
યુકેના વડા પ્રધાન સ્ટાર્મર સાથેની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલિસ્તાનીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને આવાં ભારતવિરોધી તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
મુંબઈ રાજભવન ખાતે થયેલી બંને નેતાઓની દ્વિપક્ષીય બેઠકો બાદ યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, “પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે લોકશાહીમાં કટ્ટરપંથ કે હિંસક ચરમવાદને કોઈ સ્થાન ન હોય શકે. સમાજ જે સ્વતંત્રતા પૂરી પાડે છે તેનો દુરુપયોગ ન થવો જોઈએ. બંને પક્ષેથી કાયદાકીય માળખામાં રહીને જે કંઈ પણ થઈ શકે એ કરવાનો આ સમય છે.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભારતે ભૂતકાળમાં ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવા માટે યુકેને જણાવ્યું છે. માર્ચ 2023માં લંડનમાં ભારતીય હાઈકમિશન પરના હુમલા બાદ યુકેમાં પણ ખાલિસ્તાનીઓ માથું ઊંચકી રહ્યા છે. અનેક મંદિરોમાં અવળચંડાઈ કરવાના સમાચારો પણ સમયાંતરે સામે આવતા રહે છે.

