હોમપેજગુજરાતએક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ: 2021ના...

એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ: 2021ના ભરૂચના ચકચારી કેસમાં FIR રદ કરવાની માગ હાઇકોર્ટે ફગાવી

FIRમાં વિલંબથી લઈને ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમો પરના સ્ટે સુધીની દલીલો આપવામાં આવી, પણ પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો હોઈ હાઇકોર્ટે અરજીઓ ફગાવીને આરોપીઓને ટ્રાયલનો સામનો કરવા આદેશ કર્યો.

- Advertisement -

વર્ષ 2021માં ભરૂચના આમોદ ગામમાં હિંદુઓને લોભ-લાલચ આપીને ગેરકાયદેસર રીતે ઇસ્લામમાં ધર્માંતરિત કરાવવાનું એક મોટું રેકેટ ઝડપાયું હતું. આ કેસના અમુક આરોપીઓએ તેમની વિરુદ્ધ થયેલી FIRને વર્ષ 2022માં ગુજરાત હાઇકોર્ટમાં પડકારીને રદ કરવાની માગ કરી હતી. ત્રણ વર્ષની સુનાવણીને અંતે કોર્ટે તમામ અરજીઓ નકારીને આરોપીઓને ટ્રાયલનો સામનો કરવા માટે આદેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે આ તબક્કે FIR રદ થઈ શકે નહીં, કારણ કે તેમાં આરોપો ગંભીર છે અને પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો હોવાનું જણાય છે.

હાઇકોર્ટ સમક્ષ કુલ 7 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં અરજી કરનાર આરોપીઓની ઓળખ અબ્દુલ વહાબ મહમૂદ, અબ્દુલ આદમ પટેલ અને ઉમરફરૂક ખરાડી તરીકે થઈ છે. તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

કોર્ટે આદેશમાં શું કહ્યું?

કોર્ટે FIR, ચાર્જશીટ, સાક્ષીઓનાં નિવેદનો અને રેકર્ડ પર ઉપલબ્ધ અન્ય સામગ્રી ચકાસીને આદેશમાં કહ્યું કે, IPC, એસટી/એસસી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમો હેઠળ પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો હોવાનું જણાય છે. FIRમાં જે વિગતો આપવામાં આવી છે તેને એને સાક્ષીઓનાં નિવેદનોને ફેસ વેલ્યૂ પર લેવામાં આવે તો તે સજાપાત્ર ગુનો બન્યો હોવાનું જણાવે છે. જેથી આ તબક્કે કોર્ટ હસ્તક્ષેપ કરીને ટ્રાયલ રોકી શકે નહીં.

- Advertisement -

કોર્ટે આ સાથે 2021ના સુપ્રીમ કોર્ટના એક આદેશને ટાંકીને કહ્યું કે FIR અને અન્ય સામગ્રી જો પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો હોવાનું દર્શાવતી હોય તો પછી ટ્રાયલ ફરજિયાત હાથ ધરવામાં આવવી જોઈએ.

છૂટોછવાયો કેસ નહીં પણ હિંદુઓના ધર્માંતરણ માટેનું રાષ્ટ્રવ્યાપી ષડ્યંત્ર હતું: પ્રોસિક્યુશન

ગુજરાત હાઇકોર્ટે પ્રોસિક્યુશનની એ દલીલ પણ રેકર્ડ પર લીધી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ કોઈ છુટોછવાયો કેસ ન હતો પરંતુ હિંદુઓને એક ચોક્કસ પંથમાં (ઇસ્લામ) ધર્માંતરિત કરાવવા માટેનું રાષ્ટ્રવ્યાપી ષડ્યંત્ર ચલાવવામાં આવી રહ્યું હતું. જોકે કોર્ટે કહ્યું કે આ બધું ટ્રાયલમાં નક્કી થશે પણ તેના માટે ટ્રાયલ ચાલવી જરૂરી છે. કોર્ટે એ બાબત પર પણ ભાર મૂક્યો કે દરેક આરોપીની ભૂમિકાની તપાસ થાય એ પણ ટ્રાયલનો વિષય છે.

FIRમાં વિલંબની દલીલો ફગાવાઈ

કોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજીમાં આરોપીઓએ દલીલ કરી હતી કે ગુનો 2006થી 2021 દરમિયાન પંદર વર્ષમાં બન્યો હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ FIR છેક નવેમ્બર 2021માં દાખલ થઈ. FIR દાખલ કરવામાં વિલંબને કારણ બનાવીને તેને રદ કરવાની માગ હાઇકોર્ટે ફગાવી દીધી અને નોંધ્યું કે આ ગુનામાં 10 વર્ષથી વધુની સજાની જોગવાઈ છે અને CrPC 468 (લિમિટેશન પીરિયડ) અહીં લાગુ થશે નહીં. જેથી FIR 2021માં નોંધી એટલે રાહત મળે એ દલીલ પણ ગ્રાહ્ય રાખી શકાય નહીં.

આરોપીઓએ અન્ય એક દલીલ એ કરી હતી કે FIR નોંધવા પહેલાં ડિસ્ટ્રીક્ટ મૅજિસ્ટ્રેટની પરવાનગી લેવામાં આવી ન હતી. કોર્ટ સમક્ષ આ દલીલ આવી ત્યારે નોંધવામાં આવ્યું કે પછીથી (જુલાઈ 2022) આ મંજૂરી આપી દેવામાં આવી હતી અને તેની કાયદેસરતા આરોપીઓ પડકારી શકે, પણ હાઇકોર્ટમાં આ કેસમાં નહીં, ટ્રાયલ કોર્ટમાં.

ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમો પર સ્ટેનું કારણ પણ કામ ન આવ્યું

આરોપીઓ પક્ષેથી હાઇકોર્ટમાં અન્ય એક દલીલ એવી કરવામાં આવી હતી કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં વર્ષ 2021માં વિધાનસભાએ એક સંશોધન કર્યું હતું પરંતુ હાઇકોર્ટમાં મામલો પહોંચ્યો ત્યારે અમુક કલમો પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસ આ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ કરી શકે નહીં, જેથી FIR રદ થવી જોઈએ.

હાઇકોર્ટે જોકે આ દલીલો પણ નકારી દીધી અને સ્પષ્ટ કર્યું કે હાઇકોર્ટની બેન્ચે 2021ના સંશોધન પર જે સ્ટે આપ્યો હતો એ સંપૂર્ણ ન હતો અને આંતરધર્મીય લગ્નો સંબંધિત અમુક કલમો પર રોક લગાવવામાં આવી હતી. તેને સામૂહિક ધર્માંતરણ સાથે કશું લાગતું-વળગતું નથી. જ્યારે આ કેસ આંતરધર્મીય લગ્નોનો નહીં પણ સામૂહિક ધર્માંતરણનો છે, જેથી આરોપીઓને આ દલીલોનો લાભ મળી શકે નહીં.

છટકબારી શોધવાનો આરોપીઓનો પ્રયાસ નિષ્ફળ

આ કેસમાં આરોપીઓએ જુદી-જુદી અરજીઓ દાખલ કરી હતી અને અમુકે પોતે ધર્માંતરણમાં સામેલ ન હોવાનું કહીને છટકબારી શોધવાના પ્રયાસ કર્યા હતા. આરોપીઓના વકીલે દલીલ કરી કે તેમણે ધર્માંતરણ માટે કોઈ લોભ-લાલચ આપ્યા ન હતાં કે દબાણ કર્યું ન હતું પરંતુ ગરીબોને ભોજન, પૈસા, સામગ્રી વગેરેનું દાન કર્યું હતું. એવી દલીલ કરવામાં આવી કે અમુક ગામલોકો ઇસ્લામમાં પરિવર્તિત થયા પછી અમુક મદદ કરવામાં આવી હતી, જેથી તેને ‘ધર્માંતરણ’ કે તેના પ્રયાસ તરીકે ન જોવું જોઈએ.

જોકે આ દલીલ પર સરકાર પક્ષેથી વિરોધ કરીને કહેવામાં આવ્યું કે જો વ્યક્તિ અપરોક્ષ રીતે પણ અન્યોને ધર્મ બદલવા માટે પ્રોત્સાહન આપતો હોય તો તે પણ ધર્માંતરણમાં જ આવે છે. જેથી નવા ધર્માંતરિત થયેલા લોકોને કથિત રીતે મદદ કરવી એ બાબતને અલગ જોઈ શકાય નહીં અને સામૂહિક ધર્માંતરણની પ્રક્રિયા તરીકે જ જોવી જોઈએ.

કોર્ટે સરકારની આ દલીલ ગ્રાહ્ય રાખીને જણાવ્યું કે ધર્માંતરણ એ જુદી-જુદી ઘટનાઓની ચેઇન સ્વરૂપે થતી પ્રક્રિયા છે, જેમાં ઘણા લોકો જોડાયેલા હોય શકે. જેમાં લોભ લાલચ આપનારાઓ પણ આવી ગ્યા, ભંડોળ આપનારાઓ પણ આવી ગયા અને ધર્માંતરણ બાદ મદદ કરનારાઓ પણ. ઉપરાંત અધિનિયમની કલમ 3 જણાવે છે કે કોઈ પણ પ્રકારની મદદ જે ધર્માંતરણને પ્રોત્સાહન આપતી હોય એ ગુનામાં ગણાશે.

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીઓનો મદદનો ઇરાદો શું હતો કે દરેકની શું ભૂમિકા હતી એ બધું ટ્રાયલ દરમિયાન નક્કી થશે, પણ આ તબક્કે આ દલીલોના આધારે કોઈ રાહત મળી શકે નહીં.

તમામ દલીલોને અંતે કોર્ટે આરોપીઓની અરજીઓ ફગાવી દીધી હતી અને તેમને ટ્રાયલનો સામનો કરવા માટે આદેશ આપ્યો હતો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આદેશમાં જે અવલોકનો કરવામાં આવ્યાં છે તે પ્રાઈમા ફેસી છે અને માત્ર એ નક્કી કરવા માટે જ કરવામાં આવ્યાં હતાં કે FIRથી ગુનો બને છે કે કેમ કે તે રદ થઈ શકે કે કેમ. કોર્ટનાં આ અવલોકનોનો કોઈ સારો-નરસો પ્રભાવ ટ્રાયલ દરમિયાન ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે અને એ બાબતો ટ્રાયલ કોર્ટ સ્વતંત્ર રીતે નક્કી કરશે.

શું હતો કેસ?  

આ ચકચારી કેસ નવેમ્બર 2021માં ભરૂચમાંથી સામે આવ્યો હતો. અહીં આમોદ ગામમાં લગભગ 37 પરિવારોના 100 હિંદુઓને ધર્માંતરિત કરાવીને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા હતા. સુવ્યવસ્થિત ષડ્યંત્રના ભાગરૂપે છેલ્લાં 15 વર્ષથી આ ષડ્યંત્ર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં હિંદુઓને લોભ-લાલચ, પૈસા અને અન્ય પ્રકારની મદદ આપીને ઇસ્લામમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા હતા.

નવેમ્બર 2021માં પ્રવીણ વસાવા નામની એક વ્યક્તિએ આમોદ પોલીસ મથકે એક ફરિયાદ નોંધાવીને શબ્બીર અને સમદ નામના બે ઈસમો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે 2018માં તેમને બળજબરીથી ઇસ્લામમાં પરિવર્તિત કરીને આધાર કાર્ડ પર પણ નામ બદલાવી નાખવામાં આવ્યું હતું.

ફરિયાદમાં એ પણ જણાવવામાં આવ્યું કે આ બંનેએ અન્ય એક વ્યક્તિ અજિત વસાવાનું પણ આ જ રીતે બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું હતું. ત્યારપછી મહેન્દ્ર વસાવા અને રમણ વસાવાને મુસ્લિમ બનાવવામાં આવ્યા. આ મામલે આમોદ પોલીસ મથકે IPC 120B, 153(B)(1)(C) અને 506(2) અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ એક્ટ, 2003ની કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી.

શરૂઆતમાં FIRમાં 9 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ પછીથી અન્ય 7ને પણ જોડવામાં આવ્યા હતા. જેમાં શબ્બીર બેકરીવાલા, સમદ બેકરીવાળા, અબ્દુલ પટેલ, યુસુફ પટેલ, અબ્દુલ વહાબ મહમૂદ, ઇસ્માઇલ, અબ્દુલ આદમ પટેલ વગેરેનો સમાવેશ થાય છે.

FIRમાં આરોપ લગાવવામાં આવ્યો કે આરોપીઓએ અન્ય અમુક સાગરિતો સાથે મળીને કુલ 37 હિંદુ પરિવારોની 100 વ્યક્તિઓનું ધર્માંતરણ કરાવ્યું હતું. આ આરોપીઓએ પછીથી ટ્રાયલ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ FIR રદ કરવાની માગ સાથે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા, પરંતુ ત્યાંથી પણ કોર્ટે કોઈ રાહત આપી નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં