હોમપેજઇન્ડોલોજીઅંગ્રેજોના દમન સામે ઝૂક્યા ન હતા ઉમાકાંત કડિયા, સામી છાતીએ ગોળી ઝીલીને...

અંગ્રેજોના દમન સામે ઝૂક્યા ન હતા ઉમાકાંત કડિયા, સામી છાતીએ ગોળી ઝીલીને આપી દીધો જીવ: અમદાવાદના એક સંઘી હતા હિન્દ છોડો ચળવળના પ્રથમ બલિદાની

ખાડિયા વિસ્તારમાં જ્યાં આ ઘટના બની ત્યાં વર્ષો પછી એક સ્મારક બન્યું. સ્મારક પર લખ્યું છે કે, આ સ્થળે ઉમાકાંત મોતીરામ કડિયા વીરગતિ પામ્યા હતા. તેઓ આંદોલનના પ્રથમ વીરગત બન્યા. 

- Advertisement -

15 ઑગસ્ટે 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે. દેશ આ દિવસ જોઈ શકે તેના માટે અનેક ચળવળો થઈ, તેમાં અનેક હુતાત્માઓએ બલિદાનો આપ્યાં. અમુક નામો ઇતિહાસમાં અંકિત થયાં, ઘણાં રહી ગયાં. આવી જ એક ચળવળ હતી હિન્દ છોડો ચળવળ (Quit India Movement). 1942માં મોહનદાસ ગાંધીના આહવાનથી આ ચળવળ શરૂ થઈ અને તેણે ભારતના સ્વતંત્રતા આંદોલન પર અસર પણ છોડી. અંગ્રેજોએ આ ચળવળને પણ દબાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા અને આ આંદોલનમાં પણ નિર્દોષ ભારતીયોએ જીવનું બલિદાન આપવું પડ્યું હતું. આ ચળવળના પ્રથમ વીરગત અમદાવાદના ઉમાકાંત કડિયા (Umakant Kadia) હતા. પોતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા. 

1942માં એક તરફ બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને બીજી તરફ ભારતમાં મોહનદાસ ગાંધીએ 8 ઑગસ્ટ, 1942ના દિવસે બૉમ્બેમાં આયોજિત કોંગ્રેસના અધિવેશનમાં અંગ્રેજો વિરુદ્ધ ‘ભારત છોડો આંદોલન’ આરંભ્યું. આંદોલન શરૂ થતાંની સાથે કોંગ્રેસે અંગ્રેજ સરકાર સામે પ્રદર્શનો શરૂ કર્યાં. બીજી તરફ આદત અનુસાર, સરકારે કોંગ્રેસના તમામ ટોચના નેતાઓને જેલમાં ધકેલી દીધા. બીજી તરફ, ચળવળને દબાવવા માટે બળપ્રયોગનો સહારો લેવાનો પણ શરૂ કરવામાં આવ્યો. 

8 ઑગસ્ટ મોહનદાસ ગાંધીએ બૉમ્બે ‘હિન્દ છોડો’નું એલાન કર્યા બાદ તેની અસર દેશભરમાં દેખાવા માંડી. અમદાવાદ પણ તેમાંથી બાકાત ન હતું. બીજા દિવસે 9મી ઑગસ્ટની વહેલી સવારથી જ અંગ્રેજ સરકારે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓને કેદ કરવાના શરૂ કરી દીધા. પણ પ્રદર્શનો ચાલુ રહ્યાં. ઠેકઠેકાણે સરઘસો નીકળ્યાં, વિરોધ શરૂ થયો. આ વિરોધને દબાવવા માટે સરકારના આદેશથી પોલીસે બળપ્રયોગ શરૂ કર્યો અને ત્યારબાદ ગોળીબારનો સહારો લેવાયો. 

- Advertisement -

દરિયાપુર રહેતા 21 વર્ષીય યુવાન ઉમાકાંત કડિયા પોતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાના મુખ્ય શિક્ષક હતા. તેમને યાદ કરતાં જે-તે સમયે તેમની શાખામાં કામ કરી ચૂકેલા જે-તે સમયના સ્વયંસેવકો જણાવે છે કે, ઉમાકાંત ચુસ્તપણે સંઘની વિચારધારાને વરેલા હતા, પોતે નિષ્ઠાથી સંઘનું, શાખાનું કામ કરતા હતા. 

9 ઑગસ્ટના રોજ જ્યારે પ્રદર્શનો શરૂ થયાં ત્યારે ઉમાકાંત ભીડમાં સૌથી આગળ હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે ગોળીબાર શરૂ કરી દીધો. ભીડમાંથી કોઈએ અવાજ કરીને કહ્યું કે, ‘આગળ કેમ જાઓ છો?’ પણ ઉમાકાંત ટોળાની આગળ જઈને ઊભા રહી ગયા. પોલીસે ગોળી છોડી અને સીધી તેમના કપાળમાં જઈને વાગી. ઉમાકાંતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. 

ખાડિયા વિસ્તારમાં જ્યાં આ ઘટના બની ત્યાં વર્ષો પછી એક સ્મારક બન્યું. સ્મારક પર લખ્યું છે કે, આ સ્થળે ઉમાકાંત મોતીરામ કડિયા વીરગતિ પામ્યા હતા. તેઓ આંદોલનના પ્રથમ વીરગત બન્યા. 

ત્યારબાદ પણ અંગ્રેજ સરકારનું દમન ચાલુ જ રહ્યું. બીજા દિવસે લૉ કોલેજના વિદ્યાર્થીઓએ એક રેલીનું આયોજન કર્યું હતું. રેલી ગુજરાત કૉલેજ પહોંચી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયા. પોલીસે રેલી વિખેરવા માટે લાઠીચાર્જ શરૂ કરી દીધો. અહીં ભારતીય ધ્વજ ફરકાવવા જતાં બ્રિટિશ અફસરે અન્ય એક યુવાનને ગોળી મારી, એ વિનોદ કિનારીવાલા. તેમણે પણ આ જ આંદોલનમાં બલિદાન આપ્યું હતું. 9 ઑગસ્ટના રોજ ઉમાકાંત કડિયા અને 10 ઑગસ્ટે વિનોદ કિનારીવાલા એમ બહુ ટૂંકાગાળામાં બે યુવાનો ચળવળમાં વીરગતિ પામ્યા હતા. ઉમાકાંત એ રીતે ‘પ્રથમ બલિદાની’ કહેવાય.

ઉમાકાંત કડિયાનું બલિદાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ ચાલતા કોંગ્રેસી, વામપંથી પ્રોપગેન્ડાને એક ઝાટકે ધ્વસ્ત કરી નાખે છે. RSSએ ભારતની સ્વતંત્રતામાં કોઈ યોગદાન ન આપ્યું હોવાની પાયાવિહોણી વાતોથી વિપરીત હકીકત એ છે કે આવા કેટલાય સ્વયંસેવકોએ ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ભૂમિકા ભજવી હતી અને ઉમાકાંત જેવા કેટલાય સંઘીઓએ સર્વોચ્ચ બલિદાનો પણ આપ્યાં હતાં, પણ પછીથી લખાયેલા ઇતિહાસમાં તેમને ભૂલાવી દેવામાં આવ્યા.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં