હોમપેજરાજકારણઆરોપો લગાવી લોકોને ગુમરાહ કરવાનું કામ 100%, વાંધાઅરજી 0%…: રેલીઓ અને ભાષણો...

આરોપો લગાવી લોકોને ગુમરાહ કરવાનું કામ 100%, વાંધાઅરજી 0%…: રેલીઓ અને ભાષણો સુધી સીમિત રહ્યો રાહુલ ગાંધીનો ‘વૉટચોરી’નો કકળાટ

હકીકત તો એ છે કે, કોંગ્રેસ પાસે આજે માત્ર બે જ વસ્તુઓ છે. એક આરોપો અને બીજું રાહુલ ગાંધીની 'અસીમિત બુદ્ધિ'. તેમની પાસે ન તો પુરાવા છે કે ન તો મોદીને હટાવવાની ક્ષમતા.

- Advertisement -

બિહારમાં હાલ SIR પ્રક્રિયા ચાલી રહી છે અને હવે તો પૂર્ણ થવા પર આવીને ઊભી રહી છે. પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ અને મોદી સરકાર પર આરોપો લગાવવા માટેનો એક મુદ્દો છોડ્યો નથી. હમણાં તેઓ ‘વૉટચોરી’ અને ‘મતદારોના નામ કમી’ કરવા જેવા મુદ્દાઓના જોરે રાજકારણ રમી રહ્યા છે. પરંતુ, હકીકત એ છે કે, આ આરોપો માત્ર ભાષણો અને રેલીઓ સુધી સીમિત રહ્યા છે. રાહુલ ગાંધી કે તેમની પાર્ટી તરફથી એકપણ વખત વાંધાઅરજી રજૂ કરવામાં નથી આવી અને એકપણ પુરાવો આપવામાં નથી આવ્યો.

હમણાં ચૂંટણી પંચ તરફથી એક બુલેટિન જારી કરવામાં આવ્યું. જેમાં 1 ઑગસ્ટથી લઈને 30 ઑગસ્ટ સુધી થયેલી SIR પ્રક્રિયાની વિગતો આપવામાં આવી છે. જોકે, SIR પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી ચૂંટણી પંચ આ બુલેટિન જારી કરે છે અને લોકોને પ્રક્રિયા વિશે માહિતી આપે છે. પરંતુ, આ વખતે એક મહિનાની માહિતી સાથે આપવામાં આવી છે. બુલેટિનમાં જણાવાયું છે કે, પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસ, AAP, RJD અને CPI(M) જેવી INDI ગઠબંધનની પાર્ટીઓએ એકપણ વખત વાંધાઅરજી રજૂ નથી કરી.

બુલેટિન અનુસાર, કોંગ્રેસના 47,540 બૂથ લેવલ એજન્ટ્સ છે, પણ વાંધાઅરજી શૂન્ય છે. એટલે કે, રાહુલ ગાંધી ગામમાં જઈને ‘વૉટચોરી-વૉટચોરી’ની બૂમો પાડીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પણ પાર્ટી વાંધાઅરજી દાખલ નથી કરી રહી. બિહારમાં ‘વૉટર અધિકાર યાત્રા’ જેવું તૂત શરૂ કરવામાં આવ્યું, લોકોને વારંવાર કહેવામાં આવ્યું કે, તેમના નામ મતદાર યાદીમાંથી હટાવાઈ રહ્યા છે. પરંતુ, વાત જ્યારે પુરાવા આપવાની આવી તો રાહુલ ગાંધીની ટોળકી એવી રીતે ભાગી ગઈ, જેવી રીતે લાયસન્સ વગરનો માણસ રસ્તા પર પોલીસને જોઈને ભાગે છે.

- Advertisement -

ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવીને લોકોને ગેરમાર્ગે દોરવાની હતી યોજના?

આ બધી હરકતો જોઈને ‘વિચારશીલ અને બુદ્ધિશાળી’ માણસોને પ્રશ્નો તો થવાના જ અને થવા પણ જોઈએ. રાહુલ ગાંધી અને તેમની ટોળકીએ એ જવાબ પણ આપવા જોઈએ કે, જો ‘વૉટચોરી’ થઈ છે તો તેના પુરાવા કયા છે? ખરેખર આવું થયું છે તો કોંગ્રેસ કે તેની સહયોગી પાર્ટીઓ તરફથી હજુ સુધી એકપણ વાંધાઅરજી દાખલ કેમ નથી થઈ? કેમ તેઓ કોર્ટ સુધી ન પહોંચ્યા અને કેમ ચૂંટણી પંચ સામે પુરાવા રજૂ કરવા નથી ગયા?

પ્રશ્ન તો એ પણ થઈ રહ્યા છે કે, શું આ તૂત માત્ર ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું જ છે? જો, ‘ના’ તો પછી રેલીઓ અને સભાઓમાંથી એક કલાકનો સમય કાઢીને દેશ સામે પુરાવા રજૂ કરવા જોઈએ અને જો ગેરમાર્ગે દોરવાનો જ વિચાર હોય તો ધન્ય છે ‘કોંગ્રેસ યુવરાજ’નું રાજકારણ. હકીકત તો એ છે કે, કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓએ માત્ર લોકોને ગેરમાર્ગે દોરીને રાજકીય રોટલા શેકવા આવા કારસ્તાન શરૂ કર્યા છે, એટલે જ તેઓ ક્યારેય પુરાવા કે વાંધાઅરજી નથી આપી રહ્યા.

એક તરફ રાહુલ ગાંધી ‘વૉટચોરી-વૉટચોરી’ કહીને નવા-નવા આરોપો લગાવી રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસ એકપણ વાંધાઅરજી નથી કરી રહી! સંભવતઃ કોંગ્રેસ પોતે જ પોતાના ‘યુવરાજ’ને સિરિયસલી નથી લેતી. આ પરિસ્થિતિમાં રાહુલ ગાંધીએ દેશને પછી વિશ્વાસમાં લેવો જોઈએ, પહેલા પોતાની પાર્ટીને વિશ્વાસમાં લેવી જોઈએ.

રાહુલ ગાંધીના તમામ આરોપો નિરાધાર સાબિત થયા છે

SIR પ્રક્રિયા શરૂ થઈ ત્યારે રાહુલ ગાંધીએ હાથમાં કાગળોના થોથા પકડી કલાકેક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી અને ‘વૉટચોરી’ થઈ હોવાના દાવા કર્યા હતા. પણ વાત જ્યારે પુરાવા આપવાની આવી તો તેઓ ભડકી ઉઠ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે, હસ્તાક્ષર કરેલ સોગંદનાનું આપો અથવા તો દેશની માફી માંગવા તૈયાર રહો. પણ રાહુલ ગાંધી તો ‘રાહુલ ગાંધી’ છે. તેઓ ઉલટા મુખ્ય ચૂંટણી કમિશર સામે બાયો ચડાવવા લાગ્યા. આવા બધા ધતિંગ કરવાનો ભરપૂર સમય હતો પણ પુરાવા રજૂ કરવાનો સમય નહોતો.

રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં જેટલા પણ આરોપો લગાવ્યા, એ તમામ પાયાવિહોણા સાબિત થયા. ચૂંટણી પંચે વારંવાર રાહુલ ગાંધીના દાવાઓનું ફેક્ટચેક કર્યુ. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે, ‘જો પુરાવા હોય’ તો ફોર્મલ ઓબ્જેક્શન ફાઇલ કરો અથવા કોર્ટમાં જાઓ. પણ કોંગ્રેસ કે રાહુલ ગાંધી માત્ર બિહારમાં જઈને રેલીઓ કરશે અને ‘વૉટચોરી-વૉટચોરી’નો કાળો કકળાટ કરશે.

હકીકત તો એ છે કે, કોંગ્રેસ પાસે આજે માત્ર બે જ વસ્તુઓ છે. એક આરોપો અને બીજું રાહુલ ગાંધીની ‘અસીમિત બુદ્ધિ’. તેમની પાસે ન તો પુરાવા છે કે ન તો મોદીને હટાવવાની ક્ષમતા. તેથી આવા બધા તૂત ઊઠીને આવે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાના ગતકડા શરૂ થાય છે. પણ હવે લોકો પણ બધુ જાણી ગયા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં