હોમપેજદુનિયા‘વી વૉન્ટ અવર કન્ટ્રી બેક’ના નારા સાથે લંડનમાં ઇમિગ્રેશન વિરુદ્ધ પ્રદર્શનો, 1...

‘વી વૉન્ટ અવર કન્ટ્રી બેક’ના નારા સાથે લંડનમાં ઇમિગ્રેશન વિરુદ્ધ પ્રદર્શનો, 1 લાખથી વધુ લોકો જોડાયા: પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ

આ રેલીમાં માત્ર બ્રિટનના જ નહીં, પણ યુરોપના અન્ય દેશોના દક્ષિણપંથી નેતાઓ પણ સામેલ થયા હતા. ફ્રાન્સ અને જર્મનીના નેતાઓએ પણ પ્રદર્શનને સંબોધિત કર્યું હતું. આ ઉપરાંત આ પ્રદર્શનને ઇલોન મસ્કનું સમર્થન પણ મળ્યું છે.

- Advertisement -

બ્રિટનની રાજધાની લંડનમાં (London) શનિવારે (13 સપ્ટેમ્બર) ઇમિગ્રેશન વિરુદ્ધ મોટાપાયે વિરોધ પ્રદર્શન (Protest against immigration) થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ દક્ષિણપંથી કાર્યકર્તાઓની હમણાં સુધીની સૌથી મોટી રેલી છે. લંડનમાં લાખો લોકો એકઠા થયા હતા અને ગેરકાયદે ઇમિગ્રેશનને લઈને નારા લગાવવા લાગ્યા હતા. આયોજકોનો દાવો છે કે આ રેલી બ્રિટનના ઇતિહાસની સૌથી મોટી દક્ષિણપંથી રેલી હતી, જેમાં 100,000થી વધુ લોકો સામેલ થયા હતા. 

આ વિરોધ પ્રદર્શનને ‘Unite The Kingdom’ નામ આપવામાં આવ્યું છે. બ્રિટનના જાણીતા દક્ષિણપંથી કાર્યકર્તા ટોમી રૉબિન્સને આ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. રૉબિન્સનનું વાસ્તવિક નામ સ્ટીફન યેક્સ્લે-લેનન છે અને તેમણે ‘નેશનાલિસ્ટ’ અને ‘એન્ટિ-ઇસ્લામ ઇંગ્લિશ ડિફેન્સ લીગ’ની સ્થાપના પણ કરી છે. દક્ષિણપંથી કાર્યકર્તાઓ ઘૂસણખોરી, ઇસ્લામ અને કથિત ‘ગ્રેટ રિપ્લેસમેન્ટ’ વિરુદ્ધ રેલી યોજી રહ્યા હતા. શનિવારે રૉબિન્સને એક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, બ્રિટનની સંસ્કૃતિ અને ઓળખ પર જોખમ તોળાઈ રહ્યું છે અને હવે સમય આવી ગયો છે કે બ્રિટિશ લોકો ‘પોતાના દેશને પરત લઈ આગળ વધે.’ 

હિંસા અને પોલીસ કાર્યવાહી

પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ ‘Stop The Boats’, ‘Send Them Home’ અને ‘We Want Our Country Back’ જેવા નારા લગાવી રહ્યા હતા. તે સિવાય લોકો ઈંગ્લેન્ડનો સેંટ જ્યોર્જ લાલ અને સફેદ તથા યુનાઇડેડ કિંગડમનો રાજ્યધ્વજ યુનિયન જેક લઈને પ્રદર્શનો કરી રહ્યા હતા. ઇમિગ્રેશન વિરુદ્ધના પોસ્ટરો પણ રેલીમાં જોવા મળ્યાં. ઉપરાંત આ રેલીમાં ઇઝરાયેલ અને અમેરિકાના ધ્વજો પણ દેખાયા. બીજી તરફ લગભગ 5 હજાર લોકોએ આ વિરોધ પ્રદર્શનની વિરુદ્ધમાં એક અલગ રેલી યોજી હતી. આ લોકો શરણાર્થીઓ અને પ્રવાસીઓના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા અને દક્ષિણપંથી લોકો પર વંશવાદ અને ‘ઇસ્લામોફોબિયા’ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા હતા. 

- Advertisement -

મોટાપાયે વિરોધ પ્રદર્શનના પગલે સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લગભગ 1600 પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. તેમ છતાં પ્રદર્શન દરમિયાન કેટલાક સ્થળોએ હિંસા થઈ હોવાનું સામે આવ્યું હતું. મેટ્રોપોલિટન પોલીસ અનુસાર, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 26 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે, જેમાંથી 4 અધિકારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય રહ્યું છે.

પોલીસે અધિકારીઓને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનને અટકાવવા પહોંચેલા પોલીસકર્મીઓ હિંસાનો ભોગ બન્યા હતા. પ્રદર્શનકારી ટોળાંએ પોલીસને લાત-ઘૂસા માર્યા હતા અને તેમના પર બોટલો પણ ફેંકી હતી. આસિસ્ટન્ટ કમિશનર મેટ ટ્વિસ્ટે કહ્યું છે કે પોલીસ હિંસામાં સામેલ લોકોની ઓળખ કરી રહી છે અને આવનારા દિવસોમાં તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ હિંસાને લઈને પોલીસે 25થી વધુ લોકોની ધરપકડ કરી હોવાનું કહેવાય રહ્યું છે. 

સ્થાનિક મીડિયા અનુસાર, આ રેલીમાં માત્ર બ્રિટનના જ નહીં, પણ યુરોપના અન્ય દેશોના દક્ષિણપંથી નેતાઓ પણ સામેલ થયા હતા. ફ્રાન્સ અને જર્મનીના નેતાઓએ પણ પ્રદર્શનને સંબોધિત કર્યું હતું. આ ઉપરાંત આ પ્રદર્શનને ઇલોન મસ્કનું સમર્થન પણ મળ્યું છે. મસ્કે X પરની એક લિન્ક પર બ્રિટનની વામપંથી વલણ ધરાવતી સરકારને બદલી કાઢવા માટેની હાકલ કરી છે. 

લાખો લોકો કેમ ઉતરી આવ્યા રસ્તા પર?

બ્રિટનમાં યોજાયેલી આ રેલી અચાનક નથી યોજાઈ. છેલ્લા ઘણા મહિનાઓથી બ્રિટનમાં ઇમિગ્રેશનનો મુદ્દો એક મોટો રાજકીય મુદ્દો બન્યો છે. ઇંગ્લિશ ચેનલના રસ્તે નાની-નાની બોટમાં આવી રહેલા ઘૂસણખોરોની સંખ્યા સતત વધી રહી છે. શરણાર્થીઓને અસ્થાયીરૂપે હોટેલમાં રાખવાના સરકારના નિર્ણય બાદ સ્થિતિ વધુ તંગ બની છે. લોકોનું કહેવું છે કે આ ઘૂસણખોરોના કારણે પબ્લિક ફંડ પર બોજ ઊભો થઈ રહ્યો છે અને ક્રાઇમ રેટમાં પણ વધારો થઈ રહ્યો છે, જેની અસર બ્રિટનની મૂળ સંસ્કૃતિ પર પડી રહી છે. 

વધુમાં તાજેતરમાં બ્રિટનમાં થયેલાં મોટાં ગુનાહિત કૃત્યોમાં વિદેશી નાગરિકો આરોપી તરીકે પડકાયા છે. જેને લઈને આ રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે. થોડા સમય પહેલાં બ્રિટનમાં એક ‘પાકિસ્તાની ઇસ્લામી ગ્રુપ’ની કરતૂતો સામે આવી હતી. આ ગ્રુપ બ્રિટનની યુવતીઓ અને સગીરાઓને ફસાવી તેના પર બળાત્કાર ગુજારતું હતું. આ ગેંગની ધરપકડ બાદ સ્થિતિ વધુ તંગ બની હતી. 

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ આ આંદોલનને સમર્થન મળવા લાગ્યું હતું. ઘણી વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે સરકાર પોતાના જ નાગરિકોને તરછોડીને ઘૂસણખોરોને પ્રાથમિકતા આપી રહી છે. આ બધા દાવા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને તેના કારણે બ્રિટનના લોકો નાના-નાના પ્રદર્શનોમાં એકઠા થવા લાગ્યા. તેઓ હોટેલોની બહાર પણ પ્રદર્શન કરવા લાગ્યા હતા. જોકે, આ નાનાં પ્રદર્શનોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને દક્ષિણપંથી નેતાઓના નેતૃત્વમાં આ મોટું વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં