વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (15 ઑગસ્ટ) સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. ત્યારબાદ તેમણે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન પણ કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે, સ્વતંત્રતાનું આ મહાપર્વ 140 કરોડ સંકલ્પોનું પર્વ છે. આ સામૂહિક સિદ્ધિઓના ગૌરવનું પર્વ છે. દરેક હૃદય ઉમંગથી ભરપૂર છે. દેશ એકતાની ભાવનાને નિરંતર મજબૂતી આપી રહ્યો છે.
‘સેંકડો કિમી અંદર જઈને આતંકી ઇમારતો ખંડેર બનાવી’
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ ‘ઑપરેશન સિંદૂર’નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “આજે 15 ઑગસ્ટનું એક વિશેષ મહત્ત્વ હું પણ જોઈ રહ્યો છું. આજે મને લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઑપરેશન સિંદૂરના વીર જવાનોને સેલ્યુટ કરવાનો અવસર મળ્યો છે. આપણા વીર, જાંબાજ સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પનાથી પણ આગળની સજા આપી છે.”
Operation Sindoor is a powerful testament to the valour and precision of our forces. pic.twitter.com/zz77Vu08GW
— PMO India (@PMOIndia) August 15, 2025
પહલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું. “પહલગામમાં સીમાપારથી આતંકવાદીઓએ આવીને જે રીતે કત્લેઆમ કરી, ધર્મ પૂછીને લોકોને મારવામાં આવ્યા. પત્ની સામે પતિને ગોળીઓ, બાળકો સામે પિતાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. આખું ભારત આક્રોશિત હતું. ઑપરેશન સિંદૂર એ જ આક્રોશની અભિવ્યક્તિ છે.”
તેમણે કહ્યું કે, “22 એપ્રિલની બાદ અમે સેનાને ખુલ્લી છૂટ આપી દીધી. રણનીતિ અને લક્ષ્ય તેઓ નક્કી કરે. સમય પણ તેઓ નક્કી કરે અને પછી સેનાએ એ કરીને પણ બતાવ્યું, જે દાયકાઓથી થયું ન હતું. દુશ્મનની ધરતી પર સેંકડો કિલોમીટર અંદર ઘૂસીને આતંકી હેડક્વાર્ટર ધ્વસ્ત કરી દીધાં, આતંકી ઇમારતોને ખંડેર બનાવી દીધી.”
‘પાકિસ્તાનની ન્યુક્લિયર ધમકી હવે સહન નહીં કરીએ’
વડાપ્રધાને ઉમેર્યું, “પાકિસ્તાનમાં થયેલી તબાહી એટલી મોટી છે કે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દેશ અનેક દાયકાઓથી આતંકનો સામનો કરી રહ્યો છે. હવે આપણે આતંકને, આતંકને પોષનારાઓને અને તેમને શક્તિ આપનારાઓને અલગ-અલગ નહીં જોઈએ. તેઓ માનવતાના દુશ્મનો છે. તેમનામાં કોઈ ફેર નથી.”
પાકિસ્તાનની ન્યુક્લિયર ધમકીઓનો પણ વડાપ્રધાને ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “ભારત હવે ન્યુક્લિયર બ્લેકમેલ સહન નહીં કરે. ન્યુક્લિયરની ધમકી હવે આપણે નહીં માનીએ. આગળ પણ જો દુશ્મનોએ આ કોશિશો ચાલુ રાખી તો આપણી સેના નક્કી કરશે, સેનાની શરતો પર, સેના દ્વારા નિર્ધારિત સમય પર, સેના દ્વારા નક્કી કરવામાં આવેલાં લક્ષ્યોને અમલમાં લાવીશું. જડબાતોડ જવાબ આપવામાં આવશે.”
લોહી-પાણી સાથે નહીં વહે, આપણી નદીનું પાણી દુશ્મનનાં ખેતર સીંચે એ મંજૂર નથી
સિંધુ જળ સમજૂતી વિશે પીએમ મોદીએ કહ્યું, “ભારતે નક્કી કરી લીધું કે લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે. હવે દેશવાસીઓ બહુ સારી રીતે જાણી ગયા છે કે સિંધુની સમજૂતી કેટલી અન્યાયપૂર્ણ છે, કેટલી એકપક્ષીય છે. ભારતથી નીકળતી નદીઓનું પાણી દુશ્મનોનાં ખેતરો સીંચી રહ્યું છે અને મારા દેશના ખેડૂતો, મારા દેશની ધરતી પાણી વગર તરસ્યાં છે. આ એક એવી સમજૂતી હતી, જેનાથી છેલ્લા 7 દાયકામાં મારા દેશના ખેડૂતોનું અકલ્પનીય નુકસાન થયું.”
The water that rightfully belongs to India is meant only for India and for the farmers of India. pic.twitter.com/HJoHGzmgwD
— PMO India (@PMOIndia) August 15, 2025
તેમણે ઉમેર્યું, “ભારતના હકનું જે પાણી છે, તેની ઉપર માત્ર ભારતના ખેડૂતો અને ભારતનો જ અધિકાર છે. ભારત ક્યારેય સિંધુ સમજૂતીના એક સ્વરૂપને આગળ નહીં વધારે. ખેડૂત હિતમાં, રાષ્ટ્રહિતમાં આ સમજૂતી આપણને મંજૂર નથી.”


