SIR પર રોક લગાવવાની માગ કરતી કેરળ સરકારની અરજી હાઇકોર્ટે ફગાવી: સ્થાનિક ચૂંટણીઓના બહાને પ્રક્રિયા સ્થગિત કરવાની થઈ હતી માગ

કેરળ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતાં રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદીની વિશેષ સઘન સુધારા (Special Intensive Revision – SIR) પ્રક્રિયાને રોકવાની કે મોકૂફ રાખવાની રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ વી.જી. અરુણની બેન્ચે કહ્યું કે આ જ પ્રકારના મુદ્દાઓ પરના કેસ પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, એટલે ન્યાયિક શિસ્તને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરે એ યોગ્ય નથી.

કોર્ટે અરજીને ક્લોઝ કરી દીધી છે અને રાજ્ય સરકારને સલાહ આપી છે કે તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અથવા સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જરૂર પડે તો ફરીથી હાઇકોર્ટ આવી શકે છે.

રાજ્ય સરકારે અરજીમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની (LSGI) સામાન્ય ચૂંટણી 9 અને 11 ડિસેમ્બર, 2025ના રોજ બે તબક્કામાં યોજાવાની છે. મતગણતરી 13 ડિસેમ્બરે થશે અને આખી ચૂંટણી પ્રક્રિયા 18 ડિસેમ્બર, 2025 સુધી પૂરી થઈ જશે. આ જ સમયગાળા દરમિયાન SIR ચલાવવાથી ચૂંટણીનું કામકાજ ગંભીર રીતે અસરગ્રસ્ત થશે. રાજ્યએ SIRને 21 ડિસેમ્બર, 2025 સુધી મોકૂફ રાખવાની માગણી કરી હતી.

સરકારની દલીલો ફગાવી

રાજ્ય સરકારની મુખ્ય દલીલ હતી કે SIR માટે જે બૂથ લેવલ ઓફિસર્સ (BLO), ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ (ERO) અને આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ (AERO) નક્કી કરવામાં આવ્યા છે, એ જ અધિકારીઓ સ્થાનિક ચૂંટણીમાં પણ ફરજ બજાવવાના છે. ચૂંટણી કામ માટે તાલીમ પામેલા અને અનુભવી અધિકારીઓની સંખ્યા મર્યાદિત છે, એટલે બંને કામ એકસાથે ચલાવવાથી વહીવટી સંકટ ઊભું થશે.

બીજી તરફ ચૂંટણી પંચે કોર્ટમાં જણાવ્યું કે SIRનું અડધાથી વધુ કામ પૂરું થઈ ચૂક્યું છે. હવે વચ્ચે રોક લગાવવાથી આખી પ્રક્રિયા અધવચ્ચે અટકી જશે અને તેનું નુકસાન થશે. SIRના કાર્યક્રમ મુજબ 4 ડિસેમ્બર, 2025 સુધીમાં બૂથ લેવલ ઓફિસર્સે ઘરે-ઘરે જઈને ફોર્મ ભરાવીને માહિતી એકત્ર કરવાની છે, 9 ડિસેમ્બર સુધીમાં એ માહિતી સબમિટ કરવાની છે અને અંતિમ મતદારયાદી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થશે.

રાજ્યએ એમ પણ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી મે 2026 પહેલાં થવાની છે, એટલે હમણાં SIR કરવાની કોઈ તાત્કાલિક જરૂર નથી. પરંતુ કોર્ટે આ દલીલો ગ્રાહ્ય ન રાખીને ન્યાયિક શિસ્તના આધારે મામલો બંધ કરી દીધો હતો. આ આદેશ પછી કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પણ મતદારયાદીના વિશેષ સઘન સુધારાનું કામ ચાલુ રહેશે. જો રાજ્ય સરકારને રાહત જોઈતી હોય તો તેને હવે સુપ્રીમ કોર્ટનો સહારો લેવો પડશે.