‘કાલે સિંધ ફરી ભારતમાં આવી શકે’: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું- સભ્યતાની રીતે હંમેશાથી તે ભારતનો ભાગ

(Photo: India Today)

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંઘે રવિવારે (23 નવેમ્બર) નવી દિલ્હીમાં આયોજિત ‘સિંધી સમાજ સંમેલન’માં એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સિંધ આજે ભારતનો ભૌગોલિક ભાગ નથી, પરંતુ સાંસ્કૃતિક અને સભ્યતાગત રીતે તે હંમેશા ભારતનું અભિન્ન અંગ રહેશે. વધુમાં, તેમણે કહ્યું કે ભૂરાજકીય સરહદો કાયમી નથી અને સિંધ ફરીથી ભારતમાં પરત આવી શકે છે.

રાજનાથ સિંઘે તેમના સંબોધનમાં કહ્યું, “આજે સિંધની જમીન ભારતનો ભાગ નથી, પરંતુ સાંસ્કૃતિક રીતે સિંધ હંમેશા ભારતનો ભાગ રહેશે. જમીનની વાત કરીએ તો સરહદો બદલાઈ શકે છે. કોણ જાણે કાલે સિંધ ફરીથી ભારતમાં પરત આવી જાય. સિંધુ નદીને પવિત્ર માનનારા સિંધના લોકો હંમેશા આપણા જ રહેશે. તેઓ ક્યાંય પણ હોય, તેઓ આપણા જ રહેશે.”

સિંધુ નદીની આસપાસનો પ્રાંત સિંધ પ્રાંત છે, 1947ના વિભાજન પછી પાકિસ્તાનનો ભાગ બન્યો હતો. તે સમયે સિંધી હિંદુ સમુદાયના લોકો મોટા પ્રમાણમાં ભારતમાં સ્થળાંતરિત થયા હતા. આજે ભારતમાં સિંધી સમુદાયની મોટી વસ્તી વસે છે, જે દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સિંધ ગુજરાત અને રાજસ્થાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ શેર કરે છે અને તે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું મૂળ સ્થાન છે.

રાજનાથ સિંઘે પોતાના નિવેદનમાં ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણીનો ઉલ્લેખ કર્યો. તેમણે અડવાણીના પુસ્તકમાંથી એક અંશ વાંચીને કહ્યું, “લાલકૃષ્ણ અડવાણીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિંદુઓ, ખાસ કરીને તેમની પેઢીના, સિંધને ભારતથી અલગ થવાને ક્યારેય સ્વીકારી શક્યા નથી. માત્ર સિંધમાં જ નહીં, પરંતુ આખા ભારતમાં હિંદુઓ સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધના ઘણા મુસ્લિમો પણ માનતા હતા કે સિંધુનું પાણી મક્કાના આબ-એ-ઝમઝમ કરતા ઓછું પવિત્ર નથી.”

વિભાજન પછી સિંધીઓએ શૂન્યથી નવું જીવન શરૂ કર્યું હતું, પરંતુ તેમની મહેનત અને હિંમતથી તેમણે સફળતા મેળવી છે. રાજનાથ સિંઘે કહ્યું કે સિંધી સમુદાય ભારતના આર્થિક વિકાસ અને વિવિધ સામાજિક પ્રયાસોમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે.

આ કાર્યક્રમમાં જ રાજનાથ સિંઘે CAA પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “પાડોશી દેશોમાં લઘુમતી સમુદાયો વર્ષોથી પીડા સહન કરી રહ્યા છે. તેમના ઘરો બાળવામાં આવ્યાં, બાળકો મારવામાં આવ્યાં, મહિલાઓ પર અત્યાચાર થયા અને ફોર્સ્ડ કન્વર્ઝન થયું. જ્યારે તેઓ ભારતમાં આવ્યા, ત્યારે વૉટબેંકની રાજનીતિ કરતી સરકારોએ તેમની સાથે અન્યાય કર્યો. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પીડાને સમજી અને તેથી CAA લાવવામાં આવ્યો.”