થોડા વખત પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે એક કાર્યક્રમમાં બોલતી વખતે નિવૃત્તિ અને ઉંમર પર એક હળવી ટિપ્પણી કરી હતી, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડીને પછીથી કોંગ્રેસ અને ઇકોસિસ્ટમે બહુ હોબાળો મચાવ્યો. મોહન ભાગવતે અન્ય એક વ્યક્તિને ટાંકીને 75 વર્ષે નિવૃત્તિની વાત કરી હતી. તેમણે જે-તે સમયે પણ ન તો ક્યાંય સરકારનો કે વડા પ્રધાન મોદીનો ઉલ્લેખ કર્યો હતો કે ન એમ કહ્યું હતું કે પોતે આટલાં વર્ષે નિવૃત્તિ લેશે. મોહન ભાગવત અને મોદી બંને સરખી વયના છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં બંને 75 વર્ષ પૂરાં કરશે. કોંગ્રેસીઓ મોહન ભાગવતના વિધાનનું તોડીમરોડીને રજૂ કરવામાં આવેલું વર્ઝન સાંભળીને ગેલમાં હતા, પણ ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી સંઘની વ્યાખ્યાનમાળાના પ્રશ્નોત્તરી સત્રમાં સરસંઘચાલકે આનો વિસ્તૃત જવાબ આપ્યો.
મોહન ભાગવતે વિવાદ પર સીધું સ્પષ્ટીકરણ આપ્યું છે. બંધારણીય હોદ્દા ધરાવતી વ્યક્તિઓએ 75 વર્ષે નિવૃત્ત થવું જોઈએ કે કેમ તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબમાં ભાગવતે સ્પષ્ટ કહ્યું, “મેં ક્યારેય નથી કહ્યું કે હું 75 વર્ષે નિવૃત્ત થઈશ કે બીજા કોઈએ નિવૃત્ત થવું જોઈએ.” તેમણે સમજાવ્યું કે તેમનું અગાઉનું નિવેદન કોઈ નીતિ-નિયમ પર આધારિત નહોતું, પરંતુ મોરોપંત પિંગળેની રમૂજી શૈલીનો એક કિસ્સો હતો. જેનો હેતુ RSSના નિષ્ઠાપૂર્વક સેવાના નીતિ-વિચારને ઉજાગર કરવાનો હતો, નહીં કે ફરજિયાત નિવૃત્તિનો આગ્રહ રાખવાનો.
ભાગવતે RSSની સંગઠનાત્મક ફિલસૂફી પર ભાર મૂકતા કહ્યું, “સંઘમાં અમે સ્વયંસેવકો છીએ… અમને કામ સોંપવામાં આવે છે, ભલે અમે તે ઇચ્છીએ કે નહીં. જો હું 80 વર્ષનો હોઉં અને સંઘ કહે કે શાખા ચલાવો, તો મારે તે કરવું પડશે. અમે સંઘ જે કહે તે કરીએ છીએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે RSSમાં ઉંમર આધારિત નિવૃત્તિના નિયમો નથી અને સ્વયંસેવકો પાસે સંગઠનની જરૂરિયાત મુજબ, ઉંમરની પરવાહ કર્યા વિના, સેવા આપવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે ભાગવતે ક્યારેય નરેન્દ્ર મોદીને નિવૃત્તિનો ઈશારો કર્યો નહોતો, આ બાબત માત્ર વિપક્ષી દળોના મગજની ઉપજ હતી.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ભાગવતના નિવેદન આ અટકળો ખતમ કરવા માટે નહોતા, પરંતુ RSSના મૂળ સિદ્ધાંતને રજૂ કરવા વિશે હતા, જેમાં કર્તવ્ય વ્યક્તિગત પસંદગીથી ઉપર છે. તેમણે ભૈય્યાજી દાણીનું ઉદાહરણ આપ્યું જેઓ કૌટુંબિક જવાબદારીઓ નિભાવ્યા બાદ સંઘ માટે સંપૂર્ણ રીતે સમર્પિત થયા, જે દર્શાવે છે કે સ્વયંસેવકો સેવાને પ્રાથમિકતા આપે છે. તેમણે એ પણ નોંધ્યું કે RSS પાસે નેતૃત્વ પરિવર્તન માટેની પણ યોજના છે જ. તેમણે જણાવ્યું કે હાલ સંઘમાં ‘ઓછામાં ઓછા 10 લોકો’ એવા છે જે સરસંઘચાલક બનવાની ક્ષમતા ધરાવે છે. નેતૃત્વ પરિવર્તનની જાહેરમાં તૈયારી બતાવવી એ સંઘની ભવિષ્યની તૈયારી દર્શાવે છે.
વિવાદની શરૂઆત
વિવાદની શરૂઆત જુલાઈ 2025માં થઈ, જ્યારે નાગપુરમાં દિવંગત RSS વિચારક મોરોપંત પિંગળેને સમર્પિત એક પુસ્તક વિમોચન સમારોહમાં મોહન ભાગવતે એક નિવેદન આપ્યું હતું. પિંગળેની રમૂજી શૈલીને યાદ કરતાં ભાગવતે તેમના શબ્દો ટાંક્યા, “75 વર્ષની ઉંમર થાય ત્યારે એનો મતલબ એ થયો કે હવે તમે થોભી જાવ અને બીજાને આગળ આવવા દો.” તેમણે વધુમાં એક રમૂજી કિસ્સો શેર કર્યો, જેમાં પિંગળેએ રમૂજમાં કહ્યું હતું કે 75 વર્ષે શાલથી સન્માન થાય તે એક સંકેત છે કે હવે નિવૃત્ત થઈને યુવા નેતાઓને આગળ આવવા દેવા જોઈએ.
આ નિવેદનનો સંદર્ભ જાણ્યા વિના માત્ર શબ્દો પકડીને વિપક્ષીદળોએ તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડી દીધું. વિપક્ષે એવી અટકળો શરૂ કરી કે ભાગવતે મોદીને નિવૃત્ત થવાનો ઈશારો કર્યો છે. નોંધનીય છે કે ભાગવત (11 સપ્ટેમ્બર) અને મોદી (17 સપ્ટેમ્બર)—માત્ર છ દિવસના અંતરે જન્મેલા છે. આ દરમિયાન BJPની 2019માં એલ.કે. આડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓને 75 વર્ષથી વધુ ઉંમરના હોવાને કારણે ચૂંટણી ન લડાવવાની નીતિને યાદ કરીને ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા.
કોઈપણ નેતાના નિવેદનને પરિસ્થિતિના સંદર્ભમાં જોવાની જરૂર હોય છે. પરંતુ કોંગ્રેસે તેને એવા રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો કે જાણે RSSની અંદરથી જ મોદી વિરુદ્ધ અવાજ ઉઠ્યો છે જે વાસ્તવમાં એક ભ્રામક ઉપજ હતી. હકીકતમાં RSS અને ભાજપ વચ્ચેનો સંબંધ એવો છે કે સંઘ ક્યારેય ભાજપના નિર્ણયોમાં સીધો રાજકીય હસ્તક્ષેપ કરતો નથી. ભાગવતે ભારપૂર્વક જણાવ્યું કે RSS અને BJP રાષ્ટ્ર માટે સમાન લક્ષ્યો ધરાવે છે, પરંતુ તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, RSS શાખાઓ પર ધ્યાન આપે છે અને BJP શાસન પર. “મતભેદ હોઈ શકે, પરંતુ મનભેદ નથી. અમે ચર્ચા કરીએ છીએ અને સર્વસંમતિ બનાવીએ છીએ.”
ભાગવતનું સ્પષ્ટીકરણ માત્ર નિવૃત્તિના વિવાદને સંબોધવા વિશે નહોતું, પરંતુ RSSની શતાબ્દી ઉજવણી દરમિયાન એક આધુનિક, સર્વસમાવેશક છબી રજૂ કરવા વિશે પણ હતું. નવી દિલ્હીમાં ત્રણ દિવસની વ્યાખ્યાનમાળા દરમિયાન તેમણે શિક્ષણ સુધારણાથી લઈને ગેરકાયદેસર સ્થળાંતર અને ભારતની વેપાર નીતિઓ સુધીના વિવિધ મુદ્દાઓને સ્પર્શ્યા છે.


