‘ઘટનાસ્થળથી ભાગવું એ નેતા અને પાર્ટીની માનસિકતા દર્શાવે છે’: કરુર દુર્ઘટનાને લઈને હાઇકોર્ટે અભિનેતા વિજયને લગાવી ફટકાર

તમિલનાડુના કરુરમાં થયેલ નાસભાગમાં 41 લોકોનાં મોત થયા હતા. આ ઘટના અભિનેતા અને તમિલાગા વેત્રી કઝાગમના (TVK) નેતા વિજયની રેલી સાથે જોડાયેલી છે. મદ્રાસ હાઇકોર્ટની મદુરઈ બેન્ચે આ મામલે કડક ટિપ્પણીઓ કરી છે અને વિજય તથા તેમની પાર્ટીને ફટકાર લગાવી છે. કોર્ટે ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ગઠનનો આદેશ આપ્યો છે. 3 ઑક્ટોબરની સુનાવણીમાં જસ્ટિસ એન. સેન્થિલકુમારે કહ્યું કે, “આ માનવ-નિર્મિત આફત છે અને કોર્ટ આને અવગણી શકે નહીં.”

કરુરમાં વિજયની TVK પાર્ટીની રેલી યોજાઈ રહી હતી. જેમાં 10,000ની સંખ્યાનો અંદાજ હતો, પરંતુ વાસ્તવિકતામાં ભીડ અનેક ગણી વધુ હતી. પાર્ટીએ X પોસ્ટ કરીને રેલી બપોરે 12 વાગ્યે શરૂ થશે તેમ જણાવ્યું, જ્યારે પોલીસ પરવાનગી 3થી 7 વાગ્યા વચ્ચેની હતી. આ કારણે સવારથી જ લોકો ભેગા થવા લાગ્યા. વિજયનો કાફલો પહોંચતાં ભીડ અનિયંત્રિત થઈ ગઈ. પોલીસે ઘણા જવાનો પણ તહેનાત કર્યા હતા. છતાં નાસભાગ થઈ હતી, જેમાં મહિલાઓ અને બાળકોનાં મોત પણ થયા છે.

મદ્રાસ હાઇકોર્ટે વિજય અને તેમની પાર્ટીના વર્તનની કડક ટીકા કરી છે. જસ્ટિસ સેન્થિલ કુમારે કહ્યું કે, “માનવી તરીકે હું આ મોત માટે શોક વ્યક્ત કરું છું, પરંતુ ન્યાયાધીશ તરીકે આટલા જીવનના વિનાશને જોવું દુ:ખદ છે.” તેમણે વિજયના ભાગી જવાના વર્તન પર પ્રશ્ન ઉભો કર્યો: “નેતા વિજય ગાયબ થઈ ગયા – ભાગી ગયા અને કોઈ મદદ કરનાર રહ્યો નહીં. પાર્ટીના લોકો બધા ઘટનાસ્થળથી અદૃશ્ય થઈ ગયા. આ પ્રકારની પાર્ટી છે? જ્યારે બાળકો અને મહિલાઓ મરી ગયા, ત્યારે પાર્ટીએ એક પણ પગલું નથી લીધું. કોર્ટ આવા કૃત્યની નિંદા કરે છે.”

કોર્ટે પાર્ટીના પસ્તાવાના અભાવ પર પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “પાર્ટીએ પસ્તાવો પણ વ્યક્ત નથી કર્યો, જે નેતાની માનસિકતા દર્શાવે છે.” વિજયે આ ઘટનામાં ષડયંત્રની વાત કરી હતી, પરંતુ કોર્ટે તેઆ દલીલ નકારી કાઢી અને કહ્યું, “આ બધું વિડીયોમાં દેખાયું છે, વિશ્વએ આના પરિણામો જોયા છે. કોર્ટ આને અવગણી શકે નહીં.” આ સાથે કોર્ટે CBI તપાસની માંગ પણ ફગાવી દીધી હતી.

ઘટનાના મેનેજમેન્ટ પર પ્રશ્ન ઉઠાવતા કોર્ટે કહ્યું, “નાસભાગમાં 41 લોકો મરી ગયા, આ મેનેજમેન્ટની નિષ્ફળતા છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે તમારી જવાબદારી નથી?” વધુમાં, વાહન હેઠળ બાઇક આવવાના વિડીયો પર કહ્યું, “ડ્રાઇવરે જોયું પણ વાહન રોક્યું નહીં. આ હિટ-એન્ડ-રન કેસ નથી? કેમ નોંધાયો નથી?”

સરકારની પણ ટીકા

કોર્ટે રાજ્ય સરકાર પર પણ નિશાન સાધતા કહ્યું કે, “સરકાર વિજય પ્રત્યે નરમાઈ દર્શાવી રહી છે, જ્યારે વિડીયોમાં બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. FIR નોંધાઈ તો વધુ કાર્યવાહી કેમ નથી?” કોર્ટે પુછ્યું, “જો પોલીસ જવાબદારી નથી નક્કી કરતી તો કોણ કરશે?” ભીડ વ્યવસ્થા અંગે પોલીસ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ભીડનું મૂલ્યાંકન કરીને વધુ સાવધાની રાખવી જોઈએ કે નહીં? અને યાદ અપાવ્યું કે ન્યાય સમક્ષ બધા સમાન છે.

કોર્ટે વરિષ્ઠ IPS અધિકારી આસરા ગાર્ગના નેતૃત્વમાં SIT ગઠનનો આદેશ આપ્યો છે, જે ઘટનાની તપાસ કરશે. TVKના નેતાઓ બુસી આનંદ અને સીટીઆર નિર્મલ કુમારના વચગાળાના જામીન અરજીઓ પર આદેશ સુરક્ષિત રાખ્યો છે. આ ઉપરાંત PILમાં હોમ સેક્રેટરી અને DGPને માર્ગદર્શિકા અથવા SOP તૈયાર કરવાનો આદેશ આપ્યો છે અને આ માર્ગદર્શિકા આવતા પહેલાં રોડ શો પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે.