
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) શતાબ્દી સમારોહ નિમિત્તે પીએમ મોદીએ બુધવારે (1 ઑક્ટોબર) નવી દિલ્હીમાં સંઘના યોગદાનને પ્રકાશિત કરતી એક સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો છે. આ કાર્યક્રમ સવારે ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ સાથે જ ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય ચલણ પર ભારત માતાની છબી અંકિત કરવામાં આવી છે.
આ ઉપરાંત ટિકિટ પર 1963ના ગણતંત્ર દિવસના સમારોહની પરેડમાં ભાગ લેવા પહોંચેલા સંઘના સ્વયંસેવકોની છબી અંકિત કરવામાં આવી છે. ટિકિટ પર લખાયું છે કે ‘રાષ્ટ્રસેવાનાં 100 વર્ષ’. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું છે કે અન્યાય પર ન્યાયનો વિજય થાય છે, અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે. આ ભારતીય સંસ્કૃતિના વિચાર અને વિશ્વાસની એક કાળજયી ઘોષણા છે. 100 વર્ષ પહેલાં આવા ભવ્ય પ્રસંગે સંઘની સ્થાપના કોઈ સંયોગ નહોતો.
નોંધનીય છે કે, વિજયાદશમીના (2 ઑક્ટોબર) પવિત્ર પ્રસંગે સંઘનાં 100 વર્ષ પૂર્ણ થવા પર નાગપુરમાં ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. જેમાં ચીફ ગેસ્ટ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહેવાના છે. સંઘના શતાબ્દી વર્ષમાં આ એક ઐતિહાસિક ઘટના હશે.

