હોમપેજદેશમાર્ટલેટ મિસાઈલ, લૉન્ચર અને આત્મનિર્ભર અભિયાનને ગતિ: યુકે સાથેનો ₹4 હજાર કરોડનો...

માર્ટલેટ મિસાઈલ, લૉન્ચર અને આત્મનિર્ભર અભિયાનને ગતિ: યુકે સાથેનો ₹4 હજાર કરોડનો કરાર ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

આ કરાર ભારત અને યુકે જેવા મજબૂત દેશોને એક સાથે જોડે છે. તેનાથી આતંકવાદ અને અન્ય જોખમો વિરુદ્ધ લડવામાં પણ પરસ્પર મદદ મળી શકશે. ઉદાહરણ તરીકે, પહલગામ હુમલાની નિંદા કરીને બંને દેશોએ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનું વચન આપ્યું છે.

- Advertisement -

ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચેના સંબંધો તાજેતરમાં વધુ મજબૂત બની રહ્યા છે. તેનું એક ઉદાહરણ છે 8-9 ઑક્ટોબર દરમિયાન યુકેના વડા પ્રધાન કિએર સ્ટાર્મરની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે થયેલ કરારો. આ કરારો પૈકીનો એક મુખ્ય કરાર છે £350 મિલિયનનો (આશરે 468 મિલિયન ડોલર) મિસાઈલ વેચાણનો કરાર. આ કરાર ભારતીય સેનાને અદ્યતન ‘લાઇટવેઇટ મલ્ટીરોલ મિસાઈલ’ (LMM), જેને ‘માર્ટલેટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સપ્લાય કરશે. આ કરાર મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કિએર સ્ટાર્મર વચ્ચેની બેઠક દરમિયાન જાહેર થયો હતો.

આ કરાર માત્ર મિસાઈલ સપ્લાય પૂરતો માર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચેની ડિફેન્સ (રક્ષા) ક્ષેત્રે લાંબાગાળાની ભાગીદારીની શરૂઆત છે. આ કરાર ભારતની ‘આત્મનિર્ભર ભારત’ યોજના સાથે પણ જોડાયેલો છે, જેમાં આપણો દેશ પોતાની સુરક્ષાની જરૂરિયાતો આપમેળે પૂરી કરવા માટે વિદેશી ટેક્નોલોજી પણ શીખે છે અને પછી દેશમાં તેનો ઉપયોગ કરે છે.  

શું છે આ કરાર?

આ કરાર બે સરકારો વચ્ચે થતો (government-to-government) એક વ્યવહાર છે, જેમાં યુકેની કંપની ‘થેલ્સ એર ડિફેન્સ’ ભારતીય આર્મીને માર્ટલેટ મિસાઈલ અને તેના લૉન્ચર આપશે. આ મિસાઈલનું ઉત્પાદન યુકેના નોર્ધન આયર્લેન્ડમાં કરવામાં આવશે. યુક્રેન જેવા દેશો માટે પણ અહીંથી જ એ મિસાઈલો બને છે.

- Advertisement -

માર્ટલેટ મિસાઈલ એક હલકી વજનની અને બહુમુખી મિસાઈલ છે. તેનું નામ અંગ્રેજી પૌરાણિક પક્ષી ‘માર્ટિન’ પરથી પડ્યું છે, જે ક્યારેય આરામ નથી કરતું. એટલે કે, તે ઝડપી અને સતર્ક રહે છે. આ મિસાઈલ 2010ના દાયકામાં યુકેની નૌસેના માટે વિકસાવવામાં આવી હતી અને હવે તે વિશ્વના અનેક દેશોમાં વપરાય છે. આ કરાર £350 મિલિયનની કિંમતનો છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹4,122 કરોડ થાય છે.

કરારમાં કઈ-કઈ બાબતો સામેલ?

આ કરારમાં મુખ્યત્વે માર્ટલેટ મિસાઈલના સપ્લાય સહિતની બાબતો સામેલ છે. નોંધનીય છે કે આ મિસાઈલ 13 કિલો જેટલા ઓછા વજનની છે અને તે 8 કિલોમીટર સુધીના અંતરે આવેલ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. તે લેઝર ગાઇડન્સ સિસ્ટમથી કામ કરે છે, જેનાથી તે ચોક્કસ ટાર્ગેટ પર સરળતાથી નિશાન સાધી શકે છે.

આ ઉપરાંત આ કરાર અંતર્ગત આ મિસાઈલને ઉડાડવા માટેના લૉન્ચર પણ આપવામાં આવશે. આ લૉન્ચર વાહનો, હવાઈ જહાજો અથવા હેલિકોપ્ટર પર લગાવી શકાય છે. આ મિસાઈલ ચાર પ્રકારના હુમલા કરી શકે છે, જેમ કે એર-ટુ-સર્ફેસ, (હવાથી જમીન પર), એર-ટુ-એર (હવાથી હવામાં), સર્ફેસ-ટુ-એર (જમીનથી હવામાં) અને સર્ફેસ-ટુ-સર્ફેસ (જમીનથી જમીન પર). આનો અર્થ એ કે તે ડ્રોન, આર્મર્ડ વાહનો, વિમાનો કે જહાજો પર હુમલો કરવા સક્ષમ છે.

આ કરારમાં વધુ મહત્વની વાત એ છે કે તે ‘કોમ્પ્લેક્સ વેપન્સ’ (જટિલ હથિયારો) પર સહયોગની શરૂઆત કરે છે. જે અંતર્ગત ભવિષ્યમાં બંને દેશો મળીને નવા હથિયારો વિકસાવી શકે છે. આ ઉપરાંત, આ કરાર ભારત-યુકેના વ્યાપક સંબંધોના ભાગ છે. તેમાં વેપાર કરાર (FTA) પણ સામેલ છે, જે વેપારને બમણો કરવાનું લક્ષ્ય ધરાવે છે અને નૌસેના માટે ઇલેક્ટ્રિક એન્જિન વિકાસ પર પણ ભાર મૂકે છે.

ભારતીય ડિફેન્સને શું લાભ થશે?

આ કરાર ભારતીય ડિફેન્સ સિસ્ટમને અનેક રીતે મજબૂત કરશે. આજના સમયમાં જ્યારે ડ્રોન અને નાના વિમાનો જેવા જોખમો વધ્યાં છે ત્યારે માર્ટલેટ મિસાઈલ આવા જોખમોને ઝડપથી સાધી શકે છે. તે સરહદી વિસ્તારોમાં ભારતીય આર્મીની એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબુત બનાવશે.

આ કરાર ‘આત્મનિર્ભર ભારત’ સાથે જોડાયેલો છે. ભારતીય એન્જિનિયરો અને કંપનીઓને યુકેની અદ્યતન ટેક્નોલોજી શીખવાની તક મળશે. ભવિષ્યમાં આપણે આવી મિસાઈલો પોતાના દેશમાં જ બનાવી શકીશું, જે નિર્યાત વધારશે અને નોકરીઓ ઉભી કરશે.

કરારમાં ભારતીય વાયુસેનાના પાયલોટ્સને યુકેની રોયલ એર ફોર્સમાં તાલીમ આપવાની બાબતનો પણ સમાવેશ છે. જેનાથી આપણી સેના વધુ કુશળ બનશે. જેના કારણે ‘કોંકણ 2025’ જેવા સંયુક્ત નૌસેના અભિયાનો પણ વધશે. આ ઉપરાંત ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારતની નૌસેના માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ વિકસાવવાનો કરાર પણ છે, જે જહાજોને વધુ ઝડપી અને પર્યાવરણને અનુકૂળ બનાવશે.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

આ કરાર ભારત અને યુકે જેવા મજબૂત દેશોને એક સાથે જોડે છે. તેનાથી આતંકવાદ અને અન્ય જોખમો વિરુદ્ધ લડવામાં પણ પરસ્પર મદદ મળી શકશે. ઉદાહરણ તરીકે, પહલગામ હુમલાની નિંદા કરીને બંને દેશોએ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનું વચન આપ્યું છે. આ કરાર સાથે જ વેપાર કરાર (FTA) પણ છે, જેમાં 2030 સુધીમાં વેપારને $100 બિલિયન કરવાનું લક્ષ્ય છે.

FTAના કારણે ભારતીય MSME એટલે કે નાના અને ગૃહઉદ્યોગોને ફાયદો થશે, નવી નોકરીઓ ઉભી થશે અને યુકેમાંથી રોકાણ વધશે. આ સિવાય યુકે AI, રિન્યુએબલ એનર્જી અને વિવિધ ટેકનોલોજી વિકસાવવામાં પણ રોકાણ કરી શકે છે. આ કરારના કારણે ભારતની વૈશ્વિક છબીમાં પરિવર્તન આવી રહ્યું છે.

તેનું ઉદાહરણ યુકેના વડા પ્રધાને આપેલ નિવેદન છે. આ કરાર બાદ સ્ટાર્મરે કહ્યું છે કે, “ભારત 2028 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.” આ નિવેદન સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કેવી રીતે યુકે પણ ભારતની વૃદ્ધિમાં ભાગીદાર બની રહ્યું છે. વિશ્વમાં ભારતની છબી મજબૂત બનશે તો ભારતને યુનોની સુરક્ષા કાઉન્સિલમાં કાયમી સ્થાન મળી શકે છે, જે દાયકાઓથી ભારતની મહત્વકાંક્ષા રહી છે.

ભારત-યુકે વચ્ચેનો આ મિસાઈલ કરાર એક નવા યુગની શરૂઆત છે. આ કરાર ભારતીય ડિફેન્સને તાત્કાલિક લાભ આપશે, જેમ કે વધુ સારું હવાઈ સંરક્ષણ અને લાંબાગાળે આત્મનિર્ભરતા તથા આર્થિક વિકાસ. નોંધનીય છે કે ભારત અને યુકે બંને દેશો લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા મૂલ્યો ધરાવે છે. ત્યારે આ કરાર પરસ્પર વિશ્વાસને વધુ મજબૂત કરે છે અને વૈશ્વિક સ્તરે ભારતની છબી વધુ પ્રભાવી બનાવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં