હોમપેજદેશજજ સાહેબો આરોપીના પાંજરામાં 

જજ સાહેબો આરોપીના પાંજરામાં 

જજ સાહેબોની પસંદગી માટે આઈએએસ જેવી કડક પરીક્ષા પદ્ધતિ અને એટલી જ સખત તાલીમ પદ્ધતિ અનિવાર્ય હોવી અનિવાર્ય છે. અને આ માત્ર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે નહીં. છેક નીચલી અદાલતના જજોની ભરતી માટે આઇએએસ જેવાં કડક ચકાસણીના ધોરણો અપનાવવાં જરૂરી છે.

- Advertisement -

(લેફ્ટ, રાઈટ અને સેન્ટર : શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2025) 

શું ભારતના ન્યાયતંત્રમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે? હા. એ વિના દેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના આર્થિક સલાહકાર જેવા બે મહાનુભાવો જાહેરમાં ન્યાયતંત્રમાં રહેલી ખામીઓ વિશે બોલે નહીં. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ મહિને ફરી એક વાર જ્યુડિશ્યરીનો કાન ખેંચ્યો. પહેલી સપ્ટેમ્બરે ભારતની સુપ્રીમ કોર્ટના 75મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક સમારંભમાં પ્રમુખપદેથી સંબોધન કરતાં રાષ્ટ્રપતિ મહોદયાએ કહ્યું: ‘ન્યાયતંત્રમાં સુધારાઓ કરવાની પ્રક્રિયા ઝડપી બનવી જોઈએ…’

- Advertisement -

આ સમારંભમાં ભારતભરની જિલ્લા અદાલતોમાંથી આવેલા 800 જેટલા હાકેમોએ ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું કે: ‘લોકોને લાગે છે કે ન્યાયતંત્રમાં સંવેદનશીલતા નથી‘. આનો સાદા શબ્દોમાં અર્થ એ થાય કે ભારતનું ન્યાયતંત્ર જડસુ બની ગયું છે, કઠોર બની ગયું છે.

આ અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુએ એક કરતાં વધારે વાર ન્યાયાધીશોની પસંદગી માટે સ્વીકારાયેલી પરંપરાગત કૉલેજિયમ સિસ્ટમનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું છે કે આઈ.એ.એસ. અધિકારીઓની પસંદગી જે પ્રક્રિયાથી થાય છે તે રીતે ન્યાયાધીશોની નિમણૂક થવી જોઈએ.

રાષ્ટ્રપતિના આ સૂચનનું થોડુંક બૅકગ્રાઉન્ડ તપાસીએ. 1958માં લૉ કમિશન ઑફ ઇન્ડિયાના 14મા રિપોર્ટમાં ઑલ ઇન્ડિયા જ્યુડિશ્યલ સર્વિસ (એ.આઈ.જે.એસ.) રચવાનું પ્રપોઝલ કરવામાં આવ્યું. એ પછી આજ દિવસ સુધી અનેકવાર આ વિશે ચર્ચા-વિચારણા થઈ. 1978માં લૉ કમિશનના 77મા રિપોર્ટમાં અને 1986માં 116મા રિપોર્ટમાં પણ આ સૂચન ફરી એકવાર કરવામાં આવ્યું. છેલ્લે 2012માં ભારત સરકારે એ.આઈ.જે.એસ. રચવાની વાત ઉખેળી. પણ 1958 પછીના સાડા છ દાયકા સુધી આ બાબતે કોઈ પગલાં લેવાયાં નથી. શા માટે? દર વખતે જજ સાહેબો જ આડા ફાટ્યા છે. હાઇ કોર્ટના ચીફ જસ્ટિસો વિરોધ કરીને કહેતા રહ્યા છે આવું કરવાથી અમારા કાર્યક્ષેત્ર પર તરાપ મારવામાં આવશે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) તથા સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશન ( સી.એસ.ઈ) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં કુલ 64 જેટલાં સરકારી ક્ષેત્રોમાં ઉચ્ચ અધિકારીઓની નિમણૂક થતી હોય છે. આમાં આઇએએસ, આઇપીએસ અને આઈઆરએસ સર્વોચ્ચ સ્થાને હોય છે. આ ઉપરાંત વિદેશ ખાતામાં, જંગલ ખાતામાં, સંરક્ષણ ખાતામાં તેમ જ રેલવે સહિતના અન્ય ક્ષેત્રોના હિસાબકિતાબ વિભાગમાં, ટપાલ વિભાગમાં તેમ જ અન્ય કેટલાય સરકારી સંસ્થાનોમાં જે ટોચના અધિકારીઓની ભરતી થાય છે તે યુ.પી.એસ.સી.ની માસીના દીકરા જેવી સી.એસ.ઈ. દ્વારા જ થાય છે. કાયદા-ન્યાયતંત્ર સાથે જોડાયેલી નોકરીઓ માટે ઇન્ડિયન સિવિલ લૉ સર્વિસીઝ (આઈ.સી.એલ.એસ.) અને ઇન્ડિયન લૉ સર્વિસ (આઈ.એલ.એસ.) છે પરંતુ આ સર્વિસીસ જજ સાહેબોની પસંદગી માટે નથી હોતી.

જજ સાહેબોની પસંદગી માટે આઈએએસ જેવી કડક પરીક્ષા પદ્ધતિ અને એટલી જ સખત તાલીમ પદ્ધતિ અનિવાર્ય હોવી અનિવાર્ય છે. અને આ માત્ર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે નહીં. છેક નીચલી અદાલતના જજોની ભરતી માટે આઇએએસ જેવાં કડક ચકાસણીના ધોરણો અપનાવવાં જરૂરી છે.

ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની અદાલતો હોય, સિટી સિવિલ કોર્ટ હોય કે સેશન્સ કોર્ટ હોય—આ બધી અદાલતોમાં આઈએએસ ટાઈપની પરીક્ષાઓમાંથી પાસ થયેલા અને તાલીમ પામેલા ટકોરાબંધ ઉમેદવારોને પસંદ કરવા જોઈએ. આ જ ન્યાયમૂર્તિઓ બઢતી પામીને ભવિષ્યમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાના છે.

અત્યારે કૉલેજિયમ સિસ્ટમને કારણે મોટે ભાગે ભારતના ગણ્યાગાંઠ્યા પરિવારોના સભ્યો જ ઉચ્ચ ન્યાયાલયોમાં ન્યાયાધીશના પદે બિરાજે છે. નજીકના કે દૂરના સગા ન હોય તો જજ સાહેબો પોતાના દોસ્તારોનાં કે વહાલી વ્યક્તિઓનાં સંતાનોને આ લહાવો આપતા રહે છે. લાગવગશાહીની આ ભ્રષ્ટ સિસ્ટમને રિપ્લેસ કરવા માટે નૅશનલ જ્યુડિશ્યલ અપોઈન્ટમેન્ટ્‌સ કમિશન (એન.જે.એ.સી.)ની રચના થઈ. મોદી સરકારના નેજા હેઠળ 2014ની 13મી તથા 14મી ઓગસ્ટે લોકસભા તેમ જ રાજ્યસભામાં બંધારણનો 99મો સુધારો પસાર કરવામાં આવ્યો. આની સાથે એન.જે.એ.સી. ઍક્ટ, 2014 પણ પસાર થઈ ગયો અને 16 રાજ્યોની વિધાનસભાઓએ પણ એને મંજૂરી આપી. એ પછી 31 ડિસેમ્બર 2014ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ મંજૂરીની મહોર મારી.

13 એપ્રિલ 2015ના રોજ એનજેએસી ઍક્ટ અને બંધારણીય સુધારો અમલમાં આવ્યા.

પછી શું થયું?

પછી 16 ઑક્ટોબર 2015ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 4 વિરુદ્ધ 1ની બહુમતીથી ચુકાદો આપ્યો કે કૉલેજિયમ સિસ્ટમ જ બરાબર છે અને એનજેએસી ગેરબંધારણીય છે. 99મા બંધારણીય સુધારાને પણ સુપ્રીમ કોર્ટે રદ કર્યો. 

જંગલની અદાલતમાં ન્યાયાસને બેઠેલા સિંહને પૂછવામાં આવે કે આવતીકાલથી કોઈ પણ સિંહ પોતાની મનમાની કરીને જંગલના પ્રાણીનો શિકાર નહીં કરી શકે અને કરશે તો એનો હિસાબ આપવો પડશે એવો કાયદો લાવવો છે, તમે મંજૂરી આપશો?

તો સિંહનો જવાબ શું હોય?

કૉલેજિયમ સિસ્ટમની લાગવગશાહીને લીધે ન્યાયતંત્રના સિંહોનું ભરણપોષણ થાય છે. એનજેએસી લાગુ પાડવામાં આવે તો સિંહો ભૂખ્યા મરે. 

આ થઈ એક વાત. 

હવે બીજી વાત.

સંજીવ સંન્યાલ ભારતના સાચા ઇતિહાસને લગતાં બેસ્ટ સેલર પુસ્તકોના લેખક છે. અર્થશાસ્ત્રી છે. વડા પ્રધાનની આર્થિક બાબતોના સલાહકારોની સમિતિના એક અગત્યના સભ્ય છે. સંજીવ સંન્યાલે ગયા અઠવાડિયે કાયદા અને ન્યાયતંત્રને લગતા એક કાર્યક્રમમાં આ વિષયના ખેરખાંઓ સમક્ષ કરેલા બાર મિનિટના ટૂંકા પ્રવચનમાં ત્રણ ખૂબ અગત્યના મુદ્દા કહ્યા. એક તો એમણે કહ્યું કે ભારતની આર્થિક નીતિને અમલમાં મૂકવાની આડે, ભારતને વિકસિત ભારત બનાવવાની આડે સૌથી મોટું જો કોઈ એક વિઘ્ન હોય તો તે છે ભારતનું ન્યાયતંત્ર— ભારતની જ્યુડિશ્યલ સિસ્ટમ અને ભારતની લીગલ ઇકો સિસ્ટમ …જ્યાં સુધી ન્યાયતંત્રમાં, કાયદાની ઇકો સિસ્ટમમાં ધરખમ ફેરફારો નહીં થાય ત્યાં સુધી ગમે એટલી મજબૂત આર્થિક નીતિઓ લાવીશું તો પણ એનો કોઈ અર્થ નહીં સરે.

સંજીવ સન્યાલે બીજી વાત એ કહી કે અદાલતોમાં ‘માય લૉર્ડ’ તરીકે ન્યાયાધીશોને શું કામ સંબોધવા જોઈએ? એ લોકો અને આપણે સૌ સમાન અધિકાર ધરાવતા નાગરિકો છીએ તો પછી એમને ‘માય લોર્ડ’ કહેવાની જરૂર શું છે? 

(હવે જોકે, માય લૉર્ડને બદલે ‘સર’ કે ‘સાહેબ’ સંબોધનો અદાલતોમાં સ્વીકાર્ય છે પણ સંજીવ સંન્યાલની ફિકર વાજબી છે. મોટાભાગના વકીલો હજુય ‘માય લૉર્ડ’ કે ‘યૉર ઑનર’ કહીને જજ સાહેબોને માથે વગર ફોગટના ચડાવતા હોય છે).

સંજીવ સંન્યાલે ત્રીજી વાત કહી. અદાલતોમાં લાંબાં લાંબાં વૅકેશનો શું કામ હોવાં જોઈએ? કોર્ટમાં લાંબી રજાઓ દરમિયાન કામકાજ ઠપ થઈ જતું હોય છે. પોલીસ ખાતામાં, સરકારી હૉસ્પિટલોમાં કે બ્યુરોક્રસીમાં કર્મચારીઓ કે અધિકારીઓ વૅકેશન પર જતા જ હોય છે. પણ એને કારણે પોલીસ ખાતાની કે હોસ્પિટલોની કે સરકારની કામગીરીઓ સ્થગિત નથી થઈ જતી. આ બધા સરકારી વિભાગોને અર્જન્ટ કામ માટે કંઈ વૅકેશન બેન્ચની જરૂર નથી પડતી. 

સંજીવ સંન્યાલ વડા પ્રધાનના વિશ્વાસુ માણસ છે. રાષ્ટ્રપતિ જાહેરમાં જે કંઈ વિચારો પ્રગટ કરે એને વડા પ્રધાનની મૂક સંમતિ હોય છે એવી પરંપરા રહી છે. આ બેઉ મહાનુભાવોની વાતો પુરાવો છે કે મોદીજી આ બાબતે કંઈક મોટું કરી રહ્યા છે. આગામી મહિનાઓમાં આ બે મહાનુભાવોએ ન્યાયતંત્રમાં જે સુધારાઓની વાત કરી છે તે, તેમ જ બીજા અનેક સુધારાઓ મોદી સરકાર અમલમાં લાવશે, પેધા પડી ગયેલા કેટલાય જજ સાહેબોને આરોપીના પાંજરામાં મૂકીને એમની પાસે જવાબ માગશે. કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, પ્રશાંત ભૂષણ જેવા કેટલાક વકીલોએ બનાવેલી લીગલ ઇકો સિસ્ટમને ધરમૂળથી બદલવાનું બીડું ઝડપશે.

ન્યાયતંત્રમાં પાયાના સુધારાઓ કરવાની સાથે ઉચ્ચ અદાલતોમાં અપાતા ચુકાદાઓનો રિપોર્ટિંગ કરવાની સિસ્ટમમાં પણ સુધારો થવો જોઈએ. અત્યારે ‘લાઈવ લૉ’ તથા ‘બાર ઍન્ડ બેન્ચ’ નામનાં બે સૌથી જાણીતા ડિજિટલ પોર્ટલો છે જે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું અને ક્યારેક દિલ્લી હાઇ કોર્ટની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરે છે. આ બંને પોર્ટલો સંજીવ સંન્યાલ જેને ભારતના ન્યાયતંત્રની લીગલ ઈકો સિસ્ટમ તરીકે ઓળખે છે એનો જ એક હિસ્સો છે. આ ઇકો સિસ્ટમને કારણે આમ જનતા સુધી એવી જ વાતોનું રિપોર્ટિંગ થતું રહે છે જે વાતો આ ઇકો સિસ્ટમના લાભમાં હોય. તટસ્થ અને નિરપેક્ષ તરીકાથી ન્યાયાલયોની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરી શકે એવા એક ત્રીજા મોટા ગજાના લીગલ મીડિયા પોર્ટલની જરૂર છે જે રાષ્ટ્રપ્રેમી હોય, જે લીગલ ઇકો સિસ્ટમના કિલ્લામાં હિંમતભેર પ્રવેશીને ન્યાયતંત્રને કોરી ખાતી ઉધઈનું પેસ્ટ કન્ટ્રોલ કરી શકે. 

ભગવાન જેવું જ ખાતું મોદીનું છે. કોઈક બાબતે દેર છે, પણ અંધેર નથી. 

લાસ્ટ બૉલ

સંજીવ સંન્યાલ વિરુદ્ધ અદાલતનું અપમાન કરવા બદલ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટનો ફોજદારી કેસ કરવાની ઍટર્ની જનરલ ઑફ ઇન્ડિયા અમને પરવાનગી આપે. 

—ઍડવોકેટ શશી રંજનકુમાર સિંહ

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં