અનામત ચાલુ રહેવું જોઈએ.”
આ નિવેદન આપત્તિજનક છે એટલું જ નહીં, પરંતુ એવું લાગે છે કે તે સામાજિક મૂલ્યોને અસર કરવાના એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે. અનામત જેવા સંવેદનશીલ મુદ્દે ચર્ચા થવી જ જોઈએ, પરંતુ આવાં નિવેદનો જાતિઓ વચ્ચેના અંતરને વધારવાનું કામ કરે છે.
શું આ માત્ર એક અધિકારીની વ્યક્તિગત કુંઠા છે કે પછી સમાજને નબળો કરવાની મોટી ચાલનો ભાગ છે? આ રિપોર્ટમાં આખી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આવાં નિવેદનો સમાજને અંદરથી કેવી રીતે ખાઈ રહ્યા છે.
સંતોષ વર્માએ વિવાદાસ્પદ નિવેદન ક્યાં આપ્યું?
અજાક્સનું પ્રાંતીય અધિવેશન તુલસીનગરના સેકન્ડ સ્ટોપ પાસે આવેલા આંબેડકર મેદાનમાં યોજાયું હતું. આ સંગઠન એસસી-એસટી વર્ગના સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓના હિતોનાં રક્ષણ માટે કામ કરતું હોવાનો દાવો કરે છે. આ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ બનેલા સંતોષ વર્માએ મંચ પરથી આર્થિક આધાર પર અનામતની ચર્ચા શરૂ કરી દીધી. પણ તેમની વાતો ટૂંક સમયમાં જ વિવાદાસ્પદ બની ગઈ.
વાયરલ થયેલા વિડીયોમાં તેઓ સ્પષ્ટ કહેતા જોવા મળે છે કે અનામતનો અંત ત્યારે જ થવો જોઈએ જ્યારે સવર્ણ સમાજ (ખાસ કરીને બ્રાહ્મણ) પોતાના બાળકોના સંબંધોમાં એસસી વર્ગનો સમાવેશ કરવાનું શરૂ કરે. સંતોષ વર્માએ કહ્યું, “અનામત વ્યવસ્થા ત્યાં સુધી ચાલુ રહેવી જોઈએ જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાનમાં ન આપે કે તેની સાથે સંબંધ ન બાંધે.”
સંતોષે દીકરીને ‘દાન’ આપવાની જૂની પ્રથાનો ઉલ્લેખ કર્યો, જે આજના આધુનિક સમાજમાં સંપૂર્ણપણે અપ્રસ્તુત અને અપમાનજનક છે. આ નિવેદન ન માત્ર મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડે છે, પરંતુ એ સંદેશો આપે છે કે અનામતને જાતિગત બદલાની ભાવના સાથે જોડવામાં આવે. શું ડૉ. બી.આર. આંબેડકરના સંઘર્ષનું પ્રતીક એવી અનામતને આવી વ્યક્તિગત અને સંકુચિત વિચારસરણી સાથે જોડવું યોગ્ય છે? આ સવાલ દરેક સંવેદનશીલ નાગરિકના મનમાં ઊઠી રહ્યો છે.
સંતોષ વર્માના બ્રાહ્મણ-વિરોધી નિવેદન પર તીખી પ્રતિક્રિયાઓ
આ નિવેદન સામે આવતાંની સાથે જ તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી. અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના પ્રદેશ અધ્યક્ષ પુષ્પેન્દ્ર મિશ્રાએ આ નિવેદનને ‘ઘોર નિંદનીય’ ગણાવ્યું અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે સંતોષ વર્માને તેમના પદ પરથી હટાવવા જોઈએ અને તેમની સામે એફઆઈઆર પણ નોંધવી જોઈએ. મિશ્રાએ ચેતવણી આપી કે જો એમ નહીં થાય તો બ્રાહ્મણ સમાજ આખા પ્રદેશમાં આંદોલન કરશે.
બ્રાહ્મણ સભા મધ્યપ્રદેશના અધ્યક્ષ ડૉ. શૈલેન્દ્ર વ્યાસે તેને ‘તુચ્છ વિચારસરણી’ ગણાવી. તેમણે કહ્યું, “આવી માનસિકતા ધરાવતા લોકો સામે સરકારે તુરંત કાર્યવાહી કરવી જોઈએ. નહીં તો પરશુરામજીના વંશજ બ્રાહ્મણ સમાજના લોકો સજા આપવામાં પાછા નહીં પડે.” આ નિવેદન પણ સમાજમાં તણાવ પેદા કરનારું હતું, પણ વ્યાસનો જવાબ પણ એ જ તેવરનો હતો, જે દર્શાવે છે કે એક ખોટું નિવેદન કેવી રીતે આખા સમુદાયને ભડકાવી શકે છે.
કર્મચારી સંગઠનોએ પણ સંતોષ વર્માની સખત નિંદા કરી હતી. મંત્રાલય સેવા અધિકારી-કર્મચારી સંઘના અધ્યક્ષ એન્જિનિયર સુધીર નાયકે કહ્યું કે આ નિવેદન ન માત્ર અશોભનીય છે, પણ આખા સવર્ણ સમુદાયનું અપમાન છે. તેમણે ભાર મૂકીને કહ્યું, “લગ્ન-વિવાહ એ વ્યક્તિગત જીવનનો મામલો છે. દરેક પુખ્ત વ્યક્તિ પોતાની પસંગીથીથી જીવનસાથી નક્કી કરી શકે છે. દીકરી કોઈ વસ્તુ નથી કે જેને દાન કરવામાં આવે.”
નાયકે ઉદાહરણ આપતાં કહ્યું કે સમાજ બદલાઈ ગયો છે. ડૉ. ભીમરાવ આંબેડકરે સવિતા આંબેડકર (બ્રાહ્મણ પરિવારના) સાથે લગ્ન કર્યાં હતાં, જ્યારે રામવિલાસ પાસવાને રીના શર્મા સાથે લગ્ન કર્યાં હતાં. તૃતીય વર્ગ કર્મચારી સંઘના મહામંત્રી ઉમાશંકર તિવારીએ કહ્યું, “કર્મચારી સંગઠનના મંચ પર આવા નિવેદનોથી બચવું જોઈએ. બધી જાતિ-ધર્મના લોકો એકસાથે કામ કરે છે. આવા નિવેદનો મતભેદ વધારે છે.”
આ પ્રતિક્રિયાઓથી સ્પષ્ટ છે કે સંતોષ વર્માનું નિવેદન ન માત્ર વ્યક્તિગત રીતે ખોટું હતું, પણ તે કાર્યસ્થળો પરના સદ્ભાવને પણ જોખમમાં મૂકી રહ્યું છે. જ્યાં એક તરફ અધિકારી અને કર્મચારીઓ એક જ છત નીચે કામ કરે છે, ત્યાં જાતિગત ટિપ્પણીઓ વિશ્વાસની દીવાલો તોડી શકે છે.
સંતોષ વર્માનો ભૂતકાળ અત્યંત વિવાદાસ્પદ, જઈ ચૂક્યા છે જેલ
સંતોષ વર્માનો ભૂતકાળ આ ઘટનાક્રમને વધુ ગંભીર બનાવે છે. વર્ષ 2021માં તેઓ ફર્જી કામકાજના આરોપમાં જેલ જઈ આવ્યા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ઈન્દોરમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. મામલો એક મહિલા સામે ‘ક્રિમિનલ ઈન્ટિમિડેશન’નો હતો, જેમાં વર્મા પર જાણીજોઈને ઈજા પહોંચાડવી, અશ્લીલ સામગ્રી ફેલાવવી જેવા આરોપો હતા. પણ વિવાદ ત્યારે વધ્યો જ્યારે તેમણે પ્રમોશન માટે મધ્યપ્રદેશ કોર્ટના બનાવટી આદેશ રજૂ કર્યા.
સંતોષ વર્માએ રાજ્ય કેડરમાંથી IAS કેડરમાં પ્રમોટ થવા માટે બે નકલી કોર્ટ ઓર્ડર બનાવડાવ્યા હતા – એક સેટલમેન્ટ ઓર્ડર અને બીજો એક્વિટલ ઓર્ડર. આ દસ્તાવેજો 6 ઓક્ટોબર 2020ના હતા, પણ તે દિવસે જજ જ રજા પર હતા. વિભાગે તપાસ કરી ત્યારે આ મામલો સામે આવ્યો હતો. જિલ્લા અભિયોજન કાર્યાલયે પુષ્ટિ કરી કે માત્ર એક જ ઓર્ડર હતો, જ્યારે વર્માએ બે રજૂ કર્યા હતા.
જ્યારે મહિલાએ ચીફ સેક્રેટરીને ફરિયાદ કરી, જેનાથી આખો કેસ ખુલ્યો હતો. પોલીસે 12 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. જસ્ટિસ દિલીપ પરમારે તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. વર્માએ આરોપ લગાવ્યો કે મહિલાએ જ બનાવટી દસ્તાવેજ આપ્યા હતા, પણ તપાસમાં એ બાબત ખોટી સાબિત થઈ.
એટલું જ નહીં, સંતોષ વર્માના મહિલાઓ સાથે સંબંધો રહ્યા છે અને આ અંગે ઘણા કેસ પણ થયા છે. એવું પણ કહેવાય છે કે જ્યાં જ્યાં તેઓ ફરજ પર રહ્યા, ત્યાં લગ્ન પછી પણ બીજી મહિલાઓ સાથે તેમના સંબંધ હતા.
જ્યારે નેતા જ આવો હોય, તો સમાજ કેવી રીતે સંગઠિત થશે?
આ ઘટના સંતોષ વર્માના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે. સમાજના નબળા વર્ગનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતો એક IAS અધિકારી જ બનાવટી રીતે પોતાની ખુરશી હાંસલ કરવાનો પ્રયત્ન કરે છે. મહિલાના શીલભંગનો પણ તેમની પર આરોપ હતો, જે દર્શાવે છે કે તેમની માનસિકતામાં મહિલાઓ પ્રત્યેના સન્માનનો અભાવ રહ્યો છે. હવે જ્યારે તેઓ અજાક્સ જેવા સંગઠનના અધ્યક્ષ છે, ત્યારે તેમનું આ નિવેદન વધુ ખતરનાક લાગે છે.
જો નેતા જ બનાવટી અને ખરાબ વિચારસરણીવાળો હોય, તો તેની પાછળ ઊભેલા લોકો શું શીખશે? આ સવાલ એટલા માટે મહત્વનો છે કારણ કે અજાક્સ એસસી-એસટી કર્મચારીઓનો અવાજ છે. પણ વર્મા જેવા વ્યક્તિના નેતૃત્વમાં આ સંગઠન વિભાજનકારી બની શકે છે.
સમાજને નબળો કરવાનું ષડયંત્ર
સંતોષ વર્માનું નિવેદન સમાજને નબળો કરવાનું ષડયંત્ર લાગે છે કારણ કે ભારત એક વિવિધતાપૂર્ણ દેશ છે, જ્યાં જાતિ, ધર્મ અને વર્ગની જટિલતાઓ છે. સ્વતંત્રતા પછી ડૉ. આંબેડકરે બંધારણમાં અનામત વ્યવસ્થા આપી જેથી સદીઓની અસમાનતા દૂર થાય. પણ તેનો હેતુ એકતા હતો… વિભાજન નહીં. સંતોષ વર્માનું નિવેદન અનામતને બદલાની ભાવના સાથે જોડે છે.
આ વિચારસરણી સમાજને તોડનારી છે. કલ્પના કરો, એક સરકારી કચેરીમાં જ્યાં બ્રાહ્મણ, દલિત, ઓબીસી બધા એકસાથે કામ કરે, ત્યાં જો અધ્યક્ષ આવું બોલે તો ગૌણ અધિકારીઓમાં ડર અને દ્વેષ ફેલાશે. સવર્ણ અધિકારી પોતાના દલિત સહકર્મીઓને શંકાની નજરે જોશે અને દલિત વર્ગને લાગશે કે તેમનો સંઘર્ષ હવે નિજી સંબંધો પર ટકેલો છે. આ ખાઈ ઊંડી થશે અને સમાજનો પાયો – પરિવાર, લગ્ન, વિશ્વાસ ખોખલો થઈ જશે.
આ ષડયંત્ર એટલા માટે લાગે છે કારણ કે આવાં નિવેદનો ઘણીવાર સુનિયોજિત હોય છે. રાજકીય પક્ષો કે સંગઠનો વોટબેન્ક માટે જાતિવાદ ભડકાવે છે. અજાક્સનું આ અધિવેશન ચૂંટણીના માહોલમાં થયું, જ્યાં અનામત પર ચર્ચા ચાલી રહી છે. વર્માનું નિવેદન અનામતની તરફેણમાં દલીલોના અભાવને છુપાવવાનો પ્રયાસ હોય તેવું લાગે છે. પણ સાચો ખતરો એ છે કે આ ષડયંત્ર સમાજના દરેક સ્તરને અસર કરશે. શાળાઓમાં બાળકો જાતિના નામે લડશે, કચેરીઓમાં ભેદભાવ વધશે અને અંતે રાષ્ટ્રની એકતા નબળી થશે.
સંતોષ વર્માના ભૂતકાળને જોડીને જોઈએ તો ષડયંત્રનો ચહેરો સ્પષ્ટ થાય છે. કોર્ટને ઠગવા માટે બનાવટી પ્રમોશન, મહિલાને ધમકાવવી અને હવે સવર્ણ દીકરીઓ પર ટિપ્પણી… આ એક પેટર્ન છે. જે વ્યક્તિ કાયદો તોડે છે તે સમાજને વિભાજીત કરીને પોતાની ઓળખ બનાવે છે. અગાઉના એજાક્સ પ્રમુખોએ ક્યારેય આ રીતે વાત કરી નથી, જે દર્શાવે છે કે વર્માના વિચાર વ્યક્તિગત છે, પરંતુ તેની અસર સામૂહિક છે.


