પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક ટોચના કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ તાજેતરમાં એક વિડીયોમાં સ્વીકાર્યું છે કે ભારતના આતંકવિરોધી ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં જૈશના વડા આતંકી મસૂદ અઝહરનો આખો પરિવાર નાશ પામ્યો હતો. કાશ્મીરીએ કહ્યું કે, “અઝહરનો પરિવાર રેઝા-રેઝા થઈ ગયો, ટુકડા-ટુકડા થઈ ગયો.”
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. જેમાં આતંકી ઇલિયાસ કાશ્મીરી એક કાર્યક્રમમાં બોલતી વખતે સ્વીકારી રહ્યો છે કે 22 એપ્રિલે પહલગામમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા પછી ભારત દ્વારા શરૂ કરાયેલ ઑપરેશન સિંદૂરથી જૈશ-એ-મોહમ્મદનું આંતરિક મનોબળ તૂટી ગયું હતું. નોંધનીય છે કે આ ઓપરેશનમાં જે આતંકીઓ ઠાર થયા તેમને સામાન્ય નાગરિક તરીકે દર્શાવવાનો પાકિસ્તાને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
? #Exclusive ???
— OsintTV ? (@OsintTV) September 16, 2025
Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces.
Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy
ભારતે કરેલ જવાબી કાર્યવાહીમાં અઝહરની બીબી, મોટી બહેન, તેનો શોહર, ભત્રીજો, ભત્રીજી સહિત 10 પરિવારજનો માર્યા ગયા હતા. તેની પુષ્ટિ કરતા વિડીયોમાં ઇલિયાસ કહી રહ્યો છે કે “બધું કુરબાન કર્યા બાદ 7 મેના રોજ બહાવલપુરની અંદર મૌલાના મસૂદ અઝહરના પરિવારના સભ્યો, વિધવા, પુત્ર અને બાળકોના ચીંથરે-ચીંથરા ઉડી ગયાં હતાં. તેમના ટૂકડા થઈ ગયાં હતાં.”
આતંકી ઇલિયાસ કાશ્મીરીની આ કબૂલાત પાકિસ્તાનના એ દાવાઓને પણ ખોટા ઠેરવે છે કે તેમના દેશમાં આતંકવાદ નથી. ભારતીય ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે બહાવલપુર હજુ પણ જૈશનું મુખ્ય કેન્દ્ર છે અને પાકિસ્તાન આતંકીઓને નાગરિકો વચ્ચે છુપાવીને આંતરરાષ્ટ્રીય દબાણથી બચાવવાનો પ્રયાસ કરે છે. નોંધનીય છે કે પાકિસ્તાને શરૂઆતમાં મરેલા આતંકીઓને નાગરિકો ગણવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે બાદમાં બીબીસી સાથેની વાતમાં મસૂદ અઝહરે પોતે જ પોતાના પરિવારના મોત વિશેની જાણકારી આપી હતી અને મસૂદ ઇલિયાસ કાશ્મીરીના નિવેદનથી પણ પાકિસ્તાનની પોલ ખુલે છે.
આ હુમલાએ પાકિસ્તાનની આતંકવાદને આશ્રય આપવાની નીતિને વૈશ્વિક સ્તરે ઉઘાડી પાડી છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) અને યુનાઈટેડ નેશન્સ જેવા મંચો પર પાકિસ્તાન પર દબાણ વધ્યું. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું છે કે પાકિસ્તાન આતંકી માળખાને ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારત તેનો કડક જવાબ આપશે.
ઑપરેશન સિંદૂર શું હતું?
22 એપ્રિલના રોજ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 26 હિંદુઓ સહિત પ્રવાસીઓને તેમના ધર્મ પૂછીને ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’એ ((TRF) લીધી હતી, આ સંગઠનને લશ્કર-એ-તૈયબાનું પ્રોક્સી ગ્રુપ ગણવામાં આવે છે. આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 7 મેથી 10 મે દરમિયાન ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું.
જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (પીઓકે) આતંકવાદીઓના ઠેકાણાંનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનોના આતંકીઓ અને તેમના ઠેકાણાંને નષ્ટ કરવાનો હતો. આ ઑપરેશનમાં ભારતીય વાયુસેના, ભારતીય આર્મી અને નેવીની આઠ એજન્સીઓએ સાથે મળીને કામ કર્યું હતું. ખાસ કરીને બહાવલપુરમાં જૈશનું મુખ્ય મથક મરકઝ સુભાન અલ્લાહ મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો, જે ભારત વિરુદ્ધ અનેક આતંકી હુમલાઓનું કેન્દ્ર હતું.
ઑપરેશન સિંદૂરની યોજના ભારતની ખુફિયા એજન્સીઓ, જેમ કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) લાંબા સમયના અવલોકન પર આધારિત હતી. આ એજન્સીઓએ આતંકીઓના ઠેકાણાં, તેમની હિલચાલ અને મુખ્ય કમાન્ડરોની સ્થિતિની ચોક્કસ માહિતી એકઠી કરી હતી. આ માહિતી સેટેલાઇટ ઈમેજરી, ડ્રોન દ્વારા નિરીક્ષણ અને માનવ આધારિત ગુપ્તચર માહિતી (HUMINT) પર આધારિત હતી.
ભારતીય વાયુસેનાના ચીફ એર માર્શલ એપી સિંઘે જણાવ્યું હતું કે આ ઑપરેશન આતંકીઓને સીધો સંદેશ આપે છે કે તેઓ ક્યાંય પણ સલામત નથી. આ ઑપરેશન દરમિયાન બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક નષ્ટ કરવામાં આવ્યું હતું. જે મરકઝ સુભાન અલ્લાહ મસ્જિદમાં આવેલું હતું અને 15 એકરમાં ફેલાયેલું હતું. આ સ્થળથી ભારત વિરુદ્ધ મોટા આતંકી હુમલાઓની યોજના બનતી હતી, જેમ કે 2001નો સંસદ હુમલો, 2016નો પઠાણકોટ હુમલો, 2019નો પુલવામા હુમલો અને 2025નો પહલગામ હુમલો.
આ સિવાય પાકિસ્તાનના મુરીદકે સ્થિત લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક જ્યાંથી 2008ના મુંબઈ હુમલાના આતંકી અજમલ કસાબ જેવા લોકોને તાલીમ આપવામાં આવી હતી ત્યાં પણ 25-30 આતંકીઓ નાશ પામ્યા હતા. PoK સ્થિત મુઝફ્ફરાબાદ, કોટલી અને તેહરા-કલાનમાં 5 ઠેકાણાં નષ્ટ થયા, જે પહલગામ, સોનમાર્ગ અને ગુલમર્ગ જેવા હુમલાઓના કેન્દ્રો હતા.
ઑપરેશન સિંદૂર દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે આ છાવણીઓ ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓનું કેન્દ્ર હતી. ભારતે આ હુમલામાં ખાસ ધ્યાન રાખ્યું છે કે નાગરિકોને નુકસાન ન થાય, પરંતુ આતંકીઓના ઠેકાણાં અને કમાન્ડરોને ચોક્કસ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા.


