ગુજરાતમાં ‘નેપાળવાળી’ કરવાની આમ આદમી પાર્ટી નેતા રેશ્મા પટેલની ધમકી, વિડીયો વાયરલ: કાર્યવાહીની માંગ

આમ આદમી પાર્ટી નેતા રેશ્મા પટેલે તાજેતરમાં એક સભા સંબોધિત કરતી વખતે ગુજરાતમાં ‘નેપાળવાળી’ કરવાની ધમકી આપી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ભાષણમાં તેઓ કહે છે કે, “અમે બહુ અગ્નિકાંડમાં અમારા દીકરા હોમાતા જોયા. હવે જો તમે વિસાવદરવાળી કે સાવરણાવાળીમાં નહીં માનો તો અમે નેપાળવાળી કરીશું… આ વાત તમારે બોલવી પડશે. કારણ કે હવે ધીમે-ધીમે ચાલવાથી મેળ નહીં પડે.”

વધુ ખાંખાંખોળાં કરતાં જાણવા મળ્યું કે આ ભાષણ ગુરુવારે (18 સપ્ટેમ્બરે) આયોજિત એક સભામાં આપવામાં આવ્યું હતું. પાર્ટી નેતા પ્રવીણ રામે ‘ઘેડ બચાઓ પદયાત્રા’ શરૂ કરી હતી, જેનું સમાપન યોજાયું હતું, જેમાં રેશ્મા પટેલે આ ભાષણ આપ્યું હતું. સભામાં AAP સાંસદ સંજય સિંઘથી લઈને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સુધીના નેતાઓ હાજર હતા. 

વિડીયો વાયરલ થયા બાદ રેશ્મા પટેલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટીના એક ફેસબુક પેજ પરથી આ જ રીતે યુવાનોને નેપાળ જેવી સ્થિતિ ભારતમાં કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.