ઉજ્જૈન મંદિરની પાસે આવેલી તકિયા મસ્જિદનાં ડિમોલિશન વિરુદ્ધ થયેલ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, એમપી સરકારની કાર્યવાહીને ગણાવી કાયદેસર

ઉજ્જૈનની 200 વર્ષ જૂની તકિયા મસ્જિદનાં ડિમોલિશનને લઈને ચાલી રહેલો વિવાદ શુક્રવારે (7 નવેમ્બર) સુપ્રીમ કોર્ટમાં પૂરો થયો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે 13 અરજીકર્તાઓની અપીલ ફગાવી દીધી અને મધ્ય પ્રદેશ સરકારની કાર્યવાહીને સંપૂર્ણપણે કાયદેસર ગણાવી છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મસ્જિદની જમીનનું અધિગ્રહણ રાઈટ ટુ ફેર કોમ્પેન્સેશન એન્ડ ટ્રાન્સપરન્સી ઈન લેન્ડ એક્વિઝિશન એક્ટ, 2013 હેઠળ થયું હતું. આ કાયદા મુજબ જમીન લેતા પહેલાં નોટિફિકેશન, સાંભળવાની તક અને વાજબી વળતર આપવું ફરજિયાત છે. કોર્ટે નોંધ્યું કે વળતર ચૂકવવામાં આવ્યું છે અને પ્રક્રિયા પારદર્શી રીતે પૂરી કરવામાં આવી છે. જો કોઈને લાગે કે વળતર ખોટા વ્યક્તિને મળ્યું છે તો તેની સામે એ જ કાયદા હેઠળ ફરિયાદ કરવાનો અધિકાર છે.

અરજીકર્તાઓએ હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો, જેમાં કોર્ટે કહ્યું હતું કે “નમાજ ઘરે કે બીજી કોઈ જગ્યાએ પણ પઢી શકાય છે.” સુપ્રીમ કોર્ટે આ દલીલને સંપૂર્ણપણે સમર્થન આપ્યું છે. અરજીકર્તાઓએ પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ, 1991નો હવાલો આપીને કહ્યું કે ધાર્મિક સ્થળનું સ્વરૂપ બદલી ન શકાય.

પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ખોટું અર્થઘટન ગણાવ્યું હતું. આ કાયદો ધાર્મિક સ્થળોના ધાર્મિક સ્વરૂપને બદલવા સામે રક્ષણ આપે છે, જેમ કે મંદિરને મસ્જિદ કે મસ્જિદને મંદિર બનાવવાના. અહીં તો જમીન જાહેર હિત માટે લેવામાં આવી છે, નહીં કે મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવા લેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું કે આ જ મુદ્દે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ અરજીકર્તાઓએ તેને પાછી ખેંચી લીધી હતી. તેનો અર્થ એ છે કે તેમણે પોતે જ પહેલાં તો આ મુદ્દો છોડી દીધો હતો. હવે ફરીથી સુપ્રીમ કોર્ટમાં આવવું એ કાયદાકીય રીતે નબળું પગલું હતું. કોર્ટે આ બાબતને ધ્યાનમાં રાખીને અરજી ફગાવી દીધી છે.