હોમપેજદેશમિશન સુદર્શન ચક્ર: મિસાઇલો, રડારો અને કમાન્ડ-કંટ્રોલ સેન્ટરોનું એ રાષ્ટ્રવ્યાપી નેટવર્ક, જે...

મિશન સુદર્શન ચક્ર: મિસાઇલો, રડારો અને કમાન્ડ-કંટ્રોલ સેન્ટરોનું એ રાષ્ટ્રવ્યાપી નેટવર્ક, જે દેશને પૂરું પાડશે અભેદ્ય સુરક્ષા કવચ

સુદર્શન ચક્ર સિસ્ટમ એ એક મલ્ટી-લેયર સ્ટ્રેટેજી હેઠળ કામ કરશે, જે રડારો, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરો, દેશ પર આવતી મિસાઈલોને શોધી કાઢીને, ટ્રેક કરીને હવામાં ધ્વસ્ત કરી શકે તેવી ઇન્ટરસેપ્ટર મિસાઇલો, આર્ટિલરી શેલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ઊભું કરશે.

- Advertisement -

સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ભારત સરકાર વતી દેશની સીમાઓને અભેદ્ય બનાવવા અને શત્રુના હુમલાઓને નિષ્ફળ કરવા માટે એક મહત્વાકાંક્ષી યોજના ‘મિશન સુદર્શન ચક્ર’ (Mission Sudarshan Chakra) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ મિશન હેઠળ ભારત 2035 સુધીમાં એક અદ્યતન શસ્ત્ર સિસ્ટમ વિકસાવશે, જે ખાસ કરીને પાકિસ્તાન જેવા અવળચંડા પાડોશીના સંભવિત હુમલાઓનો સામનો કરવા માટે એક સુરક્ષા કવચ પૂરું પાડશે. આ સિસ્ટમ ભારતની સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને દેશને વૈશ્વિક સ્તરે સૈન્ય શક્તિમાં વધુ મજબૂત બનાવશે.

ઘોષણા કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે હું ભગવાન કૃષ્ણ વિશે વિચારું છું, ત્યારે મને એ પણ લાગે છે કે આજે સમગ્ર વિશ્વમાં યુદ્ધનું સ્વરૂપ કેવી રીતે બદલાઈ રહ્યું છે. ભારતે દરેક નવા પ્રકારના યુદ્ધનો સામનો કરવાની ક્ષમતા દર્શાવી છે. ઑપરેશન સિંદૂર દરમિયાન જ્યારે પાકિસ્તાને આપણાં લશ્કરી સ્થાપનો, એરપોર્ટ, સંરક્ષણ મથકો, પૂજા સ્થાનો અને નાગરિકોને નિશાન બનાવ્યાં ત્યારે આપણે ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણી તાકાત દર્શાવી, તેમની મિસાઇલો અને ડ્રોનને અટકાવીને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં.”

PM મોદીએ આગળ કહ્યું કે, “ભારત રાષ્ટ્રની સુરક્ષા માટે ‘સુદર્શન ચક્ર’ સંરક્ષણ પ્રણાલીનું નિર્માણ કરશે. અમે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણા વ્યૂહાત્મક સ્થાપનો, આપણા શહેરો અને આપણા પવિત્ર સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરીશું. આ આપણને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રતિકૂળ પ્રયાસ સામે મજબૂત અવરોધ બનશે.”

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું, “આગામી દસ વર્ષોમાં, 2035 સુધી હું આપણા રાષ્ટ્રીય સુરક્ષા કવચને વિસ્તૃત, મજબૂત અને આધુનિક બનાવવા માગું છું. ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણા લઈને આપણે સુદર્શન ચક્રનો માર્ગ પસંદ કર્યો છે. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણએ સૂર્યને અવરોધવા માટે સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો હતો… રાષ્ટ્ર સુદર્શન ચક્ર મિશન શરૂ કરશે.”

વડાપ્રધાને એમ પણ કહ્યું કે સુદર્શન ચક્ર મિશનના પ્રારંભ માટે કેટલાંક મૂળભૂત પગલાંનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું, “આગામી દસ વર્ષોમાં અમારું લક્ષ્ય આ મિશનને સંપૂર્ણ જોશ સાથે આગળ વધારવાનું છે. સમગ્ર આધુનિક સિસ્ટમ તેનું સંશોધન, વિકાસ અને ઉત્પાદન, આપણા દેશમાં જ કરવામાં આવશે, જેમાં આપણા યુવાનોની પ્રતિભા અને આપણા લોકોની કુશળતાનો ઉપયોગ કરવામાં આવશે.”

આ મિશનનો ઉદ્દેશ એક એવી શસ્ત્ર સિસ્ટમ વિકસાવવાનો છે જે દુશ્મનના મિસાઇલ, ડ્રોન અને અન્ય હવાઈ હુમલાઓને રોકી શકે. જે હેઠળ દેશભરમાં રેલ્વે પ્લેટફોર્મ, હોસ્પિટલો અને ધાર્મિક સ્થળો સહિત મુખ્ય જાહેર સ્થળોને રાષ્ટ્રીય સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે.

મિશનની વિશેષતાઓ

  • આ સિસ્ટમને ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમની જેમ અસરકારક બનાવવાની યોજના છે, જે હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે.
  • આ સિસ્ટમમાં અદ્યતન રડાર, સેન્સર્સ અને ઝડપી પ્રતિક્રિયા આપતી મિસાઇલોનો સમાવેશ થશે.
  • આ પ્રોજેક્ટ 2035 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જેમાં આગામી દાયકામાં વિવિધ તબક્કામાં વિકાસ અને પરીક્ષણો થશે.
  • પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશો તરફથી થતા સંભવિત હુમલાઓને રોકવા, ખાસ કરીને મિસાઇલ અને ડ્રોન હુમલાઓને નિષ્ફળ કરવા.
  • આ સિસ્ટમનો વિકાસ ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન), ભારતીય સંશોધન સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રના સહયોગથી થશે.
  • આ સિસ્ટમ હવાઈ જમીની અને ડ્રોન-આધારિત હુમલાઓને રોકવા માટે બહુસ્તરીય સુરક્ષા પ્રદાન કરશે.
  • આ સિસ્ટમમાં AI, મશીન લર્નિંગ અને રીઅલ-ટાઇમ ડેટા એનાલિસિસનો ઉપયોગ કરવામાં આવશે, જેથી શત્રુની ગતિવિધિઓનું ઝડપથી વિશ્લેષણ અને પ્રતિક્રિયા આપી શકાય.

કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ?

આ સુદર્શન ચક્ર સિસ્ટમ એ એક મલ્ટી-લેયર સ્ટ્રેટેજી હેઠળ કામ કરશે, જે રડારો, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરો, દેશ પર આવતી મિસાઈલોને શોધી કાઢીને, ટ્રેક કરીને હવામાં ધ્વસ્ત કરી શકે તેવી ઇન્ટરસેપ્ટર મિસાઇલો, આર્ટિલરી શેલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ઊભું કરશે. આ સિસ્ટમ અત્યારની આકાશ, S-400 અને QR-SAM જેવી એર ડિફેન્સ સિસ્ટમ સાથે મળીને કામ કરશે અને દેશને એક સુરક્ષા કવચ પૂરું પાડશે. 

આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ તૈયાર થનાર આ સંપૂર્ણ પ્રોગ્રામમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને અનેક ખાનગી સેક્ટરની કંપનીઓ કામ કરશે અને પ્રારંભિક તબક્કાનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. 

આ સિસ્ટમની સરખામણી ઇઝરાયેલના આયરન ડોમ સાથે પણ થઈ રહી છે, પણ નોંધવું રહે કે ભારતીય સુદર્શન ચક્ર આયરન ડોમ કરતાં પણ આધુનિક અને કાર્યક્ષમ હશે. ડોમ હાલ માત્ર શોર્ટ રેન્જ રોકેટ અને મોર્ટાર હુમલાથી રક્ષણ આપે છે, પણ ભારતની આ સિસ્ટમ લોંગ રેન્જ બેલેસ્ટિક મિસાઇલો અને ક્રુઝ મિસાઇલોથી પણ દેશને રક્ષણ પૂરું પાડશે. 

2035 સુધીમાં આ સિસ્ટમને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવવાની ભારત સરકારની ગણતરી છે. 

તાજેતરમાં થયેલ પહલગામ હુમલા બાદ સ્પષ્ટ છે કે ભારત અનેક સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે. જોકે, ત્યારપછી થયેલ ઑપરેશન સિંદૂર એ બાબતની સાક્ષી પણ પૂરે છે કે ભારત દરેક પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. બીજી તરફ પાકિસ્તાન અને અન્ય પડોશી દેશોની સૈન્ય ક્ષમતાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, આધુનિક યુદ્ધમાં ડ્રોન અને સાયબર હુમલાઓ જેવા નવા જોખમો ઉભરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં સુદર્શન ચક્ર મિશન ભારતની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરશે.

આ મિશન ભારતના આત્મનિર્ભર ભારત અભિયાનનો એક મહત્વનો ભાગ છે, જેનો ઉદ્દેશ સ્વદેશી ટેકનોલોજી વિકસાવીને વિદેશી નિર્ભરતા ઘટાડવાનો છે. સુદર્શન ચક્ર મિશન ભારતની સંરક્ષણ નીતિમાં એક નવો અધ્યાય ઉમેરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ મિશન દેશની સીમાઓને અભેદ્ય બનાવવા અને આધુનિક યુદ્ધના પડકારોનો સામનો કરવા માટે મહત્વનું પગલું છે. 2035 સુધીમાં આ સિસ્ટમનો વિકાસ પૂર્ણ થવાથી ભારતની સૈન્ય શક્તિમાં નોંધપાત્ર વધારો થશે અને તે દેશની સુરક્ષાને નવી દિશા આપશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં