હોમપેજદુનિયારાજકારણમાં નેપોટિઝમ, નેપોટિઝમનું રાજકારણ

રાજકારણમાં નેપોટિઝમ, નેપોટિઝમનું રાજકારણ

નેપાળનું બહાનું લઈને આ મુદ્દાનો ઉપયોગ કોંગ્રેસ ભારતમાં કરી રહી છે. એ જોકે સેલ્ફ ગોલ છે. કોંગ્રેસનું નેતૃત્વ હમણાં જેમના હાથમાં છે તેમના બાપ-દાદાઓએ તેમના બાપ-દાદાઓના લીધે દેશ પર રાજ ન કર્યું હોત તો આ લોકો હમણાં બીજી જ દુનિયામાં હોત એ હકીકત છે.

- Advertisement -

(તંત્રીલેખ, 14 સપ્ટેમ્બર, 2025) 

નેપાળમાં ગણતરીના કલાકોમાં સત્તા ઉથલાવી નાખનારાં પ્રદર્શનો થયાં તેમાં કારણ સોશિયલ મીડિયા બૅન આપવામાં આવી રહ્યું હતું, પણ એ વાસ્તવમાં એક ટ્રિગર પોઈન્ટ હતો એવું જાણકારોનું કહેવું છે. મૂળ કારણ ભ્રષ્ટાચાર અને રાજકીય પક્ષો પ્રત્યે લોકો અને ખાસ કરીને જનરેશન-ઝીનો અસંતોષ હતો. સંભવતઃ આ અસંતોષ ડામવા જ સરકારે સોશિયલ મીડિયા પ્રતિબંધ મૂક્યો હતો અને તેના કારણે જ પછીથી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. આ પ્રદર્શનોમાં પણ અન્ય એક મુદ્દો પણ ચર્ચામાં રહ્યો– નેપોટિઝમ. 

વંશવાદ કે ભાઈભત્રીજવાદનો આ અંગ્રેજી શબ્દ છે. નેપાળના જુવાનિયાઓનું કહેવું છે કે તેમને ત્યાં સરકાર જેની હોય એની, ભ્રષ્ટાચાર ભરપૂર થાય છે અને સત્તાની મલાઈ નેતાઓ, તેમનાં સંતાનો જ ખાતાં રહ્યાં છે. લોકોની સ્થિતિ ખાસ સુધરી નહીં. ત્યાં ઘણા વખતથી નેતાઓ, હાઈપ્રોફાઈલ વ્યક્તિઓનાં સંતાનોની વૈભવી જીવનશૈલી દર્શાવતા ફોટા-વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા રહેતા હતા. લોકો આ લોકોની લાઈફસ્ટાઈલને સામાન્ય લોકોના જીવનધોરણ સાથે સરખાવતા, જે નેપાળમાં બહુ નીચું રહ્યું છે. 

- Advertisement -

નેપાળનું બહાનું લઈને આ મુદ્દાનો ઉપયોગ કોંગ્રેસ ભારતમાં કરી રહી છે. એ જોકે સેલ્ફ ગોલ છે. કોંગ્રેસનું નેતૃત્વ હમણાં જેમના હાથમાં છે તેમના બાપ-દાદાઓએ તેમના બાપ-દાદાઓના લીધે દેશ પર રાજ ન કર્યું હોત તો આ લોકો હમણાં બીજી જ દુનિયામાં હોત એ હકીકત છે. બીજું, ભારતમાં હાલ જેઓ સત્તામાં શીર્ષ સ્થાને બેઠા છે તેમની ઉપર આટલાં વર્ષોના શાસનમાં ભ્રષ્ટાચારનો કે નજીકના માણસોને લાભ પહોંચાડવાનો એક ડાઘ લાગ્યો નથી. આરોપો વિપક્ષો લગાવતા રહે છે, પણ એક પણ આજ સુધી સાબિત કરી શક્યા નથી. 

એટલે કોંગ્રેસી સુપ્રિયા શ્રીનેત, જેમના બાપુજી પોતે કોંગ્રેસ સાંસદ રહ્યા હતા, તેઓ આવા મુદ્દે કકળાટ કરતાં હોય તો એ હાસ્યાસ્પદ છે. તેઓ જેમના માટે મહેનત કરે છે એ રાહુલ ગાંધીના બાપુજી અને દાદીજી દેશનાં વડાં પ્રધાનો રહી ચૂક્યાં છે. બાપુજી અને દાદી પણ એટલે રહ્યાં કારણ કે નાના વડા પ્રધાન હતા અને નાના એટલે કારણ કે તેમના બાપુજીની પહોંચ ઊંચે સુધી હતી. રાહુલ ગાંધીનાં માતાજી પોતે વર્ષો સુધી પાર્ટી અધ્યક્ષ રહ્યાં અને દસ વર્ષ સુપર પીએમ પણ! આ લોકો કયા મોઢે નેપોટિઝમની વાત કરે છે એવું લોકો પૂછતા રહે છે. સાચું જ કહે છે. 

ભારત-નેપાળની તો સરખામણી કરવી ન જોઈએ, પણ એક બૃહદ દૃષ્ટિકોણથી જોઈએ તો આ મુદ્દો પેચીદો છે. વંશવાદ બધે જ છે, માત્ર રાજકારણ નહીં. રાજકારણમાં પણ આરોપ લાગે ત્યારે કોંગ્રેસીઓ કાયમ રાજકારણમાં સક્રિય ભાજપ નેતાઓનાં સંતાનોનાં નામો લઈ આવે છે કે વંશવાદ ત્યાં પણ છે. બોલિવૂડમાં પણ વચ્ચે આ નેપોટિઝમવાળું બહુ ચગ્યું હતું. બીજાં ક્ષેત્રોમાં પણ છે. 

દેખીતી વાત એ છે કે બાપ કોઈ ક્ષેત્રમાં પકડ જમાવીને બેઠો હોય, સામ્રાજ્ય ઊભું કરીને બેઠો હોય તો બાળકો તેમાં સેટ થાય તે તેનો પહેલો પ્રયાસ રહેવાનો. એ માનવસહજ છે. સ્વાભાવિક છે. ગામને સલાહ આપીએ એ વાત અલગ છે, પણ આપણે હોઈએ તો આપણે પણ એ જ કરીએ. એવું પણ ક્યાંય લખ્યું નથી કે બાપનો ધંધો હોય તેમાં દીકરાથી ન જવાય, કે બાપ જે કામ કરતો હોય એ દીકરાથી ન થાય. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે પછી બીજી પેઢીએ પોતાની ક્ષમતા પુરવાર કરવી પડે છે. લાંબેગાળે આવું ન કરી શકનારાઓ પછીથી ફેંકાઈ જાય છે. 

બાપ-દાદાઓના કારણે પ્રવેશ સરળતાથી મળે એ ઠીક છે, પણ પછીથી આગલી પેઢીએ ક્ષમતા પુરવાર કરીને પોતાની એક અલગ ઓળખ બનાવવી પડે છે. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ દેખાડવું પડે છે. જે-જે ક્ષેત્રોમાં, જે-જે આવું કરી શક્યા છે એ ટકી ગયા છે. જેઓ નથી કરી શક્યા એ બહુ ટૂંકી કારકિર્દી પછી ઘરભેગા થઈ ગયા છે. કોઈ પણ ક્ષેત્ર ઉઠાવીને જોશો તો આ પેટર્ન સમાન જોવા મળશે. નામો ચર્ચવાની જરૂર નથી. પણ ઉપર રાહુલ ગાંધીનું આવી ગયું છે તો તેમને લઈ લઈએ. 

શ્રીમાન રાહુલ ગાંધી વીસ વર્ષમાં લગભગ પચાસેક વખત જુદા-જુદા પ્રસંગોએ લૉન્ચ થઈ ચૂક્યા હોવા છતાં પોતાની સ્વતંત્ર ઓળખ માટે હજુ હવાતિયાં જ મારે છે. પરિણામે હજુ પણ બાપ-દાદાઓની ઓળખ પર જ રમવું પડે છે. જ્યારે તેમના જ સાથીઓ સહિતના અનેક નેતાઓ પૂર્વ મુખ્યમંત્રીઓ, પૂર્વ મંત્રીઓના પુત્રો હોવા છતાં તેમની સાથે આ સમસ્યા બહુ નડતી નથી. કારણ કે એક તબક્કે આ બધા એ સ્તર પર પહોંચી ચૂક્યા હતા કે પૂર્વજોની ઓળખ ન હોય તોપણ રાજકારણમાં ટકી શકે. રાહુલ સાથે એવું નથી. આ ક્ષેત્ર જ તેમના માટે બન્યું નથી. 

કહેવાની વાત એટલી છે કે નેપોટિઝમ છે બધે જ, પણ એક સમય પછી બાપ કેટલા પાણીમાં હતો અને દીકરો કેટલામાં છે એ ખબર પડી જ જાય છે. બાપદાદાની ઓળખ એક સમય પછી છોડવી પડે છે. જેઓ છોડી શકે એ આગળ નીકળી જાય છે. ન છોડી શકનારાઓ રાહુલ ગાંધી બનીને રહી જાય છે!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં