ભારત રહસ્યોની ભૂમિ છે, દેવોની ભૂમિ છે અને જીવંત ધરોહરની ભૂમિ છે. વૈદિક સનાતન સંસ્કૃતિએ ભારતના ભવિષ્યને ઘડ્યું છે. તેમાં સૌથી મોટું યોગદાન સંસ્કૃતિના મંદિરોનું છે. આદિગુરુ શંકરાચાર્ય હોય કે તે પછીના વૈદિક સંસ્કૃતિને જીવંત રાખનારા મહાપુરુષો, તમામે ધર્મસ્થળ અને મંદિરોની કીર્તિ વિશ્વ સુધી પહોંચાડી હતી. કારણ કે, વૈદિક સંસ્કૃતિના મંદિરો માત્ર દેવદર્શન સુધી સીમિત નહોતા રહ્યા, વાસ્તવિકતા એ છે કે, તે જ મંદિરોમાં ભારત ઘડાઈ રહ્યું હતું અને જ્ઞાન, રહસ્ય તથા દર્શનશાસ્ત્રની અવિરત ધારાઓ વહેતી થઈ હતી.
આવા અગણિત મંદિરો ભારતના ઇતિહાસમાં થયા છે અને ઘણા આજે પણ અડીખમ ઊભા છે. તે પૈકીનું એક છે સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Mandir). સોમનાથ મંદિરમાં પ્રથમ જ્યોતિર્લિંગ સ્થાપિત છે. સોમનાથના ઇતિહાસ તરફ નજર કરવામાં આવે તો આજે માત્ર વિનાશ જ દેખાય છે. પરંતુ, એક હકીકત એ પણ છે કે, સોમનાથના વિનાશ પહેલાં તે ધર્મ અને સંસ્કૃતિના વહનનું એક મુખ્ય કેન્દ્ર હતું. આજે સોમનાથનો ઇતિહાસ માત્ર મહમૂદ ગઝનવી અને તેની જેવા અન્ય ઇસ્લામી આક્રાંતાઓના હુમલા સુધી સીમિત કરી દેવાયો છે.
ઇસ્લામી આક્રાંતાઓના હુમલા પહેલાં સોમનાથની શું સ્થિતિ હતી અને કઈ રીતે તે વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાનમાં મોખરે રહ્યું હતું, તે વિશેની માહિતી આજે ભાગ્યેજ ક્યાંક વાંચવા કે સાંભળવા મળે. સોમનાથના વિનાશ પર અનેકો લેખો લખાયા અને સંશોધનો પણ થયા. પરંતુ, સમાજનો એક મોટો વર્ગ સોમનાથની ઉત્પત્તિના ઇતિહાસથી આજે પણ અજાણ છે. વૈદિક ગ્રંથો અને હિંદુ ધર્મના સાહિત્યમાં સોમનાથની ઉત્પત્તિનો સમગ્ર ઇતિહાસ વર્ણવાયો છે. સોમનાથના વિનાશ વિશે આજે સૌ કોઈ જાણે છે, પરંતુ આજે અમારો પ્રયાસ એ છે કે, સોમનાથની ઉત્પત્તિ વિશે પણ સમાજને માહિતી મળે.
અત્રિ અને અનસૂયાનું તપ અને ચંદ્રનો જન્મ
સોમનાથના ઇતિહાસની શરૂઆત ઋષિ અત્રિ અને તેમના પત્ની અનસૂયાના ધર્મકાર્યના પ્રયાસોથી થાય છે. આ ઋષિ દંપતી વૈદિક સંસ્કૃતિના જતન માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી ચૂકી હતી. અગણિત ઈશ્વરીય કાર્યોમાં તેમણે ભાગ લીધો હતો અને સંસ્કૃતિને જીવંત રાખી, તેનો પ્રચાર કરવામાં પણ તેમણે કોઈ કચાશ છોડી નહોતી. એક દિવસે અત્રિ અને અનસૂયા નદી કિનારે શાંતિથી બેઠા હતા અને ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા હતા. બંને જીવથી શિવ થવાના ગૂઢ તત્વજ્ઞાન પર વાતો કરી રહ્યા હતા. તેવામાં અચાનક સૃષ્ટિને શુદ્ધ અને ફરી પવિત્ર કરવાની વાતો સહજભાવે શરૂ થઈ ગઈ.
ઋષિ અત્રિ કહેવા લાગ્યા કે, માણસે ઇચ્છાશક્તિ અને બુદ્ધિશક્તિનો દુરુપયોગ મોટા પ્રમાણમાં કર્યો છે. તેના કારણે વિશ્વમાં અરાજકતા, દુઃખ અને નિરાનંદપણું આવી ગયું છે. જગત શાંત અને સમાધાની હોય તો કેવું સારું? તેમણે કહ્યું કે, “આવું જગત જોઈને ઈશ્વરને પણ આનંદ થાય.” આ વાત પર અનસૂયાએ કહ્યું કે, “તમે કેમ પ્રયાસો નથી કરતા આવા વિશ્વ માટે? તમારા જેવા સમર્થ ઋષિ માટે શું અશક્ય છે?” અત્રિએ કહ્યું કે, “જગતને સુવ્યવસ્થિત બનાવવા માટે શૌર્ય, કર્તૂત્વ વિયભાવ અને સૌંદર્ય જોઈએ. જેની પાસે આ બધુ જ હોય તે પુરુષ જગતમાં શીતળતા લાવી શકે.”
આ બધી વાત સાંભળીને અનસૂયાએ કહ્યું કે, કોઈ એક જ વ્યક્તિમાં આ બધુ હોવું અસંભવિત લાગી રહ્યું છે. જેના જવાબમાં ઋષિ અત્રિએ કહ્યું કે, સર્વશક્તિમાન ઈશ્વર માટે કોઈ બાબત અશક્ય નથી. ત્યારબાદ બંને ઈશ્વર પાસે જીવનમાં પ્રથમ વખત પુત્રની યાચના કરે છે, જેથી દૈવિય સંસ્કૃતિને સુયોગ્યપણે અવિરત વહેતી રાખી શકાય અને વિશ્વને કલ્યાણકારી બનાવી શકાય. વૃદ્ધવસ્થામાં કોણ સાચવશે અને શ્રાદ્ધ કોણ કરશે એવી ફિકર આ ઋષિ દંપતીને નહોતી. તેમનું મન એવું સંતાન ઝંખતું હતું કે જે ઈશ્વરનું કાર્ય કરે અને વિશ્વમાં સુખ, શાંતિ અને સમાધાન સ્થાપે.
વૈદિક સંસ્કૃતિને જીવંત રાખવા માટે અત્રિ અને અનસૂયા ભગવાન શિવની તપશ્ચર્યા કરવા તત્પર થયા. જેના પરિણામે તેમને ભગવાન શિવના પ્રસાદથી એક પુત્ર પ્રાપ્ત થયો. તે પુત્ર કર્તૂત્વવાન અને શૂરવીર હતો. તે વૈભવ અને સૌંદર્યની સાથે જન્મ્યો હતો. ‘चंद्रयति नाम आह्लादयति इति चंद्र’- આ બાળક આહ્લાદ આપનારું હોવાથી તેનું નામ ચંદ્ર રાખવામાં આવ્યું. ચંદ્ર એટલે ‘સોમ’. ચંદ્ર સૌંદર્યની સાથે બુદ્ધિમતામાં પણ પાવરધો હતો. ઋષિ અત્રિની આંખોનું તેજ તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું અને વૈદિક સંસ્કૃતિ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પણ અભૂતપૂર્વ હતી.
ચંદ્ર અને રોહિણીના વિવાહ
ચંદ્ર મોટો થયો. તેની પાસે શીતળતા હતી, સૌમ્યતા હતી, શાંતિ હતી, શૌર્ય હતું, પ્રકાશ હતો. વૈદિક ધર્મ માટે કઈક કરી છૂટવાની તેને ધગશ હતી. શક્તિ અને બુદ્ધિના વૈભવ સાથે તેનામાં ભાવ પણ છલોછલ ભરેલો હતો. તેને દુનિયા બદલવાની ઝંખના હતી. તેણે ઘણાં જીવન બદલાવ્યા, જગતને સમૃદ્ધ કરવાના પ્રયાસો કર્યા અને વૈદિક સંસ્કૃતિને ફરી પાંખ આપી. તેણે સેંકડો યજ્ઞ કરીને માનવજીવનમાં પરિવર્તનનો શંખનાદ કર્યો અને વિશ્વને ફરી સમૃદ્ધ કરવાનો તેનો સંકલ્પ પૂર્ણ કર્યો. ચંદ્ર કુશળ વિદ્વાન અને ઋષિપુત્ર હતો. તેણે કરેલ ભગીરથ કાર્યથી અત્રિ અને અનસૂયા અત્યંત ખુશ થયા. તેમને લાગ્યું કે, જે જોઈતું હતું, તે જ ભગવાને આપ્યું છે. ચંદ્રના કારણે જગતમાં શીતળતા, શાંતિ અને સમાધાન આવ્યા. ચંદ્ર એક એવો દિવ્ય પુરુષ હતો કે, તેનામાં શારીરિક સૌંદર્યની પ્રભા તો હતી જ પણ કર્તૂત્વ અને બુદ્ધિથી આવેલી પ્રભા પણ હતી.
ત્યારબાદ વિશ્વમાં વૈદિક સંસ્કૃતિને ફરી સ્થાપિત કરવાનું અભિયાન પણ ઉપડ્યું હતું. આ દરમિયાન જ અનસૂયાએ પુત્રને કહ્યું કે, તેણે હવે યોગ્ય, સુપાત્ર કન્યા સાથે લગ્ન કરી લેવા જોઈએ અને પછી બંનેએ ઈશ્વરનું કાર્ય કરવું જોઈએ. પરંતુ, ચંદ્રનો મત એવો હતો કે, તે સ્ત્રીલિંગી શરીરના પીંજરા સાથે પરણી શકશે નહીં. તેની શરત એટલી હતી કે, તેને અને તેના દ્વારા થતાં ઈશ્વરીય કાર્યને સમજી શકે તેવી કુશળ કન્યા સાથે જ તેના લગ્ન થઈ શકશે. પોતાના અલૌકિક વ્યક્તિત્વને ઝીલી શકે તેવી, ખરેખરા અર્થના જેને પત્ની કહી શકાય તેવી કન્યા સાથે તે લગ્ન કરવા માંગતો હતો.
ઘણા દિવસો વીતી પણ ગયા પણ ચંદ્રને તેવી કુશળ કન્યા મળી ન મળી. તેવામાં એક દિવસ સરોવરના કાંઠે ચંદ્રને એક યુવતી આવતી દેખાઈ. તેના મસ્તકનું પરનું તેજ પણ વિસ્મય પમાડે તેવું અને પ્રભાવશાળી હતું. બંને વચ્ચે વાતચીત થતાં જાણવા મળ્યું કે, યુવતીનું નામ રોહિણી છે અને તે પ્રજાપતિ દક્ષની પુત્રી છે. રોહિણીની ઈચ્છા ચંદ્ર સાથે વિવાહ કરવાની હતી. તેની પણ એ જ સમસ્યા હતી, જે સમસ્યા ચંદ્રની હતી. બંનેનો એકબીજા સાથે પરિચય થાય છે અને બંને અગ્નિની સાક્ષીએ સપ્તપદીના પગલાં માંડે છે. લગ્ન સાથેની એક શરત એ હતી કે, રોહિણી અને તેની 26 બહેનો મન-કર્મ-વચનથી એક હોવાથી એક જ પુરુષ સાથે પરણશે. જોકે, તેનું ગૂઢ રહસ્ય પણ હતું. ચંદ્રએ તે શરતનો પણ સ્વીકાર કર્યો હતો. (રોહિણી અને તેની 26 બહેનો વૈદિક કથાઓમાં નક્ષત્રોના પ્રતિક તરીકે ગણાય છે.)
દક્ષનો શાપ અને ચંદ્રનો ક્ષય
ચંદ્ર પોતાની પત્નીઓને લઈને પોતાના સ્થાને આવ્યો. ફરીથી તેણે વૈદિક સંસ્કૃતિ માટેના કાર્યો શરૂ કરી દીધા. રોહિણી તેના કામમાં સાથે ઊભી રહે, તેના કામનું સન્માન કરે અને સાથે કામ પણ કરે. પરંતુ, બાકીની 26 પત્નીઓ ચંદ્રને ન તો સમજી શકતી હતી અને ન તો તેમના કામનું સન્માન કરી શકતી હતી. ચંદ્રને પણ ધીમે ધીમે આ બધી બાબતોની જાણ થવા લાગી હતી. પોતાનું કાર્ય સમજવાની રોહિણીમાં તાકાત છે, એટલું જ નહીં પણ તે કાર્યની કદર પણ કરે છે, એ જ્યારે ચંદ્રએ જોયું ત્યારે તેણે પોતાની સાથે કાર્યમાં રોહિણીને પણ સામેલ કરી. જેના કારણે કુટુંબમાં કલેશ ઊભો થયો.
ત્યારબાદ બાકીની 26 પત્નીનોએ તેમના પિતા દક્ષને ફરિયાદ કરતા કહ્યું કે, ચંદ્ર તેમની સાથે ભેદભાવ કરી રહ્યા છે અને રોહિણી તથા તેમના વચ્ચે પક્ષપાતપૂર્ણ વર્તન કરે છે. જોકે, તે સમયે દક્ષે ચંદ્ર સાથે ચર્ચા પણ કરી હતી. જે દરમિયાન ચંદ્રએ કહ્યું હતું કે, જાણીજોઇને તે આવું નથી કરી રહ્યો, પણ તેનું કાર્ય અને તેની બુદ્ધિને સમજી શકે તેટલી ક્ષમતા માત્ર રોહિણીમાં જ છે. તે સમયે જેમ-તેમ કરીને સુલેહ કરવામાં આવી. તે પછી 26 પત્નીઓ ફરી ચંદ્રની સાથે રહેવા લાગી.
થોડા સમય બાદ ફરી આ સમસ્યા ઊભી થઈ અને ફરી 26 પત્નીઓએ દક્ષને ફરિયાદ કરી. આ વખતે દક્ષે રોષે ભરાઈને ચંદ્રને શાપ આપી દીધો અને કહ્યું કે, “જો તને તારા કાર્યનો, બુદ્ધિમત્તાનો અને સૌંદર્યનો મિજાજ ચડ્યો હશે તો જા તે બધાને ક્ષય લાગશે. તું ક્ષય રોગી બનીશ.” ચંદ્રને સૌંદર્ય સાથે કોઈ નિસ્બત નહોતી, પણ બુદ્ધિમત્તા વિના તે વૈદિક કાર્ય કરી શકે નહીં. તેથી, ફરી તેણે દક્ષ પ્રજાપતિના ચરણો પકડ્યા અને ક્ષમાની યાચના કરી. પરંતુ, દક્ષે કહ્યું કે, તેની પાસે શાપને પરત ખેંચવાનો કોઈ ઉપાય નથી અને આવું થવું હવે શક્ય પણ નથી.
ચંદ્રની શિવ આરાધના અને સોમનાથની ઉત્પત્તિ
શાપના કારણે ચંદ્રની સાથે-સાથે રોહિણી અને અત્રિ-અનસૂયા પણ દુઃખી હતા. રોહિણીએ ચંદ્રને કહ્યું કે, શાપના કારણે જ્યારે શક્તિ અને પ્રભાને ક્ષય લાગશે ત્યારે જગતનું શું થશે? વિશ્વમાં રહીને પણ ચંદ્ર કશું કરી શકશે નહીં. રોહિણીએ કહ્યું કે, ઋષિ અત્રિએ મહાન તપશ્ચર્યા કરીને સ્વયં શિવ પાસેથી જે કાર્ય માટે ચંદ્રની માંગણી કરી હતી, તે જ કાર્ય હવે ફરી અટકવા પર આવીને ઊભું રહ્યું છે. ચંદ્ર અને રોહિણી વિશ્વને પ્રકાશિત રાખવાના એકમાત્ર આશય સાથે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ તેમને નિગ્રહાનુગ્રહ સમર્થ શિવની આરાધના કરવા માટે કહ્યું. ત્યારબાદ ચંદ્ર અને રોહિણી પવિત્ર ભૂમિની શોધ માટે પૃથ્વી પર ભટકવા લાગ્યા.
અંતે સૌરાષ્ટ્રના એક પ્રદેશમાં આવીને તેમની શોધ પૂર્ણ થઈ. વૈદિક કાર્ય કરીને દુનિયાને ચક્ષુ પ્રદાન કરનારા ચંદ્રએ સમગ્ર અવાજ સાથે ‘નાથ’ કહીને હાકલ કરી અને તે જ ક્ષણે ભગવાન શિવ પ્રસન્ન થયા. ભગવાન શિવે દક્ષના શાપને તો પૂર્ણ ન કર્યો પણ ચંદ્રને એક વરદાન આપ્યું કે, ચંદ્રની શક્તિમાં 15 દિવસ વૃદ્ધિ અને 15 દિવસ ક્ષય થશે. તેથી 15 દિવસોની વૃદ્ધિમાં તે નિરંકુશપણે વૈદિક ધર્મનું કાર્ય કરી શકશે. આ વરદાનથી ચંદ્ર અને રોહિણી ખૂબ પ્રસન્ન પણ થયા. તે જ સમયે બ્રહ્મવાણી થઈ અને તે જ સ્થળે શિવલિંગની ઉત્પત્તિ થઈ. બ્રહ્મવાણીએ ચંદ્ર અને રોહિણીને શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવાનો આદેશ આપ્યો.
બ્રહ્મવાણીના આદેશ અનુસાર, ચંદ્ર અને રોહિણીએ તે સ્વયંભૂ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠ કરી. આ પ્રાણપ્રતિષ્ઠા કોઈ સામાન્ય વ્યક્તિઓએ નથી કરી. ચંદ્ર અને રોહિણી જેવી મહાન શક્તિઓએ પ્રતિષ્ઠા કરી હોવાના કારણે આજે પણ સોમનાથમાં શિવ જીવંત છે અને કાયમ છે. ચંદ્ર એટલે સોમ. ચંદ્રએ જે સ્થળે ‘નાથ’ કહીને હાંક મારી અને જે સ્થળે સ્વયં શિવ પ્રગટ થયા, તેનું નામ ‘સોમનાથ’ પડ્યું. જે સ્થળે કર્મયોગી, ઈશ્વરીય કાર્ય કરનારા ચંદ્રની ચાલી ગયેલી પ્રભા પાછી આવી, તે સ્થળ ‘પ્રભાસ’ તરીકે ઓળખાયું. આજે પણ આ બંને નામો એ જ ઇતિહાસને પોતાના ભીતર સમાવીને બેઠા છે.
ચંદ્રની શિવભક્તિ અને વૈદિક ધર્મ પ્રત્યેની નિષ્ઠાના કારણે સ્વયં શિવે તેમને મસ્તકમાં સ્થાન આપ્યું અને તેના કારણે જ ભગવાન શિવને ‘ચંદ્રચૂડ’ કહેવામાં આવ્યા. આજે પણ સોમનાથના તે પવિત્ર સ્થાન પર શિવતત્વ વાસ કરે છે. ચંદ્રદેવ એટલે કે સોમદેવના ‘નાથ’ તરીકે આજે પણ હિંદુઓ દેવાધિદેવ સોમનાથની ભક્તિ અને પૂજા કરે છે.
સોમનાથ મહાદેવ મંદિર, ચંદ્રની શિવભક્તિ અને વૈદિક સંસ્કૃતિની અમર ગાથાનું પ્રતીક છે. આજે પણ તે લાખો ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે. આ પવિત્ર ધામ માત્ર શિવલિંગનું સ્થાન નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરનું જીવંત કેન્દ્ર છે, જે સદીઓથી વિશ્વને પ્રકાશ, શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ આપી રહ્યું છે.


