સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણ, ખાસ કરીને પરાળ બાળવાને કારણે થતા પ્રદૂષણને લઈને સખત વલણ અપનાવ્યું છે. 17 સપ્ટેમ્બરના રોજ એક સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે ખેડૂતોને પરાળ બાળવાથી રોકવા માટે કડક દંડનીય જોગવાઈઓ અને જવાબદારોને જેલમાં મોકલવાની ચેતવણી આપી હતી.
નોંધનીય છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ખેડૂતો ખેતરોને ઝડપથી સાફ કરવા માટે લણણી બાદનો કચરો એટલે કે પરાળ સળગાવી નાખે છે. આ પ્રક્રિયા ખાસ કરીને ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં થાય છે, જ્યારે ખેડૂતો ડાંગરની લણણી કરે છે. જેનાથી ઉત્પન્ન થતો ધુમાડો દિલ્હી-NCRમાં ભયજનક ધુમ્મસનું મુખ્ય કારણ બની રહે છે, જે AQIને ગંભીર રીતે અસર કરે છે.
‘જવાબદારોને જેલમાં મોકલો’
સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતો દેશની ખાદ્ય સુરક્ષામાં મહત્વનું યોગદાન આપે છે, પરંતુ આનો અર્થ એ નથી કે પર્યાવરણનું રક્ષણ ન થવું જોઈએ. CJI ગવઈએ કહ્યું, “જો કેટલાક લોકોને જેલમાં મોકલવામાં આવે તો જ યોગ્ય સંદેશો જશે. ખેડૂતો પર દંડનીય જોગવાઈઓ લાગુ કરવામાં શા માટે ખચકાટ થાય છે? જો પર્યાવરણનું રક્ષણ કરવાનો ખરો ઈરાદો હોય તો શા માટે પાછળ હટવું?”
સુપ્રીમ કોર્ટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ખાલી જગ્યાઓ ભરવાના મુદ્દે સુનાવણી કરી રહી હતી. કોર્ટે એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM), સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અને રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ત્રણ અઠવાડિયાની અંદર વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં તૈયાર કરવા નિર્દેશ આપ્યો. આ નિર્દેશ ખાસ કરીને શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો, જ્યારે પ્રદૂષણનું સ્તર સામાન્ય રીતે ઊંચું હોય છે.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે પરાળનો ઉપયોગ બાયોફ્યુઅલ તરીકે થઈ શકે છે, જેનો ઉલ્લેખ CJI ગવઈએ અખબારોના અહેવાલોના સંદર્ભમાં કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણને દર પાંચ વર્ષે થતું કાર્ય ન બનવું જોઈએ, પરંતુ લાંબા ગાળાની વ્યૂહરચના જરૂરી છે.
પરાળ બાળવાની પ્રક્રિયા રોકવા માટે વૈકલ્પિક ઉપાયો છે, પરંતુ તે ઘણા ખર્ચાળ છે. એમિકસ ક્યુરી અપરાજિતા સિંઘે કોર્ટને જણાવ્યું હતું કે, સરકારે કોર્પોરેટ્સ માટે 80% અને વ્યક્તિગત ખેડૂતો માટે 50% સબસિડીવાળાં સાધનો પૂરા પાડવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ તેમ છતાં આ સમસ્યા યથાવત્ છે.
ઘટનાઓ ઘટી હોવાનો દાવો છતાં નથી કોઈ ફરક
પંજાબનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રાહુલ મેહરાએ દલીલ કરી હતી કે છેલ્લાં ત્રણ વર્ષમાં પરાળ બાળવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે અને આગામી વર્ષોમાં વધુ લક્ષ્યાંક હાસલ કરવામાં આવશે. કોર્ટે ખેડૂતોને વૈકલ્પિક ઉપાયો પૂરા પાડવા અને ‘કેરેટ એન્ડ સ્ટિક’ (પ્રોત્સાહન અને સજા) નીતિ અપનાવવાની હિમાયત કરી. CAQMનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નીતિ ખેડૂતો પર ફોજદારી કાર્યવાહી ન કરવાની છે, કારણ કે તેમને સાથે રાખવાની જરૂર છે.
જોકે, CJIએ આ નીતિ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે ખેડૂતોને સંપૂર્ણ રાહત આપવી યોગ્ય નથી. નોંધનીય છે કે CAQMએ આ વર્ષે મે મહિનામાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના NCR જિલ્લાઓમાં પરાળ બાળવાને રોકવા માટે 19-સૂત્રીય યોજના જાહેર કરી હતી. આ યોજનામાં ખેતરોનું મેપિંગ, પરાળ વ્યવસ્થાપનની યોજનાઓ અને પરાળ બાળનાર ખેડૂતો પર પર્યાવરણીય વળતર (EC) દંડ અને ‘રેડ એન્ટ્રીઝ’ દ્વારા ભવિષ્યની સબસિડીઓ વિરુદ્ધ પગલાં લેવાની જોગવાઈઓનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે પરાળ બાળવા ઉપરાંત વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન અને ધૂળનું પ્રદૂષણ પણ દિલ્હી-NCRના વાયુ પ્રદૂષણનાં મુખ્ય કારણો છે. એમિકસ ક્યુરીએ જણાવ્યું હતું કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના (GRAP) નિયમોમાં ઢીલથી વાહનોની અવરજવર વધી છે, જે પ્રદૂષણને વધારે છે.


