હોમપેજરાજકારણમોદી સરકાર કેટલીક બાબતોમાં પોતાનું ધાર્યું કરવામાં કેમ નિષ્ફળ જાય છે?

મોદી સરકાર કેટલીક બાબતોમાં પોતાનું ધાર્યું કરવામાં કેમ નિષ્ફળ જાય છે?

અરાજકતા ફેલાવીને દેશનું ધનોતપનોત કાઢવા આતુર એવા ડાબેરીઓને પોતાની સિસ્ટમ પરનો, પોતાની ઇકોચેમ્બર્સ પરનો આ કૉન્ફિડન્સ ક્યાંથી આવે છે? જરા સમજીએ. 

- Advertisement -

(લેફ્ટ, રાઈટ અને સેન્ટર; સૌરભ શાહ; શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2025)

‘સરકાર ભલે હી ઉનકી હો, સિસ્ટમ તો હમારા હૈ.’– આજે જેમની એક ઔર રાષ્ટ્રવાદી ફિલ્મ ‘ધ બેન્ગાલ ફાઇલ્સ’ રિલીઝ થઈ રહી છે એ દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીની 2022ના માર્ચમાં આવેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ તમને યાદ છે? જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ભણાવતી ટુકડે-ટુકડે ગેન્ગની સમર્થક અને અર્બન નક્સલ ટોળકીની સભ્ય એવી એક પ્રોફેસર રાધિકા મેનન પોતાના વિદ્યાર્થી સાથે વાત કરી રહી છે. મુદ્દો કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી દીધા પછીની પરિસ્થિતિનો છે. સરકારના આ વિરાટ પગલા પછી પણ કાશ્મીરમાં આગ ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. આ પ્રયાસો સફળ થશે કે નહીં તેના સંદર્ભમાં પ્રોફેસરનું પાત્ર ભજવતી અભિનેત્રી પલ્લવી જોશીના મોઢામાં આ શબ્દો મૂકવામાં આવ્યા છે: ‘સરકાર ભલે હી ઉનકી (ભાજપા કી) હો, સિસ્ટમ તો હમારા હૈ.’ 

અરાજકતા ફેલાવીને દેશનું ધનોતપનોત કાઢવા આતુર એવા ડાબેરીઓને પોતાની સિસ્ટમ પરનો, પોતાની ઇકોચેમ્બર્સ પરનો આ કૉન્ફિડન્સ ક્યાંથી આવે છે? જરા સમજીએ. 

- Advertisement -

ભારતના કે દુનિયાના કોઈ બંધારણમાં આ વાત નથી લખી પણ સરકારની વ્યવસ્થા પદ્ધતિના સંદર્ભમાં અનૌપચારિક રીતે ઘણી પ્રચલિત થઈ ગઈ છે કે લોકશાહીના ત્રણ પાયા છે, ત્રણ સ્તંભ છે: 

1) ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ
2) ન્યાયતંત્ર
3) બ્યુરોક્રસી અર્થાત્ સરકારમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ 

મૂળ આ ત્રણ પાયા. એમાં પાછળથી ચોથો સ્તંભ ઉમેરાયો– મીડિયા. (કોણે ઉમેર્યો, કોને ખબર? કદાચ ખુદ મીડિયાએ જ.)

આ ચારેય સ્તંભનું જે માળખું છે તે શું પરમેનન્ટ છે? લેજિસ્લેચર અથવા તો લોકસભા-રાજ્યસભાથી લઈને વિધાનસભાઓ અને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો કે ગ્રામપંચાયતો તેમજ શહેરોની કૉર્પોરેશન કે મ્યુનિસિપાલિટી કે નગરપાલિકાઓમાં ચૂંટાતા સભ્યો– આ બધા જનપ્રતિનિધિઓ મળીને સૌથી પહેલો પાયો ચણાય છે જે પરિવર્તનીય છે. દેશના મતદારો આ પ્રતિનિધિઓને ચૂંટણી વખતે બદલી શકે છે. પોતાને ગમતા ઉમેદવારોને મત આપીને મતદાતાઓ ધારે તો સરકાર બદલી શકે છે. 

પણ બાકીના ત્રણ પાયાઓનું માળખું મતદારો બદલી શકતા નથી. ભોળા મતદારોએ માની લીધું હોય છે કે અમે સરકાર બદલીશું એટલે આપોઆપ બાકીના ત્રણ પાયાઓને સરકાર પોતાની મરજી મુજબ બદલીને પોતે કરવા ધારેલાં કામ આગળ વધારી શકશે. 

પણ વ્યવહારમાં આવું થતું નથી. ક્યારેક થાય છે, દર વખતે નથી થતું. 2014 પછી મોદી સરકારના પણ ઘણા નિર્ણયોની અસર સમયસર જનતા સુધી પહોંચતી નથી. ક્યારેક પહોંચતી જ નથી. આનું કારણ શું? કારણ સમજવું એટલા માટે જરૂરી છે જેથી આપણે ફ્રસ્ટ્રેટ ના થઈએ. ભાજપને ચૂંટીને સત્તા આપીએ છીએ પણ આપણે જે ધારતા હતા એવું પરિવર્તન દર વખતે જોવા કેમ મળતું નથી એવી ફરિયાદનો જવાબ આ કારણો શોધવાથી મળી જશે. 

મોદીના લોહીમાં લોકશાહીના આદર્શો છે. તેઓ ભારતના બંધારણનું ચુસ્ત પાલન કરવામાં માને છે. ન તો તેઓ નેહરુ-ઈન્દિરા જેવા અંદરખાનેથી તાનાશાહ છે, ન તેઓ મમતા સ્ટાલિનની જેમ સરકારની સિસ્ટમો ચલાવનારાઓને ધમકાવી-ડરાવી-લલચાવીને રાજ કરવામાં માને છે. આને કારણે મોદીએ લીધેલા અનેક નિર્ણયોનાં પરિણામ હજુ સુધી આપણા સુધી પહોંચ્યાં નથી. મોદી સરકાર એટલે માત્ર દિલ્હીની જ વાત નથી, ગુજરાત મહારાષ્ટ્ર વગેરે જ્યાં-જ્યાં ભાજપની સરકાર છે એને પણ આપણે સરળતા ખાતર મોદી સરકાર તરીકે જ ઓળખીએ. 

વારાફરતી ત્રણેય સ્તંભ પરની પક્કડની મર્યાદાઓ વિશે વાત કરીએ. 

1) બ્યુરોક્રસી: આઈ.એ.એસ. અને આઈ.આર.એસની કેડરમાંથી આવતા અને સરકારમાં કલેક્ટરથી માંડીને કેબિનેટ સેક્રેટરી કે ઇન્કમ ટેક્સ કમિશનર સુધીના ટોચના હોદ્દાઓ પર જવાબદારી નિભાવતા અધિકારીઓથી માંડીને સરકારમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ નિભાવતા ડ્રાઈવર, પટ્ટાવાળા, મદદનીશ સુધીના ભારત સરકારના તમામ પગારદારો બ્યુરોક્રસીનો ભાગ છે. પોલીસ તંત્ર પણ એમ આવી જાય.

આદર્શ વાત એ છે કે સરકાર કોઈ પણ હોય, સરકારની વિચારસરણી જે હોય તે, બ્યુરોક્રસી સ્વતંત્ર રીતે પોતાનું કામ કરે તો જ દેશનો કારભાર તમામ નાગરિકોનું ભલું કરી શકે. ભારત પર અંગ્રેજોનું રાજ હતું ત્યારે આવું નહોતું. બ્યુરોક્રસી અંગ્રેજ હાકેમો જેમ નચાવે તેમ નાચતી. સરકારી અધિકારીઓ-કર્મચારીઓ જો દેશની આઝાદીની ચળવળ માટે સહાનુભૂતિ ધરાવે છે એવી જાણ થતી તો એમને નોકરીમાંથી દૂર કરવામાં આવતા, પનિશમેન્ટ પોસ્ટિંગ થતી અથવા તો અન્ય કોઈ રીતે એમની કારકિર્દી માથે જોખમ તોળાતું. 

આઝાદી પછી નેહરુએ બ્યુરોક્રસીને સ્વતંત્ર બનાવવાને બદલે અંગ્રેજોની જ પદ્ધતિ આગળ ધપાવી. કોન્ગ્રેસની નીતિરીતિઓનું પાલન કરે તો જ સરકારી અધિકારી-કર્મચારીઓની પ્રગતિ થતી. સરકાર ચલાવવામાં મદદ કરતા આઈએએસ, આઈપીએસ અધિકારીઓએ કોન્ગ્રેસી નેતાઓનો પડ્યો બોલ ઝીલી લેવો પડતો. શિક્ષણ-ઉદ્યોગ-ખેતી સહિતનાં તમામ ક્ષેત્રોમાં કોન્ગ્રેસી નેતાઓએ જે કહે તે મુજબ બ્યુરોક્રસીએ વર્તવું પડતું. નેતાઓ અને રાજકર્તાઓના ભ્રષ્ટાચારને છાવરવા પડતા, જેના બદલામાં થોડાક ટુકડા એમને પણ મળી જતા. એમના પોતાના સ્વતંત્ર ભ્રષ્ટાચારને રક્ષણ મળતું.

આઝાદીના દસકાઓ પછી આ રસમ એવી જડબેસલાક બેસી ગઈ કે એમાં ફેરફાર કરવો મુશ્કેલ જ નહીં અશક્ય બની ગયો. વચ્ચે થોડાંક વર્ષ વાજપાયીની સરકાર આવી પણ અનેક પક્ષોને લઈને ટકી રહેવાની જદ્દોજહેદમાં બ્યુરોક્રસીમાં પરિવર્તન વિશે વધુ કોઈ પગલાં લેવાયાં નહીં. બ્યુરોક્રસીના રીઢા થઈ ગયેલા અધિકારીઓ-કર્મચારીઓ સમજતા હતા કે આ સરકાર આજે છે ને કાલે નથી, છેવટે તો અમારે કોન્ગ્રેસીઓ સાથે જ પનારો પાડવાનો છે. અને એવું જ બન્યું. 

2004માં વાજપેયી સરકાર ઘરભેગી થઈ અને એ પછીના દસકા દરમિયાન ભારતે ક્યારેય ના જોયું હોય એવું ભ્રષ્ટ, કામચોર અને ચારિત્ર્યહીન શાસન જોયું. બ્યુરોક્રસી પણ જાણે કોન્ગ્રેસી શાસન યાવદચન્દ્ર દિવાકરૌ છે એવું માનીને પોતાનાં ભ્રષ્ટ મૂળિયાં વધુને વધુ ઊંડાં કરતી ગઈ. 

2014માં મોદીને આ જ બ્યુરોક્રસી વારસામાં મળી. મોદી રાતોરાત આ સરકારી કર્મચારીઓની સાન ઠેકાણે લાવી શકે એમ નહોતા. પણ એમને 13 વર્ષનો ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનો અનુભવ હતો. ગુજરાતમાં એમણે બ્યુરોક્રસી સાથે જે રીતે ડીલ કર્યું હતું તે વિશાળ પાયે એમણે દિલ્હીમાં કર્યું. અત્યાર સુધી જેઓ કાર્યક્ષમ અધિકારી તરીકે પંકાયેલા હતા તે અધિકારીઓની આંખે બંધાયેલા કોન્ગ્રેસી પાટાઓ સામ-દામ-દંડ-ભેદ દ્વારા છોડાવ્યા અને એમને પોતાની નીતિરીતિઓથી કામ કરતા કર્યા. 

અત્યારે જે ટોચના બ્યુરોક્રેટ્સ છે તે બધા જ કોન્ગ્રેસી ઇકોસિસ્ટમની પેદાશ છે. તેઓ ઈન્દિરા-રાજીવના શાસનકાળમાં ભણીને 1990ના ગાળામાં સરકારમાં જોડાયા. એમના વ્યક્તિત્વમાં અભિન્નપણે જોડાઈ ગયેલી કોન્ગ્રેસની વિચારસરણીને ખંખેરવાનું કામ મોદી માટે અશક્ય હતું. આમ છતાં એમાંના ઘણા બધાને મોદીએ પોતાની વહીવટી કુનેહથી દેશપ્રેમી બનાવી દીધા. 

1990થી ગઈ કાલ સુધી સરકારમાં જોડાતા અધિકારીઓ અને કર્મચારીઓમાંના ઘણા લોકો બે કારણસર કોન્ગ્રેસ માટે વફાદારી ધરાવે છે. એક, એમના ઉપરીઓ જે કોન્ગ્રેસની ઇકોસિસ્ટમના ભાગ છે. બે, એમનું ભણતર જે કોન્ગ્રેસીઓએ ગોઠવેલી પરંપરાનો ભાગ છે. આ પરંપરા અંગ્રેજોની શિક્ષણપ્રથા તથા નેહરુએ એમના મુસ્લિમ તથા ડાબેરી મિત્રો/સહયોગીઓને સોંપી દીધેલી શિક્ષણપ્રથાનું સંયોજન છે. 

મોદી જે શિક્ષણપ્રથા સ્થાપવા માગે છે તેની નીતિ ઘડાઈ ચૂકી છે. અમલમાં મૂકાવા માંડી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (એન.ઈ.પી.) 2020એ જૂના પેધા પડી ગયેલા કોન્ગ્રેસતરફી સિનિયર શિક્ષણશાસ્ત્રીઓનો સામનો કરીને, એમનો સાથ લઈને આગળ વધવાનું છે. નવી શિક્ષણપદ્ધતિ અમલમાં મૂકાતી જશે એમ વ્યવહારુ સમસ્યાઓ આવતી જશે, એને ઉકેલવા માટે નીતિમાં ફાઇન ટ્યુનિંગ કરવું પડશે. આ આખીય પ્રક્રિયા બાદ નવા વિદ્યાર્થીઓનો જે ફાલ તૈયાર થશે તેમાંના કેટલાક બ્યુરોક્રસીમાં જોડાશે. પંદર-વીસ વર્ષ સહેજે નીકળી જશે. 

દરમ્યાન, મોદી શું કરે છે? નવા આઈએએસ અધિકારીઓને પોતાના ઘરે બોલાવીને સૌની સાથે સંવાદ સાધે છે. અમિત શાહ નવા આઈપીએસ અધિકારીઓ સાથે આ જ રીતે સંવાદ સાધે છે. સંપૂર્ણપણે કોન્ગ્રસી વિચારધારાથી મુક્ત હોય અને રાષ્ટ્રવાદના પાકા રંગે રંગાયેલા હોય એવા ઉચ્ચ સરકારી અધિકારીઓથી માંડીને વિવિધ સ્તરના સરકારી કર્મચારીઓની ઈકોસિસ્ટમ બનતાં દોઢ-બે દાયકા વીતી જવાના છે એની દેશના સર્વોચ્ચ નેતાઓને જાણ છે. ત્યાં સુધી પોતાની નીતિઓનો અમલ પૂરેપૂરો નહીં થાય તેની પણ એમને ખબર છે. તો વચગાળાના ઉપાય તરીકે જે કામ થઈ શકે તે કરતાં રહેવું એવો મંત્ર લઈને તેઓ આગળ વધે છે. જેમકે, કાશ્મીરમાંથી 37૦ હટી જશે એટલે રાતોરાત ત્યાં ભાજપની સરકાર રચાશે એવા કોઈ ભ્રમમાં તેઓ નહોતા. અને ત્યાં ચૂંટણી થઈ ત્યારે ભાજપને બદલે કટ્ટરપંથી શેખ અબ્દુલ્લા અને એમના પુત્ર ફારુખ અબ્દુલ્લાના વારસદાર ઓમર અબ્દુલ્લા ચીફ મિનિસ્ટર બન્યા. પણ ઓમરની ચોટલી મોદીના હાથમાં છે. કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નથી મળ્યો. નજીકના ભવિષ્યમાં મળશે પણ નહીં. 370 અમલમાં હતી તેના કરતાં પરિસ્થિતિ ઘણી સુધરી છે, આતંકવાદ-અલગાવવાદ કાબૂમાં છે. 

દેશની મોટાભાગની સમસ્યાઓના નિરાકરણમાં આ જ પરિસ્થિતિ છે. જૂની સિસ્ટમમાં ઉછરેલા, સમૃદ્ધ થયેલા સરકારી અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ભલે મોદીની તમામ નીતિઓનું સંપૂર્ણપણે પાલન ના થતું હોય, પણ 2014 પહેલાં જેવી સ્થિતિ હતી તેમાં ઘણાંખરાં ક્ષેત્રોમાં મોટો સુધારો થયો છે. અમુક બાબતોમાં અપેક્ષાઓ સંપૂર્ણપણે નથી સંતોષાઈ તે પણ હકીકત છે. એ નિષ્ફળતા મોદીની નથી, બ્યુરોક્રસીમાં પેધા પડી ગયેલા કેટલાક લોકોની આડોડાઈનું એ પરિણામ છે તે સમજવું જોઈએ અને મોદીને કે એમના કેબિનેટના સાથીઓને કોસવાનું બંધ કરવું જોઈએ. 

સાથોસાથ એ પણ સમજવું જોઈએ કે કેટલીક સમસ્યાઓ વિશ્વવ્યાપી છે. વત્તેઓછે અંશે દરેક દેશમાં એ રહેવાની છે– ચાહે એ શ્રીમંત દેશ હો યા પછાત. બીજી એક વાત. ભારત જેવા વિશાળ અને વિવિધતાભર્યા દેશને એના પોતાના આગવા પડકારો હોવાના. આ વિઘ્નો ભારતના ભૂતકાળને કારણે જલ્દીથી નાબૂદ નથી થવાનાં. જે દેશો દુનિયાના અન્ય રાષ્ટ્રોનું શોષણ કરીને, એમને ગુલામ બનાવીને પોતાના અર્થતંત્રને તગડું બનાવતા ગયા એ દેશોને આવા પડકારોનો સામનો કરવાનો નથી હોતો. 

ત્રીજી એક વાત. 2014માં મોદી આવ્યા ત્યારે એક વડા પ્રધાન તરીકે એમની પાસે જે અપેક્ષાઓ હતી એવી જંગી અપેક્ષાઓ અગાઉના કોઈ પણ વડા પ્રધાન પાસે આ દેશને નહોતી. આ તમામ અપેક્ષાઓ રાતોરાત પૂરી ના થાય એ સમજણ કેળવવાનું કામ આપણું છે. 1947થી 2014 દરમ્યાન દેશે જે પ્રગતિ કરી છે તેના કરતાં અનેકગણી પ્રગતિ, અનેકગણી ઝડપે અને અનેક ક્ષેત્રોમાં ભારતે કરી છે. છેલ્લાં 11 વર્ષમાં મોદીએ પુરવાર કર્યું છે કે તેઓ ભારતના અત્યાર સુધીના શ્રેષ્ઠ વડા પ્રધાન છે. દુનિયા આખી સ્વીકારે છે. 

આમ છતાં એવી પણ કેટલીક બાબતો છે જેમાં આપણે સ્વીકારવું પડે છે કે સરકાર ભલે આપણી હોય, સિસ્ટમ તો હજુય એ લોકોની છે. શા માટે એવું છે? એનાં કારણો આપણે ઉપર જોઈ ગયા. 

2) ન્યાયતંત્ર: ભારતનું ન્યાયતંત્ર અચ્છા અચ્છા દેશોનાં ન્યાયતંત્ર કરતાં ઘણું પ્રામાણિક અને કાર્યક્ષમ છે. ન્યાયતંત્રમાં, કોઈ પણ દેશના ન્યાયતંત્રમાં કેટલીક જન્મજાત ખામીઓ રહેવાની જ. જેમકે કોઈપણ ન્યાયતંત્રમાં કાયદો અને કાયદાનું અર્થઘટન કેન્દ્રમાં હોવાનું જેને કારણે કાયદાની ચાલાકીની સામે કુદરતી ન્યાયનો ભોગ લેવાય એવા કિસ્સા બનવાના જ છે. 

મોદીએ ક્યારેય ભારતના ન્યાયતંત્રને દબાવ્યું નથી. ઈન્દિરા ગાંધી તો વારંવાર પોતાના દેશના ન્યાયતંત્રની વિરુદ્ધ બોલ્યાં છે, ન્યાયતંત્રની એમણે અવગણના પણ કરી છે, રાજીવ ગાંધીએ પણ. મોદીએ સતત ધ્યાન રાખ્યું છે કે ન્યાયતંત્રનું અપમાન ના થાય. 

અત્યારે જે લોકો ન્યાયતંત્ર ચલાવે છે તે સૌ, બ્યુરોક્રસીની જેમ, કોન્ગ્રસી ઇકોસિસ્ટમમાં ઉછર્યા છે, સમૃદ્ધ થયા છે. નવા આવવાવાળાઓનું શિક્ષણ પણ એ જ ઇકોસિસ્ટમમાં થયું છે. કૉલેજિયમ સિસ્ટમથી બઢતી પામતા ન્યાયાધીશો ‘તું મારી પીઠ ખંજવાળ, હું તારી પીઠ ખંજવાળું’ની પરંપરામાં ઉછરેલા છે. કૉલેજિયમ સિસ્ટમની જગ્યાએ તટસ્થ પદ્ધતિથી ન્યાયાધીશોને બઢતી મળે તે માટેનો પ્લાન તૈયાર થઈને પડેલો છે. નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ્સ કમિશન (એનજેએસી)ને બંધારણના 99મા સુધારા તરીકે 2014માં કાયદો બનાવવામાં આવ્યો જેને સુપ્રીમ કોર્ટે 2015માં ગેરબંધારણીય કહીને રદ કર્યો. શાહબાનો કેસ વખતે રાજીવ ગાંધીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવગણના કરીને વટહુકમ દ્વારા પોતાની મનમાની કરી હતી. મોદી એવું નથી કરવા માગતા. માટે થોભો અને રાહ જુઓ. ન્યાયતંત્રની કૉલેજિયમ સિસ્ટમ આજે નહીં તો આવતીકાલે રદ થવાની જ છે– મોદીના શાસનકાળમાં જ દૂર થશે. આ જ નહીં બીજા ઘણા ક્રાંતિકારી સુધારાઓ મોદી લાવશે. 

ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) અને કોડ ઑફ ક્રિમિનલ પ્રિસિજર (સીઆરપીસી)માં ધરમૂળથી ફેરફારો થયા છે. ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) 2023 તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) 2023 તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે. અને આમ છતાં કપિલ સિબ્બલો તથા અભિષેક મનુ સિંઘવીઓની જમાતો હજુ પણ જે રીતે વર્તે છે તે જોઈને આપણને લાગે કે સરકાર ભલે આપણી છે પણ સિસ્ટમ તો એ લોકોની જ છે તો એ સ્વાભાવિક છે. 

3) મીડિયા: સ્વઘોષિત અર્થાત સેલ્ફ પ્રોક્લેઇમ્ડ ચોથા સ્તંભ તરીકેની મીડિયાની ઉપસ્થિતિને કારણે, મીડિયાની ઇકોસિસ્ટમને કારણે, સરકાર ભલે ભાજપની હોય, સિસ્ટમ તો ડાબેરીઓ-મુસ્લિમપરસ્ત સેક્યુલરો-સનાતનદ્વેષીઓની જ છે એવું પુરવાર થાય છે. 

આઝાદી પહેલાં જે વર્તમાનપત્રો બ્રિટિશ સરકારની વિરુદ્ધ લખતાં તે રાષ્ટ્રવાદી ગણાતાં. આઝાદી પછી આમાંનાં મોટા ભાગનાં વર્તમાનપત્રો સ્વતંત્ર દેશની સરકારની સિસ્ટમનો એક હિસ્સો બની ગયાં, નેહરુની ડાબેરી વિચારસરણીની તરફેણ કરનારાં બની ગયાં, બનાવટી સેક્યુલરિઝમને પ્રમોટ કરનારાં અને સનાતન પરંપરાને વગોવનારાં બની ગયાં. કોન્ગ્રસ રાજે પોતાનાં આ બગલબચ્ચાંઓને એ રીતે પાળ્યાં-પોષ્યાં કે આ છાપાઓનાં તંત્રીઓ આરએસએસનું માત્ર નામ સાંભળીને ધુઆપુંઆ થઈ જતા, ભગવો ધ્વજ જોઈને ભુરાંટા થઈ જતા. 

કોન્ગ્રસીઓની ઇકોસિસ્ટમના મજબૂત અંગ તરીકે કામ કરતા મીડિયાનો ઉપયોગ કોન્ગ્રસતરફી અને ભાજપ-મોદી-સંઘ વિરોધી પર્સેપ્શન બનાવવા માટે થાય છે. કોન્ગ્રસનાં કાળાં કામોને છુપાવવા કે જસ્ટિફાય કરવા માટે દિવસરાત મહેનત કરી રહેલા મીડિયાને મોદી સરકારની સિદ્ધિઓ વિશે જણાવવામાં કોઈ રસ નથી. જે મીડિયા મોદીના રાષ્ટ્રપ્રેમને વખાણે છે તેને ગોદી મીડિયા તરીકે વખોડી કાઢવામાં આવે છે. મોદીના વિરાટ વ્યક્તિત્વની સામે રાહુલ જેવા છછુંદરને મોદીના સમકક્ષ તરીકે ચીતરવામાં, મોદીના વિકલ્પ તરીકેની તદ્દન બેબુનિયાદ ઇમેજ બનાવવામાં, મોદીના હરીફ તરીકે સ્થાપવામાં ડાબેરી મીડિયાનો બહુ મોટો ફાળો છે. 

આ મીડિયા નોન ભાજપની સરકાર હોય એવાં રાજ્યોમાં ચાલતાં કૌભાંડો વિશે, ગેરવહીવટ વિશે કે એમની ગલત આર્થિક નીતિઓ વિશે ચૂપ રહેશે. ક્યારેક તટસ્થ દેખાવા ખાતર લાગતા વળગતાઓને લવિંગ કેરી લાકડી મારીને પોતે બહાદુરી બતાવી છે એવો દેખાડો કરશે. બિનભાજપી રાજ્યોમાં ચાલતી દેશવિરોધી, હિન્દુવિરોધી નીતિઓ વિશે તમને નહીં જણાવે. રોહિંગ્યાઓની અને બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વિરુદ્ધ એક શબ્દ નહીં ઉચ્ચારે. 

આ જ મીડિયાના પત્રકારો વિદેશી વર્તમાનપત્રો અને ટીવીચેનલોને પણ મોદીવિરોધી ગેરમાહિતીઓ મોકલીને આંતરરાષ્ટ્રીય ધોરણે ભારત હજુય થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે એવી છાપ ઊભી કરે છે. સમજવાનું આપણે છે કે આવું શું કામ થાય છે. સરકાર આપણી હોવા છતાં કેટલીક બાબતોમાં સિસ્ટમો એ લોકોની શું કામ છે. 

લાસ્ટ બૉલ

બંગાળ, કેરળ, કર્ણાટક અને પંજાબે જી.એસ.ટીના દરમાં થયેલા ઘટાડાનો વિરોધ કર્યો. એમને કારણે સાંજે 7 વાગ્યે સમાપ્ત થનારી બેઠક રાતના 9:30 વાગ્યા સુધી લંબાઈ. આ ચારેય બિનભાજપી રાજ્યો નહોતાં ચાહતાં કે જી.એસ.ટી.માં ઘટાડો થાય.

–એક સમાચાર 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં