હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિછત્રપતિ શિવાજીએ કરી હતી શરૂઆત, સાતવાહન-રાષ્ટ્રકૂટ રાજવંશ અને મહાભારત સાથે પણ છે...

છત્રપતિ શિવાજીએ કરી હતી શરૂઆત, સાતવાહન-રાષ્ટ્રકૂટ રાજવંશ અને મહાભારત સાથે પણ છે સંબંધ: કેમ અનંત ચતુર્દશીએ થાય છે ગણેશ વિસર્જન?

વિસર્જન સમયે પાણીમાં અર્પણ કરાતી વસ્તુઓ - જેમ કે હળદર, કુમકુમ, દૂર્વા (ડાભ), ચંદન, ફૂલો વગેરે પાણીને શુદ્ધ કરે છે. ખાસ કરીને હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જે પાણીને સ્વચ્છ રાખે છે. વરસાદની ઋતુ દરમિયાન આ દ્રવ્યો પાણી, તળાવો, નદીઓ અને અન્ય જળાશયોને શુદ્ધ કરે છે, જે જળચર જીવોને રાહત આપે છે.

- Advertisement -

હિંદુ ધર્મના અનેક તહેવારોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઘરે, ઓફિસે કે અન્ય સ્થળોએ ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના રોજ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. દર વર્ષે અનંત ચતુર્દશીના દિવસે જ ગણેશ વિસર્જન કરીને ભગવાન ગણેશના મહાપર્વ ગણેશ ચતુર્થીનું સમાપન થાય છે. આ દિવસે ગણેશજીને વિદાય આપવામાં આવે છે વિધિવત વિસર્જનની વિધિ પણ કરવામાં આવે છે. ત્યારબાદ ઢોલ-નગારા સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. 

ઉત્સવના આ અંતિમ દિવસે ગણપતિની અંતિમ પૂજા કરવામાં આવે છે, જેને ઉત્તર પૂજા અથવા વિસર્જન પૂજા કહેવામાં આવે છે. જોકે, ગણેશ વિસર્જનનો ઇતિહાસ પણ ખૂબ લાંબો હોવાનું કહેવાય છે. અનંત ચતુર્દશીના દિવસે જ કેમ ગણેશ વિસર્જન કરવામાં આવે છે, તેની પાછળના પણ અનેક કારણો છે. અહીં આપણે ગણેશ વિસર્જનના ઇતિહાસ અને તેના મહત્વ વિશે ચર્ચા કરીશું. 

ગણેશ સ્થાપન અને વિસર્જન પાછળની ધાર્મિક-વૈજ્ઞાનિક માન્યતાઓ

ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. આ તહેવાર મોટાભાગે 10 દિવસ સુધી ચાલે છે અને 11મા દિવસે ગણેશ વિસર્જન થાય છે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્સવના પ્રથમ દિવસે ઘર, ઓફિસ કે શેરીઓમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. મંત્રો, સ્ત્રોતો અને સ્તુતિઓ સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે. આ પૂજા 10 દિવસ સુધી ચાલે છે. 

- Advertisement -

એવું માનવામાં આવે છે કે, આ તહેવારની પરંપરા સાતવાહન, રાષ્ટ્રકૂટ અને ચાલુક્ય રાજવંશોના સમયથી ચાલી આવે છે. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજે લોકોમાં એકતા અને રાષ્ટ્રવાદની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી શરૂ કરી હતી. જોકે, ત્યારબાદ બાલ ગંગાધર તિલકે તેને વધુ પ્રસિદ્ધ બનાવી હતી. 

આ તહેવારનો અંતિમ દિવસ ‘અનંત ચતુર્દશી’ તરીકે ઓળખાય છે, જેને આપણે ‘ગણેશ વિસર્જન’ તરીકે જાણતા આવ્યા છીએ. આ દિવસે ભક્તો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભગવાન ગણેશની મૂર્તિઓનું નદી, સમુદ્ર અથવા અન્ય કોઈપણ જળ સ્ત્રોતમાં વિસર્જન કરે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન ગણેશ કૈલાશ પર્વત પર તેમના માતા-પિતા ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે પરત ફરે છે. 

મહાભારત સાથે પણ છે સંબંધ

હિંદુ ધર્મગ્રંથોમાં એક પ્રસિદ્ધ કથા દર્શાવવામાં આવી છે. કથા અનુસાર, મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી હતી, પરંતુ ગ્રંથ ભગવાન ગણેશ દ્વારા લખવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, વેદ વ્યાસજી મહાભારત લખવા માટે એક સમર્થ લેખકની શોધમાં હતા અને આ માટે તેમણે ભગવાન ગણેશને પ્રાર્થના કરી હતી. ગણેશજી સંમત થયા, પરંતુ તેમણે એક શરત મૂકી કે, તેઓ અટક્યા વિના લખશે અને વેદ વ્યાસજીએ અટક્યા વિના કથા સંભળાવવી પડશે.

ત્યારબાદ ઋષિ વેદ વ્યાસે પણ એક શરત પણ મૂકી કે, ગણેશજી અર્થ સમજ્યા વિના કંઈપણ લખશે નહીં. ઋષિ વેદ વ્યાસે સતત 10 દિવસ સુધી કથા સંભળાવી અને ગણેશજીએ અટક્યાં વિના લખી. 10 દિવસ પછી જ્યારે ઋષિ વેદ વ્યાસે ગણેશજીને સ્પર્શ કર્યો ત્યારે તેમણે જોયું કે તેમનું શરીર ખૂબ ગરમ થઈ ગયું હતું. પછી તેઓ તેમને નજીકના જળકુંડમાં લઈ ગયા અને સ્નાન કરાવ્યું, જેનાથી તેમનો તાપ ઓછો થયો. 

અહીંથી ગણેશ સ્થાપના અને પછી વિસર્જનની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ગણેશજીને ફક્ત શીતળતા પ્રદાન કરવા માટે પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.

ગણેશ વિસર્જન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

ગણેશ વિસર્જનની ઘણી પદ્ધતિઓ છે. કેટલાક લોકો ગણેશ ચતુર્થીના દિવસે જ વિસર્જન કરે છે, જોકે આ બહુ લોકપ્રિય નથી. કેટલાક લોકો દોઢ દિવસ પછી (બીજા દિવસે બપોરે) વિસર્જન કરે છે, કેટલાક લોકો ત્રણ, પાંચ કે સાત દિવસ પછી વિસર્જન કરે છે. સૌથી લોકપ્રિય પરંપરા અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરવાની છે.

ગણેશ વિસર્જનની ધાર્મિક માન્યતાઓ તો છે જ, પણ તેની સાથે વૈજ્ઞાનિક સમજ અને પાસા પણ જોડાયેલા છે. ગણેશોત્સવનો આ તહેવાર આપણને જીવનની નશ્વરતાનો અનુભવ કરાવે છે અને તે વાતનો બોધ આપે છે કે, આખરે તમામ વસ્તુઓ એક દિવસ પ્રકૃતિમાં વિલીન થઈ જશે.

વિસર્જન સમયે પાણીમાં અર્પણ કરાતી વસ્તુઓ – જેમ કે હળદર, કુમકુમ, દૂર્વા (ડાભ), ચંદન, ફૂલો વગેરે પાણીને શુદ્ધ કરે છે. ખાસ કરીને હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જે પાણીને સ્વચ્છ રાખે છે. વરસાદની ઋતુ દરમિયાન આ દ્રવ્યો પાણી, તળાવો, નદીઓ અને અન્ય જળાશયોને શુદ્ધ કરે છે, જે જળચર જીવોને રાહત આપે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં