હોમપેજદુનિયાકટ્ટરવાદી માનસિકતા, ભારતવિરોધી વલણ અને પાકિસ્તાની પ્રોપગેન્ડાને હવા: કોણ છે UKની નવી...

કટ્ટરવાદી માનસિકતા, ભારતવિરોધી વલણ અને પાકિસ્તાની પ્રોપગેન્ડાને હવા: કોણ છે UKની નવી હોમ સેક્રેટરી શબાના મહમૂદ?

શબાના મહમૂદની રાજકીય કારકિર્દીમાં સૌથી વધુ વિવાદો તેના કાશ્મીર મુદ્દેના નિવેદનો અને પાકિસ્તાનના નેરેટિવને પ્રોત્સાહન આપવાના આરોપોને કારણે ઉભા થયા છે. મહમૂદે 2014થી જમ્મુ-કાશ્મીર વિશે પાકિસ્તાનના પ્રોપગેન્ડાને પ્રોત્સાહન આપ્યું છે.

- Advertisement -

5 સપ્ટેમ્બર, 2025ના રોજ બ્રિટનના વડા પ્રધાન અને લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે તેમના મંત્રીમંડળમાં ફેરફાર કરીને શબાના મહમૂદને (Shabana Mahmood) યુનાઇટેડ કિંગડમની હોમ સેક્રેટરી (UK Home Secretary) તરીકે નિયુક્ત કરી છે. આ પદ બ્રિટનના સૌથી શક્તિશાળી મંત્રાલયોમાંનું એક છે, જ્યાંથી દેશની આંતરિક સુરક્ષા, પોલીસ, ઇમિગ્રેશન નીતિ અને આતંકવાદ વિરોધી પગલાંનું નિયંત્રણ થાય છે. આ નિમણૂક નોંધપાત્ર છે કારણ કે તે યુકેની પ્રથમ મુસ્લિમ મહિલા હોમ સેક્રેટરી બની છે. જોકે, તેના પાકિસ્તાની મૂળ, કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ નિવેદનો, ઇઝરાયેલ વિરોધી વલણ અને પેલેસ્ટાઇનને સમર્થન આપવાના કટ્ટરપંથી વલણોના કારણે તે હંમેશા ચર્ચામાં રહી છે.

શબાના મહમૂદનું જીવન અને પૃષ્ઠભૂમિ

શબાના મહમૂદનો જન્મ 17 સપ્ટેમ્બર, 1980ના રોજ બર્મિંગહામ, યુકેમાં થયો હતો. તેના માતા-પિતા, ઝુબેદા અને મહમૂદ અહમદે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) આવેલ મિરપુરથી યુકે સ્થળાંતર કર્યું હતું. તેના અબ્બા સિવિલ એન્જિનિયર હતા અને 1981થી 1986 દરમિયાન પરિવાર સાઉદી અરેબિયાના તાઇફમાં રહ્યો હતો, જ્યાં તેના અબ્બા ડિસેલિનેશન પ્રોજેક્ટ પર કામ કરતા હતા.

શબાના મહમૂદે ઓક્સફર્ડ યુનિવર્સિટીના લિંકન કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી અને 2003માં ઇન્સ ઑફ કોર્ટ સ્કૂલ ઑફ લૉમાંથી બાર વોકેશનલ કોર્સ પૂર્ણ કર્યો, જે બાદ તે બેરિસ્ટર બની. તેના અબ્બા સ્થાનિક લેબર પાર્ટીના અધ્યક્ષ હતા અને શબાના તેની કિશોરાવસ્થા દરમિયાન તેના અબ્બાને સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચારમાં મદદ કરતી હતી. 2010માં તે બર્મિંગહામ લેડીવૂડથી લેબર પાર્ટીની ઉમેદવાર તરીકે સાંસદ બની.

- Advertisement -

રાજકીય કારકિર્દી

શબાના મહમૂદે લેબર પાર્ટીમાં ઝડપથી પ્રગતિ કરી. 2013થી 2015 દરમિયાન તેણે શેડો ફાઇનાન્સિયલ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી તરીકે સેવા આપી અને 2015ની સામાન્ય ચૂંટણી બાદ તેને હેરિયેટ હર્મનના અંતરિમ શેડો કેબિનેટમાં શેડો ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી તરીકે નિયુક્ત કરવામાં આવી.

2021માં તેને કીર સ્ટાર્મરના નેતૃત્વ હેઠળ નેશનલ કેમ્પેઇન કો-ઓર્ડિનેટર તરીકે શેડો કેબિનેટમાં પાછા ફરવાની તક મળી અને 2023માં તેને શેડો જસ્ટિસ સેક્રેટરી અને શેડો લૉર્ડ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવી. 2024ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત બાદ મહમૂદને જસ્ટિસ સેક્રેટરી અને લૉર્ડ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. 2025ના કેબિનેટ ફેરફારમાં તેને હોમ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

વિવાદો: પાકિસ્તાની નેરેટિવનો અવાજ

શબાના મહમૂદની રાજકીય કારકિર્દીમાં સૌથી વધુ વિવાદો તેના કાશ્મીર મુદ્દેના નિવેદનો અને પાકિસ્તાનના નેરેટિવને પ્રોત્સાહન આપવાના આરોપોને કારણે ઉભા થયા છે. મહમૂદે 2014થી જમ્મુ-કાશ્મીર વિશે પાકિસ્તાનના પ્રોપગેન્ડાને પ્રોત્સાહન આપ્યું છે. 2015માં તેણે અને તેના સમર્થકોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત પહેલાં એક પત્ર લખ્યો, જેમાં છ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

આ માંગમાં ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવી, આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) રદ કરવો, કેદીઓની મુક્તિ, પ્રદેશમાં અનિયંત્રિત મુસાફરી, સામૂહિક કબરોની તપાસ અને શાંતિપૂર્ણ ઉકેલનો સમાવેશ થતો હતો. આ પત્રમાં તેણે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપ્રદેશની માંગણી કરી, જે ભારતે હંમેશા નકારી છે. કારણ કે આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.

2017માં હાઉસ ઑફ કોમન્સમાં એક ભાષણ દરમિયાન મહમૂદે કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરી હતી. તેણે જણાવ્યું કે, “આ બે પરમાણુ શક્તિઓ વચ્ચેનો લાંબો વિવાદ છે, જે વિશ્વના સૌથી વધુ લશ્કરીકરણવાળા ક્ષેત્રોમાંનો એક છે. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય ધ્યાનનો હકદાર છે, ખાસ કરીને યુકેમાં અમારી બ્રિટિશ કાશ્મીરી વસ્તીના કદને ધ્યાનમાં રાખીને.” તેણે વધુમાં જણાવ્યું કે, “2016ના ઉનાળાથી ભારત-શાસિત જમ્મુ-કાશ્મીરમાં હિંસા અને લડાઈમાં વધારો થયો છે, જે વિશ્વની નિષ્ફળતા અને કાશ્મીરી લોકોના આત્મનિર્ણયના અધિકારને નકારવાનું પરિણામ છે.”

2019માં ભારત સરકારે આર્ટિકલ 370 નાબૂદ કર્યો ત્યારે મહમૂદે બર્મિંગહામમાં એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. જેમાં તેણે ભારતના નિર્ણયની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગણી કરી હતી. તેણે પોસ્ટ કરી હતી કે, “ભારત સરકારના આર્ટિકલ 370 નાબૂદ કરવાના નિર્ણયથી હું ખૂબ જ ચિંતિત છું, જે જમ્મુ અને કાશ્મીરની હાલની સ્વાયત્તતાને દૂર કરે છે. તાજેતરના દિવસોમાં ભારત સરકાર દ્વારા જોવા મળેલી એસ્કેલેશન ખરેખર આઘાતજનક છે અને તેને રોકવી જોઈએ. માનવ અધિકારોનું પાલન થવું જોઈએ.”

તેણે તેના સાથી સાંસદો સાથે મળીને તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનને પત્ર લખ્યો, જેમાં ભારત પર આર્ટિકલ 370 નાબૂદ કરવા માટે દબાણ કરવાની વિનંતી કરવામાં આવી. તેણે લખ્યું કે, “”અમે તમને અનુચ્છેદ 370 રદ કરવાના ભારત સરકારના પગલાની સખત નિંદા કરવા અને હિંદુ રાષ્ટ્રવાદના એક અતિ-જમણેરી રાજકીય જૂથના નેતા, વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળના આ કાયદાના વ્યાપક સંદર્ભ પર વિચાર કરવા હાકલ કરીએ છીએ. આ એક એવું આંદોલન છે જે ભારતને વધુ ખરાબ કરી રહ્યું છે અને ભારતના 195 મિલિયન મુસ્લિમોને બીજા વર્ગના નાગરિકો તરીકે ગણી રહ્યું છે – બીબીસી અહેવાલો ‘ગૌરક્ષા’ના નામે હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા કેટલા લોકોની હત્યા કરવામાં આવી છે તેની વિગતવાર માહિતી આપે છે. તેમની તાજેતરની પુનઃચૂંટણીએ શ્રેષ્ઠ રીતે બહુમતીવાદી રાષ્ટ્રવાદ અને સૌથી ખરાબ હિંદુ ફાસીવાદી ચૂંટણી જનાદેશ આપ્યો છે. તે ભારતમાં સક્રિય પ્રતિક્રિયાવાદી તત્વોને પ્રોત્સાહન આપી રહ્યું છે, તેમને વધુ મુક્ત કરી રહ્યું છે અને મુસ્લિમો સામે વધુ હિંસાને વેગ આપી રહ્યું છે.” તેણે ભારત સરકાર પર ‘અતિ-જમણેરી હિંદુ રાષ્ટ્રવાદ’ના નેતૃત્વનો આરોપ મૂક્યો હતો.

2020માં આર્ટિકલ 370 નાબૂદ થવાની પ્રથમ વર્ષગાંઠે મહમૂદે ફરીથી પોસ્ટ કરી અને લખ્યું, “કાશ્મીરી લોકોની ભયાનક પીડાનો કોઈ અંત દેખાતો નથી અને હું આ પ્રદેશમાં થતા માનવ અધિકારોના દસ્તાવેજી ઉલ્લંઘનો પર આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની માંગણી કરું છું. હું કાશ્મીરી લોકોના આત્મનિર્ણયના અધિકારોને સમર્થન આપું છું.” આવા નિવેદનોને ભારતે તેની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ તરીકે જોયા છે, જે 1972ના શિમલા કરારની વિરુદ્ધ છે જેમાં ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય રીતે ઉકેલવાનું સંમત થયા હતા.

ઇઝરાયેલ વિરોધી વલણ અને પેલેસ્ટાઇનનું સમર્થન

મહમૂદે તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે, તે ‘પેલેસ્ટાઇનના અધિકારોની પ્રખર સમર્થક’ છે. 2014માં તેણે બર્મિંગહામમાં સેન્સબરીની શાખા બહાર એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જેમાં તેણે ઇઝરાયેલની ગેરકાયદેસર વસાહતોમાંથી આવતી વસ્તુઓનો બહિષ્કાર કરવાની માંગણી કરી હતી. આ પ્રદર્શન દરમિયાન, સેન્સબરીની દુકાન કેટલાક કલાકો માટે બંધ રહી, જેના માટે તેણે ગર્વ વ્યક્ત કર્યો હતો. જોકે આ કાર્યવાહીની બોર્ડ ઑફ ડેપ્યુટીઝ ઑફ બ્રિટિશ જ્યૂઝ અને જ્યૂઇશ લીડરશિપ કાઉન્સિલ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ મહમૂદે 2014થી પેલેસ્ટાઇનના સમર્થનમાં અને ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શનોમાં ભાગ લીધો છે. જેમાં બોયકોટ, ડિવેસ્ટમેન્ટ અને સેન્ક્શન્સ (BDS) ચળવળનું સમર્થન પણ સામેલ છે. 2024માં ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહીઓની નિંદા કરતાં તેણે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી અને ઇઝરાયેલ પર ‘નિર્દોષ નાગરિકોની હત્યા’ અને ‘સામૂહિક સજા’નો આરોપ મૂક્યો હતો. જોકે, આ દરમિયાન તેણે 7 ઓક્ટોબર 2023ના હુલાને નજરઅંદાજ કરી દીધો. તેણે બે-રાષ્ટ્ર સમાધાનનું સમર્થન કર્યું, પરંતુ તેના નિવેદનો હંમેશાથી ગાઝા અને કટ્ટરપંથીઓના સમર્થનમાં જ રહ્યા.

હોમ સેક્રેટરી તરીકેની નિમણુકથી સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા

મહમૂદની હોમ સેક્રેટરી તરીકેની નિમણુક થવાના કારણે યુકેના ઘણા લોકોમાં અસંતોષ ફેલાયો છે. જે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એક સોશિયલ મીડિયા યુઝરે મહમૂદને કટ્ટરપંથી ગણાવી હતી અને પોસ્ટ કરતા લખ્યું હતું કે, “કુરાન પર સંસદીય શપથ લેનાર શબના મહમૂદ સ્ટાર્મરના નવા ગૃહ સચિવ બનશે. તે હવે ઇમિગ્રેશન અને સરહદોનો હવાલો સંભાળશે. અહીં તે કહી રહી છે કે તેના માટે બીજી કોઈ પણ વસ્તુ કરતાં ઇસ્લામ વધુ મહત્વપૂર્ણ છે.” આ જ પોસ્ટમાં મહમૂદની પાર્ટી લેબર પાર્ટીને દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

અન્ય એક યુઝરે મહમૂદને અયોગ્ય ગણાવતા લખ્યું કે, “બ્રિટનમાં હવે એક ગૃહ સચિવ છે, જેમણે અગાઉ ઇઝરાયલ વિરોધી વિરોધ પ્રદર્શનોમાં હાજરી આપીને ટોળાંની હિંસાને પ્રોત્સાહન આપ્યું હતું. જેના કારણે દુકાનો બંધ કરવી પડી હતી. શબાના મહમૂદ અસમર્થ અને ખતરનાક છે.”

અન્ય એક યુઝરે લખ્યું કે, “આ છે બ્રિટનની નવી હોમ સેક્રેટરી શબાના મહમૂદ.” આ પોસ્ટમાં એક વિડીયો ટાંકવામાં આવ્યો છે જેમાં શબાના કહી રહી છે કે, “મારો પોતાનો મજહબ ઇસ્લામ ઘણા અન્ય મુસ્લિમોની જેમ મારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. તે મારા દરેક કામનો મૂળ આધાર છે.” આ વિડીયો ટાંકતા યુઝરે લખ્યું કે અમે બરબાદ થઈ ગયા.

લેબર પાર્ટીની પ્રો-પાકિસ્તાની ઝુકાવ નીતિ

લેબર પાર્ટી છેલ્લા બે દાયકાથી દક્ષિણ એશિયન મુસ્લિમ વૉટબેન્ક પર નિર્ભર રહી છે. ખાસ કરીને બર્મિંગહામ, બ્રેડફોર્ડ, લેસ્ટર જેવા શહેરોમાં પાકિસ્તાની મૂળના મતદારોનો પ્રભાવ મજબૂત છે. શબાના મહમૂદ જેવી નેતાઓ એ વૉટબેન્કને સંતોષવા માટે કાશ્મીર મુદ્દે પ્રો-પાકિસ્તાની ભાષા બોલે છે. આ કારણે લેબર પાર્ટી પર વારંવાર આક્ષેપ થાય છે કે તે બ્રિટનની ‘ઇન્ટરનૅશનલ સ્ટ્રેટેજિક નીતિ’ કરતાં વધારે પોતાના કન્સ્ટિટ્યુએન્સીની લોકલ મુસલમાન પોલિટિક્સ ચલાવે છે.

ભારત-યુકે સંબંધો પર સંભવિત અસર

શબાના મહમૂદની હોમ સેક્રેટરી તરીકેની નિમણૂક ભારત-યુકે સંબંધો પર મહત્વની અસરો કરી શકે છે. ભારત અને યુકે વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો રહ્યા છે, જેમાં વેપાર, રોકાણ, અને સુરક્ષા સહયોગ મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારત અને બ્રિટન વચ્ચે આતંકવાદ વિરોધી તથા ઇમિગ્રેશન ક્ષેત્રે સહકાર છે. પરંતુ પાકિસ્તાની પ્રોપગેન્ડાને હવા આપતી હોમ સેક્રેટરી ભારત સાથેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરી શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર અથવા આંતરરાષ્ટ્રીય ફોરમમાં બ્રિટનની ભાષા વધુ પ્રો-પાકિસ્તાની બની શકે છે. મહમૂદના અગાઉના નિવેદનો, જેમાં તેણે ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપની હાકલ કરી હતી, તે વિદેશનીતિ અને સાર્વભૌમત્વની દ્રષ્ટિએ યોગ્ય નથી. ભારતને તેના સાર્વભૌમત્વને જાળવી રાખીને રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેવાનો અધિકાર છે. પરંતુ શબાનાના નિવેદનો પાકિસ્તાનના નેરેટિવને પ્રોત્સાહન આપે છે, જે ભારતના હિતોની વિરુદ્ધ છે.

ભારતે હંમેશા કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને કોઈપણ આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અસ્વીકાર્ય છે. આ મામલે ઇન્દિરા ગાંધીની સરકાર વખતે શિમલામાં કરાર પણ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. જે મામલે ક્યારેય કોઈ અંતરરાષ્ટ્રીય મંચ હસ્તક્ષેપ કરી શકશે નહીં. મહમૂદના નિવેદનો જે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો દ્વારા કાશ્મીરમાં રાજ્યપ્રદેશની માંગણી કરે છે, તે ભારતના રાષ્ટ્રહિતની અને ભારત-પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય શિમલા કરારની વિરુદ્ધ છે.

મહમૂદની નિમણુક ભારત માટે એક સ્પષ્ટ સંકેત છે કે, બ્રિટનની રાજનીતિમાં પાકિસ્તાની મૂળના મુસ્લિમ નેતાઓનો પ્રભાવ વધતો જાય છે. લેબર પાર્ટીનું વલણ ઘણીવાર ભારતવિરોધી અને પ્રો-પાકિસ્તાની એજન્ડા તરફ વળી રહ્યું છે. શબાના મહમૂદની નિમણૂકને ભારતે એક સંકેત તરીકે જોવું જોઈએ. કારણ કે બ્રિટનના ગૃહમંત્રાલય જેવું મહત્વપૂર્ણ મંત્રાલય હવે એવી વ્યક્તિના હાથમાં છે, જે વારંવાર પાકિસ્તાનના પ્રોપગેન્ડાને અને કટ્ટરપંથી વલણોને અવાજ આપી ચૂકી છે.

ઇમિગ્રેશન અને આંતરિક નીતિઓ

હોમ સેક્રેટરી તરીકે મહમૂદ ઇમિગ્રેશન નીતિઓમાં સખત વલણ અપનાવે તેવી અપેક્ષા છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, બર્મિંગહામ લેડીવૂડના 70% બિન-શ્વેત નાગરિકો નિયમોના આધારે ન્યાયી અને નિયંત્રિત ઇમિગ્રેશન સિસ્ટમ ઇચ્છે છે. તેણે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સમાં (ECHR) સુધારાની હિમાયત કરી છે, ખાસ કરીને ઇમિગ્રેશન કેસોમાં આર્ટિકલ 8ના ઉપયોગ અંગે, જેનાથી બ્રિટનની ઇમિગ્રેશન નીતિઓ વધુ કડક બની શકે છે.

આવું વલણ યુકેમાં સ્થળાંતર કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો પર અસર કરી શકે છે. ભારત-યુકે મુક્ત વેપાર કરારની (FTA) વાટાઘાટોમાં ઇમિગ્રેશન નીતિઓ એક મહત્વનો મુદ્દો છે અને મહમૂદની પાકિસ્તાની તરફેણની નીતિઓ આ વાટાઘાટોને જટિલ બનાવી શકે છે.

શબાના મહમૂદની હોમ સેક્રેટરી તરીકેની નિમણૂક યુકેમાં કટ્ટરપંથીઓના વધતા પ્રભાવને દર્શાવે છે. તેના કાશ્મીર મુદ્દેના નિવેદનો અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ પરના વલણો ચિંતાજનક છે. તેના નિવેદનો પાકિસ્તાનના નેરેટિવને પ્રોત્સાહન આપે છે, જે ભારતના હિતોની વિરુદ્ધ છે. તેની ઇમિગ્રેશન અને આંતરિક સુરક્ષા નીતિઓ ભારતીય ડાયસ્પોરા અને બંને દેશો વચ્ચેના આર્થિક સહયોગ પર પણ અસર કરી શકે છે. આગામી સમયમાં, તેની નીતિઓ અને નિવેદનો ભારત-યુકે સંબંધોની દિશા નિર્ધારિત કરશે અને રાજદ્વારી સંવેદનશીલતા આ સંબંધોને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં