
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની હાજરીમાં ગાઝા વિસ્તારમાં યુદ્ધને સમાપ્ત કરવાં માટે 20 મુદ્દાઓના પ્લાનની જાહેરાત કરી છે. આ યોજના હમાસને હટાવવાની છે, જેમાં તાત્કાલિક શાંતિ સમજૂતી, કેદીઓની મુક્તિ અને આંતરરાષ્ટ્રીય દેખરેખનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનું સ્વાગત કર્યું છે. જોકે, હમાસની પ્રતિક્રિયા હજુ સ્પષ્ટ નથી.
ટ્રમ્પ અને નેતન્યાહુએ વ્હાઇટ હાઉસમાં આ યોજનાની વિગતો જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે જો હમાસ આ સમજૂતી માટે સંમત થાય છે તો બાકીના તમામ બંધકોને 72 કલાકની અંદર મુક્ત કરવામાં આવશે અને શરતોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી ઇઝરાયલી દળોને તબક્કાવાર રીતે પાછા ખેંચવામાં આવશે.
યોજના અનુસાર કોઈ પેલેસ્ટિનિયનને ગાઝા છોડવા મજબૂર નહીં કરવામાં આવે અને ઇઝરાયેલ ગાઝા પર કબજો નહીં કરે. તેમાં ટ્રમ્પ અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય ‘શાંતિ મંડળ’ની રચના કરવાનો પ્રસ્તાવ છે, જે યોજનાનું પાલન નિશ્ચિત કરશે.
નેતન્યાહુએ યોજનાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને કહ્યું, “આ યોજના ઇઝરાયેલના યુદ્ધ ધ્યેયોને પૂર્ણ કરે છે – બંધકોને પરત મેળવવા, હમાસની સૈન્ય અને રાજકીય ક્ષમતાનો અંત અને ગાઝાને ભવિષ્યમાં જોખમ ન બનાવવું.” તેમણે ચેતવણી આપી કે જો હમાસ યોજના નકારે અથવા તેનું પાલન ન કરે તો ઇઝરાયેલ ‘કોઇપણ રીતે’ કામ પૂરું કરશે. જેને ટ્રમ્પે પણ સમર્થન આપ્યું હતું.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની યોજનાને ‘લાંબાગાળાની અને ટકાઉ શાંતિ, સુરક્ષા અને વિકાસ માટેનો વ્યવહારુ માર્ગ’ ગણાવીને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું, “અમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ દ્વારા ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક વ્યાપક યોજનાની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. તે પેલેસ્ટિનિયન અને ઇઝરાયલી લોકો તેમજ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્ર માટે લાંબાગાળાની અને ટકાઉ શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે એક વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે.”
We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…
— Narendra Modi (@narendramodi) September 30, 2025
તેમણે જણાવ્યું કે અમને આશા છે કે તમામ સંબંધિત પક્ષો રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલ સાથે એક થશે અને સંઘર્ષને સમાપ્ત કરવા તથા શાંતિ સુનિશ્ચિત કરવાના આ પ્રયાસને સમર્થન આપશે. નોંધનીય છે કે આઠ મુખ્ય મુસ્લિમ દેશો – સાઉદી અરેબિયા, કતાર, તૂર્કી, પાકિસ્તાન, ઇજિપ્ત, જોર્ડન, UAE અને ઇન્ડોનેશિયાએ નિવેદન જારી કરીને ટ્રમ્પના પ્રયાસોનું સ્વાગત કર્યું અને હમાસને તે સ્વીકારવા આમંત્રણ આપ્યું છે.

