વડા પ્રધાન મોદી (PM Modi) 17 સપ્ટેમ્બરના રોજ પોતાના જન્મદિવસ પર ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’ (Swasth Nari, Sashakt Parivar Abhiyaan) શરૂ કરવા જઈ રહ્યા છે. આ પહેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન મહિલાઓ અને બાળકો માટે આરોગ્યસંભાળ સેવાનોને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં શ્રેષ્ઠ પહોંચ, ગુણવત્તાયુક્ત સંભાળ અને જાગૃતિ સુનિશ્ચિત કરવામાં આવશે. તે સિવાય અમદાવાદમાં પણ પણ વિવિધ મેડિકલ સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવી છે.
વડા પ્રધાનનું આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલશે. ન્યૂઝ18એ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે, રાજ્યોમાં એકસાથે આયોજિત આરોગ્ય શિબિરો અને પ્રવૃત્તિઓની સંખ્યાને જોતાં વડા પ્રધાનના આ અભિયાનનો સ્કેલ એક નવો વિશ્વવિક્રમ સર્જી શકે છે. તે સિવાય સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોની ભાગીદારી આ અભિયાનને વિશ્વસ્તરના હમણાં સુધીના સૌથી મોટા આરોગ્ય જાગૃતિના કાર્યક્રમ પૈકીનો એક બનાવશે.
Hon’ble Prime Minister Shri @NarendraModi ji will launch the Swasth Nari Sashakt Parivar Abhiyaan on 17th September 2025. This initiative aims to strengthen healthcare services for women and children across India, ensuring better access, quality care, and awareness.
— Jagat Prakash Nadda (@JPNadda) September 8, 2025
As part of… pic.twitter.com/IkmMtlW3NE
અધિકારીને ટાંકીને આગળ કહેવાયું છે કે દિલ્હી સહિતના ભાજપશાસિત રાજ્યોમાં આ અભિયાન હેઠળ અનેક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવશે અને શહેરમાં હોસ્પિટલ બ્લોક્સનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. દેશભરમાં 15 દિવસનું સેવા પખવાડિયું પણ મનાવવામાં આવશે.
આ ઉપરાંત, આ પહેલ હેઠળ દેશભરના આયુષ્યમાન આરોગ્ય મંદિરો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને અન્ય આરોગ્ય સંભાળ સંસ્થાઓમાં 1 લાખથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ શિબિરો મહિલાઓ અને બાળકોની નિયત આરોગ્ય જરૂરિયાતોને પૂર્ણ કરશે અને સરકારના સમાવેશી આરોગ્યસંભાળના વિઝનને પણ પૂર્ણ કરશે. આ અભિયાન મહિલાઓ, કિશોરીઓ અને બાળકો માટેનો હમણાં સુધીનો સૌથી મોટો આરોગ્ય અને પોષણ કાર્યક્રમ હશે.
શું સુવિધાઓ મળશે?
આ અભિયાન હેઠળ અસંક્રમક રોગો, જેવા કે ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, સ્થૂળતા વગેરેની તપાસ અને સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે. આ ઉપરાંત કેન્સર સ્ક્રિનિંગ પણ થશે. જેમાં સ્તન કેન્સર, ગર્ભાશય ગ્રીવા કેન્સર અને મોંના કેન્સરની તપાસ પણ કરવામાં આવશે. વધુમાં અનિમિયા અને પોષણની સારવાર, ટીબીની તપાસ અને સારવાર, સિકલ સેલ રોગની સ્ક્રિનિંગ અને સલાહ, માતાઓ અને બાળકો માટેના રોગોની સારવાર અને સગીરાઓને માસિક સ્વચ્છતા, સુધારણા અને પોષણ જેવી સેવાઓ પણ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવી છે.
પોષણ સેવાઓમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ મેળાનું આયોજન કરવામાં આવશે અને પૌષ્ટિક ભોજન બનાવવા માટે વર્કશોપ પણ યોજવામાં આવશે. વધુમાં બાળકો અને કિશોરીઓમાં સ્વસ્થ આહારની આદતો વિકસાવવા પર ભાર આપવામાં આવશે. આ અભિયાનમાં આશા, ANM, આંગણવાડી કાર્યકરો, અન્ય જૂથો, જનપ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓ ભાગ લેશે. ખાનગી હોસ્પિટલો અને હેલ્થ સર્વિસ પ્રોવાઇડરોને પણ તેમાં જોડાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
એકંદરે મોદી સરકારનો આ કાર્યક્રમ મહિલાઓ અને બાળકો માટે વિશ્વસ્તરીય અને સૌથી મોટો આયોગી અને પોષણ કાર્યક્રમ સાબિત થશે. આ અભિયાન હેઠળ દેશના દરેક રાજ્યોમાં વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવશે. જેના કારણે ગરીબ મહિલાઓ, બાળકો અને કિશોરીઓને સારવાર પણ મળી રહેશે અને યોગ્ય સલાહ પણ મળી શકશે.
અમદાવાદમાં મળી રહેશે સેવાઓ
આ અભિયાન હેઠળ અમદાવાદમાં પણ વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવશે. અમદાવાદની SVP હોસ્પિટલમાં OPD નિઃશુલ્ક કરવામાં આવશે. તેમજ કેટલાક ટેસ્ટ પર પણ ચાર્જ લેવામાં નહીં આવે. આ બાબતની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કામિનીના ચેરમેન દેવાંગ દાણીએ કરી છે. ઉપરાંત, AMCની વિવિધ હોસ્પિટલ તેમજ CHC સેન્ટર પર પણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં મહિલાઓ માટે હાયપરટેન્શન અને ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ થશે, તે ઉપરાંત કેન્સર, સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર માટે પણ સ્ક્રિનિંગ થશે.
મહિલાઓ અને કિશોરીઓ માટે અનિમિયા સ્ક્રિનિંગ અને કાઉન્સેલિંગ પણ યોજવામાં આવશે. અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં પણ નિષ્ણાત તબીબો સ્ત્રીરોગ, આંખના રોગ, ENT, ત્વચારોગ, બાળરોગ, ફિઝિશિયન, મનોચિકિત્સક, ડેન્ટલ સર્જન માટે સેવાઓ આપશે. 12 CHC સેન્ટરમાં 17થી 25 સપ્ટેમ્બર સુધી ફ્રી મેડિકલ કેમ્પ યોજાશે. ટીબી માટે 90 અને અન્ય તપાસ માટે 156 કેમ્પ યોજવામાં આવશે.
અમદાવાદની વાત કરીએ તો SVP હોસ્પિટલમાં તમામ કન્સલ્ટેશન, કેટલાક ટેસ્ટ વિનામૂલ્યે કરાશે તેમજ મેમોગ્રાફી મશીનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. શારદાબેન હોસ્પિટલમાં મેમોગ્રાફી ટેસ્ટ મફતમાં કરવામાં આવશે. 30થી 60 વર્ષના દર્દીમાં હાર્ટએટેકની સંભાવના તપાસવા માટે સિટી કેલ્શિયલ સ્કોરિંગની મફત તપાસ માટે કેમ્પ યોજાશે. LG હોસ્પિટલમાં ડાયાબિટીસ સ્ક્રિનિંગ, કેન્સર સ્ક્રિનિંગ, મેમોગ્રાફી સ્ક્રિનિંગ અને OPD ફ્રી રહેશે. નગરી હોસ્પિટલ દ્વારા વિવિધ વૃદ્ધાશ્રમોમાં જઈને આંખોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે.


