7 ઑક્ટોબર, 2023ના રોજ આતંકવાદી સંગઠન હમાસે અવળચંડાઈ કરીને ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ યહૂદી દેશે એક છેડેથી શરૂ કરેલું ઑપરેશન ગાઝાને કાટમાળમાં ફેરવી ચૂક્યું છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ છે, ભારે માલહાનિ પણ સર્જાઈ છે. હમાસના આતંકવાદીઓની એક નહીં પણ અનેક પેઢી ખતમ થઈ ચૂકી છે. ઇઝરાયેલે ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશનો પણ શરૂ કર્યાં અને વીણીવીણીને આતંકવાદીઓનો સફાયો ચાલુ કર્યો. બે વર્ષથી આ કામ અવિરત ચાલી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક પ્લાન લઈને આવ્યા છે.
સોમવારે (29 સપ્ટેમ્બર) વ્હાઇટ હાઉસમાં ઇઝરાયેલી પીએમ નેતન્યાહુની હાજરીમાં ટ્રમ્પે 20 સૂત્રીય પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઇઝરાયેલે તો આ પ્લાનને સ્વીકારી પણ લીધો છે. જોકે, હમાસ હજુ સુધી આ પ્રસ્તાવ પર મૌન છે. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવમાં મુખ્ય ત્રણ આધારો છે. 1- તાત્કાલિક યુદ્ધવિરામ, 2-બંધકો અને કેદીઓની અદલાબદલી અને 3- ગાઝાનું પુનઃનિર્માણ તથા શાસન માળખામાં પરિવર્તન.
શું છે શાંતિ પ્રસ્તાવ?
ટ્રમ્પે રજૂ કરેલો પીસ પ્લાન ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો એક રોડમેપ છે. આ પ્લાનને સાઉદી આરબ, UAE, ઈજિપ્ત, કતર, તુર્કી, ફ્રાન્સ, ઈટાલી, ભારત, ઈન્ડોનેશિયા અને જૉર્ડન જેવા દેશોનું સમર્થન પણ મળ્યું છે. જોકે, હમાસે આ પ્લાન પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ મામલે પણ ઇઝરાયેલનું સ્પષ્ટ વલણ છે. નેતન્યાહુએ ચેતવણી પણ આપી દીધી છે કે જો હમાસે આ પ્લાનને નકાર્યો તો ‘ઇઝરાયેલ બાકીનું કામ પોતે જ પૂરું કરશે.’
આ ‘બાકીના કામ’માં શું બાકી છે એ ઇઝરાયેલ પણ સારી રીતે જાણે છે અને હમાસ પણ. હમાસનું મૌન પણ સ્વાભાવિક છે. કારણ કે આ પ્લાનમાં હમાસને ‘આતંકી સંગઠન’ ગણવામાં આવ્યું છે અને યુદ્ધવિરામ બાદ તેના હથિયારો અને શાસન છોડવાની શરત પણ મૂકવામાં આવી છે. એક રીતે આ પ્લાન લાગુ થયા બાદ ગાઝાની ‘ઉન્નતિ’ નક્કી છે અને હમાસની ‘અધોગતિ’. જોકે હમાસનું અસ્તિત્વ જ હવે સમાપ્ત થઈ જવાના આરે છે.
શું છે પ્લાનમાં?
ટ્રમ્પના યુદ્ધવિરામ પ્રસ્તાવમાં 20 મુખ્ય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગળ કહ્યું તેમ, તેમાં પહેલી શરત બંને પક્ષોની સહમતી છે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામ લાગુ કરવાની છે. પછી ધીમે ધીમે બાકીનાં કામો પણ શરૂ કરવામાં આવશે. ઇઝરાયેલ તરફથી તો આ યોજનાને સ્વીકૃતિ મળી ગઈ છે, હવે રાહ માત્ર હમાસની છે. જો હમાસ સ્વીકૃતિ આપશે તો આગળનું ઑપરેશન શરૂ કરવામાં આવશે અને જો સહમતી નહીં આપે તો યહૂદી દેશ પોતાનું ‘ઑપરેશન સમતલ’ ચાલુ રાખશે. પ્લાનના તમામ 20 મુદ્દાઓ નીચે મુજબ છે.
1- ગાઝાનું ડી-રેડિકલાઈઝેશન
આ પ્લાન હેઠળ સૌથી પહેલુ કામ ગાઝામાંથી કટ્ટરવાદ અને આતંકવાદના સફાયાનું કરવામાં આવશે. એટલે કે ગાઝાને ઇસ્લામી કટ્ટરવાદ અને આતંકવાદ મુક્ત બનાવવામાં આવશે. જેથી તે પાડોશી દેશો કે પ્રદેશો માટે ભવિષ્યમાં જોખમ ઊભું ન કરી શકે. આ પહેલી શરતમાં જ હમાસનો સફાયો થઈ જવાની સંભાવના છે.
2- યુદ્ધનો તાત્કાલિક અંત
ટ્રમ્પનો આ આખો પ્લાન માત્ર બે શબ્દોની વચ્ચે રમે છે. ‘જો’ અને ‘તો’ વચ્ચે. ‘જો’ હમાસ પ્લાન સ્વીકારશે ‘તો’ તત્કાલીન ધોરણે યુદ્ધવિરામ લાગુ થશે. ત્યારબાદ ઇઝરાયેલી સેના પાછી હટશે અને તમામ સૈન્ય કાર્યવાહીઓ (હવાઈ-આર્ટિલરી) બંધ થશે. જ્યાં સુધી વિથડ્રોલની શરતો પૂરી ન થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી સંપૂર્ણ સ્થગિત થઈ જશે.
3- ગાઝાનો વિકાસ
પ્લાનમાં કહેવાયું છે હવે ગાઝાએ ખૂબ સહન કરી લીધું છે. (હવે આ ઘા સહન થઈ શકે તેમ નથી) એટલે બંને પક્ષોની સહમતી બાદ ગાઝાનો પુનર્વિકાસ શરૂ થશે. વિકાસનો લાભ ગાઝાના લોકો સુધી પહોંચે તે પણ જોવામાં આવશે.
4 – બંધકોની વાપસી
ઇઝરાયેલ સાર્વજનિક રીતે આ યોજનાને સ્વીકારે તે પછી 72 કલાકની અંદર તમામ બંધકોને છોડી મૂકવામાં આવશે. આ બંધકોમાં મૃત અને જીવિત બંનેનો સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે મૃત બંધકોને પરત કરવા માત્ર ‘મૃતદેહો’ જ આપી શકાશે.
5- પેલેસ્ટેનિયન બંધકોની મુક્તિ
પહેલાંના બંધકોને મુક્ત કર્યા બાદ ઇઝરાયેલ 250 આજીવન કેદની સજા કાપી રહેલા પેલેસ્ટિયન્સ્ અને 1,700 ગાઝાના રહેવાસીઓને મુક્ત કરી દેશે. ખાસ નોંધવા જેવું એ છે કે હમાસના આતંકી હુમલા બાદ ધરપકડ કરાયેલા બંધકોને જ છોડવામાં આવશે. બીજું એ કહેવાયું છે કે દરેક ઇઝરાયેલી મૃતદેહ બદલ 15 ગાઝાવાસીઓના મૃતદેહો આપવામાં આવશે.
6 – હમાસ પોતાના શસ્ત્રો ફેંકશે અને તેને માફી આપવામાં આવશે
બંધકો પરત ફર્યા બાદ ‘શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ’ અને હથિયારો ત્યાગવા માટે સહમત થયેલા હમાસના આતંકીઓને માફ કરી દેવામાં આવશે અને તેમાંથી જે લોકો ગાઝા છોડવા માંગે છે તેમને તેમના ગંતવ્ય દેશોમાં સુરક્ષિત પ્રવેશ આપવામાં આવશે. જે લોકો સહમત નહીં થયા હોય તેમના માટે ઇઝરાયેલી સેના છે જ.
7- તાત્કાલિક માનવીય સહાય
આટલું થયા બાદ ગાઝાને તાત્કાલિક મોટાપાયે સહાય પૂરી પાડવામાં આવશે, જેમાં પાણી, વીજળી, સ્વચ્છતા, હોસ્પિટલો, બેકરીઓનું નિર્માણ અને રબલ ક્લિયરીંગ માટેનાં સાધનો પૂરાં પાડવામાં આવશે. 19 જાન્યુઆરી, 2025ના કરાર મુજબ જથ્થો ગાઝા સુધી કોઈપણ અડચણ વગર પહોંચતો થઈ જશે.
8 – સહાયનું વિતરણ
સહાય યુએન, રેડ ક્રેસેન્ટ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વિના વિક્ષેપે પહોંચશે. આ સહાય પહોંચાડનારી સંસ્થાઓ વૈશ્વિક છે, તેથી કોઈપણ પક્ષનો તેની સાથે કોઈ સંબંધ નહીં હોય. જાન્યુઆરી 19, 2025ના મિકેનિઝમ મુજબ રાફા ક્રોસિંગ બંને દિશામાં ખુલ્લું મુકાશે.
9 – ગાઝાનું અસ્થાયી શાસન
ગાઝા એક અસ્થાયી શાસન હેઠળ સંચાલિત થશે, જેમાં એક ટેક્નોક્રેટિક, રાજકીય રીતે તટસ્થ પેલેસ્ટિનિયન સમિતિ ગાઝાના લોકો માટે જાહેરસેવાઓ અને નગરપાલિકાઓનું રોજિંદું સંચાલન કરશે. આ સમિતિમાં લાયક પેલેસ્ટિનિયનો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનો સમાવેશ થશે, જેનું નિરીક્ષણ અને સંચાલન એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘બોર્ડ ઑફ પીસ’ દ્વારા કરવામાં આવશે, જેનું નેતૃત્વ અને અધ્યક્ષતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ કરશે. અન્ય સભ્યો અને રાષ્ટ્રોના વડાઓની જાહેરાત બાદમાં કરવામાં આવશે, જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરનો પણ સમાવેશ થાય છે.
જ્યાં સુધી પેલેસ્ટિનિયન ઓથોરિટી તેના સુધારા કાર્યક્રમને પૂર્ણ ન કરે, ત્યાં સુધી આ સંસ્થા ગાઝાના પુનર્વિકાસ માટે ફ્રેમવર્ક નિર્ધારિત કરશે અને ભંડોળનું સંચાલન કરશે. આ સંસ્થા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ધોરણોનો ઉપયોગ કરીને આધુનિક અને કાર્યક્ષમ શાસનની રચના કરશે. જેનાથી ગાઝાના લોકોનું ‘યથાશક્તિ’ જીવનધોરણ સુધરશે અને વિદેશી રોકાણ પણ વધશે.
10 – ટ્રમ્પ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન
ગાઝા પત્તેના પુનઃનિર્માણ માટે ટ્રમ્પ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે, જેમાં મધ્યપૂર્વનાં આધુનિક શહેરોને જન્મ આપનાર નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવશે. પ્લાન મુજબ આંતરરાષ્ટ્રીય રોકાણોને આકર્ષિત કરવા માટે સિક્યોરિટી અને ગવર્નન્સ ફ્રેમવર્ક પણ સ્થાપિત થશે.
11 – સ્પેશિયલ ઇકોનોમિક ઝોન
એક સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન સ્થાપવામાં આવશે. જેમાં ભાગ લેનારા દેશો સાથે વિશેષ ટેરિફ અને પ્રવેશ દરોની વાટાઘાટો કરવામાં આવશે.
12 – ગાઝા છોડવાની સ્વતંત્રતા
કોઈને ગાઝા છોડવા મજબૂર નહીં કરાય. જેઓ જવા ઇચ્છે, તેમને આવવા-જવાની સ્વતંત્રતા સંપૂર્ણપણે આપવામાં આવશે. લોકોને રહેવા પ્રોત્સાહિત કરીને નવું ગાઝા બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે. ટ્રમ્પે પ્લાનમાં આ માટે ‘ન્યૂ ગાઝા’ શબ્દનો ઉપયોગ પણ કર્યો છે.
13 – હમાસની ભૂમિકા
હમાસ અને અન્ય ગ્રુપો ગાઝાના શાસનમાં સીધી, આડકતરી કે કોઈપણ રીતની કોઈ ભૂમિકા નહીં ધરાવે. તમામ સૈન્ય અને આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં ટનલો અને હથિયાર ઉત્પાદન સુવિધાઓનો સમાવેશ થાય છે, તેનો વિનાશ કરવામાં આવશે અને પુનઃનિર્માણ નહીં થાય. ગાઝાની ડીમિલિટરાઇઝેશન પ્રક્રિયા સ્વતંત્ર મોનિટરોની દેખરેખ હેઠળ થશે. નવું ગાઝા આર્થિક વિકાસ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ પર ધ્યાન કેન્દ્રિત કરશે, તેવું ટ્રમ્પનું કહેવું છે.
14 – રિજનલ ગેરંટી
પ્રાદેશિક ભાગીદારો દ્વારા ગેરંટી આપવામાં આવશે કે હમાસ અને અન્ય જૂથો તેમની જવાબદારીઓનું પાલન કરે અને ન્યૂ ગાઝા તેના પડોશીઓ કે તેના લોકો માટે જોખમ ન ઊભું કરે.
15 – ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ (ISF)
અમેરિકા આરબ અને આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે મળીને ગાઝામાં તાત્કાલિક દાખલ થવા માટે એક ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ (ISF) વિકસાવશે. ISF ગાઝામાં પેલેસ્ટિનિયન પોલીસદળોને તાલીમ આપશે અને જોર્ડન તથા ઇજિપ્ત સાથે સલાહ-સૂચન કરશે. ISF ઇઝરાયેલ અને ઇજિપ્ત સાથે મળીને સરહદી વિસ્તારોને સુરક્ષિત કરવા માટે કામ કરશે.
16 – ઇઝરાયેલ ગાઝા પર નહીં કરે કબજો
ઇઝરાયલ ગાઝા પર કબજો કરશે નહીં કે તેને પોતાની સાથે જોડશે નહીં. જેમ જેમ ISF નિયંત્રણ અને સ્થિરતા સ્થાપિત કરશે, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) નિશસ્ત્રીકરણ સાથે જોડાયેલા ધોરણો, માઇલસ્ટોન્સ અને સમયમર્યાદાના આધારે ખસી જશે. વ્યવહારિક રીતે IDF ગાઝાના કબજે કરેલા પ્રદેશને ઓથોરિટી સાથેના કરાર અનુસાર ISFને હસ્તાંતરિત કરશે.
17 – જો હમાસ સહમત નહીં થાય તો…
જો હમાસ આ પ્રસ્તાવનામાં વિલંબ કરે કે નકારે તો સહાય અને અન્ય પગલાં IDFથી ISFને હસ્તાંતરીત કરવામાં આવશે અને ‘ટેરર-ફ્રી’ વિસ્તારોમાં તેને ચાલુ રખાશે.
18 – ઇન્ટરફેથ ડાયલોગ
સહનશીલતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના મૂલ્યો પર આધારિત એક આંતરધર્મીય સંવાદ પ્રક્રિયા સ્થાપિત કરવામાં આવશે, જેથી પેલેસ્ટિનિયનો અને ઇઝરાયેલીઓની માનસિકતા અને વર્ણનો બદલાય અને શાંતિથી રહે.
19 – પેલેસ્ટિયનોનો સ્વ-નિર્ણય અને સ્ટેટહૂડનો માર્ગ
ગાઝા પુનર્વિકાસ અને PA સુધારા પછી પેલેસ્ટાઇનનો સ્વ-નિર્ણય અને રાજ્યત્વનો વિશ્વસનીય માર્ગ ખુલશે, આવું પણ કહેવાયું છે.
20 – ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે સંવાદ
યુનાઇટેડમ સ્ટેટ્સ ઇઝરાયલ અને પેલેસ્ટિનિયનો વચ્ચે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સહઅસ્તિત્વ માટે રાજકીય દ્રષ્ટિકોણ પર સંમત થવા માટે સંવાદ સ્થાપિત કરશે.
આટલા મુદ્દાઓ ટ્રમ્પના પ્લાનમાં સામેલ કરવામાં આવ્યા છે. એક વાત તો સ્પષ્ટ છે કે જો હમાસ આ પ્રસ્તાવને સ્વીકારે તો મોત નહીં મળે પણ અસ્તિત્વ તો ત્યારે પણ ખતમ થઈ જશે અને નહીં સ્વીકારે તો મોત પણ મળશે અને અસ્તિત્વ તો ખતમ થવાનું જ છે. ટૂંકમાં હમાસ માટે એક તરફ ખીણ અને બીજી તરફ નદી જેવી સ્થિતિ છે. પણ લાંબાગાળે આ યોજના ગાઝામાં રહેતા લોકો માટે સારી છે.
હમાસે હજુ સત્તાવાર જવાબ આપ્યો નથી, પરંતુ તેના નેતાઓના નિવેદનો નકારાત્મક સંકેત આપે છે. હમાસના મોટા આતંકી નેતા બાસેમ નાઇમે આ યોજનાને ‘ઇઝરાયલી આદેશ’ અને ‘સમર્પણની શરત’ ગણાવી છે અને કહ્યું છે કે ‘પેલેસ્ટિયનોનો પ્રતિશોધનો અધિકાર અકબંધ છે, જ્યાં સુધી સ્વતંત્ર રાજ્ય ન બને.’
હમાસનો નિર્ણય આ યોજનાનું ભવિષ્ય નક્કી કરશે. સ્વીકૃતિ થશે તો ગાઝામાં યુદ્ધનો અંત આવી શકે છે અને પેલેસ્ટાઇનીઓને નવું જીવન મળી શકે છે અને જો હમાસ પ્રસ્તાવ નકારશે તો ઇઝરાયેલે ‘કામ પૂરું કરી દેવાની’ ચેતવણી તો આપી જ છે. હમાસમાં પણ હાલ ઘણા આંતરિક મતભેદો જોવા મળી રહ્યા છે. હમાસના ઘણા આતંકીઓ હવે ઇઝરાયેલ સામે પડી શકે એમ નથી અને અમુકને આ પ્રસ્તાવ સ્વીકાર્ય નથી.


