હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે તાજેતરમાં એક ચુકાદો આપ્યો, જેમાં જણાવાયું છે કે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા લગાવવા એ રાજદ્રોહ (સિડિશન) નથી, જ્યાં સુધી તેની સાથે ભારતની નિંદા કે દેશ વિરુદ્ધની ભાવનાઓ ઉશ્કેરવાનો ઈરાદો ન હોય. આ ચુકાદો સુલેમાન નામની એક વ્યક્તિએ દાખલ કરેલી ફરિયાદના કેસમાં 19 ઑગસ્ટ, 2025ના રોજ ન્યાયાધીશ રાકેશ કૈંથલા દ્વારા આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના AI ફોટો સાથે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ લખવા બદલ સુલેમાન સામે કેસ દાખલ થયો હતો, પછીથી તેણે જામીન માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
આ કેસ ઉત્તર પ્રદેશના સહારનપુરના નિવાસી સુલેમાન વિરુદ્ધ નોંધાયો હતો. સુલેમાન હિમાચલ પ્રદેશના પાંવટા સાહિબના બદ્રીપુર વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવે છે. 27 મે, 2025ના રોજ તેણે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક એઆઈ-જનરેટેડ ઈમેજ શેર કરી હતી, જેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ લખેલું હતું. આ ઘટના બાદ 8 જૂન, 2025ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 152 (રાજદ્રોહ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સુલેમાને હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી, જેમાં તેણે દાવો કર્યો કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને તે એક ગરીબ, અશિક્ષિત શાકભાજી વેચનાર છે, જેને સોશિયલ મીડિયા ચલાવવાનું જ્ઞાન નથી.
જોકે આ મામલે રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ લોકિન્દર કુટલહેરિયા અને ડેપ્યુટી એડવોકેટ્સ જનરલ પ્રશાંત સેન, અજીત શર્મા અને સુનીના ચન્હારીએ દલીલ કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોના સમયે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા લગાવવા એ દેશવિરોધી પ્રવૃત્તિ છે.
કોર્ટે શું કહ્યું?
ન્યાયમૂર્તિ રાકેશ કૈંથલાએ આ દલીલોનું વિશ્લેષણ કરતાં જણાવ્યું કે રાજદ્રોહનો ગુનો ત્યારે જ બને છે જ્યારે કોઈ વ્યક્તિ ભારત સરકાર વિરુદ્ધ નફરત, અસંતોષ કે અલગાવવાદી ભાવનાઓ ઉશ્કેરે. કોર્ટે કહ્યું કે, “માતૃભૂમિની નિંદા કર્યા વિના કોઈ દેશનું સન્માન કરવું એ રાજદ્રોહનો ગુનો નથી કારણ કે તે સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓને ઉશ્કેરતું નથી અથવા અલગતાવાદી પ્રવૃત્તિઓની લાગણીઓને પ્રોત્સાહન આપતું નથી. તેથી પ્રથમ દ્રષ્ટિએ અરજદાર પર ગુનો લાગુ કરવા માટે પૂરતી સામગ્રી નથી.”
આ સિવાય કોર્ટે નોંધ્યું હતું કે પોલીસે સુલેમાનનું ઇલેક્ટ્રિક ઉપકરણ લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યું છે અને ચાર્જશીટ પણ દાખલ કરી લીધી છે. કોર્ટે સુલેમાનને જામીન આપતાં કહ્યું હતું કે, “પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે અને એવું લાગતું નથી કે અરજદારની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. તેથી આરોપીને કસ્ટડીમાં રાખવાનો કોઈ અર્થ નથી.” ત્યારબાદ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે સુલેમાનના જામીન મંજૂર કર્યા હતા.


