(તંત્રીલેખ, 6 સપ્ટેમ્બર, 2025)
મોદી 11 વર્ષથી સત્તામાં છે, તેમની સરકારની ત્રીજી ટર્મ ચાલી રહી છે તેમ છતાં અમુક કામો કેમ થયાં નથી? આ કામમાં ઝડપ કેમ દેખાતી નથી? પેલું કામ હમણાં સુધી તો થઈ જવું જોઈતું હતું. સરકાર બેકફૂટ પર હોય તેવું લાગે છે.– આવી બધી ફરિયાદો આપણે કરતા રહીએ છીએ. એક રીતે જોઈએ તો મોદી અને તેમની સરકાર પાસે અપેક્ષાઓ પણ ભરપૂર છે, તેમની સામે કામો પણ ઘણાં પેન્ડિંગ છે એટલે ફરિયાદો થવી સ્વાભાવિક છે. પણ આનો જવાબ સીધી લીટીમાં મળે એમ નથી. એના માટે બાબતોને વિશાળ પરિપેક્ષથી જોવી જરૂરી છે.
ઑપઇન્ડિયા માટે ‘લેફ્ટ, રાઈટ અને સેન્ટર’ કૉલમમાં શ્રી સૌરભ શાહે 5 સપ્ટેમ્બરના લેખમાં આ જ પ્રશ્નોનું સમાધાન કરતી વિસ્તૃત છણાવટ કરી છે. સરકાર અમુક બાબતોમાં ધાર્યું કેમ કરી શકતી નથી? ડાબેરીઓને તેમની ઈકોસિસ્ટમ પર આટલો કૉન્ફિડન્સ ક્યાંથી આવે છે? આ તમામ પ્રશ્નોના જવાબો તમને આ બે હજાર શબ્દોના વિસ્તૃત લેખમાં મળી રહેવાના. બીજી પણ અનેક ફરિયાદોનું સમાધાન અહીં છે.
ઇકોસિસ્ટમ શબ્દ છેલ્લા ઘણા સમયથી બહુ પ્રચલિત બન્યો છે. આ સિસ્ટમ છે શું? વાસ્તવમાં ઇકોસિસ્ટમ એ એક સમૂહ છે, જેનું કાગળ પર કોઈ અસ્તિત્ત્વ નથી. રાજકારણીઓ, મીડિયામાં કામ કરતા પત્રકારો, વકીલો, તથાકથિત એક્ટિવિસ્ટોથી માંડીને NGO માટે કામ કરનારાઓ અને અન્ય અમુક ક્ષેત્રના લોકો મળીને આ સમૂહ બનાવે છે, જેઓ એક સમાન ઇરાદો પાર પાડવા માટે કામ કરતા રહે છે. હમણાં આ ઇકોસિસ્ટમનો એક જ ઉદ્દેશ્ય છે– ભારતને, સરકારને અસ્થિર કરવાં. સત્તા મેળવવાનો એ એકમાત્ર રસ્તો છે.
સરકારો બદલાય તેનાથી સિસ્ટમ બદલાતી નથી. એટલે ‘સરકાર ઉનકી હૈ, સિસ્ટમ હમારા હૈ’વાળો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નો સંવાદ પણ બહુ જાણીતો છે. વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી સિસ્ટમ એટલી મજબૂત બની ગઈ છે કે ધારે એ કરી શકે છે. છતાં ભારતમાં આ સિસ્ટમ સંપૂર્ણપણે ફાવતી નથી, તેનું કારણ એ છે કે સરકાર પણ સામે મજબૂતીથી કામ કરે છે. બીજી કોઈ પણ સરકાર હોત તો 2004માં જેમ થયું એમ ઘરભેગી થઈ ગઈ હોત. એટલે મોદીનું, તેમની સરકારનું આ એક સકારાત્મક પાસું પણ જોવું રહ્યું.
સરકારે આ ઇકોસિસ્ટમ સાથે માથાકૂટ કરતાં-કરતાં પોતાનાં કામો પાર પાડવાનાં છે. સિસ્ટમ ગ્લોબલી કામ કરે છે. દરેકને પોતાનું કામ ખબર છે, દરેકને અંતિમ ધ્યેય શું છે એ ખબર છે. આંતરવિગ્રહ ત્યાં પણ છે, પરંતુ અત્યારે તેનો સમય નથી એ તેઓ જાણે છે. એટલે તમે જોશો કે વિદેશી મીડિયા, ત્યાંના અમુક નંગ અને અહીંના ડાબેરીઓની ભાષા, એજન્ડા બધું સમાન જણાય છે. તેનું કારણ ઈકોસિસ્ટમની મહેનત છે.
લેખમાં લોકશાહીના સ્તંભોની ચર્ચા છે. તેમાંથી એક તો સરકાર પોતે. બાકી રહ્યા ન્યાયતંત્ર, બ્યુરોક્રસી અને મીડિયા. મીડિયા જોકે સ્વઘોષિત સ્તંભ છે. પત્રકારોએ જાતે જ યાદીમાં પોતાનું નામ જોડી દીધું છે. આ ત્રણેય સ્તંભોની શું-શું મર્યાદાઓ છે અને સરકાર કેમ તેમાં વધારે માથું મારતી નથી તેવા પ્રશ્નોના જવાબ માટે પણ લેખ વાંચવો રહ્યો.
ટૂંકમાં કહીએ તો સરકાર સામે કામ હજુ ઘણાં પડ્યાં છે. જે કામ એક ઝાટકે થવાં જોઈતાં હતાં તે મોદીએ કરી નાખ્યાં છે. અમુક બાકી રાખ્યાં હશે તો તેનો અર્થ એ કે તેનો હજુ સમય આવ્યો નથી. દરેકનો એક સમય હોય છે. સમય પહેલાં કરવાથી સમસ્યાઓ આવી શકે તેની મોદીને ખબર છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સમય હતો ત્યારે એ હટી ગઈ. GST જ્યારે લાગુ થવાનો હતો ત્યારે થયો અને તેમાં રિફૉર્મ લાવવાનાં હતાં તો તે કામ પણ સમયે થઈ ગયું.
પણ અમુક કામો સમય માંગી લે છે. ભ્રષ્ટાચાર કેમ હજુ ઘટ્યો નથી એવો પ્રશ્ન કરો તો વાંધો નહીં પણ એ જાણવું પણ જરૂરી છે કે સિસ્ટમમાં વર્ષોથી ઘૂસી ગયેલા દૂષણને આમ પાંચ-દસ વર્ષમાં સંપૂર્ણ નાબૂદ ન કરી શકાય. એ સિસ્ટમની સમસ્યા છે, સિસ્ટમને ઓવરહૉલ કરવામાં સમય લાગે છે. છતાં આ દિશામાં જે કંઈ કરવાનું છે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. આવું જ બીજાં કામોનું પણ છે. એટલે મોદી પર, સરકાર પર વિશ્વાસ રાખીએ. એક ફોરવર્ડિયું 2019ની ચૂંટણી વખતે બહુ વાયરલ થયું હતું. ચાવાળાને કાયમ ખબર હોય છે કે ચા કેટલી ઉકાળવી!
——–
સૌરભ શાહના લેખની લિંક: મોદી સરકાર કેટલીક બાબતોમાં પોતાનું ધાર્યું કરવામાં કેમ નિષ્ફળ જાય છે?


