હોમપેજદેશભગવાન શ્રીકૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી બદલ દાખલ થયો હતો કેસ, તમિલનાડુ પોલીસે...

ભગવાન શ્રીકૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી બદલ દાખલ થયો હતો કેસ, તમિલનાડુ પોલીસે બંધ કરી દીધો…હાઇકોર્ટે ફટકાર લગાવીને ફરી તપાસ કરવા કહ્યું

કોર્ટે કહ્યું, "ધાર્મિક વ્યક્તિઓનાં ચિત્રણને યોગ્ય સંવેદનશીલતાથી જોવું જોઈએ અને સરકારે પણ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એવો નથી કે તમે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડો."

- Advertisement -

મદ્રાસ હાઇકોર્ટે (Madras High Court) તાજેતરમાં એક કેસની સુનાવણી કરતી વખતે તમિલનાડુ પોલીસને (Tamil Nadu Police) ફટકાર લગાવી. આ મામલો એક ફેસબુક પોસ્ટ સાથે સંબંધિત છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોપીઓનાં વસ્ત્ર ચોરવાવાળા ચિત્ર પર તેમનું અપમાન કરતી અશ્લીલ કમેન્ટ કરવામાં આવી હતી. આ મામલે જ્યારે FIR નોંધાવવામાં આવી તો તમિલનાડુ પોલીસે આ કેસને મનસ્વી રીતે બંધ કરી દીધો હતો. પછીથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો તો કોર્ટે કડક વલણ દાખવ્યું અને ફટકાર લગાવીને કેસ ફરી ખોલવાના આદેશ આપ્યા.

આ મામલે ન્યાયાધીશ મુરલી શંકરે સુનાવણી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધાર્મિક વ્યક્તિઓનાં ચિત્રણને યોગ્ય સંવેદનશીલતાથી જોવું જોઈએ અને સરકારે પણ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એવો નથી કે તમે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડો.

શું હતો સમગ્ર મામલો?

આ કેસમાં અરજદાર પરમેસિવન નામના નાગરિકે સતીશકુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ એક ફેસબુક પોસ્ટના આધારે હતી જેમાં સતીશે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓના વસ્ત્ર ચોરતા હોય એવી તસ્વીરવાળી પોસ્ટ પર કમેન્ટ કરી હતી કે કૃષ્ણ જયંતિ એ એક એવા માણસની ઉજવણી છે જે સ્નાન કરતી સ્ત્રીઓના કપડાં ચોરી કરે છે.  

- Advertisement -

પરમેસિવને કહ્યું હતું કે, આ પોસ્ટ હિંદુ ધર્મ અને દેવતાઓનું, હિંદુ મહિલાઓનું અપમાન કરતી હતી અને સમાજમાં ધાર્મિક વૈમનસ્યની સર્જી શકે તેવી હતી. આ મામલે તમિલનાડુ પોલીસે IPC 298, 504, 505(2)અને IT Act 67 હેઠળ 26 ઑગસ્ટ, 2022ના રોજ FIR તો નોંધી, પરંતુ પછીથી ટ્રાયલ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો હતો. પોલીસે કારણ એ આપ્યું હતું કે તેમણે યુઝરની વિગતો માટે મેટાનો સંપર્ક કર્યો હતો, પરંતુ માહિતી મળી ન શકી. મેટાએ વાસ્તવમાં એક મેઇલ મોકલ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે માહિતી માટે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ ટ્રીટી રિક્વેસ્ટ કે લેટર વગર તેઓ માહિતી આપી શકે નહીં.

માર્ચ 2025માં કોર્ટે પોલીસનો આ રિપોર્ટ સ્વીકારી લઈને કેસ બંધ કરવા માટે મંજૂરી આપી હતી. જેના કારણે ફરિયાદીએ પછીથી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઇકોર્ટે આ મામલે પછીથી સુનાવણી હાથ ધરી અને પોલીસની ઝાટકણી કાઢીને ફરી તપાસ શરૂ કરવા માટે અને ત્રણ મહિનામાં અંતિમ રિપોર્ટ દાખલ કરવા માટે આદેશ આપ્યો હતો.

ફરિયાદીએ આ મામલે ક્રિમિનલ રિવિઝન ફાઈલ કરી હતી. જે મામલે 4 ઓગસ્ટે મદ્રાસ હાઇકોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે ફોજદારી કેસ ચલાવવામાં રુચિ ન દાખવવા બદલ પોલીસની ઝાટકણી કાઢી અને આખરે તેમને તપાસ ફરી શરૂ કરવા અને ત્રણ મહિનામાં અંતિમ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડો’

કોર્ટે કહ્યું હતું કે, “હિંદુ દેવતાઓનું અપમાનજનક રીતે ચિત્રણ, ઇરાદાપૂર્વક લાખો લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવી, તેને વાજબી ઠેરવી શકાય નહીં. આવાં કૃત્યો દુશ્મનાવટ, ધાર્મિક રોષ, સામાજિક અશાંતિ સર્જીને સાંપ્રદાયિક સુમેળને અસર કરી શકે છે. ધાર્મિક પ્રતીકો અને દેવતાઓ પ્રત્યે ઊંડો આદર જોતાં, અનાદર સામાજિક અશાંતિનું કારણ બની શકે છે અને સમાજના મોટા વર્ગને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, આવાં ચિત્રોને સંવેદનશીલતાથી જોવું જોઈએ. સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂર મળે, પણ ધાર્મિક લાગણીઓ પણ ન દુભાય.”

કોર્ટે કહ્યું કે, “આરોપોની ગંભીરતા હોવા છતાં પોલીસે કેસને બેદરકારીપૂર્વક સંભાળ્યો, તપાસ અટકાવી દીધી અને તેને ‘અજ્ઞાત’ ગણાવીને બંધ કરી દીધો. આ સંજોગોને ધ્યાનમાં રાખીને કોર્ટ પોલીસને નિર્ધારિત સમયગાળામાં તપાસ ચાલુ રાખવા અને પૂર્ણ કરવા માટે નિર્દેશ આપવાનું જરૂરી માને છે.”

હાઇકોર્ટે વધુમાં કહ્યું કે પોલીસે તેમની તપાસ ફક્ત ફેસબુક અધિકારીઓ પાસેથી માહિતી મેળવવા સુધી મર્યાદિત રાખી અને આગળ કોઈ તપાસ કરી નહીં. કોર્ટે નિર્દેશ કર્યો કે સંબંધિત ફેસબુક પેજ પર વ્યક્તિગત વિગતો પહેલેથી જ હાજર હતી, જેને ફેસબુક યુઝરને શોધવા માટે ચકાસી શકાય તેમ છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તપાસ યોગ્ય રીતે હાથ ધરવામાં નહોતી આવી અને અંતિમ રિપોર્ટ ઉતાવળે દાખલ કરી દેવામાં આવ્યો હતો.

ભગવાન કૃષ્ણ દ્વારા ગોપીઓનાં વસ્ત્રો છુપાવવાની દંતકથાને વિશે કોર્ટે કહ્યું કે, “આ વાર્તા આધ્યાત્મિક અભ્યાસ અને અનાસક્તિના મહત્વને ઉજાગર કરે છે.” ન્યાયાધીશે વધુમાં કહ્યું વિવાદિત ફેસબુક પોસ્ટ સ્પષ્ટપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાની માન્ય મર્યાદાઓ ઓળંગી ગઈ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં