દિલ્હી NCRમાં રખડતા શ્વાનોની સમસ્યાને લઈને સુપ્રીમ કોર્ટે 11 ઑગસ્ટે આપેલા આદેશમાં કેટલાક સુધારા કર્યા છે. રખડતા શ્વાનોના (Stray Dogs) ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર થતા હુમલાઓ અને તેનાથી ફેલાતા હડકવાના કેસોથી ચિંતિત સુપ્રીમ કોર્ટે (Supreme Court) 28 જુલાઈના રોજ સ્વયં સંજ્ઞાન લઈને (સુઓમોટો) કેસ શરૂ કર્યો હતો. ત્યારપછી 11 ઑગસ્ટના રોજ આ મામલે કોર્ટે એક આદેશ આપ્યો હતો, જેનો ભારે વિરોધ થયો હતો. પછીથી ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ આ કેસ ત્રણ ન્યાયાધીશોની બેન્ચને સોંપ્યો હતો. જેમણે 22 ઑગસ્ટના રોજ એક નવો આદેશ પસાર કરીને અગાઉના આદેશમાં કેટલાક મહત્વપૂર્ણ અને વ્યવહારિક ફેરફારો કર્યા છે.
ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ આ કેસ ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચને સોંપ્યો હતો. જેમણે આ મામલે સુનાવણી કરી હતી. આ બેન્ચે 11 ઑગસ્ટના આદેશમાં શેરી શ્વાન માટેના આશ્રયસ્થાન, વેક્સિનેશન સહિતની મહત્વની બાબતો અંગે ફેરફાર કર્યા હતા. કોર્ટે કહ્યું કે, શેરી શ્વાનોને પકડીને શેલ્ટર હૉમમાં મોકલવામાં આવશે, પરંતુ પછીથી ડી-વૉર્મિંગ અને વેક્સિનેશન વગેરે બાદ જો આક્રમક કે હડકવાની સમસ્યા ધરાવતા ન હોય તો તેમને ફરીથી જ્યાંથી પકડવામાં આવ્યા હતા એ વિસ્તારોમાં છોડી દેવામાં આવશે. ઉપરાંત કોર્ટે શ્વાનને જાહેરમાં ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલે હવે આઠ સપ્તાહ બાદ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
અહીં નવા આદેશની કેટલીક અગત્યની બાબતો પર નજર નાખીએ.
- 11 ઑગસ્ટના અગાઉના આદેશમાં શેલ્ટર્સમાંથી શ્વાનોને રસ્તાઓ પર છોડવાની મનાઈ હતી, પરંતુ નવા આદેશમાં આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. હવે, રખડતા શ્વાનોને ડી-વૉર્મિંગ, વેક્સિનેશન અને સ્ટરિલાઈઝેશન બાદ તેમના મૂળ વિસ્તારોમાં પાછા છોડી શકાશે.
- આક્રમક વર્તન દર્શાવતા અથવા રેબિઝથી સંક્રમિત શ્વાનોને જાહેર સ્થળોએ છોડવામાં નહીં આવે. તેમને શેલ્ટર્સમાં રાખવામાં આવશે અને જરૂરી સારવાર આપવામાં આવશે.
- જાહેર સ્થળોએ રખડતા શ્વાનોને ખોરાક આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનું કારણ છે કે આવી રીતે ખવડાવવું શ્વાનોની આક્રમકતા વધારે છે, જેનાથી હુમલાની ઘટનાઓ વધી છે.
- મ્યુનિસિપલ સત્તાધિકારીઓને દરેક મ્યુનિસિપલ વોર્ડમાં રખડતા શ્વાનો માટે નિયુક્ત ફીડિંગ ઝોન બનાવવાનો આદેશ આપવામાં આવ્યો. આ ઝોનમાં નોટિસ બોર્ડ લગાવવામાં આવશે, જેમાં સ્પષ્ટપણે જણાવાશે કે ફીડિંગ ફક્ત આ ઝોનમાં જ થઈ શકે છે.
- ડોગ લવર્સ અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓને શેલ્ટર્સમાંથી શ્વાનોને દત્તક લેવાની મંજૂરી આપવામાં આવી.
- આ મુદ્દાને રાષ્ટ્રવ્યાપી બનાવવા માટે કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવ્યા છે અને બધા રાજ્યોને સાંભળ્યા બાદ રાષ્ટ્રીય નીતિ બનાવવાની તૈયારી દર્શાવી છે.
- જાહેર સ્થળોએ ફીડિંગ કરનારાઓ સામે સંબંધિત કાનૂની નિયમો હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ.
- દરેક શ્વાનો પ્રેમી અને NGO જેમણે આ કોર્ટનો સંપર્ક કર્યો છે તેમણે સાત દિવસની અંદર આ કોર્ટની રજિસ્ટ્રીમાં અનુક્રમે ₹25,000 અને ₹2 લાખ જમા કરાવવા પડશે, નહીં તો તેમને આ કેસમાં આગળ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના 11 ઑગસ્ટના આદેશનો શ્વાનપ્રેમીઓએ વિરોધ શરૂ કરી દીધો હતો અને અમુક દલીલો પણ રજૂ કરવામાં આવી હતી. એવી દલીલ કરવામાં આવી હતી કે, આ આદેશ અવ્યવહારિક છે, કારણ કે દિલ્હી-એનસીઆરમાં લગભગ 8-10 લાખ રખડતા શ્વાનો માટે પૂરતાં શેલ્ટર્સ બનાવવાં અને તેમને જાળવવા માટે જરૂરી ભંડોળ, જમીન અને માનવબળનો અભાવ હતો. આઠ અઠવાડિયાંમાં આટલી મોટી સંખ્યામાં શેલ્ટર્સ બનાવવું શક્ય ન હતું.
અગાઉનો આદેશ એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ, 2023 અને પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960નું ઉલ્લંઘન કરતો હોવાની દલીલો પણ ઉઠી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, આ કાયદાઓ માસ સ્ટરિલાઈઝેશન અને રસીકરણ પર ભાર મૂકે છે, નહીં કે શ્વાનોની સંપૂર્ણ દૂર કરવા પર. આ સિવાય એક એવી દલીલ પણ કરવામાં આવી હતી કે આ આદેશ સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓથી વિરોધાભાસી હતો, જેમાં સ્ટરિલાઈઝેશન અને માનવીય વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટોએ એવી પણ દલીલ આપી હતી કે રખડતા શ્વાનોને શેલ્ટર્સમાં ખસેડવાથી તેમની સાથે ક્રૂરતા થઈ શકે છે, કારણ કે શેલ્ટર્સમાં પૂરતી સુવિધાઓ નથી. નિષ્ણાતોએ દલીલ કરી કે રેબિઝનું મૂળ કારણ શ્વાનો નથી, પરંતુ રસીકરણ અને જાગૃતિનો અભાવ છે. માસ સ્ટરિલાઈઝેશન, રસીકરણ અને અસરકારક કચરા વ્યવસ્થાપન એ વધુ ટકાઉ ઉકેલ છે.
શું હતો સમગ્ર મામલો
દિલ્હી-એનસીઆરમાં રખડતા શ્વાનોની સંખ્યા લગભગ 8 લાખથી 10 લાખની વચ્ચે હોવાનો અંદાજ છે. વર્ષ 2024માં 25,201 ડોગ બાઈટના કેસ નોંધાયા હતા, જ્યારે 2025ના જાન્યુઆરીમાં જ 3,000થી વધુ કેસ નોંધાયા હતા. આવા હુમલાઓથી ખાસ કરીને દૃષ્ટિહીન વ્યક્તિઓ, બાળકો, વૃદ્ધો અને રસ્તા પર રહેતા લોકો વધુ પ્રભાવિત થાય છે.
આ સ્થિતિએ નાગરિકોના સંવિધાનની કલમ 19(1)(d) (મુક્ત સંચાર) અને કલમ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું હોવાનું કોર્ટે નોંધ્યું હતું. 11 ઑગસ્ટ 2025ના રોજ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે રખડતા શ્વાનોના મુદ્દે એક વ્યાપક આદેશ જારી કર્યો હતો.
11 ઑગસ્ટનો આદેશ શું હતો?
- દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદની મ્યુનિસિપલ સત્તાધિકારીઓને તમામ રખડતા શ્વાનોને રસ્તાઓ અને જાહેર સ્થળોથી દૂર કરીને શેલ્ટર્સમાં ખસેડવા.
- આઠ સપ્તાહમાં ઓછામાં ઓછા 5,000 શ્વાનોની ક્ષમતા ધરાવતા શેલ્ટર્સ બનાવવાં. આ શેલ્ટર્સમાં સીસીટીવી, પૂરતો સ્ટાફ, ખોરાક અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.
- શેલ્ટર્સમાં લઈ જવામાં આવેલા શ્વાનોનું સ્ટરિલાઈઝેશન, રસીકરણ અને ડી-વૉર્મિંગ કરવું ફરજિયાત. શેલ્ટર્સમાંથી શ્વાનોને પાછા રસ્તાઓ પર છોડવાની સખત મનાઈ. (આ આદેશમાં હવે ફેરફાર થયો છે)
- ડોગ બાઈટની ફરિયાદો માટે એક અઠવાડિયામાં હેલ્પલાઈન શરૂ કરવી અને ફરિયાદના ચાર કલાકમાં દોષી શ્વાનોને પકડવા.
- જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા આ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે તો તેની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવાની ચેતવણી.
- દિલ્હી સરકારને રેબિઝની રસીની ઉપલબ્ધતા, સ્ટોક અને માસિક સારવારની વિગતો પ્રકાશિત કરવાનો આદેશ.
આ આદેશનો હેતુ જાહેર સલામતી અને રેબિઝના વધતા જતા કેસોને નિયંત્રણમાં લેવાનો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, “શું એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ્સઓ રેબીઝનો ભોગ બનેલા લોકોને પાછા લાવી શકશે?”
જોકે પછીથી આ મામલો ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમણે દલીલ કરી હતી કે રખડતા શ્વાનો પર સુપ્રીમ કોર્ટની વિવિધ બેન્ચ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહી એકબીજા સાથે ઓવરલેપ થઈ રહી છે, જેના કારણે વિરોધાભાસી નિર્દેશોની શક્યતા વધી રહી છે.
મુખ્ય ન્યાયાધીશે ખાતરી આપી હતી કે આ મુદ્દાની તપાસ કરવામાં આવશે અને ત્યારપછી આ મામલો ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ ન્યાયાધીશ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ મામલાની સુનાવણી કરીને 11 ઑગસ્ટના આદેશને પડકારતી અરજીઓ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. જે 22 ઑગસ્ટના રોજ સંભળાવવામાં આવ્યો.


