હોમપેજરાજકારણ‘રાહુલ ગાંધીના જીવને જોખમ છે’ના દાવા સાથે રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં દાખલ કરી...

‘રાહુલ ગાંધીના જીવને જોખમ છે’ના દાવા સાથે રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં દાખલ કરી અરજી, પણ રાહુલ ગાંધીને ન હતી જાણ: આવું કહેવું છે કોંગ્રેસનું!

13 ઑગસ્ટના રોજ રાહુલના વકીલ મિલિંદ દત્તાત્રેય પવારે પુણે કોર્ટમાં એક અરજી દાખલ કરી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે રાહુલના જીવને જોખમ છે. અરજીમાં કહેવાયું કે સાવરકરના વંશજ સત્યકી સાવરકર અને તેમના નાથુરામ ગોડસે તથા ગોપાલ ગોડસે સાથેના કથિત સંબંધોને કારણે રાહુલની સુરક્ષા જોખમમાં છે.

- Advertisement -

તાજેતરમાં ‘વોટ ચોરી’ની બૂમો અને SIRનો વિરોધ કરીને હેડલાઇનોમાં રહેવા મથ્યા કરતા યુવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હવે એક નવું ગતકડું શોધી કાઢ્યું છે. આ વખતે ‘જીવ જોખમમાં’વાળું ફરીથી તરતું મૂકવામાં આવ્યું છે. આડેધડ બફાટ કરવાની કુટેવના કારણે રાહુલ સામે દેશની અનેક કોર્ટમાં માનહાનિના કેસ ચાલે છે. એવો જ એક કેસ પુણેમાં વિનાયક સાવરકર વિશેની ટિપ્પણીઓ મામલે ચાલી રહ્યો છે. આ કેસની સુનાવણી કરતી કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલે એક અરજી કરીને એવો દાવો કર્યો કે આ કેસના કારણે તેમના અસીલનો જીવ જોખમમાં છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જોકે પછીથી આમાં એક નાટકીય વળાંક આવ્યો અને કોંગ્રેસે યુ-ટર્ન લઈને કહી દીધું કે આ અરજી રાહુલની સંમતિ વિના દાખલ થઈ હતી.

સમગ્ર મામલાની શરૂઆત માર્ચ 2023માં થઈ, જ્યારે રાહુલ ગાંધી લંડનમાં એક ભાષણ આપી રહ્યા હતા. તેમણે વીર સાવરકર વિશે એવું નિવેદન આપ્યું કે સાવરકરે પોતાની પુસ્તકમાં લખ્યું હતું કે તેમણે અને તેમના પાંચ-છ મિત્રોએ એક મુસ્લિમ વ્યક્તિની પિટાઈ કરી હતી અને તેમને આનંદ થયો હતો. આ નિવેદનથી સાવરકરના વંશજ સત્યકી સાવરકરે પુણેની વિશેષ MP-MLA કોર્ટમાં રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો. સત્યકીએ ફરિયાદ કરી હતી કે રાહુલે સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

દ્રશ્ય-1

આ દરમિયાન જ 13 ઑગસ્ટના રોજ રાહુલના વકીલ મિલિંદ દત્તાત્રેય પવારે પુણે કોર્ટમાં એક અરજી દાખલ કરી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે રાહુલના જીવને જોખમ છે. અરજીમાં કહેવાયું કે સાવરકરના વંશજ સત્યકી સાવરકર અને તેમના નાથુરામ ગોડસે તથા ગોપાલ ગોડસે સાથેના કથિત સંબંધોને કારણે રાહુલની સુરક્ષા જોખમમાં છે.

- Advertisement -

એટલું જ નહીં, અરજીમાં એવું પણ દર્શાવાયું કે સાવરકરની વિચારધારા અને તેના અનુયાયીઓની ‘હિંસક પ્રવૃત્તિઓ’નો ઈતિહાસ રાહુલ માટે ખતરનાક બની શકે છે. આ ઉપરાંત ભાજપ નેતા રવિનીત સિંઘ બિટ્ટુના રાહુલ ગાંધીને દેશના નંબર 1 આતંકી ગણાવતાં નિવેદનનો અને તરવિંદર સિંઘ મારવાહનું ‘ઈન્દિરા ગાંધી જેવું અંજામ’વાળા નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અરજી દાખલ થતાં જ મીડિયાએ પણ બૂમાબૂમ શરૂ કરી દીધી કે રાહુલ ગાંધીના જીવને જોખમ છે.

દ્રશ્ય-2

જોકે, થોડા જ કલાકોમાં આ નાટકનો બીજો ભાગ શરૂ થયો. જેમાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ અરજી રાહુલની સંમતિ વગર દાખલ કરવામાં આવી હતી. તેમણે લખ્યું કે, “રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં લેખિત નિવેદન દાખલ કરીને તેમની સાથે વાત કર્યા વિના કે તેમની સંમતિ લીધા વિના તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધી આ વાત સાથે સખત અસંમત છે. એટલા માટે કાલે (14 ઓગસ્ટ) તેમના વકીલ કોર્ટમાંથી આ લેખિત નિવેદન પાછું ખેંચી લેશે.”

એક બાજુ જીવનું જોખમ બતાવીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો જોકે, પાસું ઉલટું પડતું દેખાયું તો બુલેટ ટ્રેન કરતા પણ ઝડપી સ્પીડે યુ-ટર્ન લઈ લીધો. એક જ દિવસમાં ‘જીવનું જોખમ’ અને ‘મને ખબર નહોતી’ના બણગાં ફૂંકાયા. આટલી ઝડપથી તો કોઈ બોલીવુડ ફિલ્મની સ્ક્રીપ્ટ નથી બદલાતી જેટલી ઝડપથી કોંગ્રેસના નેતાઓના નિવેદનો બદલાય છે!

એમાં પણ આ વખતે તો જેટલા કલાકોમાં યુ-ટર્ન લેવાયો કદાચ એના કરતા વધારે કલાકો તો ઓડિયન્સને ‘સૈયારા’ના ટ્રોમામાંથી નીકળવા માટે લાગ્યા હતા! જોકે, આ નાટક આટલેથી અટકતું નથી સુપ્રિયાનો સાથ આપવા કોંગ્રેસના બીજા નેતાઓ પણ ‘અમને ખબર નહોતી’ની બૂમો પાડવા લાગ્યા. (પેલું કહેવાય છે ને કે ‘જૂઠને સત્ય સાબિત કરવું હોય તો વારંવાર બોલો અને જોર જોરથી બોલો’ એનું સચોટ ઉદાહરણ કોંગ્રેસ નેતાઓએ તાદ્રશ કરી બતાવ્યું.)

આ પહેલાં પણ આપ્યાં છે સાવરકર વિરોધી નિવેદનો

મહત્વની બાબત એ છે કે આ પહેલાં પણ રાહુલ ગાંધીએ સાવરકર અંગે આવા નિવેદનો કર્યાં હતાં. 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે સાવરકરે અંગ્રેજોને ચિઠ્ઠી લખીને માફી માંગી હતી અને પોતાને તેમના નોકર ગણાવ્યા હતા. આ નિવેદનથી પણ ખૂબ વિવાદ થયો હતો. આ મામલે લખનૌના એક વકીલે રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ રાહુલને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે ‘અનાપ-શનાપ’ નિવેદનો ન કરવાની ચેતવણી આપી હતી.

સુપ્રીમ કોર્ટે લગાવી છે ફટકાર

જોકે, રાહુલ માટે આ નવું નથી, સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે એલફેલ બોલવું, ભારતીય સેનાનું અપમાન કરવું, સેનાએ દુશ્મન દેશો પર કરેલી કાર્યવાહીના પુરાવા માંગવા આ બધું રોજનું થઈ ગયું છે. આ મામલે તો સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહેલું છે કે ‘જો તમે સાચા ભારતીય હોત તો સેના વિશે ગમે-તેવા નિવેદનો ન આપત’, પણ એનાથી જો કોઈ ફરક પડે તો રાહુલ ગાંધી શેના?

રાહુલ ગાંધી અને કોંગ્રેસની આ રણનીતિ – વિવાદાસ્પદ નિવેદનો કરો, હેડલાઈનમાં આવો અને પછી ગણતરીના કલાકોમાં યુ-ટર્ન લઈ લો – હવે થોડી જૂની થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ આ નાટકની ભારે ટીકા થઈ છે. ગુજરાતી તરીકે કહીએ તો રાજકારણ ગરબા જેવું છે, જેમ ગીત બદલાય, તાલ બદલાય, લય બદલાય એમ રમવાની સ્ટાઈલ બદલાય, શરૂઆતમાં સાદા ગરબા ગવાય, પછી હીંચ આવે, ટીમલી આવે…આખી રાત જો એક સરખું જ વાગ્યા કરે તો ગરબાનો રસ બગડી જાય!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં