હોમપેજદુનિયાપાકિસ્તાની સેના-સરકાર દ્વારા શોષણ, ઇસ્લામાબાદનું વર્ચસ્વ, સ્થાનિકો પર અત્યાચાર: POKમાં 'આઝાદી'ના નારા...

પાકિસ્તાની સેના-સરકાર દ્વારા શોષણ, ઇસ્લામાબાદનું વર્ચસ્વ, સ્થાનિકો પર અત્યાચાર: POKમાં ‘આઝાદી’ના નારા સાથે રસ્તા પર કેમ ઉતર્યા લોકો?

નોંધનીય છે કે POKના ડાયસ્પોરાએ (ખાસ કરીને યુકે અને યુએસ) આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવ્યો છે. ઘણા લોકો યુનાઇટેડ નેશન્સ (UN) જેવી સંસ્થાઓમાં આ મુદ્દો લઈ જવા માંગે છે. AACએ જાહેરાત કરી છે કે 15 ઑક્ટોબર 2025થી પ્રદર્શનોનો બીજો તબક્કો શરૂ થશે.

- Advertisement -

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) ચાલી રહેલા પ્રદર્શનો આજકાલ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, દુકાનો બંધ થઈ ગઈ છે, વાહનો થંભી ગયા છે અને પાકિસ્તાન સરકાર વિરુદ્ધ નારાઓ લાગી રહ્યા છે. આ પ્રદર્શનો એક દિવસની ઘટના નથી, પરંતુ દાયકાઓથી ચાલતી અસંતોષની આગનો વિસ્ફોટ છે. POKના લોકોનો ગુસ્સો આર્થિક મુશ્કેલીઓ, રાજકીય અન્યાય અને મૂળભૂત અધિકારોની વંચિતતાને લીધે ભડક્યો છે. POKમાં ચાલી રહેલ આ પ્રદર્શનો પાછળ લાંબો ઇતિહાસ સંકળાયેલો છે.

1947ના વિભાજન બાદ પાકિસ્તાને છળથી કશ્મીરનો કેટલોક ભાગ પચાવી પાડ્યો હતો. આ ભાગને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK તરીકે ઓળખવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાનમાં આ ભાગને ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર’ (AJK) કહેવાય છે. આ ભાગમાં મુઝફ્ફરાબાદ, મિરપુર, કોટલી, રાવલકોટ, નીલમ વેલી અને ગિલગ-બાલ્ટિસ્તાન જેવા વિસ્તારો આવે છે. POKની વસ્તી 40 લાખ છે અને તેની રાજધાની મુઝફ્ફરાદ છે. તાજેતરમાં આ ભાગ ત્યાં ચાલી રહેલા પ્રદર્શનોના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

પ્રદર્શનોના મુખ્ય કારણો

POKમાં પ્રદર્શનોનું મુખ્ય કારણ લાંબા સમયથી લોકોમાં વ્યાપેલો અસંતોષ છે, જે આર્થિક, રાજકીય અને સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલો છે. એક સ્થાનિક સંગઠન આવામી એક્શન કમિટી (AAC) આ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યું છે. AACએ 38 સૂત્રીય ચાર્ટર રજૂ કર્યું છે, જેમાં લોકોની માંગો સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી છે. નીચે કેટલીક માંગણીઓ દર્શાવવામાં આવી છે.

- Advertisement -

આર્થિક મુશ્કેલીઓ અને મોંઘવારી: POKમાં લોટ અને અનાજના ભાવ આસમાને છે, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે જીવન મુશ્કેલ બન્યું છે. વીજળીના ભાવમાં પણ વધારો થયો છે, જ્યારે વારંવાર પાવર કટ થાય છે. લોકો લોટ, વીજળી અને અન્ય જરૂરિયાતો પર સબસિડીની માંગ કરી રહ્યા છે, જેથી તેમનું જીવન થોડું સરળ બને. આ સિવાય POKમાં મંગલા ડેમ અને નીલમ-ઝેલમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો મોટો ભાગ પાકિસ્તાનના અન્ય ભાગોમાં જાય છે. સ્થાનિક લોકોને તેનો લાભ નથી મળતો અને તેમણે વીજળી માટે મોંઘી કિંમત ચૂકવવી પડે છે.

રાજકીય અન્યાય અને નિયંત્રણ: POKની વિધાનસભામાં 12 સીટ્સ કાશ્મીરી રેફ્યુજીઓ માટે રિઝર્વ છે, જેઓ પાકિસ્તાનના અન્ય ભાગોમાં રહે છે. સ્થાનિક લોકોને લાગે છે કે આ સીટ્સ ઇસ્લામાબાદના ‘એલિટ’ વર્ગના હિતો રક્ષે છે, જેના કારણે સ્થાનિકોનો અવાજ દબાઈ જાય છે. POKની સ્થાનિક સરકારને નિર્ણય લેવાની સ્વતંત્રતા નથી. મોટાભાગના નિર્ણયો ઇસ્લામાબાદથી લેવાય છે, જેનાથી સ્થાનિક લોકોમાં ગુસ્સો વધે છે.

મૂળભૂત અધિકારોની વંચિતતા: POKમાં મફત શિક્ષણ અને આરોગ્ય સેવાઓની માંગ લાંબા સમયથી ચાલી રહી છે, પણ આ સુવિધાઓ અપૂરતી છે. સારા રસ્તાઓ, સ્વચ્છ પાણી અને એરપોર્ટ જેવી સુવિધાઓનો અભાવ છે. AACએ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એરપોર્ટની માંગ રજૂ કરી છે. લોકો ઇચ્છે છે કે તેમના વિસ્તારનું શાસન તેમના હાથમાં હોય, જેથી તેઓ પોતાના નિર્ણયો જાતે લઈ શકે.

ભ્રષ્ટાચાર અને શોષણ: સ્થાનિક લોકોનું કહેવું છે કે પાકિસ્તાની આર્મી અને રાજકારણીઓ POKના કુદરતી સંસાધનોનું (જેમ કે ખનિજો અને જમીન) શોષણ કરે છે. તેનો લાભ સ્થાનિકોને નથી મળતો. AACના લીડર શૌકત નવાઝ મિરે કહ્યું છે કે, “અમારા સંસાધનોનો ઉપયોગ ઇસ્લામાબાદના લોકોના ફાયદા માટે થાય છે, જ્યારે અમે ગરીબી અને અવગણનામાં જીવીએ છીએ.” નોંધનીય છે કે આ પ્રદર્શનોમાં ઘણા લોકો ‘આઝાદી’ના નારા લગાવી રહ્યા છે, એટલે કે તેઓ પાકિસ્તાનના નિયંત્રણથી મુક્તિ ઈચ્છે છે. POKમાં આ પ્રદર્શનો અને માંગ નવી નથી પણ આ વખતે તે વધુ તીવ્ર બની છે.

પ્રદર્શનોની પૃષ્ઠભૂમિ

POKમાં પ્રદર્શનો નવા નથી. 1947માં પાકિસ્તાનના કબ્જા હેઠળ આવ્યા બાદથી જ સ્થાનિક લોકોને લાગ્યું કે તેમના સંસાધનોનો (ખાસ કરીને પાણી અને જમીન) ઉપયોગ ઇસ્લામાબાદ કરે છે, જ્યારે તેમને મૂળભૂત સુવિધાઓ (રસ્તા, શિક્ષણ, આરોગ્ય) નથી મળતી. 1970 અને 1980ના દાયકામાં મંગલા ડેમના નિર્માણથી અસંતોષ વધ્યો, કારણ કે આ ડેમથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ POKના લોકોને નહીં, પરંતુ પાકિસ્તાનના અન્ય ભાગોને મળ્યો.

1988માં મુઝફ્ફરાબાદમાં મોટા પ્રદર્શનો થયા, જેમાં લોકોએ વીજળીની અછત અને આર્થિક અસમાનતા સામે અવાજ ઉઠાવ્યો. આ પ્રદર્શનો પાકિસ્તાન સરકારે દબાવી દીધા, પરંતુ અહીં જ ‘આઝાદી’ની માંગના બીજ રોપાયા હતા. વર્ષ 2005માં પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો, જેના કારણે POK ખાસ કરીને મુઝફ્ફરાબાદ અને રાવલકોટમાં ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન સરકારે પુનર્વસનમાં ઢીલાઈ દાખવી અને રાહત ફંડનો દુરુપયોગ કર્યો. જેના કારણે POKના સ્થાનિકોમાં સરકાર વિરુદ્ધ ગુસ્સો વધુ ભડક્યો.

2010ના દાયકામાં નીલમ-ઝેલમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટના નિર્માણે ફરી અસંતોષને હવા આપી. આ પ્રોજેક્ટના નિર્માણના પગલે સ્થાનિક લોકોને નોકરીઓ કે લાભ ન મળ્યો અને પર્યાવરણીય નુકસાન થયું. ત્યારપછી પ્રદર્શનોના છમકલા થવા લાગ્યા. 2016-2018 દરમિયાન નાના-નાના પ્રદર્શનો થયા, જેમાં લોકોએ સ્વ-શાસન અને મૂળભૂત અધિકારોની માંગ કરવાની શરૂઆત કરી.

2022 બાદ પ્રદર્શનો બન્યા તીવ્ર

વર્ષ 2022માં પાકિસ્તાન સરકારે POKના બંધારણમાં સુધારા લાગુ કર્યા, જેનાથી POKમાં ઇસ્લામાબાદનું નિયંત્રણ વધી ગયું. જેના કારણે સ્થાનિક લોકોને લાગ્યું કે આનાથી તેમની સ્વ-શાસનની શક્તિમાં ઘટાડો થયો છે. મુઝફ્ફરાબાદ અને કોટલીમાં રેલીઓ થઈ, જેમાં હજારો લોકોએ ‘આઝાદી’ના નારા લગાવ્યા હતા. પાકિસ્તાની પોલીસે આ પ્રદર્શનો દબાવી દીધા પરંતુ લોકોમાં અસંતોષની ભાવના શાંત થઈ નહીં.

વર્ષ 2023માં પાકિસ્તાને વીજળીના ભાવમાં વધારો કર્યો, જેની સીધી અસર POKના લોકો પર પડી. મંગલા ડેમ અને નીલમ-ઝેલમ જેવા પ્રોજેક્ટ્સથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ ન મળવાથી સ્થાનિકો ખૂબ ગુસ્સે થયા. રાવાલકોટ, મિરપુર અને નીલમ વેલીમાં પ્રદર્શનો થયા. આવામી એક્શન કમિટીએ (AAC) આ આંદોલનોનું નેતૃત્વ કર્યું અને સબસિડીની માંગ ઉઠી. સરકારે આંશિક રાહત આપવાનું વચન આપ્યું જે કાગળ પર જ રહી ગયું.

27 સપ્ટેમ્બર 2025ના દિવસથી આ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા. 27 સપ્ટેમ્બરે AACએ ‘શટર ડાઉન અને વ્હીલ જામ’ હડતાળની જાહેરાત કરી હતી. 29 સપ્ટેમ્બરના રોજ આખું POK જામ કરવામાં આવ્યું અને બંધ રાખવામાં આવ્યું. મુઝફ્ફરાબાદ, કોટલી, રાવાલકોટ, મિરપુર અને નીલમ વેલીમાં હજારો લોકો રેલીઓમાં જોડાયા. પોલીસે ભીડને વિખેરવા ગોળીબાર અને ટિયર ગેસનો ઉપયોગ કર્યો, જેમાં 2 લોકો માર્યા ગયા અને 20થી વધુ ઘાયલ થયા હતા.

વિરોધ ડામવા અને પ્રશાસનની નિષ્ફળતા છુપાવવા પાકિસ્તાન સરકારે 2,000થી વધુ પંજાબ પોલીસ અને રેન્જર્સ POKમાં તહેનાત કર્યા છે. ઈન્ટરનેટ, મોબાઇલ અને લેન્ડલાઇન સેવાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર અને AAC વચ્ચેની વાતચીત નિષ્ફળ રહી છે. બીજી તરફ AACએ 15 ઑક્ટોબરથી વિરોધનો બીજો તબક્કો શરૂ કરવાની જાહેરાત કરી છે જે આ પ્રદર્શનો કરતા પણ વધુ તીવ્ર હશે.

AACનું 38 સૂત્રીય ચાર્ટર

AACનું 38-બિંદુઓનું ચાર્ટર POKના લોકોની દાયકાઓથી ચાલતી ફરિયાદોનો વ્યાપક દસ્તાવેજ છે. જેમાં POK વિધાનસભામાં કાશ્મીરી રેફ્યુજીઓ માટે રિઝર્વ કરવામાં આવેલી 12 સીટ્સ રદ કરવાની માંગ છે. આ સિવાય વીજળી અને લોટની ખરીદી પર સબસિડીની માંગ કરવામાં આવી છે. ચાર્ટરમાં ઉલ્લેખ છે કે POKમાં મંગલા ડેમ અને નીલમ-ઝેલમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સથી ઉત્પન્ન થતી વીજળીનો મોટો ભાગ પાકિસ્તાનના અન્ય ભાગોમાં જાય છે. AAC માંગે છે કે આ કરારોની સમીક્ષા થાય અને સ્થાનિક લોકોને આનો લાભ મળે.

આ સિવાય AACએ મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓની માંગ કરી છે. POKમાં સારા રસ્તાઓ, સ્વચ્છ પાણી અને પરિવહન સુવિધાઓનો અભાવ છે. AACએ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણની માંગ કરી છે, જેથી વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન મળે. POKની સ્થાનિક સરકાર પાસે નિર્ણય લેવાની શક્તિ મર્યાદિત છે, કારણ કે મોટાભાગના નિર્ણયો ઇસ્લામાબાદથી લેવાય છે. AAC માંગે છે કે POKને વધુ સ્વ-શાસન આપવામાં આવે.

AACનું કહેવું છે કે પાકિસ્તાનની આર્મી અને રાજકારણીઓ POKના કુદરતી સંસાધનોનું (જેમ કે ખનિજો અને જમીન) શોષણ કરે છે. તેઓ ભ્રષ્ટાચાર રોકવા અને પારદર્શક વહીવટની માંગ કરે છે. ચાર્ટરમાં પરોક્ષ રીતે ‘આઝાદી’ની માંગ પણ સામેલ છે, જેનો અર્થ પાકિસ્તાનના નિયંત્રણથી મુક્તિ છે. લોકો ઇચ્છે છે કે તેમના વિસ્તારનું ભાવિ તેઓ જાતે નક્કી કરે. આ ચાર્ટરની માંગો POKના લોકોની 70 વર્ષથી વધુ સમયની લડાઈને પ્રતિબિંબિત કરે છે. AACના નેતા શૌકત નવાઝ મિરે કહ્યું છે કે, “આ ચાર્ટર અમારા અધિકારોનું રક્ષણ કરવા અને અમારા લોકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે છે.”

નોંધનીય છે કે POKના ડાયસ્પોરાએ (ખાસ કરીને યુકે અને યુએસ) આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવ્યો છે. ઘણા લોકો યુનાઇટેડ નેશન્સ (UN) જેવી સંસ્થાઓમાં આ મુદ્દો લઈ જવા માંગે છે. AACએ જાહેરાત કરી છે કે 15 ઑક્ટોબર 2025થી પ્રદર્શનોનો બીજો તબક્કો શરૂ થશે, જે વધુ તીવ્ર હશે. લોકોનો ગુસ્સો ઠંડો નથી પડી રહ્યો અને સરકારનું હથિયારબંધ ક્રેકડાઉન પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આગળ શું થશે તેનો આધાર પાકિસ્તાન સરકાર પર રહેલો છે.

જોકે, પાકિસ્તાને પચાવી પાડેલો આ ભાગ દાયકાઓથી વિકાસ અને સુવિધાઓથી વંચિત છે. સિંધ અને બલુચિસ્તાનની જેમ અહીં પણ કોઈ વિકાસ પહોંચ્યો નથી. પાકિસ્તાન માત્ર ‘પંજાબ’ને જ સુવિધા આપવામાં રસ દાખવે છે અને બાકીના તમામ ભાગોની સુવિધાઓ પણ ત્યાં પહોંચાડે છે. જેના કારણે સિંધ અને કાશ્મીર જેવા પ્રદેશોમાં વ્યાપક અસંતોષ ઊભો થયો છે. જોકે, પાકિસ્તાનનું પંજાબ પણ કંગાળ જ છે, પણ POKની સરખામણીએ ત્યાં વધુ વિકાસ અને સુવિધાઓ આપવામાં આવી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં