‘નિયંત્રણ ગુમાવ્યું હતું, જાણીજોઈને અકસ્માત નહતો કર્યો’: દિલ્હીના જે BMW ક્રેશ કેસમાં નાણા મંત્રાલયના અધિકારીનો જીવ ગયો, તેમાં કોર્ટે મહિલા આરોપીને આપ્યા જામીન

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં BMW કારચાલક ગગનપ્રીત કૌરને જામીન આપ્યા છે. આ કેસમાં એક સરકારી કર્મચારી નવજોત સિંઘનું મોત થયું હતું, જ્યારે તેમની પત્નીને ગંભીર ઇજાઓ થઈ હતી. કોર્ટે CCTV ફૂટેજના આધારે નોંધ્યું કે આ અકસ્માત ડ્રાઇવરનું નિયંત્રણ ખોવાઈ જવાથી થયો હતો, નહીં કે બાઇકને જાણીજોઈને ટક્કર મારવાના ઇરાદાથી. આ નિર્ણય 30 સપ્ટેમ્બર, 2025ના રોજ આવ્યો છે.

આ ઘટના દિલ્હીમાં બની હતી, જ્યાં ગગનપ્રીત કૌર એક BMW કાર ચલાવતી હતી. આ કાર એક બાઇક સાથે ટકરાઈ, જેના પર 52 વર્ષના નવજોત સિંઘ અને તેમનાં પત્ની સવાર હતા. નવજોત સિંઘ ભારત સરકારના નાણા મંત્રાલયમાં અધિકારી હતા. આ અકસ્માતમાં નવજોત સિંઘનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે તેમનાં પત્નીને ગંભીર ઇજાઓ થઈ, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અંકિત ગાર્ગે 19 પાનાના વિગતવાર આદેશમાં ગગનપ્રીત કૌરને જામીન આપવાનો નિર્ણય લીધો. કોર્ટે CCTV ફૂટેજનું નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે આ અકસ્માતમાં કાર અચાનક ફરી અને બાઇક સાથે ટકરાઈ હતી. તેમાં ઓવરસ્પીડ કે ઇરાદાપૂર્વક ટક્કર મારવાના કોઈ પુરાવા મળ્યા નથી. કોર્ટે જણાવ્યું, “આ ઘટના નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ (બેદકારી સાથેનું ડ્રાઇવિંગ) જેવી લાગે છે, નહીં કે અપરાધી હત્યા (culpable homicide) જેવી.”

કોર્ટે એમ પણ નોંધ્યું કે આરોપી ગગનપ્રીત કૌરની ઉંમર, તેનું સ્થાનિક નિવાસ અને તપાસમાં સહયોગ આપવાની તૈયારીને ધ્યાનમાં લેતા તેને જેલમાં રાખવી અનુચિત હશે. આ બાબતોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને જામીન આપી દીધા હતા.